૨૪. નેમોની આંખે આંસુ

મારામાં નવો પ્રાણ આવ્યો. હું વહાણના તૂતક ઉપર કઈ રીતે પહોંચ્યો તેની ખબર ન પડી, પણ જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારી આસપાસ સમુદ્રનાં મોજાં ઉછાળા મારી રહ્યાં હતાં, અને ઠંડો પ્રાણદાયી પવન મારાં ફેફસાંને ભરી રહ્યો હતો.

“હવાની કિંમત અત્યારે સમજાય છે.” નેડે કહ્યું,

નેડ! તમો બંને ન હોત તો આ હવા લેવાનું મારા નસીબમાં ન રહેત! તમારો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે.” મેં કહ્યું.

“એમાં કાંઈ અમે મોટી વાત કરી નહોતી; એમાં સાદું ગણિત જ હતું. અમારા બે કરતાં તમારી કિંમત વધારે હતી એટલે તમને જિવાડવા જ જોઈએ ને!” નેડે કહ્યું.

“ના ના; હવે તે તમે એમ સાબિત કર્યું છે કે મારા કરતાં પણ તમારા જેવા ઉદાર જીવોની કિંમત વધારે છે!” મેં કહ્યું. “અને કોન્સીલ! તે બહુ સહન કર્યું, નહિ?”

“ના ના. આ વખતે જો હું કાંઈ ન કરું તો શું અમેરિકાની હોટલમાં જ તમારી – ના ના, આપની પાસે રહી મોજ માણવા માટે બંધાયેલો છું?” કોન્સીલે કહ્યું.

‘આપ’ને બદલે ‘તમે’ બોલાઈ જવામાં થયેલો ક્ષોભ કોન્સીલના મોઢા પર સ્પષ્ટ દેખાતો હતો.

“પ્રોફેસર સાહેબ! તમે જો એમ માનતા હો કે અમે તમારા પર ઉપકાર કર્યો છે, તો મેં પણ તેના બદલા માટેનું કામ તમારા માટે તૈયાર જ રાખ્યું છે.” નેડે કહ્યું.

શું?

“જ્યારે હું આ વહાણમાંથી નાસી છૂટવાની તૈયારી કરું ત્યારે તમારે સાથે રહેવાનું છે.”

“ઓહો, એ તો નક્કી જ છે ને! હા, પણ આપણે કઈ દિશામાં જઈએ છીએ? આ સૂર્ય સામે દેખાય છે, એટલો ઉત્તર દિશા તરફ જ વહાણ જાય છે, એ વાત નક્કી.”

અમારું વહાણ શિકારીના પંજામાંથી છૂટેલા હરણની જેમ ઉત્તર દિશા તરફ નાસતું જતું હતું.

“હવે કાં તો કૅપ્ટન નેમોનો વિચાર ઉત્તર ધ્રુવની હવા ખાવાનો લાગે છે!” નેડે કહ્યું.

“તોયે આપણાથી ક્યાં ના પડાય તેમ છે?” મેં કહ્યું,

“પણ આપણે તો વચ્ચે રસ્તામાં જ વહાણને છોડી દેવું પડશે. હવે કાંઈ કૅપ્ટન રજા આપે તેની રાહ જોવાશે નહિ.” નેડે કહ્યું.

“આપણે તો જુદા પડવામાંયે વાંધો નથી, અને સાથે રહેવામાંયે વાંધો નથી.’ કોન્સીલે પોતાનો નમ્ર અભિપ્રાય જણાવ્યો.

પહેલી એપ્રિલે જ્યારે અમારું વહાણ તાજી હવા લેવા માટે દરિયાની સપાટી ઉપર આવ્યું ત્યારે અમારી નજરે જમીન દેખાઈ.

એ ‘ટેરા-ડેલ-ફયુગ’નો પ્રદેશ હતા, દક્ષિણ અમેરિકા અને આ પ્રદેશ વચ્ચે એક સામુદ્રધુની વહે છે. તેનું નામ મૅગેલનની સામુદ્રધુની. મૅગેલન નામના એ પ્રખ્યાત સાહસી વહાણવટીએ લગભગ ૧૬મા સૈકામાં આની શોધ કરી હતી.

