૧૧. ભેખડે ભરાયા

બીજે દિવસે હું જાગ્યો ત્યારે મારો બધો થાક ઊતરી ગયો હતો. હું ઊઠીને તરત જ વહાણના તૂતક ઉપર ગયો. વિશાળ સમુદ્ર ચારે તરફ વીંટળાઈને પડ્યો હતો. ક્યાંયે જમીન કે વહાણ દેખાતાં નહોતાં. કે બેટ પણ દેખાતો બંધ થઈ ગયો હતો, હું ક્યાંય સુધી સમુદ્રના તરંગોની પરંપરા જોતો ઊભો રહ્યો. કૅપ્ટન નેમો થોડી વારે ઉપર આવ્યો; તેની સાથે થોડાએક માણસો પણ હતા. માણસો તેમના ચહેરા ઉપરથી બરાબર ઓળખી શકાયા નહિ, પણ બધા યુરોપિયન હતા એમ તો લાગતું જ હતું. આ લોકો ભાગ્યે જ બોલતા; અને બોલતા તે પણ બહુ જ વિચિત્ર ભાષામાં.

માણસોએ પાણીમાં જાળો નાખી અને જોતજોતામાં ચિત્રવિચિત્ર માછલીઓ એ જાળમાં ખેંચાઈ આવી.

બધા માણસો ધીમે ધીમે નીચે ચાલ્યા ગયા. કૅપ્ટન નેમો હવે મારા તરફ ફરીને બોલ્યો: “પ્રોફેસર! સમુદ્ર એ કેવી અદ્ભુત ચીજ છે! ખરું જીવન જ અહીં છે, એમ તમને નથી લાગતું? આખી રાત આપણી જેમ નિદ્રા લઈને જાણે અત્યારે તે જાગ્યો હોય એમ લાગે છે!” 

આ માણસની રીતભાત કેવી વિચિત્ર કહેવાય! વિવેકના બેચાર શબ્દ બોલ્યા સિવાય સીધી વાત જ કરવા લાગે છે!

“જુઓ! સૂર્યનાં કિરણો ધીમે ધીમે તેને પંપાળીને જગાડે છે.” એટલું બોલીને તે એકીટસે કેટલીય વાર સુધી સમુદ્ર તરફ જોઈ રહ્યો.

નીચે ઊતરી કૅપ્ટન નેમો પોતાના ઓરડામાં ગયો. હું પણ મારા ઓરડામાં ગયો. અમારું વહાણ ૨૦ માઈલની ગતિએ આગળ ચાલવા માંડ્યું. બે-ત્રણ અઠવાડિયાં સુધી સતત મુસાફરી ચાલુ રહી. વચ્ચે ખાસ કોઈ બનાવ ન બન્યો. ફક્ત ચિત્રવિચિત્ર માછલાંઓ અને બીજાં પ્રાણીઓ દીવાનખાનાના ઓરડાની બારીમાં બેઠા બેઠા હું જોયા કરતો હતો.

*

૧૮૬૮ની સાલનું પ્રભાત થયું. સવારમાં વહેલો ઊઠીને હું વહાણના તૂતક ઉપર દરિયાની ખુશનુમા હવા લેતો ઊભો હતો. પાછળથી કોન્સીલે આવીને મને કહ્યું: “નૂતન વર્ષનાં આપને અભિનંદન આપું છું!”

“હું પણ તને અભિનંદન આપું છું. પણ આપણે આ નવું વરસ કેવું નીકળશે તે કહી શકાય તેવું નથી. પણ તે સુખી જ નીવડે એવી આશા રાખીએ.”

“હા જી. વહાણમાં આપણે કેદી થયા, ત્યાર પહેલાં મને કૅપ્ટન નેમે જરા ભયંકર માણસ લાગતો હતો. હવે તો આપણે જાણે વહાણના ઉતારુઓ હોઈએ એમ ફરી શકીએ છીએ.”

“નેડ શું માને છે?”

“નેડ મારાથી તદ્દન વિરુદ્ધ મત ધરાવે છે. તેને પહેલાં તો અહીંનું ખાવું જ ભાવતું નથી. વળી આમ રાતદિવસ પુરાઈ રહેવું એ તેને કેમ ગમે? તેને માછલીઓ વિશે રસ છે, પણ તે ખાવા પૂરતો જ. મારો વખત તો આપની સાથે માછલીઓના જુદા જુદા પ્રકારો જોવામાં અને અવલોકનમાં આનંદથી ચાલ્યો જાય છે.”

