૧૬. ભૂમધ્ય સમુદ્રમાં

“ભૂમધ્ય સમુદ્ર?”

મારા સાથીઓ સવારે ઊઠ્યા અને જ્યારે મેં કહ્યું કે આપણે ભૂમધ્ય સમુદ્રમાં સફર કરી રહ્યા છીએ, ત્યારે તેમને ઘડીભર તો સ્વપ્ન લાગ્યું.

પણ બહાર આવીને તેમણે દરિયાની સપાટી ઉપર નજર નાખી તે પોર્ટ સૈયદને કિનારો ધીમે ધીમે અદૃશ્ય થતો જતો હતો.

થોડી વારમાં અમે ચારે તરફ યુરોપનાં જુદાં જુદાં રાજ્યોના કિનારા જેવા પામશું, એ વિચારે અમને હલાવી મૂક્યા. નેડલૅન્ડના મનમાં નાસી છૂટવાનો વિચાર ફરી બમણા જોરથી જાગ્રત થયો. અમે બધા બંધબારણે મારા ઓરડામાં બેઠા હતા, ત્યાં નેડે વાત ઉપાડી: “કેમ પ્રોફેસર ઍરોના! હવે શો વિચાર છે? યુરોપના કિનારા પાસે તો આવી પહોંચ્યા છીએ!

“કેમ? આ મુસાફરીથી કંટાળો આવી ગયો?’ મેં પૂછ્યું.

“સાચી વાત કહું તો મને બહુ કંટાળો નથી આવ્યો; પણ ગમે તેવી સારી મુસાફરી હોય છતાં તેનોયે કાંઈ અંત હોય ને? આ તો મને પૃથ્વીના ગોળાની જેવી અનંત મુસાફરી લાગે છે.”

“તેનોય અંત આવશે; ધીરજ રાખો.” મેં કહ્યું.

“કેમ? આખો દરિયો ફરી વળશું એટલે મુસાફરી પૂરી થશે!”

“બરાબર છે.” કોન્સીલે કહ્યું. “મને તો લાગે છે કૅપ્ટન નેમો આપણને આખી દુનિયા પરના સમુદ્રની અંદર ફેરવીને પછી છૂટા કરી દેશે.”

“મને તો લાગે છે કે આ દેહથી આપણને છૂટા કરશે, વહાણમાંથી તો નહિ કરે” નડે કહ્યું.

“ના, ના; એમ તે શું બને? પણ મને એક વાત સાચી લાગે છે કે કૅપ્ટન નેમો પોતાની મરજીથી આપણને છૂટા નહિ કરે. એ તો આપણે જ નાસી છૂટવાનું રહેશે, જો નાસી છૂટવું હોય તો.”

“ત્યારે કેમ કરશું?” નેડ મંઝાયા.

રાહ જોવી, ને લાગ આવે ત્યારે નાસી છૂટવું.”

“તમે તો ભવિષ્યકાળની જ બધી વાત કરો છો!” નેડ જરા ચિડાયો. “રાહ જુઓ, રાહ જુઓ, તે કયાં સુધી? આ ભૂમધ્ય સમુદ્ર જેવો લાગ ક્યારે મળવાનો છે? મને તો લાગે છે કે તમારી પોતાની જ ઇચ્છા નથી. ધારો કે અત્યારે જ કૅપ્ટન આવીને તમને કહે કે ‘તમે છૂટા છો’, તો તમે અહીંથી જાઓ ખરા?”

હું કાંઈ ન બોલ્યો.

અને ધારો કે એમ કહે કે ‘આ એક વાર તમને અહીંથી જવાની છુટ્ટી છે, પછી ફરી વાર અહીંથી જવાની વાત નહિ કરતા!’ ને અહીંથી તમે ખસો ખરા?” નડે મને વકીલની જેમ પૂછવા માંડ્યું.

હું કાંઈ ન બોલ્યો.

કેમ કોન્સીલ! તને શું લાગે છે?”

હું તે શું કહું?” કોન્સીલે તત્ત્વજ્ઞાનીની જેવી વૃત્તિથી જવાબ આપે. “આપણે તો જવાની કશી ઉતાવળ નથી. ઘરે આપણા ત્રણેમાંથી કોઈની વાટ જુએ એવું કોઈ નથી. જીવ્યા કરતાં જોયું ભલું! અને તેમ છતાં મારા શેઠ તૈયાર થાય તો આપણું પોટલું પહેલું તૈયાર સમજવું.” 

