૧૩. કબરસ્તાનમાં

બીજે દિવસે નૉટિલસે પાછી પોતાની સફર શરૂ કરી. પણ આ વખતે તેણે પોતાની ગતિ ખૂબ વધારી દીધી હતી. મને લાગે છે કે કલાકના ૩૫ માઈલની ઝડપે તે જતું હશે. ગઈ કાલના બનાવથી હું ચકિત થઈ ગયો. આ માણસે વીજળીનો કેવો ઉપયોગ કર્યો છે! પોતાનું વહાણ ચલાવવા પૂરતો જ તેનો ઉપયોગ નહોતો; આ તો દુશ્મનોને માત કરવાનું પણ અદ્ભુત સાધન હતું! પોતાના વહાણનો સ્પર્શ પણ બીજો કોઈ તેની ઇચ્છા વિરુદ્ધ કરી ન શકે. એટલી શક્તિ તે વહાણમાં તેણે મૂકી હતી.

૧૩મી જાન્યુઆરીએ નેમો ટીમોરના સમુદ્રમાં આવી પહોંચ્યો. અમે ટીમોર બેટને દૂરથી જોઈ શકતા હતા; ત્યાંના વિચિત્ર રાજાઓ, લોકો અને તેમના રીતરિવાજો જોવાનું મન ઘણુંયે હતું; પણ તે શા કામનું? વહાણ તો તેની પડખે થઈને પસાર થઈ ગયું. કીડીનો નાનો બેટ અમે થોડેક દૂરથી જ જોઈ શક્યા.

અહીંથી વહાણે પોતાનું સુકાન નૈઋત્ય દિશામાં ફેરવ્યું. તેનો ઈરાદો હિંદી મહાસાગરમાં પ્રવેશ કરવાનો હતો. કૅપ્ટન વહાણ ક્યાં લઈ જવા માગતા હશે? શું હિંદી મહાસાગરમાં થઈને તે ભૂમધ્ય સમુદ્રમાં જશે અને યુરોપને કિનારે ફરશે? ના ના; માણસની વસ્તીથી તો તે દૂર ને દૂર રહે છે. ત્યારે શું અહીંથી તે દક્ષિણ ધ્રુવ બાજુ જશે, અને ત્યાંથી વિશાળ પાસિફિક મહાસાગરમાં ફરશે? કાંઈ નક્કી કહી શકાય તેમ નહોતું. કાર્ટિયર, હિબેર્નિયા વગેરે બેટોની લાંબી દરિયામાં ઘૂસી જતી ધારોને દૂર ને દૂર કરતી જતી અમારી નૌકા આ મહાસાગરમાં આગળ ધપ્યે જતી હતી.

કૅપ્ટન નેમો તો જાતજાતના પ્રયોગો કરી રહ્યો હતો. પાણીની જુદી જુદી ઊંડાઈએ દરિયાની ગરમીનું કેટલું પ્રમાણ હોય છે તેના આંકડાઓ તે થર્મોમિટરથી કાઢતો હતો. વહાણમાં રાખેલી ટાંકીઓ પાણીથી ભરીને ૩૫,૦૦૦ ફૂટ સુધીની ઊંડાઈએ વહાણને લઈ જતો હતો, મને પણ તેના આ પ્રયોગોમાં એટલો રસ પડતો કે વહાણ કઈ દિશામાં જાય છે તે જાણવાની પરવા ઓછી રહેતી. મને મનમાં થતું કે કૅપ્ટન નેમોના આ પ્રયોગનો દુનિયાને શો ઉપયોગ છે? આવા માણસે દુનિયાના શત્રુ થઈને બેસે એ પણ એક દુઃખદ સ્થિતિ જ નહિ? મારું પોતાનું ભવિષ્ય પણ કૅપ્ટન નેમોની સાથે જ જોડાયેલું છે, એ વિચાર આવતો ત્યારે તે હું પણ ઘડીભર કંપી ઊઠતો.

