નિબંધ = સુગ્રથિત ગદ્યલિરિક; અને લિરિક છે કાવ્ય, આ છે ગદ્ય, એટલે વ્યવહારુ, ચર્ચાત્મક, બુદ્ધિપ્રધાન, પચરંગી વિવિધતાવાળું વધારે. બધું અનાયાસે એક પછી એક આવી મળે છે એવી છાપ પડે તે નિબંધની ખાસ કલા છે. એ અંશો એક પછી એક આવી જાય તે અજબ જેવું લાગે, એમાં નિબંધનો વિજય છે. વચ્ચે વચ્ચે સદાસ્મરણીય સૂત્રાત્મક વાક્યપુષ્પો ફોરી તરહે. એમાં નિબંધની અમર આકર્ષકતા છે. સમુચિત તેમ અપરિચિત અલંકારો અને અવતરણો નૂતનતા છાંટતા આવે એ નિબંધની લીલા છે, સરલ વાક્યો, વાક્યો, દર્દમય વાક્યો, સંકુલ વાક્યો, ગંભીર વાક્યો, નાચતાં વાક્યો, હીંચતા વાક્યો, હથોડો ટીપાતો હોય એવાં વાક્યો, હસમુખાં વાક્યો, વક્ર વાક્યો, કટાક્ષ, આવેશ વગેરે નિબંધનો વૈભવ છે.
‘નિબંધ બાહ્યાભ્યંતર નિરૂપણને માટે સારી રીતે ખેડાયેલી ભાષાલતાને બેસ્તુ છેલ્લું પુષ્પ છે. અને આ જોતાં કહી શકાય કે દરેક સારો નિબંધસર્જક તે જ, જે નિબંધો ગુંથતા ગુંથતા એ જાતિમાં કંઈક વિશિષ્ટતા, ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી ખાસ વૈયક્તિક ભાત પણ ઉપજાવી શકે. ‘કથ્યૂં કથે તે શાનો કવિ’ તે નિબંધકાર પણ નહીં જ વળી !
‘આવા લખાણ કેમ લાંબા તેમ તેમાં કલામયતા આછી થતી જાય એ કુદરતી. લિરિક, ઓડ, અને ખંડકાવ્યની લંબાઈ લગીનાં જ લખાણો આ જાતિનાં સાચાં પ્રતિનિધિ હોઈ શકે.’
-બલવન્તરાય ક. ઠાકોર