૨૨. બરફમાં પુરાયા

બાવીસમી માર્ચે સવારના છ વાગ્યામાં અમારું વહાણ ઊપડવા માટે તૈયાર થઈ ગયું. સંધ્યાને આછો પ્રકાશ ધીમે ધીમે રાત્રિમાં મળી જતો હતો. ઠંડી ખૂબ હતી. નક્ષત્રમંડળ સ્વચ્છ આકાશમાં પ્રકાશી રહ્યાં હતાં. મધ્યાકાશે સ્વસ્તિકનું નક્ષત્રમંડળો વિરાજતું હતું. થરમૉમિટરમાં પારો શૂન્યની નીચે ૧૨ ડિગ્રી ઊતરી ગયો હતો, અને પવન વાતો ત્યારે ઠંડી શરીરને જાણે વીંધી નાખતી! બરફનાં ચોસલાંઓ જામતાં જામતાં મોટા ખડકે બંધાતા જતા હતા. 

વહેલ માછલીઓ તો બરફની ઋતુ પહેલાં જ આ ભાગોમાંથી ઓછા ઠંડા ભાગોમાં ચાલી ગઈ હતી. સીલ આ જામતા જતા બરફ ઉપર કૂદકા મારતાં હતાં; કોઈક કોઈક પોતાને માટે બરફમાં બખોલો પણ ખોદતાં હતાં.

અમારું વહાણ આ બરફના ખડકોની વચ્ચે થઈને દરિયાની સપાટી ઉપર તો ન જ ચાલી શકે. તરત જ પાણીનાં ટાંકાંઓ ભરાયાં અને વહાણ નીચે ડૂબવા લાગ્યું. લગભગ ૧૦૦૦ ફૂટ નીચે ઊતરીને ઉત્તર તરફ કલાકના પંદર માઈલની ઝડપે આગળ વધવા લાગ્યું. સાંજ પડી ત્યાં તે અમારું વહાણ બરફની છત નીચે થઈને ગતિ કરી રહ્યું હતું.

સલૂનની બારીઓ તો બંધ કરી હતી, કારણ કે કાચ સાથે કદાચ કોઈ બરફનો રખડતો છૂટો પડેલો ટુકડો અથડાઈ જાય તો, વહાણ જોખમાઈ જાય. આથી હું તો મારા ઓરડામાં બેઠો બેઠો નિરાંતે લખતો-વાંચતો હતો, અને મોટો ભાગ તે અત્યાર સુધીના સાડાપાંચ મહિનાના ૪૨,૦૦૦ માઈલના પ્રવાસમાં બનેલા બનાવો ઉપર નજર ફેરવતો હતો. કેવાં કેવાં વિચિત્ર દૃશ્યો! કેવા કેવા વિચિત્ર બનાવો! કૅપ્ટન નેમો કેવો ભેદી માણસ! ક્રેસ્પોને ટાપુ, પાપુઅન લોકો સાથેનું યુદ્ધ, સિલોન પાસેનું અદ્ભુત મોતી, વીગોનો અખાત, આટલાંટિસ નગર, દક્ષિણ ધ્રુવ: આ બધાં સ્થળો તથા બનાવો એક પછી એક મારી નજર આગળ આવીને ચાલ્યા જતાં હતાં. કૅપ્ટન નેમોની આંખો તો બધો વખત મારી નજર સમક્ષ જ રહેતી.

રાત્રે સૂતો તોપણ તે બનાવો અને તેના જ વિચારો નજર આગળથી ખસતા નહોતા. મને ઊંઘ તો આવી ગઈ, પણ સ્વપ્નામાં પણ આ જ સ્મરણો આવતાં હતાં. એકાએક લગભગ ત્રણેક વાગે વહાણને એક જબરો આંચકો લાગ્યો, ને હું જાગી ગયો. જોઉં તો પથારીમાંથી હું કયાંય દૂર જઈ પડેલો! ત્યાંથી ઊઠીને હું દીવાનખાનામાં (સલૂનમાં) ગયો તો ત્યાં પણ ટેબલ-ખુરશી વગેરે બધુંય ઊંધુંચત્તું થઈ ગયું હતું. ઓરડાની બાજુની ભીંતો ઉપર-નીચે થઈ ગઈ હતી અને તળિયું તથા છત પડખાં બની ગયાં હતાં!

હું ગભરાયો. ઘડીભર તો આ બધું મને સ્વપ્ન જેવું લાગ્યું. પણ ત્યાં તો નેડ અને કોન્સીલ પણ મારી પાસે આવ્યા. “કેમ, આ શું થયું?’ મેં પૂછ્યું.

