૮ – આનંદ-વિષાદના ઝોલે

હમણાં હમણાં ક્યાંક સોરવતું નથી. ઉખડેલા ઉખડેલા રહેવાય છે. કારણ કંઈ નથી. એમ કહી શકાય કે કારણ કોઈ હોય તો મને પણ તેની ખબર નથી. હશે ક્યાંક સાતમા ગુપ્ત પાતાળમાં પડ્યું હશે. કદાચ મદારીના દેરાણી-જેઠાણીના ડાબલાની જેમ મનની એક પછી એક ડાબલી ખોલતા જાવ અને અંદરથી કાંઈ ન નીકળે તેવું ય બને. આવું થાય ત્યારે આકાશમાંથી આકાશ ઓછું થઈ જાય છે. બસ ખિન્ન અવસાદ લઈ કોરી આંખોથી મૂંગા મૂંગા બેઠા રહેવાનું મન થાય છે. આકાશમાં બપોરે ઊંચે ઊંચે સમડી મૌન તર્યા કરતી હોય તેવી લાગણી થાય છે. આજુબાજુ વાતચીત શોરબકોર કોલાહલ ટ્રાફિક જાણે કંઈ કરતાં કંઈ અડતું જ નથી. ના આ અજંપો, બેચેની, વિહવળતા નથી – કદાચ નિર્વેદ છે. તેને વિષાદ કહી શકાય ? વિષાદ શબ્દને તો ચૈતસિક આધ્યાત્મિક પરિણામો છે. તો આ પરિસ્થિતિને શું કહેવું ? જયારે સમગ્ર જગતમાંથી અર્થો સૂકી રેતીમાં ટીપું શોષાઈ જાય તેમ શોષાઈ જાય છે. બધી દિશાઓએ તેના બારીબારણાં ખોલી અનેક સ્થળકાળના પવનોને આમંત્રતું મન બ્લેક હોલ જેવી ઘનતા ધારણ કરી પોતાને સમેટતું બેઠું છે.

આવી ભાવ સ્થિતિને આપણે Mood કહીશું ? સુખદુઃખના કાળાંધોળાં ચોકઠાંનો તો સવાલ જ નથી, સુખદુઃખ તો સાપેક્ષ, ગાણિતિક અને quantitative જયારે આ તો સ્વભાવથી જ qualitative બધું હોય ને છતાં કંઈક ખૂટતું હોય અથવા તો કાંઈ ન હોય ને બધું જ અભરે ભર્યું હોય. સુંદરમના પેલાં મુક્તકમાં બજવૈયા યુગલ જેવું સહજ આનંદ સભર –

“રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી જરા
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માગી લિયો ચાહ્ય સો’
બંને આપણ થંભિયાં પણ ન કૈ સુઝ્યું જ શું માંગવું,
ને પાછા હસી આપણે મન ભરી ગાયા બજાવ્યા કર્યું.”

એ આંનંદ ક્યાંથી કેવી રીતે મળશે કહી શકાય નહીં. બસ એમ જ આનંદ મળી જાય. કહે છે કે આનંદનો કોઈ વિરોધી ભાવ નથી. આનંદ એટલે આનંદ. આ આવિર્ભૂત સત્ જગત ઉપર ચિત્ત અને તે ઉપર આનંદ એવો સત્-ચિત્ત આનંદનો અર્થ હશે ? આપણું શરીર જે સૂક્ષ્મ કોષોનું બનેલું છે તેમાં પણ તે અન્નમય પ્રાણમય, મનોમય કોષથી ઉપર આનંદમય કોષની વાત કરેલી છે. ત્યાં જ હરફન મસ્ત મૌલા ફક્કડ ફકીર કબીર હાથમાં લાઠી લઈને ઊભા છે કહે છે –

“કબીર ખડા બાઝાર મેં લિયે લુકાઠી હાથ
જો ઘર બારે આપના સો ચલે હમારે સાથ”
આ તો ઘર બાળીને તીરથ કરી શકે અથવા તો જેની મિથિલા બળતી હોય ને છતાં આરામથી કહી શકે કે આમાં મારું કાંઈ બળતું નથી તેવી વિદેહી અવસ્થામાં રહેતાં જનક આમ આનંદમાં રહેતાં હશે ? ઉપનિષદ્દમાં કહે છે કે જગતની ઉત્પતિ આનંદમાંથી થઈ છે તેવું કહ્યું છે. અને તે સિવાય બીજો હેતુ પણ શો હોય ? એટલે જ સર્જન અને સંભોગ સાથે પ્રકૃતિએ આનંદ જોડ્યો. નહીં તો એની કડાકૂટમાં પડત કોણ ? આપણા મરણ સમયે પીડા થાય ખરી પણ જન્મ તો આપણો આનંદમાંથી જ. કહેનારા તો ત્યાં સુધી કહે છે કે મનને આનંદમાં ન રાખવું એનો અર્થ જ સૂક્ષ્મ હિંસા આચરવી. પ્રાકૃતિક સ્વ-ભાવ જ આનંદનો. એ આનંદનગરીના આનંદાસન પર આરૂઢ હતા આપણે આપણા શૈશવમાં. બધે આનંદ જ આનંદ. માટે તો નરસિંહ મહેતાને કહેવું પડ્યું –

“સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝૂલે”

ત્યારે શિશુને આનંદ થતો નથી હોતો, તેની તો રમણા જ આનંદલોકમાં.

