૧૮૬૬ની સાલમાં એક એવો બનાવ બન્યો કે જેના સમાચારથી અમેરિકા અને યુરોપની દરિયાકાંઠા ઉપર રહેતી વસ્તીમાં ભારે ખળભળાટ મચી ગયો. એમાંયે મોટા મોટા દરિયાના વેપારીઓ અને ખલાસીઓ તો ગભરાઈ ઊઠ્યા હતા. વહાણના કૅપ્ટનો પણ આ બનાવને લીધે પોતાની સ્ટીમરો ઉપાડતાં બહુ વિચારમાં પડી જતા. અને આને પરિણામે મોટાં મોટાં રાજ્યો ઉપર પણ તેની ભારે અસર થઈ.
રાતદિવસ દુનિયા ઉપરના ગમે તે ભાગમાં નિર્ભયપણે પોતાનાં વહાણો હાંકનારા ખલાસીઓ એક એવી વાત લાવ્યા કે દરિયામાં એક ભારે ચમત્કારિક વસ્તુ દેખાય છે. અત્યાર સુધીમાં આવું વિચિત્ર પ્રાણી દીઠામાં કે સાંભળવામાં કદી આવ્યું નથી.
જુદાં જુદાં છાપાંઓમાં આ સંબંધી જાતજાતની ખબરો છપાવા માંડ્યા. બધા ઉપરથી એટલી વાત તે સાચી લાગતી હતી કે, દરિયામાં વિચિત્ર જાતનું જળચર જુદી જુદી જગ્યાએ દેખા દે છે. એનો આકાર શાળના કાંઠલાના ઘાટનો છે; એની લંબાઈ લગભગ અઢીસોથી ત્રણ ફૂટની છે; એની અંદરથી કોઈ કોઈ વાર વીજળીના જેવો પ્રકાશ નીકળે છે, અને તે ખૂબ ઝડપથી તરે છે.
આ વાત છાપાંઓમાં આવી એટલે દરેક દેશનાં મેટાં મોટાં ભેજાંવાળાઓ આ શું હશે તેની અટકળો બાંધવા લાગ્યા. આવી જાતનું પ્રાણી હજુ સુધી કોઈએ જોયું હોય એમ જાણમાં ન હતું. પ્રાણીશાસ્ત્ર ઉપરનાં બધાં પુસ્તકો ખૂંદી વળ્યા છતાં ક્યાંયે આવા પ્રાણીનો પત્તો ન મળ્યો.
આ ખબર પહેલવહેલા બહાર આવ્યા ત્યારથી છાપાંઓની કમાણી વધી પડી; નવરા લોકોને વાત કરવાનું સાધન મળ્યું; પ્રાણીશાસ્ત્રીઓને મગજ કસવાનું કામ મળ્યું; અને માછલીના શિકારીઓના હાથમાં ચળ આવવા લાગી. ગામડિયાઓ આને દૈવી ચમત્કાર માનવા લાગ્યા પણ જેમ બધી વાતનું બને છે તેમ આ વાત પણ ચાર-પાંચ મહિને વિસારે પડી. પેલું પ્રાણી પણ દેખાતું બંધ થઈ ગયું હતું.
પણ છએક મહિના પછી વળી એ પ્રાણીની વાત એકાએક ફરી વખત બહાર આવી. બન્યું એમ કે ૧૮૬૭ની પાંચમી માર્ચે ‘મોરોવીઅન’ નામનું એક મોટું જહાજ દરિયામાં ફરતું ફરતું એક ખડક સાથે અથડાયું. સ્ટીમરનો કૅપ્ટન આ જગ્યાએથી ઘણી વાર પસાર થઈ ગયો હતો, ત્યાં આગળ ખડક કે એવું કાંઈ હોય તેમ કોઈ પણ નકશામાં નોંધાયું ન હતું. ત્યારે આમ કેમ થયું? વહેલા મળસકામાં વહાણને આ અકસ્માત નડ્યો, વહાણનો કૅપ્ટન તરત જ પિતાની કૅબિનમાંથી બહાર આવીને તૂતક ઉપરથી જોવા લાગ્યો તો તેની નજરે ત્રણેક ફર્લાંગને અંતરે ખૂબ જોરથી ઉછાળા મારતું એક પ્રાણી દેખાયું. વધારે કશું જોઈ શકાયું નહિ. વહાણ જો ખૂબ મજબૂત ન હોત તો ત્યાં ને ત્યાં જ તે તળિયે બેસી ગયું હોત.
