૪૧ – શરની જેમ સવારથી સાંજ પસાર થતી શરીરમાંથી

સવારે આંખ ખૂલી ગઈ. હજી અંધારું હતું. ફરી સુસ્ત અલસતામાં ઊંઘમાં સરવાનો પ્રત્યન કર્યો. ઊંઘ ન આવી ઊંઘને પરાણે લાવી શકાતી નથી. એ તો મનસ્વિની. એમ જ ઠંડી લ્હેરખીઓમાં ઠંડક ભરી સુંવાળી ચાદર લપેટતો પડ્યો રહ્યો. ઘડિયાળમાં જોયું. ઊંઘમાંય ઘડિયાળ કાંડે બાંધી રાખું છું. સવાર પડતાં જ તેનો કાંટો ભોંકાવો જોઈએ. એક ટેવ. સાડા સાત થયા હતા, અને તે પણ ઉનાળાના. હજી અંધારું ? બારણું ખોલ્યું. ઠંડી ભેજભરી ઘાસની વગડાઉ ગંધે મને લપેટી લીધો. ઊંઘરેટાયેલી આંખે ઝીણી નજરે જોયું. બધું ઝાંખું ભળાયું. ‘નીરખીને’ ! આકાશમાં નજર કરી. વાદળાં છવાયા હતા. અષાઢના આકાશ જેમ મેઘલિપ્ત લીંપાયા ન હતાં. હતાં છૂટાછવાયા. ઊતરતા ફાગને જેઠનું આકાશ ? શક્ય છે અને સારું છે. ચોમાસું આવે તે પહેલાં ક્યારેક ક્યારેક તેની આમ ઝાંખી થવી જોઈએ.ચોમાસાના દિવસોના આપણો વિરહ આમ ભલે ક્ષણજીવી પણ પૂરો થવો જોઈએ. વસંતે બે ત્રણ કલાક માટે વર્ષાનો અસબાબ માગ્યો. ટી.વી.માં હવામાનશાસ્ત્રીઓ ભલેને કહે કે ડીપ્રેશનને લીધે વાદળો બંધાયા. મનનો અને લોચનનો ઝગડો જૂનો છે. આપણે તેમાં ક્યાં પડવું. આપણને તો આ ગોરંભાયેલું આકાશ મળ્યું એટલે ભયો ભયો.

આમ જ્યાં ભરી નજરે ગોરંભાને માણું છું ત્યાં તો ક્ષિતિજથી ખાસ્સો ઊંચો ચડેલા કિશોર સૂર્યે મોટા વાદળ પાછળથી હાઉકલી કરી. મોટા વાદળમાંથી તાજા વૉશ કરેલા ચિત્રમાં પ્રસરતા રંગ જેવી કાળાશ પ્રસરેલી હતી. આ કાળાશ કશા અમંગળના કે ભયની એંધાણી આપતી કાળાશ ન હતી. કિનારા તરફના ભાગ તરફ તેમાં આછી રાખોડી ઝાંય ભળેલી હતી. દૂર ટેકરીઓ પર તડકા છાંયાના મોટા મોટા ટુકડાઓ ટેકરી પર દોડતા નથી પણ જાણે સરતા જાય છે. આછા પીળા પેચીઝ છાયામાં ઘાટા પીળા બની ફરી આછા પીળામાં પલટાય છે. ઉપર આકાશ ચોમાસાને ખોળામાં બેઠું છે, તો પૃથ્વી પર વસંતનો અસબાબ છે. લીમડા, ઘેઘૂર લીમડાના ઝીણાં ઝીણાં આછાં પીળાં ફૂલોની ઘેઘૂર ગંધ, આંબે મોર, મરવાં નવાં ફૂટેલાં ચળકતાં પાંદડા, છુપાઈને ખૂલેલા કંઠે કોયલની કૂક. વસંતની પાલખી ને તેના પર આરૂઢ આ વાદળ. ગોરંભાને કારણે માનવીય વ્યવહારોના અવાજો ય ઓછા અને આછાં થઈ ગયા છે. અવકાશ ઘૂસર મ્લાન રહસ્યમય. લે, ત્યાં તો આછા રૂપેરી આકાશનાં પ્રચ્છદ પટ પર સૂર્યનું સોનેરી ટીપું અને ધીમે ધીમે વિખેરાયાં વાદળો, વિખેરાઈ ઘૂસરતા. લ્યો આ વસંતની સવાર વસંતને પાછી. બસ !

