૧૭. ડૂબી ગયેલા દેશની શોધ

આટલાંટિક! દુનિયા પર મોટો ભાગ રોકીને પડેલો આ અફાટ વિશાળ સાગર! દુનિયાની મહાનમાં મહાન નદીઓને પોતાના પેટમાં સમાવી દેતો આ આટલાંટિક અમારી નજરે પડ્યો. દુનિયાનાં મોટાં મોટાં રાજ્યોનાં અને વેપારીઓનાં હજારો જહાજો આની છાતી ઉપર રાતદિવસ તર્યા કરે છે.

જિબ્રાલ્ટરની સામુદ્રધુની વટાવીને અમારું જહાજ આટલાંટિકનાં તોફાની પાણી સાથે લડતું લડતું આગળ ચાલ્યું જતું હતું, પવન પણ જોરજોરથી ફૂંકાતો હતો. વહાણના તૂતક ઉપર ઊભા રહેવું મુશ્કેલ હતું. હું મારી ઓરડીમાં ગયો. મારી પાછળ જ નેડ અને કોન્સીલ પણ આવ્યા. નેડે બારણું અંદરથી બંધ કર્યું; હું કારણ સમજી ગયો. 

“નેડ! ભૂમધ્ય સમુદ્રમાં તો આપણી યોજના પાર ન પડી શકી. વહાણ કેટલી ઝડપથી જતું હતું! તેમાંથી છટકવું એટલે મોતને જ નોતરવાનું હતું.”

નેડ કાંઈ ન બોલ્યો. તેણે પિતાના હોઠ બીડ્યા.

“પણ હજુયે નિરાશ થવાનું કારણ નથી; આપણે પૉર્ટુગલના કિનારાની નજીક આવતા જઈએ છીએ, ફ્રાન્સ ને ઇંગ્લાંડ બહુ દૂર નથી; માત્ર જે વહાણ ઉત્તર તરફ જવાને બદલે દક્ષિણ તરફ જાય તો મૂંઝવણ ઊભી થશે. પણ મને લાગે છે કે કૅપ્ટન નેમો વહાણને ઉત્તર બાજુ જ હાંકશે. આ બાજુના સુધરેલા દેશોથી તે ભાગતો ફરતો હોય તેમ લાગતું નથી. આપણે વળી બીજો લાગ શોધશું.”

નેડ મારા સામું તાકીને જોઈ રહ્યો; આખરે બોલ્યો: “તો પછી આજે જ રાત્રે!”

હા ચમક્યો. નેડના આ વાક્ય માટે હું તૈયાર જ નહોતો. નેડને શો જવાબ આપવા તે મને સૂઝયું નહિ.

કેમ? આપણે નક્કી નહેતું કર્યું કે લાગ આવે ત્યારે નાસી છૂટવું? આજે રાત્રે આપણે લગભગ સ્પેનના કિનારા પાસે આવી પહોંચશું. આજે રાત અંધારી છે, તમારે તૈયાર રહેવાનું છે.”

હું હજુ મૂંગો જ રહ્યો હતો. નેડલૅન્ડ મારી વધારે નજીક આવ્યો અને ધીમેથી બોલ્યો: આજે રાત્રે નવ વાગે; કોન્સીલ પણ તૈયાર છે. કૅપ્ટન નેમો એ વખતે પોતાની ઓરડીમાં હશે. મેં હોડી પણ તૈયાર જ રાખી છે. અંદર થોડોએક ખાવાપીવાનો સામાન પહોંચાડી આવ્યો છું. બધું તૈયાર છે. નવ વાગે તૈયાર રહેજે; હું નિશાની કરીશ.”

“પણ દરિયો આજે જરા તોફાની છે.” મેં કહ્યું.

“હા, એ તો હું જાણું છું. પણ એટલું તે જોખમ ખેડવું જ જોઈએ ને? સ્વાતંત્ર્ય કાંઈ મફત નથી મળતું; વળી હોડી ખૂબ મજબૂત છે. એકદમ ડૂબે તેવીયે નથી. મને તે લાગે છે કે સાજામાંદા પણ દરિયા ને કોઈ કાંઠે તે પહોંચી જ જઈશું. પછી તો ઈશ્વરની મરજી!”

