૨૦. બરફની દીવાલ

બીજે દિવસે અગિયાર વાગે અમારું વહાણ દરિયાની સપાટી ઉપર તરતું હતું. અમે બધા વહાણના તૂતક ઉપર ઊભા હતા, ત્યાં નેડે બૂમ મારીઃ “જુઓ, પણે વહેલ દેખાય.” મને તેથી આશ્ચર્ય ન થયું, કારણ કે મને ખબર હતી કે વહેલ માછલીઓ શિકારીઓની બીકને લીધે મોટે ભાગે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવના ભાગમાં ભરાઈ રહે છે.

“ઓહો! કેવડી મોટી છે! અત્યારે એક હોડી હોય તો કેવી મજા આવે! કેવી હવા ને વરાળ તેના નાકમાંથી નીકળે છે!” માછલી જોતાંની સાથે જ નેડનો પિતાનો અસલ શોખ જાગ્રત થયો; તેનું દિલ શિકાર માટે ઊંચુંનીચું થવા લાગ્યું.

ધીમે ધીમે વહેલ પાસે આવતી જતી હતી. નેડની નજર તેની સામે ને સામે જ ચાેંટેલી હતી. “અરે, અરે! આ તો એક જ વહેલ નથી; દસ, વીસ…અહોહો! આ તો ટોળાબંધ વહેલો છે અરે, હવે હું શું કરું? મને અહીં લાચાર બનાવી મૂક્યો છે.. નહિતર..” નેડે આવેશમાં આવી પગ પછાડ્યો.

“પણ તો કૅપ્ટનની રજા માગી લે ને?” કોન્સીલે કહ્યું.

નેડ તરત જ નીચે ઊતરીને કૅપ્ટન પાસે ગયો. થોડી વારમાં તે અને કૅપ્ટન બંને ઉપર આવ્યા.

કૅપ્ટન નેમોએ સમુદ્ર ઉપર નજર નાખી. “ઓહો! આ તો દક્ષિણની વહેલો છે!”

“કેમ, આના શિકાર માટે કાંઈ થઈ શકે કે નહિ?” નેડે પૂછ્યું. 

“શા માટે? હમણાં આપણે વહાણમાં તેના તેલની કે બીજા કોઈ પદાર્થની જરૂર નથી.”

“પણ કંઈ જરૂર હોય તે જ શિકાર થાય?” નેડે પૂછ્યું.

“હા જ તો! જરૂર પડે ત્યારે નછૂટકે શિકાર કરવો પડે. શિકાર તો આપણી લહેર ખાતર તેમને મારવાની વાત છે; એ કેમ ચાલે? તમને જીવવાનો અધિકાર છે એટલો જ અધિકાર તેમને પણ છે. તે બિચારીને દરિયામાં પણ કેટલા શત્રુઓ છે? શાક, કૅચેલૉટ, વગેરે ભયંકર દરિયાઈ માછલીઓ રાતદિવસ તેમને જપવા નથી દેતી. તેમાં વળી તમે ઉમેરો કરવાનો વિચાર કરો છો?”

આ ધર્મોપદેશ નેડ ઉપર કશી અસર કરે તેમ ન હતું. નેડ તો એટલું જ સમજ્યો કે પોતાને શિકારની ના પાડી છે.

“જુઓ; દૂર નજર કરો. આઠ માઈલને અંતરે પાણીમાં તમને કંઈ તરતું લાગે છે?’ કૅપ્ટને મને પૂછ્યું.

“હા.”

“એ જ આ વહેલ માછલીની શત્રુ છે. કેચૅલોટ નામની માછલીઓ આ વહેલની પાછળ જ પડી હોય એમ લાગે છે. આ માછલીઓ બહુ ક્રૂર ને ભયંકર હોય છે, તેમને મારવામાં પાપ નથી.”

નેડ તૈયાર થઈ ગયો. “કૅપ્ટનસાહેબ! તો પછી હોડી છોડશું?”

“ના ના, એમ એકલા હોડીમાં નીકળવામાં તો આપણું મોત જ છે. આ કંઈ સામાન્ય માછલીઓ નથી. તમે જુઓ, આપણે કશી મહેનત કરવી નહિ પડે. મારું વહાણ જ એ માછલીઓને પહોંચી વળશે, ને એક નવી જ જાતનો શિકાર જોવાનું પણ તમને મળશે.”