હવે બપોર. પ્રતાપી રાજાન સુશાસન જેવો, તેજસ્વી પુરુષના જ્ઞાન જેવો, પરાક્રમીના પરાક્રમ જેવો કોપાયમાં ઋષિના ક્રોધ જેવો ઉગ્ર ચંડ પ્રતાપી સૂર્ય. છાંયડા ય લપાઈને છુપાઈ ગયા છે – પગમાં, પાયામાં કે મૂળમાં. આકાશમાં બે ચાર સમળી. ગૌડ સારંગના આલાપ જેવા તેના હળવા સેલારા. ઘરો સ્થિર સ્તબ્ધ. બપોરની નિદ્રામાં માણસો. ક્યારેક નેવા નીચે કે લીમડામાં કા-કા બોલતો કાગડો. સૂની શેરીને સૂના વગડાને વધુ સૂનો, વધુ મૌન બનાવતો અફાટ અવકાશના અદ્રશ્ય પડદાઓ ખોલતો હોલો. ટપકતાં નળ નીચે કે થાળે ચૂગતી અવનવા સૂરે સ્વરે બોલી, લાડ કરી ફરી ચૂપ થઈ જતી કાબરો. ચકલીઓ તો ચૂપ. હવે છેક બોલશે સાંજે. અલસ પાટલા ઘો જેવા રસ્તા. અચલ સ્થિર સાવ સૂના. ગુલાબી જાંબલી ભડકે બળતી બોગનવેલ. સાંય સાંય કરી સૂસવતો શોષ્ટો બળબળતો પવન. એકાએક કશુંક યાદ આવતાં ટહુકી લેતી કોયલ. બપોરના તંગ ધાતુ પતરાને ટીપતો પીપળા પરનો કંસારો. બપોરે ગીચ ગલીઓમાંય અવકાશ નીચે ઊતરી આવે. ઝાડ નીચે વાગોળતી ગાયના ફીણ. ખળખળતાં ખળકતાં પાંદડા. નાચતી ડાળખીઓ સ્થિર. શાખોનાં ચલિત નર્તનશીલ છાયા ચિત્રો. શેરી પર કરો, મોરો, નળિયાની વાંકીચૂંકી રેખા, છજા નેવાના પડછાયા. બપોરની ઊંઘ પછી ઊઠતા, રણકતા ચાના કપ રકાબીઓ. ચાનો સોડમભર્યો ઉફાળો અને ચાના ઘૂંટડે ઘૂંટડે ઓગળતો શરીરની શિરે શિરામાં ભરાઈ બેઠેલો ઊંઘનો, આળસનો બરફ. બપોરના શૉમાં થિયટરના અંધારાં અને સિનેમાની જાદુઈ સૃષ્ટિમાંથી ઇન્ટરવલમાં બહારનું જગત તીખું લાગે. નાગું લાગે. બપોર અલખ અઘોરી. તેના પોતાનામાં જ મસ્ત. વગડામાં કેડી પડી હોય ઉતરેલી કાચળી જેવી.

પ્રખર મધ્યાહનની મૂઠ સાંજ કોઈ ધીમે ધીમે ઊતારે છે. સાંજ છે ઘર બજારોને જોડતી-જોડતી દિવસને રાત સાથે, આ જગતને બીજા જગત સાથે. રસ્તાઓ લાગે છે સળવળવા. કલાર્ક, ઑફિસરો, ઓપરેટર, ક્લીનર, ફીટર, સેલ્સમેન, રંગારો, દરજી, દુકાનદાર, કાછિયો, ચા વાળો, બ્યુટીશિયન, ડ્રાઈવર, ડૉકટર, કલાકાર, કથાકાર, મદારી, બજાણિયો, પ્રોફેસર સાંજે બને ગૃહસ્થ. દરેકની પાનીએથી ફૂટે ઉખળે એક રસ્તો. રસ્તો ઘર ભણી. પડછાયાઓ લંબાય. સામેનો લીમડો ચકલીઓની ચહચહાટથી ભરાઈ જાય. ચીલે, ગાડા વાટે, કેડીએ, રસ્તે, રોડે, હાઈવેએ કોઈ ચાલતું હોય, કોઈ બેઠું હોય બસમાં, પૂરપાટ હંકારતું હોય કોઈ મનમાં ઘર લઈને. બપોરના કોરા આકાશ પર ફરી પક્ષીઓની લિપિ આલેખાય. હળવે હળવે આવે મુલતાની, મારવા, પૂરિયા ભૂપાલીના સ્વરો, લોબાનની ગંધ, આઝાનની પુકાર, શંખધ્વનિ, દશાંગ ધૂપ, અગરબત્તી, ઘીના દિવાનું હુંફાળું અજવાળું. હવાની ઠંડી લ્હેરખી કહે ‘તમે દેહી હું કરું વિદેહી.’ ગોધૂલિ ઉડાડતું ઘણ આવે, ખેતર ખળેથી ગાડું આવે. દિવસ વછોયું છોકતું પગ પાસે હાથ લંબાવી રહે ઊભું – બાપની મૂછ ખેંચે, પપ્પાના ખિસ્સા ફંફોસે. બચીઓથી નહાય, નવરાવે. કપાળ પરનો ચાંદલો, બાનો ફોટો, ભાખરીની ગંધ, ટી.વી.નો અવાજ, કૅલેન્ડર, બાથરૂમમાં નાહવાનો સાબુ, ઓશીકું, ચોપડી, લેંઘો, પડદા, વેરવિખેર રમકડાં, અગરબત્તી, ઠાકોરજીની છબી, વાટકો, મોગરાનો છોડ, લટકતાં હેંગર, કપ રકાબી, ચાકળો, તોરણ, એકસાથે બધું વળગી પડે. જીવનાનંદદાસની વનલતા સેનની જેમ, વાલ્મીકીની ઊર્મિલા, કે ભરતની કેમ કે હોમરની પેનેલોપીની જેમ નજીક આવી હૂંફાળા અવાજે કહે “ક્યાં હતા આટલા દિવસ ? હવે તમને ક્યાંય નહીં જવા દઉં.”

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.