“લ્યો પ્રોફેસર! કોન્સીલ તો પોતાની જાતને શૂન્ય જ માને છે! સવાલ આપણા બે વચ્ચે જ છે. તમને જે લાગતું હોય તે કરો.”

મારે હવે બોલ્યા સિવાય છૂટકો જ ન હતો. નેડ મારા મોંમાં આંગળાં નાખીને મને બોલાવતો હતો. મેં કહ્યું: “નેડ! તું જીત્યો ને હું હાર્યો! નાસી છૂટવા માટે તક મળે ત્યારે તે ચૂકવી નહિ. હું તે માટે તારી સાથે તૈયાર છું એમ સમજજે. આપણે મરી ગયા પછી પણ કૅપ્ટન નેમો આપણને છૂટા કરે એમ નથી. આપણી કબર પણ તેના જ કબરસ્તાનમાં થાય એ સંભવ વધારે છે! માટે તું કહે ત્યારે હું તૈયાર જ છું.’

‘શાબાશ! હવે તમે સમજ્યા!” ને! મારો ખભો ઠોક્યો.

“પણ એની તૈયારી બધી તારે કરવાની!” મેં કહ્યું..

“તેનો વાંધો નહિ; મેં મનમાં બધી યોજના ઘડી રાખી છે. જે કિનારો પાસે હોય તે છાનામાના તરીને ભાગી જવું; કદાચ ને વહાણ સપાટી પર ન આવે તોપણ તેનો ઉપાય મારી પાસે છે. વહાણની સાથે જે હોડી બાંધેલી છે, તેને કેમ વાળવી, તેને કઈ રીતે છોડવી, એ બધું મેં વિચારી રાખ્યું છે.’ 

“હા, એ બધું ઠીક, પણ જો જરાક ભૂલ થઈ અને પકડાયા તો શું થશે તેનો પણ વિચાર કરી રાખજે!’ મેં કહ્યું,

“અરે, એમાં વાંધો ન આવે!”

“નેડ તું ગમે તે કર પણ કૅપ્ટન નેમોને ચાર આંખો છે. તે ભૂમધ્ય સમુદ્ર કે જ્યાં ચારે તરફ યુરોપનાં રાજ્યોનાં બંદર હોય ત્યાં નૉટિલસ ઊભું રાખે અને સમુદ્રની સપાટી પર આવે એમ માને છે? છતાંયે તું જો બધી તૈયારી કરી શકતો હોય તો અમે તારી સાથે તૈયાર જ છીએ. અમને આગળથી ખબર આપજે.”

નેડને આ બધું માન્ય હતું.

અમારું વહાણ ઝપાટાબંધ આગળ વધ્યે જતું હતું. ભૂમધ્ય સમુદ્રનાં ભૂરાં પાણીની અંદર તરતી માછલીઓની ગમ્મત જોવાની પણ અમને પૂરી તક નહોતી મળતી.

એક દિવસ એક વિચિત્ર બનાવ બન્યો. અમારું વહાણ દરિયાની સપાટીથી થોડેક જ નીચે તરતું હતું. મારા ઓરડાની બારી ઉઘાડી હતી. હું એકીટશે દરિયાની માછલીઓ જઈ રહ્યો હતો. તેવામાં પાણીમાં માણસની આકૃતિ નજરે પડી. આકૃતિ ઘડીક ઉપર ને ઘડીક નીચે આવતી હતી. મને થયું કે આ માણસ ડૂબે છે! હું એકદમ કૅપ્ટન નેમોના ઓરડામાં ગયો; તેને એક માણસ ડૂબે છે એવા ખબર આપ્યા ને કહ્યું: “આપણે તેને કોઈ રીતે બચાવવા જ જોઈએ.”

કૅપ્ટન નેમો જરાક હસ્યો. તે ઊભો થયો અને એક લોઢાની મોટી પેટીમાંથી તિજોરી જેવી એક પેટી કાઢી. પેટી ઉઘાડીને તેણે અંદર જોયું; અંદર સોનાની લગડીઓ હતી. કૅપ્ટને તે બરાબર ગોઠવીને મૂકી. ઘંટડી વગાડતાંની સાથે જ ચાર માણસો અંદર આવ્યા. ચારે જણાએ મહામુશ્કેલીએ એ પેટી ઓરડાની બહાર ધકેલી. તેનું વજન આશરે ૨૫ મણ હશે. એક લાખ પૌંડની કિંમતનું આ સોનું જોઈને મારી આંખો તો ઠરી જ ગઈ!’ આટલું સોનું ક્યાંથી આવ્યું હશે?’ ક્યાં જતું હશે? માણસોએ પેલી તિજોરી જેવી પેટીને વહાણના તૂતક ઉપર ચડાવી. વહાણ હવે દરિયાની સપાટી ઉપર આવી ગયું હતું. ઉપર શું થયું તે કાંઈ હું જાણી ન શક્યો, પણ મને લાગ્યું કે પેલા ડૂબકી ખાતા માણસને અને આ સેનાની તિજોરીને કાંઈક સંબંધ હોવો જોઈએ.