અમારું વહાણ કિનારે ચડ્યા સિવાય ફોકલેન્ડના બેટ તરફ ચાલ્યું. ત્યાંથી દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારાની સાથે સાથે જ તે ઉત્તરમાં આગળ વધવા લાગ્યું. વહાણ ક્યાંયે કિનારે ઊતરતું ન હતું. એક તો કિનારો જ ખૂબ ખરાબ હતો, અને બીજું માણસોની વસ્તીવાળો ભાગ જ એવો હતો કે જ્યાં નેમો ઊતરી શકાય. અને ને કાંઈ માણસની વસ્તીમાં થોડો જ જાય?

‘પ્લેટ’ નદીના મુખને વટાવી ‘ઉસગાપ’ના પ્રદેશનો કિનારો અમે વટાવી ગયા. બ્રાઝિલનો ગરમ પ્રદેશ પણ અમારી પડખે થઈને પસાર થઈ ગયો. ૧૧મી એપ્રિલે અમે ઍમેઝોનના મુખ આગળ આવી પહોંચ્યા. ઍમેઝોન નદી દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારાથી પૂર્વ કિનારા સુધીના ભાગને કંદરાની જેમ વીંટળાઈ વળેલી છે. તેનું મુખ જ સમુદ્ર જેવું છે. ઍમેઝોનના જોરને લીધે ત્યાં આટલાંટિક મહાસાગરનું પાણી પણ કેટલાક માઈલો સુધી મીઠું રહે છે. વિષુવવૃત્ત બરાબર આ ઍમેઝોનના મુખમાં થઈને પસાર થાય છે.

અમે વિષુવવૃત્ત વટાવી ઉત્તર ગોળાર્ધમાં આગળ ચાલ્યા. ફ્રેંચ ગિયાનાનો કિનારા પણ અમને દૂરથી દેખાયો; તેની પડખે જ ડચ અને બ્રિટિશ ગિયાનાના પ્રદેશો આવેલા છે. આ ભાગ વટાવ્યો એટલે નાના નાના કેટલાય બેટોની એક હાર શરૂ થઈ.

આ બેટોની હારને એક બાજુ રાખીને અમારું વહાણ એટિલીસ ટાપુઓના સમુદ્રમાં પેઠું અને ડૂબકી મારી ઠેઠ બાહામાના ટાપુઓ પાસે નીકળ્યું. કિનારાથી ઘણે દૂર રહ્યું રહ્યું અમારું વહાણ અહીં બહાર હવા ખાતું હતું. નેડલૅન્ડની આશાએ એક પછી એક બેટ આવતાં બંધાતી, અને તે બેટો પસાર થઈ જતાં તૂટી જતી! કઈ રીતે જેલમાંથી નાસી છુટાશે એમ એને ક્ષણે ક્ષણે થતું હતું. હું તથા કોન્સીલ તો અમારો વખત જાતજાતની દરિયાની સમૃદ્ધિઓ જોવામાં કાઢતા હતા, પણ તેડનું શું? તેને ખાવા અને શિકાર કરવા સિવાય એક પણ વિષયમાં રસ નહોતો.

અમારું વહાણ એક દિવસ સવારમાં દરિયાના કિનારા ઉપર હવા ખાતું હતું. હું હજી ઊંઘમાંથી પૂરેપૂરો જાગ્યો નહોતો; ત્યાં મારા કાન ઉપર ‘મદદ! મદદ!’ એવી બૂમ પડી. આ શબ્દો ફ્રેંચ ભાષામાં બોલાયા હતા. હું તરત જ દોડતો દોડતો તૂતક ઉપર પહોંચી ગયો. પહોંચ્યો તેની સાથે જ કૅપ્ટન નેમો, નેડ તેમજ વહાણના બીજા માણસો પહોંચી ગયા હતા. તૂતક ઉપર ધમાલ હતી. પડખે જ સમુદ્રના પાણીમાં ભારે ખળભળાટ હતો. હું વસ્તુસ્થિતિ ઘડીક વારમાં સમજી ગયો. ‘પૉલ્પ’ નામનાં આઠ પગવાળાં દરિયાઈ વિચિત્ર પ્રાણીઓએ અમારા વહાણ ઉપર હલ્લો કર્યો હતો, અને એક માણસને તો એક પ્રાણીએ પકડ્યો પણ હતાે.

