૨૭. વમળમાં

અમે નીચે ગયા. તૂતક ઉપર લગભગ ૧૫ માણસો કૅપ્ટનને વીંટળાઈને ઊભા હતા. બધાનાં મુખ ઉપર તે વહાણ ઉપરનો વેરનો ભાવ દેખાતો હતો. જતાં જતાં નીચેના શબ્દો મારા કાન પર પડ્યા: “લગાવ, ઓ મૂર્ખ વહાણ! હજુ વધારે તોપના ગોળા લગાવ. મારે તો ફક્ત એક જ હલ્લો કરવાની જરૂર છે. પણ હું તને અહીં નહિ ડુબાડું, તારી કબર પેલા વેન્જિયરની સાથે ન જ હોય!”

હું મારા ઓરડામાં ગયો. વહાણનો પંખો ચાલુ થયો અને ઘડી વારમાં તો પેલા વહાણને ક્યાંય છેટું પાડી દીધું.

સાંજના ચાર વાગ્યા હતા. મારી ધીરજ ન રહી શકી. હું પાછો વહાણના તૂતક ઉપર પહોંચી ગયો. ત્યાં કૅપ્ટન પીઠ પાછળ હાથ રાખીને આવેશમાં ને આવેશમાં ફરતો હતો. મને જોયો કે તરત જ તે બોલી ઊઠ્યોઃ “હું હક્ક અને ન્યાય માટે લડનારો છું. હું ગુલામ પ્રજાના પ્રતિનિધિ છું, અને પેલું વહાણ ગુલામ બનાવનાર પ્રજાનું પ્રતિનિધિ છે. તે સિતમગારને લીધે મેં બધું ખોયું છે. મારો દેશ, મારું કુટુંબ, મારાં વહાલાં છોકરાં, માતા, પિતા, સ્ત્રી, જે જે મને વહાલું હતું તે બધું જ. મારું બધું નાશ પામ્યું તે એને જ લીધે છે. દુનિયામાં હું એને જ ધિક્કારું છું!”

પેલું વહાણ પૂરજોસમાં અમારા વહાણ તરફ આવતું હતું. હું નીચે ઊતરી ગયો. પેલું વહાણ જેમ જેમ નજીક આવતું હતું, તેમ તેમ તેનું મોત નજીક આવતું હતું એમ હું જોઈ શકતો હતો. પણ એને કઈ રીતે જણાવવું કે અહીં આવવામાં જીવનું જોખમ છે?

રાત પડી. કૅપ્ટન હજુ વહાણના સૂતક ઉપર જ હતો. પેલું વહાણ પણ બે માઈલને અંતરે દેખાતું હતું. આકાશમાં અને સમુદ્ર ઉપર કેટલી શાંતિ હતી અને આ ભયંકર માણસના મોઢા પર કેવાં તોફાનનાં ચિહ્નો હતાં! સમુદ્રના તફાન કરતાંયે આ તોફાન મને ભયંકર લાગતું હતું.

મને થયું કોઈ પણ રીતે આ વહાણમાંથી અત્યારે નાસી છૂટવું જોઈએ. આ વહાણનો ક્રૂર વિનાશ મારાથી નહિ દેખ્યો જાય!

નેડ તથા કોન્સીલને પણ મેં વાત કરી. “દરિયામાં કૂદી પડીને પણ નાસી છૂટવું. ભલે આપણે પકડાઈ જઈએ ને મોત આવે તોયે વાંધો નથી! મોત તો આ સમુદ્રમાં પડીને કિનારે પહોંચશું ત્યાં સુધીમાં નહિ આવે તેની શી ખાતરી?”

અમે તૈયાર થઈ ગયા. અમારામાં અજબ હિંમત આવી ગઈ હતી. વહાણની વચ્ચેના ભાગમાં જે દાદર હતો, તે દાદર ઉપર થઈને અમે વહાણના તૂતક ઉપર ચડવાની તૈયારી કરતા હતા ત્યાં ઉપરનું બારણું દેવાઈ ગયું અને વહાણ થોડી વારમાં તો અંદર ઊતરવા લાગ્યું.

