અગાશીમાં સવારની ઠંડકથી લપેટાયેલી ચાદર ઠંડી થઈ ગઈ છે. જાણે સુખદ ઠંડુ જ સુંવાળી ભાગલપુરી ચાદર સ્વરૂપે ન આવી હોય ! અડધી પડધી ઊંઘમાં આમથી તેમ પડખાં બદલું છું ને ચાદરનો ઠંડો સુંવાળો સુખદ સ્પર્શ થાય છે. નાક સુધી આવી ગયેલી ચાદરમાં સુતરાઉ કાપડની સાથે ઠંડી અને ભેજની ગંધ પણ ભળી છે. પડખાં આમથી તેમ ફરું છું પણ ઊંઘ ઊડતી નથી. વચ્ચે વચ્ચે કોયલના ટહુકારથી ઊંઘમાં છીંડા પડે છે પણ ફરી અડાબીડ ઊંઘ ઊગવા લાગેછે. અંદરની જ કોઈ ઘટિકાને ઈશારે શાંત શરીર સળવળ્યું. આંખો ચોળી ઘડિયાળમાં જોયું – સાડા સાત થયા’તા ! જાતા જૂન મહિનાની સવારે હજી કેમ અંધારું છે ? ઉપર નજર પડી ને નરસિંહે કહ્યું.
“નિરખને ગગનમાં….”
આખાશમાં વાદળો બંધાયાં હતાં. આકાશને ઓઘાન રહ્યાના સમાચારથી દર્શનથી ચિત્ત ચંચળ થઈ ઊઠ્યું. અરે આ આકાશ સામે તો મહિનાઓ સુધી જોયું જ નહીં ? તેનો મનોહારી નીલ રંગ નજર બહાર જ રહ્યો ? અને જયારે વાદળોએ આકાશને ઘેર્યું ત્યારે જ કેમ નજરે ચડ્યું ? આકાશ તો હતું જ દિગંત વ્યાપ્ત. આ વાદળોનાં આચ્છાદનથી આકાશ ઢંકાય છે અને કલ્પના લોક ખુલે છે. ઉપરનાં રૂમમાં મેઘદૂત પડ્યું છે. કિલાભાઈ ઘનશ્યામનું સમશ્ર્લોકી. એ પણ આકાશની જેમ હતું જ – ત્યાં જ. પણ ઉઘાડ્યું ન હતું. દરબારી જેમ ભાંગતી રાતે કે ભટિયાર ઉઘડતી સવારે સાંભળવાની કે બહાર વસંતઋતુમાં સાંભળવાની મજા જ કંઈ ઑર હોય છે, તેમ મેઘદૂત આ ઋતુમાં વાંચવાની મજા જ કંઈ ઑર છે. ડોશીઓ જે પવિત્રભાવથી ઓખાહરણ વાંચે તેમ હું મેઘદૂત. દેવભાષા સંસ્કૃત પૂરી સમજું નહીં, છતાં કિલાભાઈના અનુવાદથી આંગળીએ આંગળીએ તેના શ્ર્લોકે શ્ર્લોકે ફરું. સંકુલ સમાસ આવતાં ગડથોલું ખાઉં, પણ મંદાક્રાંતાના હિંચકે ઝૂલું છું.
આ મેઘદૂતમાં એવો તે શું છે કે મારા જેવા સંસ્કૃતના અલ્પજ્ઞાનીને પણ પકડે ? ઉમાશંકર જોશી તો કહે કૃષિપ્રધાન આ દેશમાં કાલિદાસે મેઘદૂતમાં દૂત તરીકે મેઘની પસંદગી કરી એમાં જ અડધું મેદાન મારી ગયા. વાત તો ખરી. આ મેઘની ચતાકથી માંડી નાણાંપ્રધાન મનમોહનસિંહ બધાં કાગડોળે રાહ જુએ છે અને આ ઋતુમાં આપણે પૃથ્વીવાસી ગગનમંડલમાં રહીએ છીએ. શિયાળામાં તો તડકો પોતે જ નીચે ઊતરી આવી પથરાઈ જાય અને ઉનાળાના પ્રચંડ સૂર્ય સામે જોવાની કોની મજાલ છે ! ચોમાસામાં ભરબપોરે પણ વાદળાંઓ ચડી આવ્યાં હોય તો તમે આકાશનું સ્નિગ્ધ દર્શન કરી શકો. વાદળોની સતત બદલાતી આકાશ લીલાને નિહાળી શકો. આ મેઘદૂત એ એક રૂપક માત્ર છે ? અત્ર અને અદ્ય ને પામવાનું ઇજન છે ? વ્યક્તિમાં સર્વસ્વ ખોઈ બેઠેલા યક્ષને સમષ્ટિના સ્વીકાર માટેનો સહજ પ્રપંચ છે ? રૂપબદ્ધ આ રૂપવતી પૃથ્વીના રૂપો અને પેલી પારના આત્મા જેવા લોક વચ્ચે વાદળ જાણે સંધાન કરી આપે છે.
કાલિદાસ કહે છે કે આ મેઘમાં એવું કશુંક તો છે જે તમને વિહવળ કરી દે. તમને જંપવા ન દે.