કૅપ્ટન નેમોનું સ્વરૂપ આજે જેવું રૌદ્ર હતું તેવું મેં કદી નહિ જોયેલું. પેલો પકડાયેલ માણસ ફાન્સનો જ હતો એમ મને ખાતરી થઈ કારણ કે આફતને વખતે માણસ બીજી ગમે તેટલી ભાષાઓ જાણતો હોવા છતાં પોતાની માતૃભાષા જ બાલી ઊઠે છે. આ વહાણ ઉપર મારા જ દેશનો એક માણસ આટલા વખતથી છે એની મને આજે જ ખબર પડી. પણ ખબર પડી તે ઘડીએ એ માણસ મૃત્યુના મુખમાં હતો! મારા હૃદયમાં ભારે વિચિત્ર લાગણી ઊભરાતી હતી. હું ઉશ્કેરાઈ ગયા હતા, પણ શું કરું? આ ભયંકર પ્રાણીઓ પાસે મારું શું ચાલે? કૅપ્ટન નેમો અને નેડ પોતાનાં શસ્ત્રો લઈને તેમના પર હલ્લો કરતા હતા, પણ એથી તો ઊલટા વધારે ચિડાઈને એ પ્રાણીઓ વહાણના તૂતક ઉપર ચડવાનો પ્રયત્ન કરવા માંડ્યાં. પેલા માણસને છોડાવવો એ બની શકે તેમ જ નહોતું. મેં સાંભળેલી તેની બૂમ એ છેલ્લી જ બૂમ હતી. મેં આસપાસનું પાણી લેહીવાળું જોયું અને મારી આંખે તમ્મર આવી ગયાં!

નેડ પણ આજે તો રંગમાં આવી ગયો હતો; પોતાના હારપૂનથી તેણે ઘણાં પ્રાણીઓની આંખો જ ફાડી નાખી; પણ દરમિયાન તેની પોતાની જરા ગફલતને લીધે તેનો પણ સરક્યો અને તે પાણીમાં પડી ગયે. તરત જ એક ભયંકર પ્રાણી પંખા જેવા આઠ પગ લઈને તેના ઉપર ધસી આવ્યું. નેડ તરીને તૂતક ઉપર ચડી જાય તો પહેલાં તે પેલું પ્રાણી નજીક આવી પહોંચ્યું, અને પોતાના આઠે પગો અથવા હાથેથી તેને પકડવાની તૈયારીમાં હતું. હું નેડને બચાવવા માટે કૂદી પડવા તૈયાર થયો હતો, ત્યાં તો કૅપ્ટન નેમોનો ભાલો પેલા પ્રાણીના મોઢામાં પેસી ગયા. દરમિયાન નેડ પણ સાવધ થઈ ગયો, અને તેનું હારપૂન પૉલ્પની છાતીમાં ભેંકાઈ ગયું.

“હાશ!” નેડે છુટકારાનો દમ ખેંચ્યો.

લગભગ ૧૦-૧૫ મિનિટ સુધી આ પ્રાણીઓ અને વહાણના માણસો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. આખરે કેટલાંક નાસી ગયાં ને કોઈ કોઈ તો મરી ગયાં!

કૅપ્ટન લોહીથી ખરડાયેલો મૂંગો મૂંગો કેટલીયે વાર સુધી સમુદ્રનાં પાણી તરફ જોતો ઊભો રહ્યો. આ સમુદ્ર તેના જીવનના એક સાથીનો ભોગ લીધો હતો!

કૅપ્ટનને આજે મેં પહેલી જ વાર રડતો જોયો.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book