અમે નિરાશ થઈ ગયા. કાંઈ નહિ થઈ શકે. નૉટિલસ પેલા વહાણને નીચેથી જ તોડી નાખશે! મારા વિચારો જાણે થંભી ગયા. હું એક ભયંકર આંચકાની જ વાટ જોતો હતો.

વહાણ ખૂબ જોરથી ચાલતું હતું. એકાએક વહાણનો એક નાનો એવો આંચકો લાગ્યો. મારાથી બૂમ પડાઈ ગઈ. એક અવાજ પાણી સોંસરો થઈને અમારા વહાણમાં સંભળાય. દોડતો દોડતો પેલા દીવાનખાનામાં પહોંચી ગયે. દીવાનખાનાની બાજુની બારી ખુલ્લી હતી. કૅપ્ટન નેમો ત્યાં ઊભો હતો.

મેં એ બારીમાંથી શું જોયું? પેલું મોટું વહાણ ધીમે ધીમે નીચે ઊતરતું હતું. અમારું વહાણ પણ તેની સાથે સાથે જ નીચે ઊતરતું હતું. પેલા વહાણને તળિયે પડેલા કાણામાંથી પાણી ધોધમાર વહાણમાં ભરાતું હતું. માણસો આમથી તેમ તરફડિયાં મારતા હતા. કોઈ કોઈ પાટિયાને, કોઈક વહાણના મોટા સઢના થાંભલાને, કે જે કાંઈ હાથ આવ્યું તેને વળગી પડતા હતા. કોઈ પરસ્પર એકબીજાને વળગી પડતા હતા. તેમનાં મોઢાં પર કેટલી વેદના જણાતી હતી!

મારા રોમાંચ ખડા થઈ ગયા. સ્તબ્ધ ચિત્તે અને સ્થિર દૃષ્ટિએ હું એ જોઈ રહ્યો! વહાણ તળિયે બેઠું. ઠેઠ સઢની ટોચે ચડેલા માણસો પણ હવે વહાણની સાથે ડૂબ્યા; કોઈ ન બચ્યું. થોડી વારમાં બધું તળિયે અદૃશ્ય થઈ ગયું!

હું કૅપ્ટન નેમો તરફ ફર્યો. તેની નજર હજુ પાણી તરફ જ હતી. થોડી વાર પછી તે પોતાની ઓરડીમાં ગયો. હું પણ તેની પાછળ થોડે સુધી ગયો.

ઓરડીને છેડે ભીંતને અઢેલીને એક છબી પડી હતી. તેમાં એક જુવાન સ્ત્રી ને બે નાનાં બાળકો હતાં. કૅપ્ટન નેમો તે ચિત્રની પાસે ઘૂંટણિયે પડીને પોતાના હાથ લંબાવીને ધ્રુસકે ધ્રુસકે રોતો હતો.

હું એ દૃશ્ય વધારે વખત જોઈ ન શક્યો!

અમારું વહાણ પાછું આગળ વધ્યું પણ હવે વહાણ કલાકના ૨૫ માઈલની ઝડપે ઉત્તર તરફ દોડતું જતું હતું. પાણીની સપાટીથી લગભગ ૩૦ ફૂટ તે નીચે જ રહેતું; કોઈક જ વાર તે હવા લેવા ઉપર આવતું.

ફ્રાન્સ અને ઇંગ્લાંડ વચ્ચેની ખાડી અમે પસાર કરી ગયા એ હું નકશા ઉપરથી જોઈ શક્યો. ત્યાંથી અમે ક્યાં જઈશું એની મને કલ્પના નહોતી આવતી. કૅપ્ટન નેમોના મગજની જેવી જ અમારા વહાણની દિશા અચોક્કસ હતી!

પંદર-વીસ દિવસ આ પ્રમાણે પસાર થઈ ગયા. આ દિવસો દરમિયાન વહાણનો એક માણસ, કે કૅપ્ટન નેમો સુધ્ધાં અમારી નજરે નહોતો પડ્યો.

