૧૯. નેડની અકળામણ

વહાણે હજુ પોતાની દિશા બદલી નહોતી. યુરોપનો કિનારો જોવાની અમારી આશા ધીમે ધીમે નષ્ટ થતી ગઈ. અમે દક્ષિણમાં જતા હતા.

તે દિવસે નૉટિલસ આટલાંટિકના એક વિચિત્ર ભાગમાં આવી પહોંચ્યું. દરિયાની અંદર જુદે જુદે સ્થળે ગરમ પ્રવાહો વહેતા હોય છે એ આપણે જાણીએ છીએ. એ ગરમ પ્રવાહને ‘ગલ્ફ સ્ટ્રીમ’ને નામે ઓળખવામાં આવે છે. એક ગલ્ફ સ્ટ્રીમ ફલોરિડાના અખાતમાંથી નીકળીને ઠેઠ રશિયાની ઉત્તરે સ્પિટ્ઝબર્ગન તરફ જાય છે. રસ્તામાં મેક્સિકોનો અખાત છોડ્યા પછી તે પ્રવાહ બે મુખ્ય ભાગમાં વહેંચાઈ જાય છે; એક પ્રવાહ આયડ અને નોર્વે બાજુ જાય છે; જ્યારે બીજો જરા દક્ષિણમાં મરડાઈ ઍઝોરસના બેટો તરફ જઈને આફ્રિકાના કિનારા સાથે અથડાઈ બ્રાઝિલની ઉત્તરે એંટોલસના ટાપુઓ તરફ પાછો ફરે છે.

આ બીજો પ્રવાહ એક લંબગોળના આકારમાં એટલે કે ગળાના કાંઠલાના આકારમાં ચક્કર ચક્કર ફરે છે, અને આટલાંટિક મહાસાગરના તેટલા ભાગને પોતાના ગરમ પાણીના પ્રવાહથી ઘેરી લે છે. ચક્કરમાં આટલાંટિકનું તોફાની પાણી એક સરોવર જેવું બની જાય છે. આ સરોવર એવડું મોટું છે કે તેની આસપાસ એ ગરમ પ્રવાહને ફરી રહેતાં જ ત્રણ વરસ લાગી જાય! આ જગ્યાને સારસ્સોનો સમદ્ર કહેવામાં આવે છે. આ ગરમ પ્રવાહમાં એક વિચિત્ર પ્રકારનું ઊગેલું ઘાસ હોય છે, તેને સ્પેનિશ ભાષામાં ‘સારગેઝો’ કહેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ ઘાસ અમેરિકા બાજુના કિનારાથી એ ગરમ પ્રવાહની સાથે ઘસડાઈ આવ્યું હશે. એમ પણ કહેવાય છે કે કોલંબસે આ ઘાસ ઉપરથી જ આગળ ઉપર બીજો દેશ હોવો જોઈએ એમ અટકળ બાંધી હતી. આ ઘાસની આંટીઘૂંટી અતિ મજબૂત હોય છે. તેમાંથી નીકળતાં કોલંબસનાં વહાણે ને બહુ ભારે થઈ પડી હતી!

નૉટિલસ તો દરિયાની સપાટીથી નીચે જઈને આ ગલ્ફ સ્ટ્રીમ પસાર કરી ગયું. આખે દિવસ અમે સારગૅસ્સો સમુદ્રમાં પસાર કર્યો. તેની વિચિત્ર પ્રકારની વનસ્પતિ તથા પ્રાણીઓ જોઈને છેવટે અમે આટલાંટિકના તોફાની જળમાં પ્રવેશ કર્યો.

૨૪ કલાકમાં ૯૦૦ માઈલ કાપી નાખે એટલી ઝડપથી નૉટિલસ આગળ ને આગળ વધ્યે જતું હતું. નેડલૅન્ડ નિરાશ થઈ ગયો. મનમાં હવે એક જ આશા હતી કે કૅપ્ટન બધા સમુદ્રોની મુસાફરી કર્યા પછી આપણને કદાચ મુક્ત કરે ખરો! પણ એ વાત કાઢવી કઈ રીતે? તે વિષયની વાત કાઢવાથી કૅપ્ટનને અમારા ઉપર શંકા આવે અને અમારી હિલચાલ ઉપર વધારે અંકુશ મૂકે એવો સંભવ હતો.