દરમિયાન વહેલ માછલીઓનું ટોળું ઝપાટાબંધ નજીક આવી પહોંચ્યું. તે ટોળું ગભરાટમાં આમથી તેમ ભાગતું હતું. સમુદ્રનું પાણી એટલામાં એટલું બધું ખળભળી ઊઠ્યું કે અમારું વહાણ આખું ડોલી ઊઠ્યું. તેમની પાછળ કૅચેલૉટ માછલીઓનું ટોળું પણ એટલી જ ઝડપથી ધસ્યે આવતું હતું. કૅચેલૉટ માછલીની ઝડપ આગળ વહેલનું ટોળું ન પહોંચી શક્યું. બધાં એક થઈ ગયાં, અને જોતજોતામાં તો યુદ્ધ જામી પડ્યું. કૅચેલૉટ માછલીઓ મજબૂત હતી; એટલું જ નહિ પણ તેમનો એક લાભ એ હતો કે પાણીમાં તેઓ વહેલ માછલી કરતાં વધારે વખત રહી શકતી હતી. એટલે ડૂબકી મારીને વહેલ માછલી ઉપર તે ઓચિંતો હુમલો કરતી અને પોતાના તીક્ષ્ણ દાંતથી તેને વીંધી નાખતી – ચીરી નાખતી. વહેલ માછલીની ભયંકર ચીસો સંભળાતી હતી.

દૃશ્ય કમકમાટી ઉપજાવે તેવું હતું. કૅપ્ટન નેમો તરત જ આ કૅચેલૉટના પંજામાંથી વહેલને બચાવવા તૈયાર થઈ ગયો. તેણે સુકાનનું મોઢું બદલાવીને વહેલો અને કેચેલૉટ માછલીની વચ્ચે પોતાનું વહાણ નાખ્યું; અને વહાણની આગળ ભયંકર કરવતી જેવો જે પંખો હતો તે મશીનથી ચાલુ કરાવી દીધો. કૅચેલૉટ આ પંખાની દાંતીમાં જોતજોતામાં કરવત તળે ઇમારતી લાકડાં વહેરાય તેમ બે ભાગમાં ચિરાઈ જતી હતી. કૅચેલૉટ ડૂબકી મારે ત્યારે આ વહાણ પણ ડૂબકી મારીને તેને પકડી પાડતું, એક પછી એક કૅચેલૉટને પકડી પકડીને કૅપ્ટન તેનો સંહાર કરવા લાગ્યો!

સમુદ્રનાં પાણી પણ લાલ લાલ થઈ ગયાં. માછલીઓની મૃત્યુની ચીસો કાન ચીરી નાખતી હતી. વહેલ માછલીઓ તો જીવ લઈને નાસી જ ગઈ હતી; કેચેલૉટમાંથી પણ ઘણીખરી મરી ગઈ અને બાકીની નાસી ગઈ.

અમારું વહાણ જાણે લોહીના સમુદ્રમાંથી આગળ ચાલ્યું. નેડ કૅપ્ટનની આ શક્તિ જોઈને મોંમાં આંગળાં નાખી રહ્યો.

આગળ વધ્યા પછી એકાદ માઈલને અંતરે એક વહેલ માછલી અમે તરતી જોઈ. તે અડધી ઊંધી થઈ ગઈ હતી; એક નાનું બચ્ચું તેને પેટે વળગેલું હતું. બંને કૅચેલૉટની તલવારથી ઘાયલ થઈને મરી ગયાં હતાં. વહેલ માછલી તાજી જ વીંધાયેલી લાગતી હતી. કૅપ્ટને તરત જ પોતાના એક માણસને હોડીમાં બેસાડીને તે વહેલ માછલી પાસે મોકલ્યો; ઘણી વારે દૂધનાં બે મોટાં વાસણો ભરીને તે પાછો આવ્યો.

“જુઓ, પ્રોફેસરસાહેબ! આ વહેલ માછલીનું દૂધ! વહેલ હજુ હમણાં જ મરી લાગે છે. દૂધ તાજું છે. ગાયના દૂધ કરતાં આ કોઈ રીતે ઊતરતું નથી. પી જુઓ.’ એક પ્યાલામાં લઈને મેં તે દૂધ પીધું; સ્વાદમાં તે ગાયના દૂધ જેવું જ હતું.

વહાણ હજુ, દક્ષિણમાં ને દક્ષિણમાં જ આગળ વધ્યે જતું હતું.. “આ વહાણ તે આમ ને આમ ક્યાં સુધી જશે? દક્ષિણ ધ્રુવ સુધી તો નહિ જાય? ના ના, હજુ સુધી ત્યાં કોઈ જઈ શક્યું જ નથી. અને કદાચ કૅપ્ટન ત્યાં જવાનું સાહસ કરે તોપણ તેને માટે અત્યારે ઋતુ અનુકૂળ નથી.”