૧૬મી જાન્યુઆરીએ નૉટિલસ સ્થિર થઈ ગયું. મને લાગ્યું કે વહાણમાં કંઈક સમારકામ કરવાની જરૂર પડી હશે. થોડી વારે એક અદ્ભુત દૃશ્ય અમને જોવા મળ્યું. અમારા ઓરડાની બારીઓ ખુલ્લી હતી. ઓરડામાં બત્તી નહોતી સળગતી; છતાં અંદર ઝાંખો એવો પ્રકાશ આવતો હતો. મેં બારીમાંથી નજર કરી તો દરિયાના પાણીમાં ઘણો પ્રકાશ ફેલાયેલો હતો. “આ શાનો પ્રકાશ હશે?” જરા બારીકાઈથી જોતાં માલૂમ પડ્યું કે એ સ્થળે દરિયાની અંદર પ્રકાશિત માછલીઓનાં મોટાં ટોળાં ને ટોળાં રમતાં હતાં. તે માછલીઓના પ્રકાશને લીધે અમારા વહાણનું બહારનું પતરું પણ ચળકાટ મારતું હતું. હું અને કોન્સિલ તે તે માછલીઓને જોવામાં તલ્લીન થઈ ગયા.

આ અદ્ભુત દૃશ્ય વટાવીને અમે આગળ ચાલ્યા.

એક દિવસ સવારમાં મારા નિયમ પ્રમાણે હું તૂતક ઉપર ઊભો હતો. પણ આજે તૂતક ઉપર કંઈક ધમાલ હોય એમ લાગતું હતું. કૅપ્ટન નેમો મારી પહેલાં ત્યાં આવીને ઊભો હતો, અને વહાણના બે-ત્રણ માણસ સાથે વિચિત્ર ભાષામાં થોડી થોડી વારે કંઈક બોલતો હતો. તેના હાથમાં મોટું દૂરબીન હતું. વારે વારે તે દૂરબીનથી દૂર ક્ષિતિજમાં નજર નાખતો હતો. મને કુતૂહલ થયું. હું પણ મારા ઓરડામાં જઈને એક દૂરબીન લઈ ઉપર આવ્યો. પણ જ્યાં આંખ માંડી જોઉં છું ત્યાં મારું દૂરબીન કે ઈકે પાછળથી આંચકી લીધું! પાછળ ફરી જોઉં તો કૅપ્ટન નેમો ઊભો હતે. પણ અત્યારે તે ન ઓળખાય તેવો હતો. તેની આંખમાંથી જાણે આગ વરસી રહી હતી. તે સ્થિર અવાજે મારા સામું જોઈને બોલ્યો: “આપણા વચન પ્રમાણે અત્યારે તમારે ઓરડામાં બેસી રહેવાનું છે!”

હું સ્તબ્ધ બની ગયો! એવું તે શું હશે? મેં પૂછ્યું: “મારે જવામાં વાંધો નથી. ફક્ત એક જ પ્રશ્ન તમને…”

“નહિ; અત્યારે એક પણ પ્રશ્ન પૂછી શકાશે નહિ.”

મને એક માણસ મારા ઓરડામાં મૂકી ગયો. મારા બંને સાથીઓ પણ તેમાં જ હતા. મેં તેમને બધી વાત કરી. તેઓ પણ કાંઈ સમજી શક્યા નહિ. થોડી વારે ખાવાનું આવ્યું; અમે ત્રણે જણા નિરાંતે જમ્યા. પણ જમ્યા પછી ત્રણે જણને તરત ઊંઘ આવવા માંડી. અમે આંખો ફાડી ફાડીને જાગવાનો પ્રયત્ન કરતા હતા, પણ તે નિષ્ફળ ગયો. અમને કશાક ઘેનની અસર થતી હોય તેમ લાગ્યું. થોડી વારે જ અમે ઊંઘી ગયા.

સવારે જાગીને જોયું તો મારા બંને સાથીઓ મારા ઓરડામાં નહોતા. મારા શરીરમાંથી ઘેનની અસર ચાલી ગઈ હતી. વહાણ પોતાની નિયમિત ગતિએ દરિયાની સપાટીથી લગભગ ૪૫ ફૂટની ઊંડાઈએ ચાલતું હતું.

લગભગ બપોરના બે વાગે મારા ઓરડામાં કૅપ્ટન નેમો આવ્યો. મેં તેને નમન કર્યું; તેણે સામું નમન કર્યું. પણ તેના મોં પર જુદો ભાવ દેખાતો હતો. શોકની ને દુઃખની ઘેરી છાયા તે પર પથરાઈ હતી. ઉજાગરાથી તેની આંખો લાલ હતી. થોડી વાર અમે બંને કાંઈ પણ બોલ્યા વગર ઊભા રહ્યા.

