લેખકનું કથિતવ્ય

અમારા છાત્રાલયમાં રાત્રે પ્રાર્થના ને હાજરી પૂરી થયા પછી લગભગ રોજ વિદ્યાર્થીઓ “વાર્તા! વાર્તા!’ કહીને ગૃહપતિઓને ભારે પજવે છે. રોજ વાર્તા ક્યાંથી કાઢવી? કદાચ એકાદ વાર્તા ક્યાંઈકથી વાંચી કાઢીને તૈયાર થઈને કહેવા માંડીએ ત્યાં તો વિદ્યાર્થીએ બોલી ઊઠે : “એ તો સાંભળી છે, એ તો સાંભળી છે; બીજી કહો.” ગૃહપતિઓના કરતાં વિદ્યાર્થીઓએ વધારે વાર્તાઓ વાંચી છે એનું મને ભાન થવા માંડ્યું, અને વિદ્યાથીઓથી ગુપ્ત એવો કોઈ ખજાનો હું શોધવા માંડ્યો. અચાનક જુલે વર્ન જ મારી સામે આવીને ઊભો. જેમ જેમ હું તેની ચોપડીઓ વાંચતો ગયો, તેમ તેમ હું જ વાર્તા કહેનારને બદલે વાર્તા સાંભળનાર બની ગયો, જાણે જુલે વર્નનાં પાત્ર પોતાની વાતો સંભળાવતાં અને હું તેમાં તલ્લીન બની જતા. હવે મને વિદ્યાર્થીઓને શું કહેવું તેની મુશ્કેલી નહોતી; પણ મેં વાંચેલી વાર્તા હું તેમને ક્યારે કહું તેની મને અધીરાઈ થતી; વિદ્યાર્થીઓ પણ જેમ જેમ એ વાર્તાઓ સાંભળતા ગયા તેમ તેમ ‘પછી એનું શું થયું?’ ‘પછી એનું શું થશે?’ વગેરે સવાલ રોજ મને પૂછવા લાગ્યા.

જુલે વર્નનો છતાં દુનિયા આખીના કિશોરોનો–વિદ્યાર્થીઓનો મિત્ર છે, બધાને તેની વાર્તા ગમે છે. જુલે વનની વાર્તાઓમાંથી આ એક ગુજરાતીમાં ઉતારેલી વાર્તા છે. જુલે વર્નના મૂળ પુસ્તકનું આ શબ્દશઃ ભાષાંતર નથી; એમાંથી મેં ઘણું ઘણું છોડી દીધું છે. માછલાંનું શાસ્ત્ર, વનસ્પતિનું શાસ્ત્ર વગેરેની માહિતી મેં લગભગ સાવ છોડી દીધી છે; ભૂગોળની પણ અમુક માહિતીઓ મૂકી દીધી છે. આવી જાતની વાર્તાઓનો જ રસ હજુ આપણે ત્યાં કેળવાયેલ નથી ત્યાં આવાં નવીન શાસ્ત્રોની માહિતીનો રસ ઊભો કરવાનો પ્રયત્ન કરવો એ વધારે પડતું લાગવાથી જ એ ભાગો છોડી દીધા છે. બાકી એ વિષયોની ઉપયોગિતા ઓછી છે એમ નથી. વાર્તાની અંદરના સંવાદમાં અને વાત મૂકવાની રીતમાં પણ મૂળ પુસ્તક જેણે વાંચ્યું હશે તેને ખૂબ ફેરફાર દેખાશે. પણ જુલે વર્નને અન્યાય ન થાય એવું કરવાનો મેં પ્રયત્ન કર્યો છે, એમ મારે કહેવું જોઈએ.

મારા મુરબ્બી મિત્ર શ્રી ગોપાળભાઈ વગેરેએ મને જો ઉત્સાહ ન આપ્યો હોત તો આ વાર્તા અમારા છાત્રાલયના વિદ્યાર્થીઓની બહાર નીકળત કે કેમ તે શંકા છે. 

મારા કિશારમિત્રો આ વાર્તા વાંચીને રાત્રે તેનાં સ્વપ્નાં સેવશે તોય મને કૃતાર્થતા લાગશે. સ્વપ્નાં હશે તો સિદ્ધિ કોઈક કાળેય થશે.

૩૧-૧૦-‘૩૩, શ્રી દક્ષિણામૂતિ ગૃહ

મૂળશંકર મોહનલાલ ભટ્ટ

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book