થોડાંક વર્ષો પહેલાં પ્રસિદ્ધ ફ્રેન્ચ લેખક જુલે વર્નની ‘ચંદ્રની મુસાફરી’ [1] નામની સંક્ષિપ્ત ચોપડી મેં વાંચી ત્યારથી જુલે વર્ન ઉપર હું મુગ્ધ થયો.
મારી છેલ્લી માંદગીમાં મને જુલે વર્ન સાંભર્યો અને મેં તેનાં બે-ચાર પુસ્તકે સાંભળીને વાંચ્યાં. એકેએક પુસ્તક ઉપર હું આફરીન બનતો ગયો; એકેએક પુસ્તક મને અજોડ લાગ્યું. પણ એમાંયે જો કોઈ પુસ્તક તરફ મારે પક્ષપાત કરવાને હોય, મારે કેમ આપવાનો હોય તો હું પહેલી જગ્યાએ આ [2] ‘સાગરસમ્રાટ’ને મૂકું.
આ પુસ્તક જુલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોતમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ ‘નૉટિલસ’ની કલ્પના જુલે વર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મુકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જુલે વર્નની પાતાલસ્પર્શી કલ્પનાને ઋણી છે.
તરંગ અને કલ્પના બંને મનોવિહારનાં જુદાં જુદાં સ્વરૂપ છે. તરંગનો પાયો અધ્ધર છે, શૂન્યમાં છે. પોકળતામાં છે, મગજની અવ્યવસ્થામાં છે. કલ્પનાનો પાયો વાસ્તવિક્તામાં છે. જે માણસ જગતનાં સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વોને તેના સત્ય સ્વરૂપમાં જોઈ શકતો નથી પણ તેને બદલે સ્વ-વાંછિત સ્વરૂપને કલ્પે છે તે તરંગની પાંખે ઊડીને પછડાય છે. જે માણસ જગતનાં સ્થૂળ-સૂક્ષ્મ તત્ત્વોનાં આંતર રહસ્યોને અંતઃસ્ફુરણાથી પામી શકે છે, તે માણસને કલ્પના વરે છે અને તેને વરેલી કલ્પના તેને વર્તમાનમાંથી ભવિષ્ય ભાખતો બનાવે છે. જુલે વર્ન બીજા પ્રકારનો કલ્પક છે, ભવિષ્યવેત્તા છે, આર્ષ દૃષ્ટિવાળો છે.
સફળ કલ્પનાનું સર્જન વાંચનારને આનંદદાયક છે, વૈજ્ઞાનિકને જિજ્ઞાસા તૃપ્ત કરનારું છે, શોધકને દિશાસૂચક છે, કેળવણીકારને કલ્પનાનું – શુદ્ધ કલ્પનાનું સાહિત્ય આપનારું છે. કલ્પનાનાં પુસ્તકોમાં આ પુસ્તક અગ્રસ્થાને બિરાજનારું હેઈ જુવાન હૃદયને ઉત્સાહ આપનારું અને પ્રેરક છે. જુવાની નવલકથાઓ માગે છે. અબૂજ લોકો તરંગપ્રધાન વાતો જુવાનને ખોળે ધરી તેમને તરંગી, અક્રિય, નિર્વીર્ય અને નિષ્ફળ કરે છે. ડાહ્યા લોકો જુવાનને એવી કથાઓની ભેટ ધરે છે કે જે તેમની ઊછળતી સાહસિક વૃત્તિને, તેમની સંશોધક વૃત્તિને પોષે છે અને તેમની પાસે એવા જ ઉત્સાહભર્યાં પરાક્રમો કરાવવાને પ્રેરણા આપી તેમને ઊભા કરે છે. જુલે વર્ન બીજા પ્રકારના લેખક છે.
નવલકથાઓ મનરંજન કરે છે. માટે વાંચનારનું મન તે હરી શકે છે. જુવાનોને એટલા જ માટે નવલકથાઓ ઉપર બહુ પ્રેમ છે. માત્ર ઉપલક રંગવાળી અને નિષ્ફળ ખુજલી ઉત્પન્ન કરનારી આવી નવલકથાઓ આખર જુવાનના શાપને પામે છે; પણ જે નવલકથાઓ તેમને આદર્શ આપે છે, તેમની સામે જીવનના નવા માર્ગો, બુદ્ધિનાં નવાં ક્ષેત્રે, કલ્પનાનાં નવાં ઉડ્ડયનો ઉઘાડાં કરે છે, તે નવલકથાઓને જુવાનો અનન્ય પ્રેમથી પૂજે છે અને તેને તેમની પ્રાણપ્રેરક માને છે. જુલે વર્નની એકેએક નવલકથા જુવાન વાંચકોનું અખૂટ પ્રેરણાબળ છે, આદર્શદાત્રી છે.