૧૪મી માર્ચે પ૫° અક્ષાંશ ઉપર મેં પહેલવહેલો તરતો બરફ જોયો. આ ટુકડો માંડ ૨૦ થી ૨૫ ફૂટ જ લાંબો હતો. ધીમે ધીમે આવા બરફના તરતા ટુકડાઓનું પ્રમાણ વધતું ગયું – સંખ્યામાં અને કદમાં જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ સૂર્યનાં કિરણોમાં ચળકાટ મારતાં બરફનાં પહાડો અને મેદાનો વધતાં ચાલ્યાં. દક્ષિણ ધ્રુવવાસી પક્ષીઓ હજારોની સંખ્યામાં આ બરફના બેટો ઉપર બેઠાં બેઠાં તેમના તીણા અવાજથી દિશાઓ ગજવી મૂકતાં હતાં. કોઈ કાઈ તો અમારા વહાણને કોઈ દરિયાઈ પ્રાણી ધારીને તેના પર હલ્લો કરવા માટે વહાણની ઉપર બેસતા અને તેને સાચાંઓ મારતા.

અમારું વહાણ સપાટી ઉપર જ ચાલતું અને એ જ સહીસલામત હતું, કારણ કે વહાણનો રસ્તો બરફના ડુંગરાઓ તથા બેટોની વચ્ચે થઈને કાઢવાને હતા. મને જેટલો ભય હતા, તેટલું જ કુતૂહલ હતું. આ પ્રદેશનું સૌંદર્ય તે અવર્ણનીય હતું – બરફના પહાડો ઉપરથી ધસી આવતી બરફની મોટી મોટી ભેખડો, તેને પાણીમાં પડતી વખતને અવાજ, મદઝરતા હાથી જેવા બરફના પર્વતરાજો ડોલતા ડોલતા સ્વચ્છંદે આ દક્ષિણ ધ્રુવપ્રદેશના પાણીમાં વિહાર કરતા હતા. આની વચ્ચે થઈને રસ્તો કાઢવાનું કામ બહુ કપરું હતું. કૅપ્ટન ગમે ત્યાંથી તેના વહાણ માટે રસ્તો શોધી કાઢતો હતો. ક્યાંક ક્યાંક બરફને તોડી નાખીને પણ વહાણ પોતાનો રસ્તો આગળ કરતું; ક્યાંક ક્યાંક કુહાડા ને કોદાળી લઈને બરફને તોડવો પડતો. ઉપરથી પણ બરફ વરસ્યા કરતો હતો. ઉષ્ણતામાન શૂન્યની નીચે ૫° સુધી ગયું હતું. વહાણની દિશા ચોક્કસ કરવી એ પણ મુશ્કેલ હતું, કારણ કે પૃથ્વીના ધ્રુવ અને લોહચુંબકના ધ્રુવ બંને વચ્ચે અંતર હોઈ એ બે વચ્ચેનું માપ ચોક્કસ કરવાનું કામ મુશ્કેલ હતું.

આખરે ૧૮મી માર્ચે નૉટિલસ કુદરતબળ પાસે હાર્યું. નૉટિલસને રસ્તો બંધ થઈ ગયો, આગળપાછળ તથા આસપાસ ચારે તરફ બરફના કિલ્લા બંધાઈ ગયો. દક્ષિણના ધ્રુવરક્ષક ચોકીદારો જેવા, ખભેખભા અડાડીને જાણે ઊભા હોય એમ બરફનાં પહાડો ને મેદાનો નૉટિલસને ઘેરી વળ્યાં. વહાણ અટકી પડ્યું, ક્યાંય પાણી દેખાતું નહોતું. સઘળે બરફ, બરફ ને બરફ છવાઈ રહ્યો હતો!

નેડે આવીને મને કહ્યું: “કેમ, આખરે તમારા કૅપ્ટન પણ સપડાયે ને?”

“હજુ એમ કેમ કહેવાય?” મેં કહ્યું.

“ત્યારે હજુ તમને આશા છે, એમ? કૅપ્ટન બુદ્ધિશાળી છે એમાં ના નહિ; પણ કુદરત આગળ કોઈનું ચાલ્યું છે? હજુ પાછા ઉત્તર બાજુ જવું હોય તો તે બને એમ છે; કારણ કે એ રસ્તો ગમે તેમ કરીને કરી શકાય; પણ આગળ તો હવે ઠેઠ સુધી બરફ સિવાય બીજું કાંઈ નહિ મળવાનું.”