એક દિવસે – મને તારીખ યાદ નથી – હું અરધી ઊંઘમાં મારી પથારીમાં પડ્યો હતો ત્યાં નેડે મને જગાડ્યો, અને મારા કાનમાં કહ્યું: “આજે આપણે નાસી છૂટવાનું છે. 

“ક્યારે?”

“રાત્રે. વહાણ ઉપર હમણાં કોઈ ધ્યાન આપનાર દેખાતું નથી. તમે તૈયાર છે ને?”

“હા. પણ આપણે કઈ જગ્યાએ છીએ?”

“એ ખબર નથી. પણ અહીંથી વીસ માઈલના અંતરે જમીન દેખાય છે.”

“એ જમીન ક્યાંની છે?”

“તે કોને ખબર! આપણે એનું કામ પણ શું છે?”

“ભલે, આજ રાત્રે અહીંથી નાસી છૂટવું એ ચોક્કસ! બહાર પછી ડૂબીએ કે તરીએ.”

“દરિયો તોફાની છે. પવન પણ ખૂબ છે; પણ આ વહાણની મજબૂત હોડીમાં ૨૦ માઈલ કાપવા એટલે કંઈ નથી. વળી મેં એ હોડીમાં ખાનગી રીતે થોડુંક મીઠું પાણી અને ખાવાનાં સાધનો મૂકી રાખ્યાં છે.”

“બસ, હું તૈયાર છું.” મેં ઉત્સાહથી કહ્યું, “અને જો હું પકડાઈ જઈશ તો મરી જઈશ એ કબૂલ, પણ તાબે નહિ જ થાઉં.”

“આપણે બધાય સાથે મરશું.”

“મેં મનથી નિશ્ચય કરી જ લીધો હતો. હું ઊડ્યો, વહાણનો ઉપરનો ભાગ ઉપર ગયો, પણ ત્યાં દરિયાનાં ભયંકર મોજાં આગળ ઊભા રહી શકાય તેમ નહોતું. આવા તોફાનમાં નાસી છૂટવું એમાં કેટલું જોખમ છે, તેનો મને તે વખતે વિચાર જ ન આવ્યો. હું ત્યાંથી ઊતરીને દીવાનખાનામાં ગયો. મારી ઇચ્છા કૅપ્ટન નેમોને મળવાનીયે હતી. તેની સામે, તેના ભયંકર ચહેરા સામે હું સ્વસ્થ રીતે ઊભો રહી શકીશ? ના ના, તેને મોઢામોઢ તો ન જ મળવું. તેને હું ભૂલી જઈશ. પણ…”

આજના જેવો લાંબો દિવસ મને અત્યાર સુધીમાં એકેય નહોતો લાગ્યો. હું એકલો જ હતો. શંકા પડે એ બીકે અમે ત્રણ જણા તે દિવસે એકઠા જ થયા નહિ.

પાછી સાંજે સાડા-છ વાગે નેડ મારી ઓરડીમાં આવ્યો. તેણે કહ્યું: “હવે આપણે ઠેઠ અહીંથી નીકળવાના સમય સુધી મળશું નહિ. દસ વાગે હોડી રાખવાની જગ્યાએ આવી પહોંચજો.” નેડ ચાલ્યો ગયો. તે મારા જવાબની રાહ જોવા પણ ઊભો ન રહ્યો.

મેં દીવાનખાનામાં જઈને જોયું તો અમારું વહાણ નૈઋત્ય દિશામાં દરિયાની સપાટીથી ૨૫ વામ નીચે ખૂબ ઝડપથી દોડી રહ્યું હતું.

મેં દીવાનખાનામાં સંગ્રહસ્થાન તરફ એક નજર નાખી – છેલ્લી નજર નાખી. દુનિયાની આ અમૂલ્ય સમૃદ્ધિ આમ ને આમ સમુદ્રને તળિયે દટાઈ જશે, એ વિચારે મને કંપારી છૂટી. એક કલાક સુધી હું દીવાનખાનામાં બધું જોતો ફર્યો. પછી હું મારી ઓરડીમાં ગયો.