“મને પણ અહીં ઠીક ફાવી ગયું છે.” મેં કહ્યું. “હું તો જાણે કોઈ મહાન સંગ્રહસ્થાનમાં બેઠો બેઠો અભ્યાસ કરતો હોઉં એવું લાગે છે. ફક્ત એક જ વસ્તુ મને સાલે છે કે આ નવા વર્ષના અભિનંદન વખતે હું તને કોઈ ભેટ આપી શકતો નથી.”

“પણ હું કોઈ ભેટની આશાએ આપની સાથે અત્યાર સુધી રહ્યો જ નથી.’

૪થી જાન્યુઆરીએ અમારી નજરે પાપુઆ બેટનો કિનારો દેખાયો. કૅપ્ટન નેમોએ મને કહ્યું હતું કે તેને વિચાર ટેરસની સામુદ્રધુનીમાં થઈને હિંદી મહાસાગરમાં પ્રવેશ કરવાનો હતો.

ટૉરસની સામુદ્રધુની પસાર કરવી એ દુનિયામાં કોઈ પણ સાહસિકમાં સાહસિક વહાણવટી માટે અસંભવિત જેવું હતું. તેની અંદર એવી તો અણીદાર ખડકની દાંતી આવેલી છે કે મજબૂતમાં મજબૂત વહાણને પણ તે ચીરી નાખે! કેટલાંય વહાણો આ સામુદ્રધુનીના ગર્ભમાં સમાઈ ગયાં છે. આ ઉપરાંત પણ એ જગ્યા એક બીજી રીતે ભયંકર છે; ત્યાંના જંગલી લોકોની વસ્તી કાંઈ ઓછી ભયંકર નથી. પાપુઅન છે કે મનુષ્યભક્ષી તરીકે દુનિયામાં પ્રખ્યાત ગણાય છે.

નૉટિલસ આ બધાં જોખમને પણ અવગણીને ટૉરસની સામુદ્રધુની તરફ ધસ્યે જતું હતું. આમ તો તે સામુદ્રધુની લગભગ ૧૦૯ માઈલ પહોળી છે. પણ વચ્ચે નાના નાના કેટલાયે બેટો તેમાં આવે છે. કૅપ્ટન નેમો ખૂબ સાવચેતીથી એમાંથી પોતાનું વહાણ લઈ જતો હતો. એને વહાણની ગતિ પણ સાવ ધીમી રાખવી પડી હતી.

આસપાસનો દરિયો ખૂબ તોફાની હતો. સાંકડી જગ્યામાં આવીને પાણી જાણે મૂંઝાતું હોય તેમ ઉછાળા મારતું હતું અને એને લીધે આખું વહાણ ડોલતું હતું. એકાએક આંચકો લાગ્યો અને હું પડી ગયો. નૉટિલસ અટકી ગયું. તે એક ખડકની દાંતીમાં ભરાઈ ગયું હતું. ઓટ થતો જતો હોવાથી દાંતી હવે ચોખ્ખી બહાર દેખાતી હતી.

હું વહાણના તૂતક ઉપર પહોંચી ગયો. કૅપ્ટન નેમો પણ મારી પહેલાં જ ત્યાં પહોંચી જઈ અદબ વાળીને ઊભો હતો.

કેમ કૅપ્ટનસાહેબ! કંઈ અકસ્માત થયો?

“ના રે ના, અકસ્માત જેવું તે આમાં કશું જ નથી. એક બહુ સાધારણ બનાવ બન્યો છે.”

“વારુ, પણ આ બનાવ મને તો એવો લાગે છે કે હવે દરિયામાં આ વહાણથી તમે મુસાફરી કરી શકો એમ મને લાગતું નથી. વહાણ બરાબર ભરાઈ ગયું છે!”

એમ નથી, પ્રોફેસર! હજુ તે આ વહાણમાં તમારે મારી સાથે રહીને ઘણી લાંબી મુસાફરી કરવાની છે. મુસાફરીની તો હજુ શરૂઆત થાય છે.”