ચોપડીનું અંગ્રેજી નામ ‘દરિયા નીચે વીશ હજાર લીગ”એવું છે. અંગ્રેજી નામ ચોપડીની વૈજ્ઞાનિક કિંમત સૂચવે છે. અને સાચે જ ચોપડી વૈજ્ઞાનિક દૃષ્ટિએ મહામૂલ્ય છે. સહેજે જ એ પડી વાંચતાં સાગરનું પેટ કેટલું વિશાળ છે, તેમાં કેટલી કેટલી વિવિધ અને અદ્ભુત સામગ્રીઓ છે, પાણીની સપાટી નીચે કુદરતની લીલા કેવી અપૂર્વ અને ભવ્ય છે તેને ખ્યાલ આપણને આવે છે. પૃથ્વી ઉપરની નિસર્ગસૃષ્ટિને મહિમા અદ્વિતીય છે, અને પૃથ્વી ઉપરની મૃષ્ટિ રચી ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે. એમ કહેનારાઓને પૃથ્વીના પેટ ઉપર પથરાયેલ સાગરમાં આવેલું અપૂર્વ સૌંદર્યસર્જન જોતાં અભિમાનને નીચું કરવું પડશે અને કિરતાર વિશેના પોતે કરેલા દરિદ્ર ખ્યાલ માટે શરમાવું પડશે. આ દૃષ્ટિ જુલે વર્નની વાર્તાઓ આપણને આપે છે.
માછલીઓના અભ્યાસીઓને માટે કે સાગરમાં થતી વનસ્પતિઓ, મોતી, વગેરે વગેરેના અભ્યાસીઓ માટે આ પુસ્તક પ્રમાણગ્રંથ ન હોય; પરંતુ પ્રમાણગ્રંથો કેવા હોવા જોઈએ તેના ધોરણરૂપ છે–વૈજ્ઞાનિકે સમષ્ટિનો કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ તેનું દિશાસૂચક છે.
ચોપડીના અંગ્રેજી નામ કરતાંયે મને “સાગરસમ્રાટ’ નામ વધારે ગમે છે. નૉટિલસ અને તેનો કપ્તાન નેમો બેમાં સાગરસમ્રાટ કોણ તે કહેવું મુશ્કેલીભર્યું છે; છતાં બન્ને સાગરસમ્રાટ છે; અને બન્નેને આ ચોપડીનું નામ અર્પણ થઈ શકે છે. નૉટિલસ કેટલું સુંદર અને ખુશનુમા કલ્પના છે! કલ્પનાની નૉટિલસ વાચકને હૂબહૂ પળે પળે જીવંત લાગે છે અને વાંચનાર નેમો, મોડ, એરોના અને કોન્સીલની સાથે પોતે પણ પ્રવાસમાં હોય એમ તેને લાગે છે. સાચે જ જાણે કે આપણે નૉટિલસમાં બેસીને દરિયામાં વિવિધ પાણીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ, નેડ તેમજ પ્રોફેસર એરોનાની વાતો સાંભળીએ છીએ, નેમોના અભ્યાસના ઓરડામાં બેઠા બેઠા કેટલી યે શાસ્ત્રીય હકીકતોનો અભ્યાસ કરીએ છીએ, અને નૉટિલસના તૂતક ઉપર ઊભા ઊભા દુશ્મનવહાણેને ડૂબતાં જોઈએ છીએ, એવું વાંચતા વાંચતાં સ્પષ્ટ લાગ્યા કરે છે. નૉટિલસનો બનાવનાર કૅપ્ટન નેમો અને નૉટિલસ પોતે કલ્પનાની સૃષ્ટિ હોય એવું વાંચતાં ભૂલી જવાય છે, અને નૉટિલસ અને ને સાથે આપણો સંબંધ બંધાઈ જાય છે. મિત્ર જેમ સુખદુઃખમાં આપણે તેની સાથે રહીએ છીએ, અને અંતે પણ આપણે તેનાથી છૂટા પડતાં ખરા વિયોગનું દુઃખ ભોગવીએ છીએ. જુલે વર્નની કલમની શક્તિની આ વિશેષતા છે.
કૅપ્ટન નેમો ચીતરીને જુલે વર્ને કમાલ કરી છે. વહાણવટી, ઉત્તમ વિદ્યાવ્યાસંગી, સંસ્કારી કલારસિક, બુદ્ધિશાળી ઇજનેર, હિંમતવાન અને દૃઢ બહારવટિયો, પ્રેમ-શૌર્ય અને આર્દ્રતાથી ભરેલો દેશાનુરાગી કૅપ્ટન નેમો જુલે વર્નની અપ્રતિમ કલ્પનાસૃષ્ટિ છે. હું કૅપ્ટન નેમો ઉપર વારી જાઉં છું. એટલો જ બહાદુર અને છતાં એટલો જ ઉદાર, એટલો જ નિષ્ઠુર ને છતાં એટલો જ સુકોમળ. એટલો જ બુદ્ધિપ્રધાન અને એટલો જ કલાકોવિદ્, એટલો જ વાનિક અને છતાં એટલો જ ધબકતા અંતઃકરણવાળો સાદો સરળ મનુષ્ય!
