૨૬. નેમોનું રૌદ્ર સ્વરૂપ

અઢારમી તારીખે તો તોફાન તેના ખરા સ્વરૂપમાં પ્રકાશી ઊઠ્યું. વરસાદ અને પવન બંને સાથે શરૂ થયાં, પહાડ જેવાં મોજાંઓ ઊછળી ઊછળી જાણે આકાશને અડવા મથતાં હતાં, આકાશ ઘનઘોર છવાઈ ગયું હતું.

કૅપ્ટન નેમો આવા તોફાનમાં પણ વહાણની તૂતક ઉપર ઊભો હતો. પિતાની કેડે એક દોરડું બાંધીને તે દોરડાનો છેડો તૂતકના એક દાંડા સાથે તેણે બાંધી રાખ્યો હતો. પણ કોઈ કોઈ વાર આ રીતે વહાણના તૂતક ઉપર આ તોફાન જોવા જતો હતો. સમુદ્ર આખો જાણે મોજાંઓનો જ બનેલો જ હતો! મોજાંઓ ૪૫ ફૂટની ઝડપથી ઊછળતાં હતાં.

રાત્રે વળી તોફાનનું જોર વધ્યું. રાત્રે મેં દૂર એક સ્ટીમરના દીવાએ જોયા. આવે વખતે આ સ્ટીમર કુદરત સાથે કેટલું યુદ્ધ કરી રહી હશે! થોડી વારમાં તો તે દેખાતી બંધ થઈ ગઈ. કાં તો ડૂબી અથવા તો પસાર થઈ ગઈ!

રાત્રે વીજળીના ચમકારાઓ થવા લાગ્યા, જાણે આકાશમાં આગ લાગી. એ ચમકારા ઝીલતો કૅપ્ટન નેમો તો રાત્રે પણ વહાણ ઉપરના તૂતક ઉપર ઊભો હતો! વહાણ આખું ઝોલે ચડતું. કેઈ માણસ વહાણની અંદર પણ પગ માંડીને ઊભો નહોતો રહી શકતો.

રાતના આશરે બારેક વાગે કૅપ્ટન નેમો વહાણની અંદર આવ્યો. પાણીનાં ટાંકાં ભરાવા માંડયાં; વહાણ નીચે ઊતરવા લાગ્યું. વહાણ લગભગ ૨૫ વામ ઊંડે ગયું; ત્યાં સુધી પાણી શાંત નહોતું. તોફાનની આટલે ઊંડે સુધી અસર હતી.

પણ ત્યાં કેટલી શાંતિ હતી! કોણ કહી શકે કે દરિયાની સપાટી ઉપર તોફાન ચાલે છે!

આ તોફાનને લીધે અમારું વહાણ લગભગ પૂર્વ દિશા તરફ વળી ગયું હતું. અમેરિકાના કિનારા તરફ છટકીને જવું એ હવે અશક્ય હતું. નેડને તો એમ જ થઈ ગયું કે કુદરત જ પોતાની વિરુદ્ધ છે. અધૂરામાં પૂરું તોફાનની સાથે જ ધુમ્મસ પણ આખો દિવસ રહેતું. સાધારણ વહાણ કદાચ તોફાન સાથે ટક્કર ઝીલે, પણ આ ધુમ્મસની સામે તેનું કાંઈ ચાલી શકતું નથી. કેટલાંયે વહાણે આ ધુમ્મસની અંદર સામસામા અથડાઈને કે કોઈ ખડક સાથે અથડાઈને દરિયાને તળિયે બેસી ગયાં હશે!

જોતજોતામાં અમારું વહાણ ન્યૂફાઉન્ડલૅન્ડના દક્ષિણ કિનારાને અડ્યું ન અડ્યું અને સીધું પૂર્વમાં આયર્લૅન્ડના દક્ષિણ કિનારાથી. લગભગ ૧૨૦ માઈલ દૂર જેટલે આવી ગયું.

આ વહાણ તે ક્યાં જતું હશે? ઇંગ્લાંડ તથા ફ્રાંસનાં પણ અમને દર્શન કરાવવાનો આનો વિચાર નથી શું? અમને એ અમારા વહાલા કિનારાઓ બતાવીને વધારે સતાવવાને તો એને વિચાર નથી શું? પણ અહીંથી વહાણ પાછું દક્ષિણ દિશામાં ઊતરવા લાગ્યું.