“હા; પણ તમે જાણો છો કે પાસિફિક મહાસાગરમાં ભરતી બહુ જોરમાં નથી આવતી, એટલે હવે આ વહાણનું વજન સાવ હલકું ન થાય ત્યાં સુધી તે ફરીવાર તરતું થાય એમ મને નથી લાગતું.”

“તમારી વાત થોડીએક સાચી છે. પણ આ ટૉરસની સામુદ્રધુનીમાં ભરતી અને ઓટ વચ્ચે પાંચ દિવસનો તફાવત પડે છે. આજે ચોથી જાન્યુઆરી થઈ. પાંચ દિવસ પછી પૂનમનો ચંદ્રમા ઊગશે ત્યારે એવી ભરતી ચડશે કે મારું વહાણ આપોઆપ બહાર નીકળી આવશે. ફક્ત પાંચ દિવસ આપણે રાહ જોવી પડશે એટલું જ.”

કૅપ્ટન નેમો નીચે ગયો. નેડ મારી પડખે જ ઊભો હતો. કૅપ્ટનના ગયા પછી તે બોલ્યો: “કેમ પ્રોફેસરસાહેબ! આ કંઈ ઠીક ન થયું.”

“હા. હમણાં તો પાંચ દિવસ આપણે અહીં આરામ કરવાનો.” મેં કહ્યું.

“મને તો લાગે છે કે કાયમને માટે અહીં જ આરામ કરવાનું રહેશે.”

“ના, ના. એમ તે હોય? કૅપ્ટનની ગણતરી ખોટી હોય નહિ.”

“અરે, કૅપ્ટનની શું, ભલભલાની ગણતરી અહીં ખોટી પડી જાય એવું છે. પણ આ આપણા લાભની વાત છે એમ મને લાગે છે.”

કેમ?”

“વહાણમાંથી નાસી છૂટવાનો આ સરસ લાગ છે.”

નેડ! તને ખબર નથી, કદાચ ધારો કે આ જગ્યાએથી નાસી છૂટીને આપણે ભાગ્યા; પણ ભાગીનેય ક્યાં જવાના છીએ? ઊલટા અહીંથી નાસીને જો પાપુઆ બેટમાં ભરાયા તો આપણે નાસ્તો કરવા માટે જંગલીઓ તૈયાર બેઠા છે! એના કરતાં તો અહીં ઠીક છે. આ કંઈ ઇંગ્લાંડને કે ફ્રાન્સનો કિનારો નથી; અહીંથી નાસવું એ તે ચૂલામાં જવા જેવું છે.”

“તો કાંઈ નહિ. પણ આ પાંચ દિવસ આપણે આ બેટ ઉપર ફરી શકીએ એવું થાય તોયે ઠીક છે.”

“હા, એ ઠીક છે. ઘણા વખતથી જમીન ઉપર પગ નથી મૂક્યો. જરાક પગ છૂટો થાય તો સારું.’ કોન્સીલે નેડને ટેકો આપ્યો.

“ભલે, હું કૅપ્ટનની રજા માગી જઉં.” મેં કહ્યું.

“એમાંય રજા?”

“હાસ્તો.”

હું રજા લેવા માટે કૅપ્ટન નેમો પાસે ગયો. મને તો ખૂબ બીક હતી કે રજા નહિ મળે; એટલું જ નહિ પણ વધારામાં ક્યાંક ઓરડીમાં પુરાઈ રહેવું પડશે. પણ મેં રજા માગી કે તરત જ કૅપ્ટને રાજીખુશીથી હા પાડી. મારી પાસેથી વખતસર પાછા ફરવાનું વચન તેણે માગ્યું.

અમને એક નાની હોડી આપવામાં આવી. નેડ આનંદઘેલો થઈ ગયો હતો. બીજે દિવસે સવારે બધી તૈયારી કરીને અમે ત્રણે જ હોડીમાં ચડી બેઠા. નેડ અમારો ખલાસી હતો. મોટાં મોટાં વહાણો જેમાં ચિરાઈ જાય એવી ધારમાં થઈને અમારી નાની હોડી, રમતી રમતી ચાલી જતી હતી. નેડના થાંભલા જેવા હાથમાંનાં હલેસાં પાણીને કાપતાં કાપતાં થોડી જ વારમાં અમારી હોડીને કિનારે લઈ ગયાં.

લગભગ સાડાઆઠ વાગે અમે જમીન ઉપર પગ દીધો.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book