આ બનાવ પણ કદાચ લોકો ભૂલી જાત, પણ ત્યાં તો ત્યાર પછી ત્રણ અઠવાડિયે જ એક બીજો બનાવ બન્યો, ‘સ્કૉટીઆ’ નામની એક સ્ટીમર બિચારી આટલાન્ટિક મહાસાગર ઉપર રમતી રમતી જતી હતી, તેવામાં એકાએક આખી સ્ટીમરને ધક્કો લાગ્યો. સ્ટીમરના બધા માણસો જમતા હતા, તેમનાં ભાણાંઓ ટેબલ ઉપરથી નીચે પડી ગયાં અને થોડી જ વારમાં “સ્ટીમર ડૂબે છે, ડૂબે છે!’ એવી બૂમ નીચેના ઓરડામાંથી આવી. બધાના હોશકોશ ઊડી ગયા. કૅપ્ટન ખૂબ કુશળ હતો, સ્ટીમરની નીચે એક કાણું પડી ગયું હતું; તે કાણામાંથી દરિયાનું પાણી ધોધમાર કરતું સ્ટીમરના તે ઓરડામાં આવતું હતું. કૅપ્ટને તે પાણી આગળ ન વધે તે માટે ખૂબ ચાંપતા ઉપાયો લીધા અને સ્ટીમરને માંડ માંડ બારા ભેગી કરી. સ્ટીમરને બારામાં લાવી બધાએ પેલું કાણું તપાસ્યું. જાણે કેઈ મોટી ગાળ શારડીથી માપીને કાણું પાડ્યું હોય એવું તે દેખાતું હતું. લગભગ ત્રણ ફૂટના ઘેરાવાવાળું તે કાણું હતું.
આ બનાવ જ્યારે છાપાંઓમાં આવ્યો ત્યારે બધે ગભરાટ ફેલાઈ ગયો. હવે તો આ પ્રાણીને શોધી કાઢવું એટલું જ નહિ, પણ કોઈ પણ રીતે પૂરું કરવું એમ બધાને લાગવા માંડ્યું. મોટાં મોટાં રાજ્યોને પણ આ જોખમ સમજાવા લાગ્યું. આ પ્રાણીને કઈ રીતે પહોંચી વળવું તે માટે યોજનાઓ પણ ઘડાવા લાગી. પણ આ બીડું કોણ ઝડપે?