મેડલૅન્ડ ચાલ્યો ગયો. મારા મગજમાં અનેક વિચારોની પરંપરા ચાલી, મારા અંતરમાં તે અહીંથી છૂટવાની ઇચ્છા હતી, પણ આજે જ અહીંથી આ વહાણ છોડીને જવાનું છે એ વિચારે મારા હૃદયમાં ભારે તોફાન મચાવ્યું: “આ મહાસાગર છોડીને જવું? હજુ તે સાગરને કેટલોયે ભાગ નિહાળવાનું બાકી છે. હજુ તો આ મહાન પુસ્તકનું પહેલું પાનું વાંચું ન વાંચું ત્યાં તો મારા હાથમાંથી આ પુસ્તક પડી જશે? હજુ તો મધુર નિદ્રામાં આ મહાન સ્વપ્ન શરૂ થાય ન થાય ત્યાં તો મારી ઊંઘ ઊડી જશે? પણ નેડને કેમ સમજાવાય? અને આ તક ગઈ તો ફરી આવશે જ નહિ, એ વાત પણ એટલી જ સાચી છે.” ઘડીભર એમ પણ થયું કે “વહાણ પોતાની ઉત્તર દિશા બદલીને જો દક્ષિણ દિશા તરફ મોઢું ફેરવે તો કેવું સારું!’ પણ વહાણ તો ઉત્તર તરફ જ ચાલ્યું જતું હતું. પૉર્ટુગલનો કિનારો નજીક ને નજીક આવતો જતા હતા. મારે તૈયાર જ થવું જોઈએ! મારી પાસે સામાનમાં મારી નોંધપોથી સિવાય બીજું કાંઈ ન હતું. મને વિચાર આવ્યો કે “અમારા નાસી જવાથી કૅપ્ટન નેમોની શી સ્થિતિ થશે? જે વાત તેને જગતમાં કોઈને જણાવવી નથી તે વાત અમે તેનો વિશ્વાસઘાત કરીને જગતને જણાવી દેશું! કૅપ્ટન ગમે તે હોય તેયે હજુ સુધી તેનો દોષ કાઢવા જેવું એક પણ કાર્ય અને જોયું નથી. વહાણમાં મને તે જે રીતે રાખે છે એથી વધારે સારી રીતે બીજો કોણ રાખી શકે? જો તે આ વહાણમાંથી ગમે ત્યારે પણ છૂટા થઈને ફરવાનું વચન આપે તો અમે નાસવાનો કદી વિચાર જ ન કરીએ! સોનાની બેડી હોય તોપણ આખરે તે બેડી તો ખરી જ ને?

આવા આવા વિચારોમાં મને ખાવાનું પણ ન ભાવ્યું. સાંજના સાત વાગ્યા. બે જ કલાક બાકી હતા. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું; મારી નાડી પણ જોરથી ચાલવા લાગી. અત્યારે કૅપ્ટન નેમો આવે ને મને જુએ તો તે શું ધારે? હું મારો આવેગ સમાવવા ઘણા પ્રયત્ન કરતો હતો, એક પછી એક પુસ્તક કાઢીને વાંચવાની મહેનત કરતો હતો, પણ એક પણ અક્ષર મને ઊકવતો નહોતો, નાસી છૂટ્યા પછી અમારું શું થશે તેની મને બહુ બીક નહોતી; પણ નાસતાં પહેલાં અમારું કાવતરું પકડાઈ જાય તેનો ડર ખૂબ હતો. અને પકડાઈ ગયા પછી અમારી શી હાલત થાય એની તો કલ્પના જ ભયંકર હતી!

હું કૅપ્ટન નેમોની ઓરડીમાં છેલ્લાં દર્શન કરવા નીકળ્યો. તેની ઓરડી ખાલી હતી. આ વખતે તેની ઓરડીમાં અગાઉ નજરે નહિ પડેલાં ચિત્રો મેં જોયાં. દુનિયાના જુદા જુદા દેશોના સ્વાતંત્ર્ય માટે ખુવાર થઈ ગયેલા મહાપુરુષોનાં તે ચિત્રો હતાં. ગુલામોને કારણે જાન ગુમાવનાર અબ્રાહમ લિંકન, જૉર્જ વૉશિંગ્ટન, આયર્લેન્ડ માટે લડનાર ઓકોનેલ, ઇટલીનો વીર મેઝિની, અને એવા ઘણાનાં ચિત્રો ત્યાં ટાંગેલાં હતાં. કૅપ્ટન નેમો આવાં ચિત્રો પણ શા માટે રાખતો હશે? કોઈ ગુલામ પ્રજાને માટે બહારવટે ચડેલો કોઈ ગુપ્ત વીરપુરુષ તો તે નહિ હોય?”