આ પ્રમાણે ૧૯ દિવસ સતત કંઈ પણ બનાવ બન્યા વગર પસાર થઈ ગયા. કૅપ્ટન નેમો પણ આ દિવસો દરમિયાન ભાગ્યે દેખાતો. તે ખૂબ જ વાંચતો. તે ખૂબ જ વાંચતો હશે એમ લાગ્યું, કારણ કે પુસ્તકાલયમાં કેટલાંયે પુસ્તકો અરધાં ખુલ્લાં પડેલાં અને ક્યાંક કોઈ નિશાની કરેલાં પડ્યાં રહેતાં, તે હું રોજ જોતો. કોઈ કોઈ દિવસ રાત્રે તેના ઓરડામાંથી ઑર્ગનનો ધીમો ધીમો અવાજ સંભળાતો.

ઘણી વાર તો દિવસોના દિવસો અમારું વહાણ દરિયાની સપાટી ઉપર તરતું. દરિયો ઉજ્જડ હતા. કોઈ કોઈ જગ્યાએ એકાદ-બે વહાણો નજરે પડતાં. એક દિવસ એક વહેલના શિકારીઓનું વહાણ અમારી નજીક આવતું અમે જોયું. કૅપ્ટન નેમોએ લોકોને નકામા હેરાન ન કરવા એ ઇરાદાથી પોતાના વહાણને ડૂબકી ખવરાવી દીધી. ભયંકર માછલીઓ જોવાનો પ્રસંગ અહીં સૌથી વધારે સારો મળ્યો. ડૉગફિશ અને ડોલ્ફીન નામની માછલીઓ ટોળાબંધ અમારા વહાણની સાથે ભૂખ્યા વરુની માફક દોડતી ને બટકાં ભરતી.

૧૨મી માર્ચ સુધી આ રીતે અમારી મુસાફરી ચાલી. અમે બધાએ કુલ ૩૯,૦૦૦ માઈલની મુસાફરી કરી હતી. અમારું વહાણ અત્યારે પૃથ્વીના ૪૫° ૩૭’ દક્ષિણ અક્ષાંશ અને ૩૭° પ૩’ પશ્ચિમ રેખાંશ પર હતું. આ જગ્યાએ દરિયો લગભગ ૭૦૦૦થી ૮૦૦૦ વામ ઊંડો હતો. કૅપ્ટન નેમોએ આ જગ્યાએ વહાણને થોભાવીને એટલે ઊંડે દરિયાને તળિયે વહાણને લઈ જવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય જ્યારે મારા જાણવામાં આવ્યો, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું. મેં કૅપ્ટનને પૂછ્યું: “એટલે બધે ઊંડે સુધી તમારું વહાણ જઈ શકે અને પાણીનું આટલું દબાણ સહન કરી શકે એમ તમને લાગે છે?”

કૅપ્ટને કહ્યું: “તમારી બીક થોડીએક સાચી છે. એ બહુ મુશ્કેલ તો છે જ, કારણ કે મારી પાસે પાણીનાં જેટલાં ટાંકાં છે એ બધાંય ભરું તો પણ તેના જોરે વહાણ એટલે ઊંડે ન જ ઊતરી શકે. પણ હું પાણીના ટાંકાંને જોરે નીચે નહિ ઊતરું. મારો વિચાર વહાણના મશીનને ચાલુ રાખીને જેમ હું દરિયામાં આગળ વધી શકું છું તેમ જ તળિયે પહોંચવાના છે. વહાણના પંખાને કલાકના ૫૦ માઈલની ઝડપે હું ચલાવીશ ત્યારે જ નીચે ઊતરી શકીશ, એ વાત સાચી; અને ત્યાં આગળ સ્થિર રહેવા માટે પણ મારે મશીન તો ચાલુ જ રાખવું પડશે! અમારા વહાણનું પતરું એટલું મજબૂત છે કે થોડા વખત સુધી તો વહાણ ખુશીથી પાણીનું ગમે તેટલું દબાણ સહન કરી શકશે.”