‘મેં મારો દરિયામાં પહેરવાનો પોશાક ચડાવ્યો, અને મારી નોંધાનાં કાગળિયાંનું બંડલ બાંધીને તૈયાર કર્યું. મારું હૃદય જોરથી ધબકતું હતું. તેને ધબકતું હું અટકાવી શકું તેમ જ નહોતું. આવી સ્થિતિમાં કૅપ્ટન નેમોને તો કઈ રીતે હું મળી શકું?

કૅપ્ટન અત્યારે શું કરતો હશે? મેં તેની ઓરડી પાસે જઈને કાન માંડ્યા. અંદર ભારે પગલાંનો અવાજ આવતો હતો. “હજુ જાગતો લાગે છે! અમે ભાગવાના છીએ એની શંકા પડવાથી તો તે નહિ જાગતે હોય?”

તેની ઓરડીમાં જઈને તેને મળવું જ જોઈએ! મારા મગજમાંથી એક વિચાર ઝડપભેર પસાર થયો. ના ના; એ તો આવેશ જ છે. એમ તે થાય?

હું થાકી ગયો. પથારીમાં સૂતો. સૂતા પછી જરાક શાંતિ વળી. પણ મારા મગજમાં તો જ્ઞાનતંતુઓ જાણે તૂટી જશે એમ લાગતું હતું. મારી નજર સમક્ષ વહાણની મારી મુસાફરીનો ઇતિહાસ ખડો થઈ ગયો. વહાણ ઉપરના એકેએક બનાવની સાથે કૅપ્ટન નેમો મારી નજર આગળ ખડો થતો. ધીમે ધીમે તે મને ખૂબ મોટો લાગવા માંડ્યો. તે હવે માણસ કરતાં પણ દરિયાનો કોઈ મહાન સમ્રાટ હોય તેવો મને લાગવા માંડ્યો. 

સાડા નવ થયા. મારું માથું હમણાં જાણે ફાટી જશે એમ લાગ્યું. બે હાથ વચ્ચે તેને પકડીને હું તે પથારીમાં દાબીને પડ્યો હતો. હવે વિચાર ન કરવા એમ નક્કી કર્યું. અરધો કલાક જ બાકી છે; હવે જે અરધો કલાક હું વિચારે ચડીશ, તો ગાંડો જ થઈ જઈશ!

એ જ ઘડીએ મારે કાને દૂર દૂરથી આવતા ઑર્ગનના સૂર પડ્યા. કેટલા કરુણ તે સૂરો હતા! દુનિયામાંથી છૂટી જવા મથતા કોઈ આત્માની વેદનાની જાણે ચીસો હોય!

ઘડીભર આ સૂરએ મને દુનિયા ભુલાવી દીધી.

તરત જ એક વિચારે હું ગભરાઈ ઊડ્યો. કૅપ્ટન નેમો અત્યારે આ દીવાનખાનામાં આ ઑર્ગન વગાડતા હતા. વહાણ ઉપર બાંધેલી હોડી ઉપર જવાને મારો માર્ગ આ દીવાનખાનામાં થઈને જતો હતો. હવે શું કરવું? તે મને જોશે, મને કદાચ પૂછશે, અને નો તેને ખબર પડી ગઈ તો?….

દસ વાગવાની તૈયારી હતી. મારે જવું જ જોઈએ. હું ઊઠ્યો. મેં બારણું ઉઘાડ્યું. બહુ જ કાળજીથી ઉઘાડ્યું, છતાં જાણે મોટો ધડાકો થયો હોય એમ મને લાગ્યું. એ કલ્પનાનું ભૂત જ હતું, હું એાસરીમાં ચાલીને દીવાનખાના પાસે આવી પહોંચ્યો. દીવાનખાનામાં અંધારું હતું. કૅપ્ટન નેમો હજુ અંધારામાં ઑર્ગન વગાડતો હતો. તે મને જોઈ ન શક્યો. તે એટલો બધો તલ્લીન હતો કે કદાચ ઓરડામાં અજવાળું હોત તોયે મને દેખત નહિ!