નેડની વાત સાચી હતી. બરફની દીવાલ વીંધીને જવાય કઈ રીતે? સિવાય કે બરફ ઉપર ચાલનારું વહાણ કોઈ શોધી કાઢે!

આ દરમિયાન બરફને તોડી નાખવા માટે વહાણ અથાગ શ્રમ કરી રહ્યું હતું; પણ તેમાં સફળતા મળે તેમ જણાયું નહિ.

હું પણ વહાણના તૂતક ઉપર ઊભો ઊભો આ બધું જોયા કરતો હતો. ત્યાં પાછળથી અવાજ આવ્યો: “કેમ પ્રોફેસરસાહેબ! હવે શું કરશું?” કૅપ્ટન મારી પાસે આવીને ઊભો હતો.

“મને લાગે છે કે આપણે સપડાઈ ગયા!” મેં કહ્યું,

“સપડાઈ ગયા એટલે શું?” તેણે પૂછ્યું.

“એટલે કે આપણે હવે આગળ કે પાછળ ક્યાંયે જઈ શકીએ એમ નથી.”

“પ્રોફેસર! તમે મુશ્કેલીઓ જ જુઓ છે; આપણે આટલે આવ્યા તે હવે આગળ વધ્યા સિવાય ચાલે?”

“હજુ આગળ જવું છે?” 

“હા જ તો. હજુ દક્ષિણ ધ્રુવને છેડે પહોંચવું છે.”

“દક્ષિણ ધ્રુવ!’ મારા મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો.

“હા હા, દક્ષિણ ધ્રુવ. હજુ સુધી ત્યાં કોઈ ગયું નથી. હું પણ નથી ગયો. આપણે બંને સાથે એની શોધમાં આજે જઈએ છીએ. આપણે આગળ જવું જ જોઈએ.” કૅપ્ટને કહ્યું.

“હા; પણ તે કઈ રીતે?”

“કઈ રીતે? આપણે બરફને તોડી નાખશું; અને જો નહિ તૂટે તો તેની ઉપર થઈને ચાલ્યા જઈશું,”

“ઉપર થઈને?”

“ના, ના. ઉપર થઈને નહિ પણ નીચે થઈને; મારી બોલવામાં ભૂલ થઈ.”

મારા મગજમાં નવો જ પ્રકાશ પડ્યો. ઘણા દિવસથી પાણીની ઉપર જ સફર ચાલતી હતી તેથી આ વહાણ પાણીની નીચે પણ ચાલી શકે છે એ હું ભૂલી જ ગયેલો!

“કેમ, હવે તમને લાગે છે ને આપણે જઈ શકીશુ? જો દક્ષિણ ધ્રુવ ઉપર જમીન હશે તો આપણે તેને કાંઠે ઊતરશું અને જો સમુદ્ર હશે તો વહાણ સીધું દક્ષિણ ધ્રુવના છેડે જ જઈને ઊભું રહેશે.”

“બસ! હવે બરાબર છે, બરફ જેટલો બહાર દેખાય છે તેથી ત્રણગણો અંદર હોય છે. અને સામે દેખાતા બરફના ડુંગરો વધારેમાં વધારે ૩૦૦ ફૂટ ઊંચા દેખાય છે, માટે બહુ તો ૯૦૦ ફૂટ આપણે ઊંડે જવું પડશે.”

 “અને ૯૦૦ ફૂટ એટલે કાંઈ નહિ, પણ એક મુશ્કેલી આવશે અને તે એ કે આપણે ઘણા વખત સુધી સમુદ્રની નીચે રહેવું પડશે, એટલે તાજી હવા નહિ મળે.” કૅપ્ટને શંકા કરવા માંડી.

મને ધીમે ધીમે ઉત્સાહ ચડતો જતો હતો. મેં કહ્યું: “આપણાં હવા ભરવાનાં ટાંકાં પૂરેપૂરાં ભરી નાખો. ઘણી વખત સુધી આપને તેમાંથી હવા મળ્યા કરશે.’ 

“બરાબર, બરાબર!” કૅપ્ટન જરાક હસ્યો. પણ હજુ એક બીજી મુશ્કેલી છે. દક્ષિણ ધ્રુવને છે કે જે પાણી કે જમીનને બદલે એકલો બરફ જ જામી ગયેલ હશે તે?”