કૅપ્ટનની બુદ્ધિને પહોંચાય એમ ન હતું. મશીન કૅપ્ટનના હુકમથી ચાલુ થઈ ગયું. પંખો જોરથી ફરવા માંડ્યો. વહાણ ત્રાંસું થઈને સમળીની પેઠે નીચે ઊતરવા માંડ્યું. એક હજાર, બે હજાર, ત્રણ હજાર, એમ થતાં થતાં ૬,૦૦૦ વામ સુધી વહાણ આવી પહોંચ્યું. દરિયામાં આટલે ઊંડે પણ કોઈ કોઈ જગ્યાએ હું પ્રાણીઓ જોઈ શકતો હતો; તેનાથી મને ખૂબ નવાઈ લાગી. વહાણ હજુ નીચે ને નીચે ઊતરતું હતું. વહાણની બારીમાંથી દૂર દૂર હું કાળા આકારો જોતો હતો. આ આકારો દરિયાની અંદરના પર્વતોના હતા. આ પર્વતો નિરંતર પાણીની અંદર જ રહેવાથી ખૂબ લીસા થઈ ગયેલા દેખાતા હતા. હું મૅનોમિટર પર વારંવાર નજર નાખ્યા કરતો હતો. વહાણ ૮,૦૦૦ વામ જેટલી ઊંડાઈએ ગયા પછી જ અટક્યું. ત્યાં જમીન આવી. દરિયાની આટલી ઊંડાઈએ જે શાંતિમય, અંધકારમય અને દૈવી વાતાવરણ મેં ઘડીક અનુભવ્યું, તે મારા જીવનની ધન્ય ક્ષણ હતી! કૅપ્ટન પણ મારી સાથે આ દૃશ્ય જોવામાં તલ્લીન થઈ ગયો હતો. આ સ્થળ નિર્જીવ હતું, છતાં ચેતનમય દેખાતું હતું! કૅપ્ટને મને આ જગ્યાનો ફોટો લેવાની સૂચના કરી. વીજળીનો પ્રકાશ દરિયાના પાણીમાં ફેંકવામાં આવ્યો, અને તે પ્રકાશને જોરે દરિયામાં દેખાતા દૃશ્યનો એક ફોટો લીધો પણ ખરો! દરમિયાન વહાણનો પંખો ખૂબ જોરથી ઘૂમ્યા જ કરતો હતો.

કૅપ્ટને કહ્યું: “બસ! હવે આપણે ઉપર જઈએ છીએ, તમે બરાબર સ્થિર બેસજો.” 

સ્થિર બેસવાની સૂચનાની જરૂરિયાતનો હું વિચાર કરું તે પહેલાં જ હું ધક્કાથી પાથરણા પર પછડાઈ પડ્યો! એકાએક એંજિન બંધ થઈ ગયું હતું, અને તોપમાંથી છૂટેલા ગોળાની માફક અમારું વહાણ એ ૮,૦૦૦ વામ પાણી વીંધીને સમુદ્રની બહાર ઊડી આવ્યું અને હવામાં ઊંચે ઊછળી પાછું સપાટી પર પછડાયું! મેં વહાણના તૂતક ઉપર ચડીને નજર કરી તો વિશાળ આટલાંટિક મહાસાગર મોજાં ઉછાળો મારી સામે પડ્યો હતો.