“અમે પણ એ પૂછવા જ આવ્યા છીએ.”

આવો વિચિત્ર બનાવ આ વહાણમાં પહેલી જ વાર બન્યો હતો. અમે તરત જ કૅપ્ટન નેમોની તપાસમાં નીકળ્યા. કૅપ્ટન સુકાનની કૅબિનમાં હશે એમ મને લાગ્યું. અમે તેની રાહ જોતા કૅબિનમાં ચડવાની સીડી પાસે ઊભા. થોડી વારે કૅપ્ટન નેમો સીડી પરથી નીચે ઊતર્યો ને જાણે અમે ઊભા જ નથી એમ દીવાનખાનામાં ગયો. અમે પણ તેની પાછળ પાછળ ગયા. ઘડીક મૅનોમિટર તરફ, ઘડીક કંપાસ તરફ તો ઘડીક દરિયાના નકશા તરફ તે જોતોતો. મેં તેને વચ્ચે બોલાવ્યો નહિ. ઘણી વારે તે મારા તરફ ફર્યો. તરત જ મેં પાપુઅન બેટોના કિનારા પર જ્યારે વહાણ દાંતીમાં ભરાયું હતું ત્યારે જે શબ્દ તેણે વાપર્યો હતો તે જ શબ્દ વાપરીને પૂછ્યું: “કેમ કંઈ બનાવ બન્યો?”

“ના, પ્રોફેસર! આ વખતે “બનાવ” નથી બન્યો, પણ “અકસ્માત” બન્યો છે!”

“બહુ ભયંકર છે?

“હા, એમ લાગે છે.”

“વહાણ કોઈની સાથે અથડાયું છે?”

“ના, પણ વહાણની સાથે કોઈ અથડાયું છે. એક મોટો બરફનો પહાડ ઊંધો થઈ ગયો છે. તમે જાણો છે કે જ્યારે બરફને પહાડ તળિયે ધીમે ધીમે ગરમ વાતાવરણને લઈને ઓગળે છે, ત્યારે તેના ગુરુત્વાકર્ષણનું મધ્યબિંદુ ઊંચે ઊંચે આવતું જાય છે. બરફનો પહાડની નીચેથી બીજી કોઈ વસ્તુને ધક્કો લાગે છે ત્યારે પણ એમ બનવા પામે છે, અને એ વખતે પહાડ આખોય ઊંધો થઈ જાય છે. આ વખતે પણ એમ જ બન્યું છે. નૉટિલસની નીચે એક પહાડ ઘૂસી ગયો છે, અને નૉટિલસને નીચેથી ઊંધું કરવા માંડ્યો છે; અને એટલે જ વહાણ પડખાભેર થઈ ગયું છે. માણસો ટાંકાં ખાલી કરીને વહાણને હળવું કરી તેને સરખું કરવા મથી રહ્યા છે, પણ મુશ્કેલી તો બીજી જ છે! આ પહાડ આમ ને આમ વહાણને એટલે ઊંચે લઈ જશે કે જ્યાં ઉપર પણ બરફની છત આવશે, અને બંને બાજુથી બરફની ભીંસમાં આવતાં વહાણ કચરાઈ જશે! કૅપ્ટનના મોઢા પર આ વાક્ય બોલતી વખતે વેદનાને ભાવ સ્પષ્ટ દેખાતો હતો.

અમે બધા પણ આ વહાણનો અને સાથે સાથે અમારો વિનાશ સ્પષ્ટ જોઈ રહ્યા હતા. પાણીના પંપો ખૂબ જોરથી કામ કરી રહ્યા હતા. વહાણનું વજન ઘટવાથી કે કોણ જાણે શાથી, પણ અમારું વહાણ જે આડું થઈ ગયું હતું તે સીધું તો થઈ ગયું, પણ તેથી અમારી મુશ્કેલીનો અંત આવ્યો એમ ન કહી શકાય. પેલો નીચેનો પહાડ અંદરના પાણીની ગરમીથી ઓગળતો હતો, ને તેનું વજન ઘટતું જતું હતું. અમારે અમારો રસ્તો કઈ રીતે આગળ કરવો તે પ્રશ્ન થઈ પડ્યો.