વાંચનાર જાણવાનો નથી કે કૅપ્ટન નેમો કયા દેશનો અને કયા કુળનો છે. જુલે વર્ને તે હકીકત પાત્રાલેખનમાં કુશળતાથી આલેખી છે, અને છૂપી છતાં ચતુર વાચકને તે જડે તેવી છે. જુલે વર્ન દુનિયાનાં મનુષ્યોથી વાકેફ હતો. દુનિયાના રાગદ્વેષનાં દુષ્ટ પરિણામોથી તે દુભાયેલો હશે. છળ, પ્રપંચ અને નાદારીથી પણ હિંમત નહિ હારે તેવા, સદૈવ ઈશ્વર અને માતૃભૂમિ ઉપર વિશ્વાસ રાખનાર પૃથ્વીના પડની કોઈ પ્રજાના પોતાના પુત્રને સામે રાખી તેણે નેમોને ચીતર્યો છે. જુલે વર્નની કોઈ ચોપડીમાંથી આ નેમો ક્યાંનો છે તે વાચક શોધી કાઢશે.
આ કૅપ્ટન નેમો દુનિયાના સાહસિક વીરોનો આદર્શ થાઓ. અસાધારણ મુશ્કેલીમાંથી પણ પસાર થવાની તેમનામાં તે બુદ્ધિ સુઝાડો. દુશ્મનને પણ ઉદારતાથી સમજવાની તેમનામાં શક્તિ આપો, અને કદી પણ હિંમત હાર્યા વિના આદર્શને ટેકથી વળગી રહેવાની દૃઢતા આપો. કૅપ્ટન નેમોનું ચરિત્ર દુનિયાના સૌ વીરોને ઉદાત્ત એવું, આદર્શ માટે દુઃખી જીવન પણ ટકાવી રાખવાની અને મરતાં મરતાં પણ અચલ શ્રદ્ધાયુક્ત રહેવાની દીક્ષા આપે છે.
કૅપ્ટન નેમોના મૃત્યુ વખતના ઉદ્ગારમાંથી તેનો આખે આત્મા પ્રગટ થાય છે. તે જણાવવા માટે ભાઈ મૂળશંકરે જુલે વર્નનાં બીજાં પુસ્તકોનું ભાષાંતર કરવું પડશે. ભાઈ મૂળશંકરને આ પુસ્તક ગુજરાતીમાં ઉતારવા માટે અભિનંદન ઘટે છે. અંગ્રેજી ચોપડી વાંચતાં જે પ્રસન્નતાનો અનુભવ થાય છે તે પ્રસન્નતાનો ભાઈ મૂળશંકરને સારો અભ્યાસ જણાય છે. તેના હાથમાં ગુજરાતી ભાષા સરલતાથી વહેતી દેખાય છે અને ગુજરાતીમાં પણ તે જુલે વર્નની કલ્પનાસૃષ્ટિ તાદૃશ કરવામાં પાછી પડતી નથી. આથી જ ગુજરાત ભાઈ મૂળશંકર પાસે આવાં વધારે પુસ્તકો માગવાને હકદાર થશે અને મૂળશંકરે તેને જવાબ આપવો જોઈશે.
ભાઈ મૂળશંકર શ્રીદક્ષિણામૂર્તિના માત્ર ગૃહપતિ છે માટે સાહિત્ય-કલા તેની કલમ ઉપર આવીને બેઠી નથી. પણ ભાઈ મૂળશંકર તો કલાધર છે; તે સુંદર સંગીતજ્ઞ છે. જે આંગળીઓથી તે સિતારના તાર ઉપર સંગીત રેલાવે છે, એ જ આંગળીઓથી ચોપડીનાં પાનાં ઉપર તેણે સાહિત્યને વધારે ને વધારે કેમ ન રેલાવવું? એક એક કલા એક એક ખુદાઈ બક્ષિશ છે. મૂળશંકરમાં બે કલાનો સુમેળ ખુદાની મહેરબાની છે. એ મહેરબાની તેના ઉપર કાયમ રહો, અને શ્રીદક્ષિણામૂર્તિ તે દ્વારા સાહિત્ય અને કલાની વધારે અને વધારે સેવા કરવા શક્તિમાન થાઓ.
૨૬-૧૦-‘૩૩
ગિજુભાઈ