‘मेघालोके भवति सुखिनोडप्यन्यथावृति: चेत:’
માત્ર વિરહી યક્ષ જ શું કામ, પણ પ્રિયાઓ પોતાનાં પાશમાં જ રહેલી છે, તેવા પ્રિયજનો પણ મેઘને જોઈને અન્યમનસ્ક ઉદાસ થઈ તાકી રહે છે. એ ઇજન છે ઓ પારનું. કશુંક રહસ્યમય લાગવા માંડે છે. મેઘને જોઈને કશુંક એવું અંદર છટપટવા લાગે છે કે તમે જાતને પણ સમજાવી શકતા નથી. ઘડી ભર તમે જાતિસ્મર થઈ જાવ છો અને તમને તમારા પૂર્વ જન્મોનું કેટલું અસ્ફુટ યાદ આવવા લાગે છે. મેઘ તેની અભિજ્ઞાનમુદ્રિકા લાવીને કહે છે હું તને છોડાવા આવ્યો છું, અને આપણે મન મૂકીને મેઘની સાથે નીકળી પડીએ છીએ.
મેઘ સાથે સ્લો મોશનમાં સરકતા સેલારા મારતા કાલિદાસ આપણને કેટકેટલું દેખાડે છે. ભારતના મોટા ભૂભાગનું એ પ્રથમ Arial picture હશે. તેણે પિક્ચર – ચિત્ર જ કહેવું પડે તેવી સૂક્ષ્મતાથી આલેખતા જાય છે.
ભેખડ પર ગંડસ્થળ ઘસતા ગજરાજો, હાથીની સૂંઢ પર ચિતરેલ ચિત્રવલ્લી સમી ભ્રૂભંગ દાખવતી નર્મદા, ભેખડો સાથે અફળાવાથી તેનો વિશીર્ણ વીખરાવ, પૃથ્વીને ફલવતી કરતાં શિલિન્ધ્રો, નાના રત્નસમાં ઇન્દ્ર્ગોપ, ચાંચમાં બિસતંતુ લઈ માનસરોવર ભણી ઊડતા રાજહંસો, વર્ષાકાળે ગર્ભધાનથી ખુશ થયેલી બગલીઓ, શાખે પાકેલા પીળા આંબલાઓ, જાંબુવન જેવી ગાઢ દશાર્ણની સીમો, વેતસકુંજો, કુટુજ કુસમો, અધફૂટ્યા કદંબો, કેળની ડૂંખો, કેવડાની પીળી વાડો, થિરકતા મયૂરો, ઉજ્જયિનીના છજા પર બેઠેલાં કબૂતરો, ઘોર નગારે મહાકાલની સાંધ્ય આરતી, અવંતિ વિદિશા…. જાણે ગ્રામપદથી જનપદ, તુચ્છ જંતુથી મહત્ બધાને સમાવતું કોસ્મોસ.
બેચાર નારી-ચિત્રો મનના ભિત્તિપટલ પર અંજાતા શૈલીમાં અલસભંગ અતિભંગ ત્રિભંગમાં દોરાયેલ છે. માળવાનાં ખેતરો પર અમી વરસાવનાર મેઘ પર હાથનું નેજવું કરી અમી દ્રષ્ટિ પાથરતી કુલવધૂઓ, કમલતાલના કાંઠા પર કમળ વીણતાં પરસેવો લૂછતાં કાનના કમળો ચુંથાઈ ગયાં છે તેવી માલણો, કરંડિયા પર કેશ પાથરી અગરુ ચંદન ધૂપ દેતી ઉજ્જયિનીની વધૂઓ, રત્નજડિત ચામરોની રત્નપ્રભાથી દેખાતી ચામરધારિણીની ત્રિવલ્લીઓ, કામીઓની નીવિબંધ છોડવાની ચેષ્ટાથી લજ્જિત થઈ કુમકુમના મુઠ્ઠાથી રત્નદીપને હોલાવવાનો વૃથા પ્રયાસ કરતી નૃત્યાંગનાઓ, કનકરેતમાં રત્ન શોધવાની ક્રીડા કરતી કન્યાઓ; સારિકા સાથે એકલી એકલી વાતો કરતી, ચોથે પ્રહરે પણ જાગતી રહેતી, પ્રિયમિલનના અવધિ દિવસને ઊંબરા પર પુષ્પો મૂકી ગણતી કરુણ ગાન ગાતી અશ્રુજલથી તાર ભીના થવાથી વારે વારે ઊતરી ગયેલી તંત્રીવીણા વગાડતી યક્ષપ્રિયા – એ બધું કુશળમાં કુશળ ચિત્રકારથી ય વિશેષ કુશળતાથી મનમાં દોરાઈ જાય છે.