આઠ થયા; હું ધ્રૂજી ઊઠ્યો! વહાણ હજુ ઉત્તર બાજુ જ ધસતું હતું. હું મારા ઓરડામાં પાછો ગયો; કપડાં પહેરી લીધાં. હું તૈયાર હતો; રાહ જોતો હતો. વહાણનાં યંત્રોનો જ ધીમો અવાજ આવતો હતો. મારા કાન વારે વારે ચમકતા હતા : “નેડને હમણાં કોઈ પકડીને કૅપ્ટન પાસે તો નહિ લાવે?”

એકાએક વહાણનું યંત્ર બંધ પડી ગયું. ચોમેર શાંતિ છવાઈ ગઈ. થોડી વારે એક આંચકો લાગ્યો. મને ખબર પડી કે વહાણ સમુદ્રને તળિયે બેઠું.

એ જ ઘડીએ મારા ઓરડાનું બારણું ઊઘડ્યું અને કૅપ્ટન નેમો અંદર આવ્યા! હું ચમક્યો. મને થયું કે હું પકડાઈ ગયે છું. પણ કૅપ્ટન નેમો તો આવતાંવેંત બોલ્યોઃ “પ્રોફેસરસાહેબ! તમે સ્પેનનો ઇતિહાસ જાણો છો?” 

આ પ્રશ્નથી મને આશ્ચર્ય થયું; પણ મારી બીક ઓછી થઈ. હું જવાબ તે ન આપી શક્યો.

“કેમ, મેં પૂછ્યું કે તમે સાંભળ્યું?” તેણે ફરી પૂછ્યું.

“હા જી; જાણું છું પણ બહુ જ થોડો.”

“ત્યારે બેસો; તમને તેના ઇતિહાસનું એક પાનું બતાવું. આપણે અત્યારે વીગોના અખાતમાં છીએ. તમને યાદ હશે કે આ અખાતમાં વીગોના બંદર પાસે જ ૧૭૦૨ના ઑક્ટોબરની બીજી તારીખે સ્પેનિશ અને ઇંગ્લિશ લશ્કરને લડાઈ જામેલી. સ્પેઈનના લશ્કરના કૅપ્ટને પિતાના થોડા લશ્કરથી પણ દુશ્મન સામે ટક્કર ઝીલેલી અને આખરે પોતે હારવાની અણી ઉપર હતો ત્યારે પોતાના દેશના વેપારીઓનાં કીમતી માલથી ભરેલાં વહાણો દુશ્મનના હાથમાં ન જાય તે ખાતર સળગાવીને ડુબાડી દીધાં હતાં: એ આ જ સ્થળ. હવે તે બધું નજરે જુઓ!”

એમ કહીને તે મને પોતાના સલૂનમાં લઈ ગયો. તેણે સલૂનની બારી ઉઘાડી નાખી. રાત હતી, પણ વીજળીના પ્રકાશથી આસપાસ ઘણા ભાગમાં અજવાળું પડતું હતું. મેં જોયું તો અમારા વહાણના માણસે સમુદ્રમાં જ્યાં ઘૂમતા હતા ત્યાં તૂટી ગયેલાં વહાણોના અવશેષો પડ્યા હતા. પેલા માણસો અંદર ફરી ફરીને કાંઈક એકઠું કરતા હતા. મેં બારીકાઈથી જોયું તો સોનારૂપાની લગડીઓ, ઝવેરાત વગેરે ઘણું તેમાંથી નીકળતું હતું. 