એકાએક અમારું વહાણ અટકયું અને સલૂનમાંની બારીઓ ઊઘડી. વીજળીના પ્રકાશમાં મેં નજર કરી તો અદ્ભુત દૃશ્ય મારી નજરે પડ્યું. વહાણ આ દૃશ્ય જોવા માટે જ ઊભું રહ્યું હશે. સામે લગભગ ૩૦ ફૂટ દૂર બરફની દીવાલ હતી. તેના ઉપર વીજળીનો પ્રકાશ પડતો ત્યારે તેમાંથી સામું જે તેજ છૂટતું એ આંખને આંજી દે તેવું હતું. દીવાનખાનાની અંદર વીજળીની બત્તી નહોતી છતાં એ સામા પ્રકાશને લીધે જ આખો ઓરડો ઝગમગાટ મારતો હતો. અમારા વહાણની ઉપર પણ બરફની છત હતી. તેમાંથી કોઈ કોઈ વખત જ્યારે પાણી ટપકતું ત્યારે જાણે હીરા ટપકતા હોય એમ લાગતું હતું. હીરાની મોટી ખાણની વચ્ચે જાણે અમે આવી પડ્યા હોઈએ!

અમારા વહાણને બંને પડખે પણ ત્રીસ ત્રીસ ફૂટને અંતરે બરફની દીવાલ હતી. નીચેનો પેલો ઓગળતો જતો પહાડ બંને બાજુની દીવાલને અડકી પડ્યો હતો. જાણે આરામ લેવા સૂતો હોય તેમ તે બંને દીવાલને ખભે ટેકે દઈને પડ્યો હતો. ઉપર બરફની દીવાલ હતી. અમે સમુદ્રની સપાટીથી લગભગ ૧૦૦૦ ફૂટ નીચે હતા. આ દૃશ્ય જેવું રમણીય હતું, તેવું જ ભયંકર પણ હતું એનો ખ્યાલ મને આ બધું જોયા પછી આવ્યો. અમે બરફ વચ્ચેની નાની એવી નીકમાં સપડાઈ ગયા હતા. અમારું વહાણ થોડી વાર ઊભું રહીને નહેરમાં થઈને આગળ ચાલવા માંડ્યું. પાછી દીવાનખાનાની બારીઓ બંધ થઈ ગઈ હતી, કારણ કે આ નહેર એટલી બધી સાંકડી હતી કે વહાણ આખું જોખમમાં હતું. લગભગ અરધો કલાક ચાલ્યા પછી પાછો અમારા વહાણને એક નાનો એવો આંચકો લાગ્યો ને વહાણ અટક્યું; વળી બરફ આડે આવ્યો જણાતો હતો!

વહાણ હવે પાછે પગલે ચાલવા માંડ્યું. હું સમજી ગયો કે આગળનો રસ્તો બંધ થઈ ગયો છે. મૅનોમિટરમાં ગતિની દિશા પણ દક્ષિણ દેખાતી હતી.

અમારી ચિંતા ક્ષણે ક્ષણે વધતી જતી હતી. હું એકલો ગભરાવા લાગ્યો. કોન્સીલને અને નેડને મેં મારી પાસે બોલાવ્યા. આપણે આ નહેરમાંથી સહીસલામત બહાર નીકળીએ ત્યાં સુધી તમે બંને મારી પાસે જ રહો, આપણે ત્રણેય સાથે જીવીએ અને સાથે–” આગળનું વાક્ય હું પૂરું કરી ન શક્યો.

થોડા કલાકો પસાર થઈ ગયા. કલાકના ૨૦ માઈલની ઝડપ આવી ભયંકર જગ્યાએ રાખવાની હિંમત તે કૅપ્ટન નેમો જ બતાવી શકે! અને એ પણ ખરું હતું કે જેટલી ઝડપથી આમાંથી બહાર નીકળાય તેટલી ઝડપ રાખવી એ જ ડહાપણ હતું.

પાછો બીજો આંચકો લાગ્યો. આ આંચકે વહાણના પાછળના ભાગથી આવ્યો હતો. હું લગભગ પડી ગયા જેવો થઈ ગયો. કોન્સીલે મને પકડી રાખ્યો. અમે ત્રણે જણા વારાફરતી એકબીજા સામે જોતા હતા. થોડી વારે કૅપ્ટન અંદર આવ્યો.

“કેમ, દક્ષિણ બાજુને રસ્તે પણ કંઈક આડું આવ્યું?”

“હા. એક બરફનો પહાડ એ બાજુએ પણ આપણો માર્ગ રૂંધીને પડ્યો છે!’ કૅપ્ટને કહ્યું.

“ત્યારે આપણે પુરાઈ ગયા?”

“એમ જ!”

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book