હા, તો વાત હતી, મૂડની. શરદની દોડતી વાદળીના તડકાછાંયાની આવન જાવન ચાલ્યા કરે. આવું થાય ત્યારે મનને મનમો દઈ હું મનાવતો નથી. તેને એમને એમ જ રહેવા દઉં છું. અને મન સદાય આનંદમાં જ રહે તેવી ઇચ્છા એ સ્વાર્થ નહીં તો બીજું શું ? ‘मन: एव मनुष्याणां कारणं बंधमोक्षयो: !’ મનનું જ કારણ હોય તો બધું સ્વીકારવું પડે ને ! મનોવિજ્ઞાનીઓ ભલે તેને ડિપ્રેશન, મેલેન્કોલિયાની પરિભાષામાં વિચારે, મને ઘણીવાર લાગે છે કે આ અકથ્ય ઘુંટાતી લાગણી જેણે નિર્વેદ કહો, દુઃખ કહો, વિષાદ કહો, અવસાદ કહો ગમે તે કહો, તે જ તમારા પાત્રને ઊંડું બનાવે છે કે જેથી તેમાં વધુ આનંદ સમાઈ શકે. ચિત્તની આવી સ્થિતિમાં એક તરફ તમને જગત આખું એબ્સર્ડ, અહેતુક લાગે તો બીજી તરફ આ સ્થિતિએ તમને એવી કરુણા સમતાભરી દ્રષ્ટિ આવીને વરે છે કે તમે જગતને માફ કરી દો છો – તેની વ્યર્થતા વિસંગતતાને પણ. આવી સ્થિતિમાં મારી અને જગત વચ્ચે એક સાથે બે સ્થિતિઓ થાય છે. બંને ભાવસ્થિતિઓ સામેનાં છેડાની પણ બંને સાથે એક સાથે જ હું અનુભવું છું. એક તરફ એવું લાગે છે કે આ જગત – તેના લોકો, ઝાડ, પાન, આકાશ, પૃથ્વી, સંબંધો બધાંથી હું અલગ એકાકી છું, પણ, વિચ્છિન્ન નથી. બીજી તરફ એવું લાગે છે કે મારી જાતને જ વિસ્તારીને એટલી બૃહદ્દ બનાવી દીધી છે કે આખા જગતના સામા પલ્લે તે ઊભી છે. મારા અને જગત વચ્ચે જાણે કે એક સુખદ ઉદાસ અવકાશ રચાયો છે. એક સમુદાર પ્રેમ નીતરતી આંખથી જોઈ રહું છું. મારા વ્યક્તિત્વનાં જ ક્ષુદ્ર ક્ષુલ્લુક પાસાંઓનો મને છોછ નથી તેને મેં માફ કરી દીધા છે. આ જગત જો અર્થહીન, વિરૂપ વિચિત્ર નિષ્ઠુર હોય તો તેને પણ મેં માફ કરી દીધું છે. આવી ભાવસ્થિતિમાં સાંજના ઉદાસ આકાશના વિશાળ પટ પર બેચાર ગંભીર ચહેરાઓ તરવરે છે, લિયોનાર્દોની ‘જીન્રેવા’ સુરેશ જોષીની ‘વિદુલા’ જીવનાનંદદાસની ‘વનલતા સેન’ પાસ્તરનાકનાં ‘લારા’ અને ડૉ.ઝિવાગો’, સિદ્ધાર્થ અને મહાભારતના વિદૂરના ચહેરાઓ આકાશમાં ઝાંખાઝાંખા આલેખાય છે. આ બધાંએ એક યાતના સહન કરી છે. તેઓ કોઈ કોન્સન્ટ્રેશન કૅમ્પમાં ગયા નથી તેમના પર કોઈ જુલમ અત્યાચાર થયા નથી. તેમની વેદના સૂક્ષ્મ છે. આ પૃથ્વી પર રહેવું એટલે શું તે તેઓ કાંઈક પામી ગયા છે, મરમીઓ છે.

બીજો એક ભાવ સાથે સાથે જ થાય છે. લાગે છે કે મારી અને જગત વચ્ચે એક અવકાશ હોવા છતાં કશાક સૂક્ષ્મ સંબંધના તાંતણે અમે બંધાયા છીએ. આ એકાકીપણાંમાં નમાયાપણાંની લાગણી નથી. તેથી ઊલટું બધે જ વિસ્તરીને હું વ્યાપી ગયો હોઉં, વિસ્તીર્ણ થઈ ગયો હોઉં તેવું લાગે છે. દૂર બાંકડા પર બેઠેલા એકાકી વૃદ્ધજન, લીમડાની ચમરી, પાંખો સંકેલી ડાળ પર ઊતરતા પક્ષીઓ, બાળકોનો કલશોર, નાકને સ્પર્શી જતી હળવી લ્હેરખી, સાંજના તડકામાં આછા નીતરતાં મકાનો, બધું પોતાનું લાગવા લાગે છે, સાંજ પાસે આવી સુખદ ઉદાસી છે. સાંજ પ્રગલ્ભ છે એ તમને પણ પ્રગલ્ભ બનાવે છે. સાંજે ક્ષિતિજ વ્યાપ્ત આકાશનો ઘુમ્મટ તમને વિશાળ બનાવે છે અને એકસાથે તમે પરાયાપણાની અને પોતાપણાની લાગણી અનુભવો છો.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.