પછી કૅપ્ટન બેલ્યા: “તમે ડૉક્ટરનું કામ પણ જાણો છો, નહિ?”

“હા જી, થોડો વખત મેં તે કામ પણ કરેલું છે.”

“એક દરદીને તપાસીને તેને માટે કંઈક દવા બનાવી શકશો?

“ક્યાં? વહાણ ઉપર કોઈ દરદી છે?”

અમે બંને ચાલ્યા. હું વિચાર કરવા લાગ્યું કે ગઈ કાલ સાંજના બનાવને અને આ માંદા માણસને કંઈ સંબંધ તો નહિ હોય? કૅપ્ટન નેમો મને વહાણને છે જે ઓરડામાં ખલાસીઓ રહેતા હોવા જોઈએ તેવા એક ઓરડામાં લઈ ગયો. ખાટલામાં એક પડછંદ, કાયા પડેલી હતી. તેને માથે પાટા બાંધેલા હતા; માણસ ઘાયલ થયેલો હતો.

મેં તેના પાટા છોડવા માંડ્યા. તે માણસ તેની મોટી સ્થિર અાંખોએ મારી સામે જોઈ રહ્યો. પીડાની આહ સરખી પણ તેનામાંથી ન નીકળી. ઘા ભયંકર હતો. ખોપરીનો એક ભાગ કચરાઈ ગયો હતો અને તેમાંથી મગજનું માંસ દેખાતું હતું. તેનો શ્વાસોચ્છ્વાસ ધીમો પડતો જતો હતો; તેનો ચહેરો ફિક્કો પડતો જતો હતો, તેની નાડી તૂટેલી હતી; મૃત્યુ તેની સામે આવીને ઊભેલું હું જોઈ શકતો હતો. મેં ઘા ધોઈને ફરીથી પાટો બાંધ્યો. કૅપ્ટન તરફ ફરીને મેં પૂછ્યું: “કૅપ્ટન! આ જબ્બર જખમ કેમ કરીને થયો?”

“એ તો સહેજ નૉટિલસના એક મશીનના લીવર સાથે આ માણસનું માથું અથડાયું હતું. તમને કેમ લાગે છે? તેની હાલત કેવી છે?”

હું જવાબ આપતાં અચકાયો.

તમે ખુશીથી બોલો. એ માણસ ફ્રૅન્ચ ભાષા સમજતો નથી.”

“બે કલાકમાં આ માણસનો જીવ ઊડી જશે.”

“કોઈ પણ રીતે બચી શકે તેમ નથી?”

“ના જી.”

કૅપ્ટન નેમોએ પોતાના બંને હાથને એકબીજામાં જોરથી દાબ્યા; અને થોડી વારે પોતાની આંખ લૂછી. મેં પેલા માણસની સામે જોયું. મૃત્યુની છાયા ધીમે ધીમે તેના મુખ પર પથરાતી જતી હતી. વીજળીના દીવાના પ્રકાશમાં તેનું મોઢું વધારે ફિક્કું લાગતું હતું.

“હવે તમે જઈ શકે છે.’

હું મારા ઓરડામાં ચાલ્યો ગયો, મારા દિલમાં આજે ખૂબ ભાર લાગતો હતો. તે આખો દિવસ અને આખી રાત વિચારો ને વિચારોમાં જ પસાર થયાં. રાતના દૂર દૂરથી જાણે ઝીણું કરુણ સંગીત મારા કાન પર અથડાવા લાગ્યું. મેં ધાર્યું: “પેલો માણસ જરૂર મરી ગયો હતો. અત્યારે તેની મરણપથારી પાસે પ્રાર્થના થતી હોવી જોઈએ.”

“કેમ આજે ફરવા જઈશું?’ કૅપ્ટને પૂછ્યું. 

“ખુશીથી, જેવી આપની ઇચ્છા.”

“તો પછી તમારે પોશાક પહેરી લે. તમારા સાથીઓ પણ ભલે આવે.”