“પ્રોફેસરસાહેબ! દરિયામાંથી આ બધી ધાતુ નીકળી શકે છે; પણ તે કાઢવાનો ખરચ જ ધાતુની કિંમત કરતાં વધારે થઈ પડે છે. આ તો દુનિયાના પૈસાદારોએ ખોયેલો માલ મને તૈયાર મળે છે! અને હવે તમે સમજી શકશો કે હું આટલો બધો પૈસાદાર શાથી છું.”

થોડી વાર શાંત રહ્યા પછી પાછો તે બોલ્યો: “પ્રોફેસર, તમને એમ લાગશે કે આ માણસ બીજાની મહેનતનો લાભ ઉઠાવીને પૈસાદાર થાય છે! પણ હું આ પૈસા મારા માટે એકઠા કરું છું એમ તમે રખે માનતા. શું મારામાં એટલી પણ લાગણી નહિ હોય કે દુનિયાના ભારથી દબાયેલી-કચડાયેલી પ્રજાનો હું વિચાર ન કરું?”

મારા હૃદયમાં કૅપ્ટન નેમો વિશે નવો જ પ્રકાશ પડ્યો. તે દિવસે સેનાની લગડીઓવાળી તિજોરી ક્યાં ગઈ તે મને હવે કાંઈક સમજાયું. ‘આ ભયંકર લાગતો પુરુષ કેવા કોમળ હૃદયનો છે!”

આ વિચારમાં ને વિચારમાં હું અમારી યોજના ભૂલી જ ગયો. વહાણ તો આગળ ચાલવા માંડ્યું હતું.

બીજે દિવસે સવારે નેડ મારી પાસે મારી ઓરડીમાં આવ્યો, તે નિરાશ થઈ ગયો હતો.

“આપણું નસીબ જ આપણી સામે હતું.” મેં કહ્યું.

“મેં બધી તૈયારી કરી તે જ ઘડીએ કૅપ્ટને વહાણને તળિયે ઉતાર્યું!’ નેડે કહ્યું.

“ને તળિયે જઈ તેણે મને વાતોએ ચડાવ્યો, ને મોટો ખજાનો બતાવ્યો!” એમ કહી નેડને મેં ગઈ કાલ રાતની બધી વાત કરી.

નેડને આ વાતમાં બહુ રસ પડ્યો. તેણે કહ્યું: “ઠીક, હજી વખત નથી વીતી ગયો. એક બીજો પ્રયત્ન, અને તે પણ આજે સાંજે જ.”

નેડ ગયો. મેં નેમોના ઓરડામાં જઈને તપાસ કરી તો કંપાસમાં વહાણની દિશા નૈઋત્ય હતી. વહાણ ઉત્તર દિશા તરફ એટલે યુરોપના કિનારા તરફ પોતાની પીઠ ફેરવીને દક્ષિણ બાજુ દોડતું હતું! અગિયાર વાગે અમારું વહાણ સપાટી ઉપર આવ્યું. અમે તરત જ તૂતક ઉપર પહોંચી ગયા. આસપાસ નજર નાખી તો ચારે તરફ પાણી, પાણી ને પાણી! અમે યુરોપના કિનારાથી ખૂબ દૂર નીકળી ગયા હતા. નેડના ક્રોધનો પાર ન હતો.

દરિયો તોફાની હોવાથી અમારે અંદર જવું પડ્યું.

નેડની યોજના પડી ભાંગી; મને પણ તેનું દુઃખ થયું. રાતના હું મારા ઓરડામાં બેઠો હતો ત્યાં અણધાર્યો જ કૅપ્ટન નેમો અંદર આવ્યો ને બોલ્યો : “કાલે રાત્રે મેં તમને જગાડીને ઠીક હેરાન કર્યા, કેમ?”

ના ના, એવું કશું નથી, કૅપ્ટનસાહેબ!” મેં કહ્યું.

“તે પછી આજે એક બીજી નાની એવી સફર માટે તમને બોલાવવા આવ્યો છું, અને તે પણ અત્યારે જ.”

અત્યારે? રાતે? 

“હા, અત્યારે જ. એક વખત રાતની મુસાફરી પણ માણવી જોઈએ ના?”

“હું તો તૈયાર જ છે.”

“તો ચાલો.”

અમે ઊઠ્યા, વહાણ તળિયે બેઠું. અમે પોશાક ચડાવીને સમુદ્રને તળિયે કૂદી પડ્યા.