૩૧મી મેનો આ દિવસ નૉટિલસે ભમવામાં જ પસાર કર્યો. જાણે દરિયામાં કોઈ ખોવાયેલી વસ્તુ હોય એમ દરિયાની અંદર તે આંટા મારતું હતું,

બીજે દિવસે સવારે એકાએક વહાણે ડૂબકી મારી. વહાણ લગભગ ૪૧૮ વામે અટક્યું. દીવાનખાનાની બારીઓ ખોલી નાખવામાં આવી. વીજળીના પ્રકાશ પાણીમાં છોડવામાં આવ્યો. મેં પાણીમાં શું જોયું? એક મોટા વહાણનું હાડપિંજર! તેના ઉપર ઠેર ઠેર નાનાંમોટાં શંખલાંઓ ચોંટી ગયેલાં હતાં. કૅપ્ટને મારી પાસે આવીને આ વહાણ બતાવ્યું. “આજથી ૭૪ વર્ષ પહેલાં માલથી ભરેલું આ ફ્રેન્ચ વહાણ અંગ્રેજોની સામેની લડાઈમાં હારવાની અણી ઉપર હતું ત્યારે તાબે થવાને બદલે રાજીખુશીથી પોતાના ૩૫૩ ખલાસીઓની સાથે જ આ જગ્યાએ ડૂબી ગયું હતું. તે જ આ વહાણ!

“ઓહો! ત્યારે તો આ પેલું વેન્જિયર હશે?” હું બોલી ઊઠ્યો.

“હા, એ વેન્જિયર! એ જ અમર વહાણ!”

કૅપ્ટન ધીમેથી બોલ્યો. અને કેટલીયે વાર સુધી એ છિન્નભિન્ન થઈ ગયેલા વહાણ તરફ મીટ માંડીને જોઈ રહ્યો. હું પણ આ ભેદી માણસની સામે કેટલીય વાર સુધી તાકી રહ્યો. આ માણસ ફક્ત શોખને ખાતર જ આવું વહાણ લઈને નથી નીકળી પડ્યો; પણ તેની પાછળ કોઈ અજબ ઇતિહાસ હોવો જોઈએ, એમ મને વધારે દૃઢતાથી લાગવા માંડ્યું. દુનિયાની જીત પામતી જતી પ્રજા તરફને તેને તિરસ્કાર, અને હારેલી પ્રજા તરફનો પક્ષપાત ચોખ્ખો દેખાઈ આવતો હતો.

દરમિયાન અમારું વહાણ પાછું દરિયાની સપાટી ઉપર આવી પહોંચ્યું. થોડીક જ પળમાં મારા કાન ઉપર એક માટો ધડાકાનો અવાજ આવ્યો. હું ચમક્યો. મેં કેપ્ટન સામે જોયું; તે કંઈ ન બોલ્યો.

મેં પૂછ્યું : “કૅપ્ટનસાહેબ!”

પણ જવાબ ન મળ્યો.

તરત જ વહાણના તૂતક ઉપર પહોંચ્યો. ત્યાં નેડ ઊભો હતો. મેં પૂછ્યું : “નેડ! શાન ધડાકો થયો?”

“તોપનો.”

“ક્યાંથી?”

“જુઓ, સામે દૂર વહાણ દેખાય છે ત્યાંથી. તે કોઈ લશ્કરી વહાણ દેખાય છે. થોડા જ વખતમાં આ વહાણ ઉપર હલ્લો કરી આને તે તોડી પાડશે.”

“અરે! આ વહાણ તે તૂટતું હશે?” મેં કહ્યુંસ “એ તો ઘડીક વારમાં દરિયાને તળિયે જઈને બેસશે. ત્યાં એની પાછળ કંઈ પેલું વહાણ ઓછું જ આવવાનું છે?”

તે વહાણ ક્યા દેશનું હતું એ ઓળખી નહોતું શકાતું; પણ ધીમે ધીમે તે પાસે આવતું જતું હતું. તેની નજરે અમારું વહાણ પડ્યું હતું એ વાત તો ચોક્કસ. પણ આ વહાણ છે, એની એને ખબર છે કે કેમ તે કહી શકાય તેમ નહોતું. જે આ વહાણ પાસે આવે અને કૅપ્ટન નેમોને તેની ખબર ન રહે તો અમારે નાસી છૂટવાની એક સરસ તક મળી જાય એવું હતું!

“જો એક માઈલનું અંતર એ વહાણ અને આપણી વચ્ચે રહે તો હું તો કૂદીને તરતો તરતો ત્યાં પહોંચી જવાનો! તમારે પણ તેમ જ કરવું.” નેડે કહ્યું.

હું વહાણ તરફ જોતો ઊભો જ હતો. થોડી જ વારમાં ધુમાડાના ગોટા દેખાયા અને અમારી નજીકના પાણીમાં કંઈ ભારે પદાર્થ પડ્યો અને સાથે જ માટો ધડાકો થયો. 

“અરે! આ લોકો તો આપણી સામે જ તોપ ફોડે છે!”