વહાણ હજુ પણ દક્ષિણ દિશામાં જ ચાલતું હતું; મને હતું કે વહાણ હવે હૉર્નની ભૂશિર સુધી જઈને પછી પશ્ચિમ બાજુ વળીને પાસિફિક મહાસાગરમાં પ્રવેશ કરશે; પણ એમ ન બન્યું, વહાણ હૉર્નની ભૂશિરને બાજુએ રાખીને આગળ ને આગળ વધ્યે જતું હતું. આ તે હવે ક્યાં જશે? દક્ષિણ ધ્રુવ સુધી તો નહિ પહોંચી જાય ને?” મને શંકા આવી.

થોડા વખતથી નેડલૅન્ડ વહાણમાંથી નાસી છૂટવા સંબંધે કોઈ વાત મારી સાથે કરતો નહોતો. તે અમસ્તોપણ હવે ઓછું બોલતો હતો. તેના ચહેરા પરથી હું જોઈ શકતો હતો કે આ કેદખાનું તેને કેવું અકારું થઈ પડ્યું છે. તેની આંખે કોઈ કોઈ વાર ક્રોધમાં ચમકારા મારતી હતી.

૧૪મી માર્ચે તે અને કોન્સીલ મારી ઓરડીમાં આવ્યા. 

“કેમ, શા નવીન છે?” મેં પૂછ્યું.

“મારે એક જ પ્રશ્ન પૂછવો છે.” નેડે કહ્યું.

“શો?”

“આ વહાણ ઉપર કેટલા માણસો હશે?”

“મને કેમ ખબર પડે?”

“મને લાગે છે કે બહુ માણસો નહિ હોય. આ વહાણમાં રહેનારાઓ પણ કૅપ્ટનની જેમ જીવનપર્યત આ વહાણમાં જ રહેવાનો નિશ્ચય કરીને આવ્યા હશે. અને એવા કૅપ્ટનના જેવા મૂરખાઓની સંખ્યા કેટલી હોય?” નેડે કહ્યું,

“પણ આપણે બીજી રીતે ગણતરી કરીએ. આ વહાણમાં જેટલી હવા સમાઈ શકે તેના પ્રમાણમાં કેટલા માણસો માટે એ હવા પૂરતી છે, એનો હિસાબ કાઢીએ તો સાચી સંખ્યા મળે.” કોન્સીલે યુક્તિ બતાવી,

“પણ એના ઉપરથી જે સંખ્યા આવે તેટલાં જ માણસો હોય એવું ન બને. તોયે હું તમને તેનો હિસાબ કરી આપું. એક કલાકમાં એક માણસ [1] ૧૦૦ લિટર હવામાં રહેલો ઑક્સિજન વાપરે છે; એટલે કે ૨૪ કલાકમાં ૨૪૦૦ લિટર હવામાં રહેલો ઑકિસજન એક માણસને જોઈએ. હવે આ વહાણની સમાસશક્તિ ૧૫૦૦ ટન છે; એક ટનમાં ૧૦૦૦ લિટર હવા સમાય છે, એટલે કે નૉટિલસમાં ૧૫,૦૦,૦૦૦ લિટર હવા રહી શકે. હવે ૧૫,૦૦,૦૦૦ને ૨૪૦૦ વડે ભાગીએ તે કેટલા આવે?”

કોન્સીલે હિસાબ કરીને કહ્યું: “૬૨૫.”

“તો પછી ૬૨૫ માણસો આ વહાણમાં સમાઈ શકે.” નેડે કહ્યું.

“અરે!” નેડ અને કોન્સીલ બન્ને આશ્ચર્ય પામ્યા.

હું નેડનો અને કોન્સીલનો વિચાર સમજી ગયો હતો. મેં કહ્યું: એ વિચારો બધા નકામા છે. હમણાં શાંતિ રાખવા સિવાય બીજો ઉપાય નથી.”

“વળી પાછી ‘શાંતિ’ આવી?’ એમ કહી પગ પછાડીને નેડ ઓરડામાં ચાલ્યો ગયો!


  1. લિટર એ ઘનફળ માપવાનું ફ્રેન્ચ મેટ્રિક સિસ્ટમનું માપ છે, ૨૭ લિટર એટલે લગભગ એક ઘનફૂટ જગ્યા થાય છે.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book