આ બધી હોહા જ્યારે ચાલતી હતી ત્યારે હું અમેરિકામાં હતો. પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે હું નેબ્રાસ્કાના પ્રદેશમાં ખૂબ ફરીને ત્યાંથી પછી ન્યૂયૉર્કમાં આવ્યો હતો. અહીંથી હું મારા વતન ફ્રાન્સમાં જવા માટેની તૈયારી કરતો હતો. વિજ્ઞાનશાસ્ત્રી તરીકે હું ફ્રાન્સમાં જ નહિ પણ અમેરિકામાં સુધાં ઠીક ઠીક જાણીતા હતા. હું ન્યૂયોર્કમાં છું એમ છાપાંવાળાઓને ખબર પડી એટલે મારે ત્યાં ખબરપત્રીઓનું કીડિયારું ઊભરાયું. આ રાક્ષસી માયા સંબંધોની વાતો હું ખૂબ રસથી સાંભળતો હતો અને વાંચતોપણ હતો. મને પણ એ શું હશે તે પ્રશ્નનો નિકાલ મળ્યો ન હતો. તોપણ મેં એમ જાહેર કર્યું કે “દરિયામાં દેખાતી આ વસ્તુ કાં તો કોઈ નવીન જાતનું ભયંકર દરિયાઈ પ્રાણી હોય, અથવા તે દરિયાની અંદર ચાલે તેવું વહાણ હોય. પણ આવી જાતનું વહાણ દુનિયા ઉપરના કોઈ પણ રાજ્યમાં કે ખાનગી કારખાનામાં તૈયાર થયું હોય તો તે બહાર પડ્યા વગર રહે જ નહિ; તેમ એવી જાતનું વહાણ કોઈના ભેજામાંથી પણ હજુ સુધી નીકળ્યું નહોતું. એટલે એ વસ્તુ કોઈ ભયંકર દરિયાઈ પ્રાણી જ હોઈ શકે. દરિયાની અંદર ‘નારવ્હેલ’ નામની માછલી અત્યાર સુધીમાં સૌથી મોટામાં મોટી માછલી તરીકે જાણીતી છે. આ માછલીને તલવારની ધાર જેવી સૂંઢ હોય છે, અને તેનાથી તે મોટી મોટી વ્હેલ માછલીઓને ચીરી નાખે છે. આના ઉપરથી એવું અનુમાન બાંધી શકાય કે એ માછલીથી દસગણી વધારે શક્તિવાળી માછલી દરિયામાં હોઈ શકે. આવી માછલીઓ આખી દુનિયાના સમુદ્ર ઉપર કદાચ બહુ જ થોડી સંખ્યામાં હોય; પણ ન જ હોઈ શકે એમ માનવાને. કાંઈ કારણ નથી.”
હા, મારો આ ખુલાસો જ્યારે છાપાંઓમાં પ્રસિદ્ધ થયો ત્યારે વળી લોકોમાં હોહા મચી ગઈ. હવે તો એમ નક્કી જ થયું કે આ કોઈ રાક્ષસી પ્રાણી છે, અને તેને કોઈ પણ રીતે શોધી કાઢીને મારવું એ એક મોટામાં મોટું પરોપકારનું કામ છે.
બીજે દિવસે છાપાંઓમાં ખબર આવ્યા કે અમેરિકાની સરકારે ચોવીસ કલાકમાં જ ‘અબ્રાહમ લિંકન’ નામની સ્ટીમરના કૅપ્ટનને તે પ્રાણીની શોધમાં નીકળવા માટે તૈયાર થવાની તાકીદ આપી છે. તે સાથે રાજ્ય તરફથી તે પ્રાણીના શિકાર માટે તૈયાર થયેલા માણસને પણ સ્ટીમરમાં ઊપડવા માટે કહેવામાં આવ્યું છે.
સ્ટીમર ઊપડવાને ત્રણ કલાકની વાર હતી. હું મારા ઓરડામાં બેઠાં બેઠાં વાંચતાં હતાં, ત્યાં તો મારા નોકરે મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી. અંદર લખ્યું હતું?
‘મહેરબાન સાહેબ!’
અમેરિકાના સંયુક્ત રાજ્ય તરફથી પડનારી ‘અબ્રાહમ લિંકન’ સ્ટીમરના આ બહુ જ અગત્યના પ્રવાસમાં સાથે જવા માટે આપને હું વિનંતી કરું છું. અને એ રીતે આખી દુનિયા પર આફતરૂપ ગણાય એવા આ ભયંકર પ્રાણીનો નાશ કરવામાં ફ્રાન્સના પ્રતિનિધિ તરીકે આપ સહકાર આપશો એવી આશા રાખું છું. આપ ના નહિ પાડે એમ
માનીને આપને માટે સ્ટીમરમાં કૅબિન પણ તૈયાર રખાવી છે.
લિ. આપનો વિશ્વાસુ,
જે. બી. હૉબ્સન
દરિયાખાતાના મંત્રી