હું બિલાડીની જેમ પગલાં મૂકતો મૂકતો દીવાનખાનું પસાર કરી ગયો. પસાર કરતાં લગભગ મને પાંચ મિનિટ લાગી. દીવાનખાનાનું સામેનું બારણું મેં ઉઘાડ્યું ત્યાં પાછળ મેં કૅપ્ટન નેમોને નિઃશ્વાસ સાંભળ્યો. હું થંભી ગયો. હું સમજી ગયો કે તે ઊભો થતો હતો. મેં તેને જોયો: કારણ કે પડખેના પુસ્તકાલયના ઓરડામાંથી થોડોક પ્રકાશ અંદર આવતા હતા. તે અદબ વાળીને ધીમે પગલે મારા તરફ જ આવતો હતો. તે પોતે જ આવતો હતો કે તેનું ભૂત? તેનાં ડૂસકાં મારા કાન ઉપર પડ્યાંઃ “પ્રભુ! બસ, હવે બહુ થયું; બહુ થયું!”

હું મરણિયો થઈને પુસ્તકાલયમાં પેસી ગયો. ત્યાંથી સીડી ઉપર થઈને પેલી હોડી બાંધવાના પાંજરામાં જવાને માર્ગ આગળથી મારા સાથીઓએ ખાલી રાખ્યો હતો.

“ચાલો, જલદી કરો!” હું બોલી ઊઠ્યો.

“તૈયાર છીએ.” નેડે કહ્યું,

હોડીના પાંજરામાં જવાનો દરવાજો બંધ કરી દીધો અને હોડીને પાંજરામાંથી બહાર કાઢવાને માર્ગ, તેના પેચ ખોલીને ખોલી નાખવામાં આવ્યો. નેડ હોડીને છોડવા માંડ્યો ત્યાં અંદરના ભાગમાંથી કંઈક ઘોંઘાટ થતો અમારા કાન ઉપર પડ્યો.

“બસ! ખબર પડી ગઈ!”

નેડે અંધારામાં મારા હાથમાં ખંજર મૂક્યું, ને હોડી દોડવાનું કામ બંધ કર્યું.

“માલસ્ટ્રોમ! માલસ્ટ્રોમ!” [1] અંદરથી બૂમો આવી.

“હવે? અમારી હોડી જે વખત છૂટવાની તૈયારીમાં હતી તે જ ઘડીએ આ વહાણ આ વમળમાં પેઠું! કૅપ્ટન નેમોએ જાણીજોઈને કે અજાણતાં પણ પોતાના વહાણને આ સમુદ્રની નાભિ ગણાતા ભાગમાં નાખ્યું. આખું વહાણ ગોળ ચક્કર ફરતું હતું. મને ફેર ચડવા લાગ્યા,

વહાણ એ વમળમાંથી છૂટવા માટે કંઈ ઓછો પ્રયત્ન નહોતું કરતું. વહાણના સાંધેસાંધા આ યુદ્ધમાં ઢીલા થવા લાગ્યા હતા.

“હવે આ વમળમાંથી વહાણ બહાર ન નીકળે ત્યાં સુધી આ હોડીને છોડવી એમાં જીવનું જોખમ છે. આપણે હવે હોડીને હમણાં છોડવી જ નહિ.” નેડે કહ્યું.

“કદાચ હવે તો આ વહાણને વળગી રહેવામાં જ..” વાક્ય પૂરું થાય તે પહેલાં તો એક કડાકો થયો અને હોડીના વહાણ સાથે જડેલા સ્ક્રૂ તૂટી ગયા.

ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ અમારી હોડી એ વમળમાં થઈને છૂટી. આંચકો એટલા જોરથી લાગ્યો કે મારું માથું હોડીના પતરા સાથે જોરથી અથડાયું. હું બેભાન થઈ ગયો.


  1. માલસ્ટ્રોમ એટલે વમળ. નોર્વેના કિનારા આગળ દરિયામાં ભયંકર વમળો ચડે છે. દરિયામાં આ જગ્યા વહાણો માટે સૌથી ખરાબ ગણાય છે, આ વમળમાંથી વહાણ ભાગ્યે જ બચે છે.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book