નગરીઓ નદીઓ પણ કેવાં લાડ લડાવ્યાં છે. એ અવંતિ, વિદિશા, ઉજ્જયિની વક્ર ભ્રૂભંગ ચાલે ચાલતી વિંધ્યવાસિની નર્મદા, જળલહેરોથી ઊડી ઊડી કલધ્વનિ કરતાં પક્ષીઓની મેખલાવાળી નિર્વિન્ધયા, તરંગવિલાસિની વેત્રવતી, સારસધ્વનિ અને કમળરજના સ્પર્શથી ગંધારૂઢ પવન, ગંભીરાનો હૃદયસ્નાન જેવો ગંભીર વારિપ્રવાહ, સ્ફટિકશુચિ ગંગા….. કાકાસાહેબ કાલેલકરને લોકમાતા લખવાનું મેઘદૂતમાંથી નહીં સૂઝ્યું હોય ને ?
‘આ બધાંથી વધુ અંદર ઝમે છે, યક્ષની પ્રેમ અનુકંપા પસારતી દ્રષ્ટિ. મેઘને પણ કેટકેટલી નમ્ર સૂચનાઓ ને ભલામણો…. તું માળવાનાં ખેતરો પર કુલવધૂઓની અમીદ્રષ્ટિ પામજે. તું કૃશ વિરહિણી નિર્વિન્ધયાને મિલનપ્રેમથી સ્ફીત કરજે. તું તારી ગર્જનાથી સહચરીને ડરાવી દેજે કે જેથી તે બહાને તે પ્રિય તેનો આશ્ર્લેષ પામે. ઉજ્જયિનીની વારાંગનાની તારી સ્નિગ્ધતાથી કલાંતિ હરજે. સૂર્ય કિરણઅંગુલિથી કમલિનીનાં અશ્રુઓ લ્હોતો હોય ત્યારે તેને ઢાંકીશ નહીં. તું દેવદારુની ડાળીઓ ઘસવાથી લાગેલા દવથી બળતી ચમરી ગાયોની ચમર-પૂચ્છને ઠારજે, અલકા નગરીમાં યક્ષપ્રિયાની અટારીએ ધીમેથી બારીમાંથી ખંડમાં પ્રવેશ કરજે કે જેથી તે બીને ચોંકી ન જાય કે છેલ્લા પ્રહરે માંડ મળેલી આંખે તેના સ્વપ્નમાં મારો મિલનભંગ ન થાય.
પૂર્વમેઘના પ્રસ્તાર પછી, લીલા પછી સોયમાં દોરો પરોવાય તેમ ક્રૌંચરન્ધ્રમાંથી આપણે પણ તેની સાથે અલકા પહોંચીએ છીએ ત્યારે સુરેશ જોષી કહે છે તેમ ઉત્તર મેઘના મંથર વિલંબિત શાંત મન્દાક્રાન્તાના લયમાં શમીએ છીએ. યક્ષ મેઘને આશીર્વાદ શુભેચ્છા આપે છે કે ‘તારો કદી તારી પ્રિયા વીજળીથી વિયોગ ન થશો’. જો યક્ષના વિરહથી મેઘદૂત મળ્યું તો મેઘના વિરહથી શું મળશે ? યક્ષે તો અનુકંપાથી ઇચ્છ્યું આપણે લોભથી ઇચ્છીએ કે મેઘને પણ વિરહાનુભુતિ થાય. જો કે યક્ષની વાતમાં તેને પરોક્ષાનુભૂતિ તો થઈ જ હશેને !
રવીન્દ્રનાથ તો પૂર્વમેઘ અને ઉત્તરમેઘનું અપૂર્વ અર્થઘટન કરે છે. તેઓ લખે છે ‘બધા જ કવિના કાવ્યના ગૂઢ અભ્યંતરમાં આ પૂર્વમેઘ અને ઉત્તરમેઘ રહ્યા હોય છે. બધાં જ ઊંચી કોટિનાં કાવ્યો આપણને બૃહતમાં નિમંત્રે છે ને નિભૃત ભણી દોરે છે…. એક વાર તાનની સાથે આકાશ પાતાળમાં ફેરવે છે ને પછી સમમાં પૂર્ણ આનંદે આપણને સ્થિર કરી દે છે. કે કવિને તાન છે પણ સમ ક્યાંય નથી; જેમ કેવળ ઉદ્યમ છે, આશ્વાસન નથી તેનું કવિત્વ ઉચ્ચ કાવ્યની શ્રેણીમાં સ્થાયી રહી શકે નહીં… આથી કોઈ કવિનું કાવ્ય વાંચતી વેળાએ આપણે આ બે પ્રશ્નો પૂછીએ : એનો પૂર્વમેઘ આપણને બહાર ક્યાંય લઈ જાય છે ? એનો ઉત્તરમેઘ ક્યા સિંહદ્વારની સન્મુખ લાવીને આપણને ઉપસ્થિત કરે છે ?
એક અંગત વાત કહું ? મને તો મેઘદૂતના પૂર્વમેઘનું વૈવિધ્ય ચાંચલ્ય, આનંદ…. પૃથ્વી પર રોકી રાખે છે. ઉત્તરમેઘની અલકાપૂરી સુંદર છતાં શુષ્ક કુત્રિમ એકવિધ અને નિતાંત એકાકી લાગે છે. અત્યારે તો પૂર્વમેઘ અપૂર્વ લાગે છે, ઉત્તરવયે ઉત્તરમેઘ ગમે તો કહેવાય નહીં.