“તો શું? આપણું વહાણ બરફ તોડીને ઉપર આવશે. પરંતુ જેમ ઉત્તર ધ્રુવમાં છે. સમુદ્ર છેડે તેમ અહીં પણ શા માટે સમુદ્ર, નહિ હોય?”

કૅપ્ટન નેમોએ કહ્યું: “પ્રોફેસરસાહેબ! આજે તમે ભારે હિંમત બતાવી. આજે તો મારા મનમાંય જે થોડીઘણી નિરાશા હતી તે પણ તમે દૂર કરી! આપણે જરૂર આગળ વધશું.”

“તરત જ કૅપ્ટને એક માણસને બોલાવ્યો ને તેને તેની વિચિત્ર ભાષામાં હુકમ આપ્યો. બીજી જ ક્ષણે વહાણનાં હવાનાં ટાંકાં ભરાવા માંડયાં; ને પછી પાણીનાં ટાંકાં પણ ભરાવા માંડ્યાં. હું તથા કૅપ્ટન વહાણની અંદર ચાલ્યા ગયા, બારણું દેવાઈ ગયું, ને વહાણ ધીમે ધીમે પાણી ભરાવાથી નીચે ઊતરવા લાગ્યું.

મેં નેડને તથા કોન્સીલને આ બધી વાત કરી. તેણે કહ્યું: ‘અત્યાર સુધી વહાણમાં એક જ મૂર્ખ હતો; હવે બે થયા! તમે દક્ષિણ ધ્રુવ જશો ખરા, પણ ત્યાંથી પાછા આવશે નહિ!”

“પણ ત્યાં તે આપણે બધા સાથે જ છીએ ને!” મેં મશ્કરીમાં કહ્યું.

“હા, એ જ તે દુર્ભાગ્ય છે!”

વહાણની આસપાસ જામી ગયેલો બરફ કુહાડા લઈને તેડી નાખ્યો. આથી વહાણને નીચે ઊતરવામાં બહુ મુશ્કેલી ન નડી. વહાણ જોતજોતામાં ૯૦૦ ફૂટ નીચે ગયું. મેં ધાર્યા પ્રમાણે જ અહીં હવે પાણી આવ્યું, પણ સલામતી ખાતર અમારું વહાણ સહેજ વધારે નીચે ઊતર્યું; અને પાણુ કાપતું આગળ વધવા લાગ્યું. અહીં પાણીનું ઉષ્ણતામાન પણ ૧૦૦ હતું.

વહાણ સાધારણ ગતિએ આગળ વધ્યે જતું હતું. કોન્સીલ મારી પડખે જ બેઠો હતો. તેણે કહ્યું: “હવે લાગે છે કે આપણે ધારેલે સ્થળે પહોંચી જઈશું.”

વહાણ જેમ જેમ આગળ જતું હતું, તેમ તેમ મારા મનની આતુરતા વધતી જતી હતી. હું ભાગ્યે જ ઊંઘતો. આખો દિવસ અને રાત મૅનેમિટર ઉપર નજર રાખ્યા કરતો. કોઈ વાર બરફને લીધે વહાણને ૧૦૦૦થી ૨૦૦૦ ફૂટ સુધી નીચે ઊતરવું પડતું! ક્યાંક ક્યાંક તો ૫૦૦ વામ સુધી નીચે ઊતરવું પડતું! વહાણ ને દરિયાની સપાટીને કેટલું બધું અંતર રહેતું હતું! રાતના આઠ વાગ્યા. હજુ સુધી વહાણમાંનાં હવાનાં ટાંકામાંથી હવા કાઢવાની જરૂર નહોતી પડી. સૂવાનો વખત થયો. મારી આંખ ઘેરાતી હતી, પણ આશા અને નિરાશા વચ્ચે મારું મન એટલું બધું ખેંચાતું હતું કે હું ઘડીકમાં જાગી જતો હતો. સવારે ત્રણ વાગે બરફનો થર પાતળો થયો હોય એમ લાગ્યું. મૅનોમિટરનો કાંટો દરિયાની સપાટીથી અમારું વહાણ ફક્ત ૨૫ વામ ઊંડે છે એમ બતાવતો હતો; અને ધીમે ધીમે તે અંતર પણ ઓછું થતું જતું હતું. વહાણ ઉપર ને ઉપર ચડતું જતું હતું.

આખરે ૧૯મી માર્ચના સવારના છ વાગે મારા ઓરડાનું બારણું ખૂલ્યું ને કૅપ્ટન નેમો દેખાયો.

“દરિયાની સપાટી આવી ગઈ!” તે બોલ્યો.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book