“હા, પણ તેના મનમાં એમ હશે કે આ કોઈ મોટું વહેલ કે એવું પ્રાણી છે.” કોન્સીલે કહ્યું.

“ના ના, મને તે તેમાં શંકા છે. મને તો એમ લાગે છે કે અબ્રાહમ લિંકને અમેરિકા પાછા જઈને લોકોને ખબર આપ્યા હશે કે એ કોઈ દરિયાઈ પ્રાણી નથી પણ વહાણ છે. અને હવે તો એ વહાણનો નાશ કરવા માટે આવાં વહાણો કેટલાંયે ભટકતાં હશે.” મેં કહ્યું.

“કૅપ્ટન નેમો હવે શું કરશે?”

મારા મનમાં એક ભયંકર શંકા આવી ને પસાર થઈ ગઈ. “પેલા વહાણને કૅપ્ટન નેમો જીવતું નહિ રહેવા દે!”

આ દરમિયાન અમારા વહાણની આસપાસ તેપના ગોળાને વરસાદ વરસતો હતો. એક પણ ગોળો હજુ નૉટિલસને અડક્યો નહોતો. ને વહાણ લગભગ ત્રણેક માઈલ દૂર હશે. કૅપ્ટન નેમે વહાણ આટલું જોખમમાં હોવા છતાં હજુ ઉપર નહોતે આવ્યા, તેમ વહાણને પાણીની નીચે પણ લઈ નહોતો જતો. જો એકાદ તોપને ગોળો બરાબર વહાણ ઉપર આવ્યો, તો વહાણને ભુક્કો બોલી જાય એમાં મને શંકા નહોતી.

નેડે મને કહ્યું: “પ્રોફેસરસાહેબ! મને લાગે છે કે આપણે એ વહાણને નિશાનીથી એમ સમજાવીએ કે અમે શત્રુ નથી, મિત્ર છીએ. કેમ?”

પણ હું જવાબ આપું તે પહેલાં તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને હાથ ઊંચો કરી ફફડાવવાની તૈયારી કરે છે, ત્યાં તો પાછળથી વજ્ર જેવો હાથ તેના ઉપર પડ્યો. આ હાથના આંચકાથી તેમજ બીકથી નેડ પડી ગયો! 

“દુષ્ટ!” કૅપ્ટન બબડ્યો, “તારે વગર મોતે મરવાનો વિચાર લાગે છે, કેમ?”

કૅપ્ટન નેમોને આ અવાજ એટલો ભયંકર હતો તેથી વધારે ભયંકર તેનો આ વખતનો સીનો હતો. તેનો ચહેરો ખૂબ ફિક્કો લાગતો હતો. તેને અવાજ અત્યારે ગાજતો હતો. ધ્રૂજતા નેડને તેણે જરા વાંકો વાળીને હચમચાવી નાખ્યો.

પણ તરત જ તેને એક બાજુ મૂકીને પેલા દૂર દેખાતા વહાણ તરફ તે ફર્યો: ‘એ કમભાગી પ્રજાના વહાણ! તું જાણે છે હું કોણ છું? મારે તને ઓળખવાની જરૂર નથી. તારે મને ઓળખવો હોય તો જો આ નિશાની!” એમ કહીને પોતાનો કાળો વાવટો હવામાં ફરકાવ્યા. આ જ વાવટે તેણે દક્ષિણ ધ્રુવ પર પણ ફરકાવ્યો હતો. 

એ જ ઘડીએ એક બીજો ગોળો બરાબર વહાણની નજીક આવીને પાણીમાં પડ્યો.

“નીચે જાઓ!” કૅપ્ટન નેમોએ પોતાના ખભા સહેજ હલાવ્યા. ‘તમે ત્રણેય જણ નીચે જાઓ!”

“કેમ, પેલા વહાણ ઉપર તમે હલ્લો કરવાના છો?” મેં પૂછ્યું.

“હા, હું તેને ડુબાડી દેવાનો છું.”

“તેમ ન કરતા.” મેં કહ્યું,

“હું એમ જ કરીશ! મને સલાહ આપવાની જવાબદારી તમારા ઉપર ન રાખો. યુદ્ધ શરૂ થઈ ગયું છે; સામા પક્ષે જ શરૂ કર્યું છે. તેથી તેનો જવાબ તેને બહુ ભયંકર મળશે. તમે નીચે જાઓ!”

“આ વહાણ કયા દેશનું છે?”

“તમને ખબર નથી? બહુ ઠીક થયું. તમારે જાણવાની જરૂર પણ નથી. એટલી વાત પણ તમારાથી છાની રહી તે ઠીક થયું. હવે નીચે ચાલ્યા જાઓ.”

અમારે નીચે ગયા સિવાય છૂટકો નહોતો.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book