હું અને કૅપ્ટન નેમો સાથે જ ચાલતા હતા. થોડેક સુધી તે રસ્તો સીધો આવ્યો, પણ પછી પથ્થરવાળી જમીન અને ચઢાવ શરૂ થયો. લાવારસના જામી ગયેલા અણીદાર પથ્થર ઉપર થઈને અમારો રસ્તો જતો હતો. અમે ઊંચે ને ઊંચે ચડતા ગયા. અમે ક્યાં જઈએ છીએ તેની મને ખબર નહોતી. ઘણે સુધી ચાલ્યા; મને હવે થાક પણ લાગવા માંડ્યો હતો. પણ સાથે લીધેલી લાકડીએ ઠીક મદદ કરી. કોઈ કોઈ જગ્યાએ પડખે થઈને કોઈ ભયંકર દરિયાઈ પ્રાણી પસાર થતું જોઈને હૃદયના થડકારા વધી જતા.

કૅપ્ટન નેમો હજુ મને ઊંચે ને ઊંચે લઈ જતો હતો. મારામાં જેટલી શક્તિ હતી તે શક્તિથી હું કૅપ્ટન નેમોની સાથે ચડતો હતો. આખરે કૅપ્ટન નેમો ઊભો રહ્યો. એક ટેકરીની ટોચ આવી. ત્યાંથી મેં આગળ નજર કરી તો તે પછી એટલો જ ઊંચે બીજો ટેકરો દેખાતો હતો. મેં જોયું તો તે પર્વત જ્વાળામુખી હતા. તેમાંથી જ્યારે મેં ધોધમાર લાવા બહાર પડતો જોયો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો પાણીને લઈને જવાળામુખીમાંથી અગ્નિ તે કઈ રીતે નીકળી શકે? પણ લાવારસ પાણી સાથે ભારે યુદ્ધ કરી રહ્યો હતો. અને પાણીને પોતાના અગ્નિથી વરાળ બનાવી દેતો હતો. અહીંથી લાવા પર્વતની ખીણોમાં બે-ત્રણ મોટા પ્રવાહમાં વહેતો હતો. મેં વીજળીબત્તીના પ્રકાશમાં નજર કરી તો તે પર્વતની પાસે એક મોટા નગરનું હાડપિંજર સાવ જીર્ણ અવસ્થામાં પડેલું જોયું. તેનું ટસ્કન સ્થાપત્ય હજુ પણ તેની જૂની ભવ્યતાનો કંઈક ખ્યાલ આપતું હતું. ક્યાંક મોટા દેવળોના તૂટી પડેલા ઘુમ્મટ તો ક્યાંક ફસાઈ પડેલી મોટી મોટી અગાશીઓ, આ નગરની જાહોજલાલી બતાવતાં હતાં. હજુ પણ નગરની શેરીઓ અને રસ્તાઓ સાફ જોઈ શકાતાં હતાં. જાણે. પડદા પર ચીતરેલું કોઈ મહાન ચિત્ર હોય તેવું એ બધું લાગતું હતું. 

“આ શું? આ તે સ્વપ્ન કે સાચું? કૅપ્ટન નેમો મને ક્યાં લઈ આવ્યો? આમ વિચારમાં પડ્યો હતો ત્યાં કૅપ્ટન મારી પાસે આવ્યા અને નીચે પડેલો એક ભૂખરો પથ્થર હાથમાં લઈને તેણે પાસેના એક સપાટ ખડક ઉપર લખ્યું: “આટલાંટિસ.”

આ શબ્દો મારા મગજમાં પ્રકાશ પાડ્યો. મહાન ગ્રીક ફિલસૂફ પ્લેટોનું આટલાંટિસ તે આ? કેટલાક ઇતિહાસકારો આટલાંટિસ નગરને કલ્પનાનું જ શહેર માને છે; કેટલાક ખરેખર હતું તેમ પણ માને છે. મારી તે દૃષ્ટિ સન્મુખ તે ખડું થયું! અમે પાછા ફર્યા પણ મારું મન ત્યાં જ હતું. હું એટલે બધો વિચારમાં પડી ગયાં હતાં કે અમે વહાણ ઉપર ક્યારે આવ્યા તેની મને ખબર ન રહી!

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book