મેં મારા બંને સાથીઓને તૈયાર કર્યા. હું પણ પોશાક પહેરીને તૈયાર થઈ ગયો. દરિયામાં ઊતરવાના બારણા પાસે બીજા માણસો પણ તૈયાર હતા. અમે બધા ઊતર્યા. અહીં સમુદ્રનું તળિયું જુદી જ જાતનું હતું. પરવાળાંની મોટી સૃષ્ટિ અહીં પથરાઈને પડી હતી. પરવાળાંનાં જીવડાંઓ એ પણ કુદરતનો એક મહાન ચમત્કાર છે. અસંખ્ય જીવડાંઓ એકબીજા સાથે મળીને એક મહાન દુનિયા બનાવવા માટે રાતદિવસ અખંડ પરિશ્રમ કર્યા જ કરે છે! અમે તેની વચ્ચે થઈને આગળ વધવા લાગ્યા. વચ્ચે વચ્ચે મોટા છોડો, લાંબાં લાંબાં ઘાસો, ક્યાંક સુંવાળા ઘાસની ગંજીઓ. વગેરે આનંદ આપતાં હતાં; ક્યાંક ક્યાંક છોડ ઉપર નાની માછલીઓ પક્ષીની જેમ આમથી તેમ કૂદકા મારતી હતી. ધીમે ધીમે બંને બાજુ ખડકોની હાર આવવા માંડી. તેની વચ્ચે થઈને કૅપ્ટન નેમ અમને લઈ જતો હતો. ખડકોની હાર પૂરી થઈ અને અમે મોટા જંગલમાં પેઠા. ચારે બાજુ ઝાડોની કતારો આવવા લાગી ગઈ હતી. વચ્ચે એક નાના એવા ખુલ્લાં મેદાનમાં અમે આવ્યા. કૅપ્ટન નેમો અહીં અટક્યો; અમે જોયું તો અમારી પાછળ જે માણસો આવતા હતા તેમાંથી ચાર જણાએ કોઈક લાંબી વસ્તુ ઉપાડી હતી. અહીં આવીને તેમણે તે નીચે મૂકી. અમે નવાઈ પામ્યા. એ મેદાનની વચ્ચે પરવાળાનો જ બનાવેલો એક મોટો કૉસ દેખાતો હતો.

કૅપ્ટન નેમો તરફથી નિશાની થતાં જ થોડાક માણસો ત્યાં આગળ ખોદવા લાગી ગયા. હવે મને સમજાયું. ગઈ કાલે મૃત્યુ પામેલા માણસની કબર અહીં થવાની હતી. કેવો અજબ માણસ! પોતાના માણસોને માટેનું કબરસ્તાન પણ તેણે નક્કી કરેલું છે! ખાડો ખોદાઈ ગયા પછી વિધિપુરઃસર શબને અંદર મૂકવામાં આવ્યું. બધાએ ઘૂંટણિયે પડીને નમન કર્યું. અમે પણ સ્વાભાવિક રીતે જ તેમાં ભળી ગયા.

બધા પાછા વહાણ તરફ વળ્યા. ગયા હતા એ જ રસ્તે થઈને અમે વહાણ પર પહોંચી ગયા.

કપડાં બદલાવીને તૈયાર થયો ત્યાં કૅપ્ટન નેમો મારી પાસે આવ્યો.

“મેં કહ્યું હતું તે પ્રમાણે પેલો માણસ રાતના જ ગુજરી ગયો હતો કે?” મેં પૂછ્યું.

“હા. તેમ જ થયું, અને અત્યારે તો તેના સાથીઓની સાથે જ સમુદ્રને તળિયે આરામ કરે છે.” આટલું બોલતાં જ તેણે પોતાના હાથથી પોતાનું મોઢું ઢાંકી દીધું. એક ડૂસકું તેના મોઢામાંથી નીકળી પડ્યું. “તે અમારું શાંતિમય કબરસ્તાન છે. અમે બધા જીવતા સાથે રહેશું અને મૃત્યુ પછી પણ એ જ કબરસ્તાનમાં સાથે રહેશું. દરિયાનું પાણી કે દુનિયા ઉપરનો કોઈ પણ માણસ અમને અમારા એ સ્થળેથી છૂટા પાડી શકે તેમ નથી.”

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book