મારા સાથીઓને પણ આ વાત સાંભળીને અજબ આશ્ચર્ય થયું. આવી સમૃદ્ધિ આ વહાણમાં ભરી હશે, તેની શી ખબર? વહાણ પાછું આગળ ચાલ્યું. હું મારા ઓરડામાં બેઠો બેઠો નોંધ લખતો હતો. સાંજના પાંચનો સમય હતો. એકાએક મને સખત ગરમી લાગવા માંડી. મેં મારો કોટ ઉતારી નાખ્યો, તોયે મારાથી એ ગરમી સહેવાતી નહોતી. મૅનોમિટર જોયું તો વહાણ દરિયાની સપાટીથી ૬૦ ફૂટ નીચે હતું. અહીં સુધી સૂર્યની ગરમી આવે એ બને તેમ નહોતું. ત્યારે આ ગરમી શી? કદાચ વહાણમાં આગ તો નહિ લાગી હોય? હું તપાસ કરવા ઊભો થતો હતો ત્યાં કૅપ્ટન જ મારી ઓરડીમાં આવ્યો.

“આ શું? આટલી બધી ગરમી શી?’ મેં પૂછ્યું.

“થોડા વખત માટે આ ગરમી રહેશે. આપણે અત્યારે ઊકળતા પાણીમાંથી પસાર થઈ રહ્યા છીએ.” એમ કહીને તેણે બારી ઉઘાડી. મેં બહાર નજર કરી તે પાણી સફેદ થઈ ગયું હતું. પૅક બારણાં છતાં એમાંથી નીકળતો ગંધકનો ધુમાડો સૂક્ષ્મ વાસ ફેલાવી રહ્યો હતો.

“આપણે અત્યારે સેન્ટોરીનના બેટની નજીક છીએ.” કૅપ્ટન નેમોએ કહ્યું.

આ બનાવ પછી કોઈ ખાસ બનાવ ન બન્યો. વહાણની ઝડપ પણ ધીમે ધીમે વધવા માંડી. જેમ જેમ ગ્રીસ અને કીટને કિનારો નજીક આવતો ગયો તેમ તેમ વહાણ આખો દિવસ સતત ગતિમાં જ રહેતું; રાત્રે થોડો જ વખત હવા લેવા માટે તે ઉપર આવતું. આવી ઝડપથી જતી ‘સબમરીન’માંથી નાસી છૂટવું એટલે ઝડપથી ચાલતી ગાડીએ ભૂસકો મારવા જેવું હતું. કૅપ્ટન નેમો પણ હમણાં મને મળવા નહોતો આવતો. માછલીઓ સિવાય નવું જોવાનો અવકાશ નહોતો. ઇટાલીના રળિયામણા કિનારા જોવાની આશા પણ નકામી ગઈ. અમે પુરાઈ રહ્યા. નેડે પણ આશા છોડી. કૅપ્ટન નેમોએ મારા ધાર્યા પ્રમાણે જ કર્યું. ક્યાંયે વહાણને અટકાવે તે નાસી છૂટવાનું બને ને? અમારે તો ઓરડીમાં પડ્યા પડ્યા બારીમાંથી જોવાય તેટલું જોઈને સંતોષ માનવાનો હતો. અંદરના નકશા ઉપરથી અમે જોઈ શકતા કે ગ્રીસનો કિનારો પડખે થઈને પસાર થઈ ગયો. પણ તેથી તો મનમાં વધારે બળતરા થતી. કોઈ જગ્યાએ તૂટી ગયેલી જબરી સ્ટીમરોનાં હાડપિંજર દેખાતાં, ને અંદર લોઢાનાં મોટાં યંત્રો તથા એંજિનો પડેલાં નજરે પડતાં. મોટાં મોટાં માછલાંઓ તેની સાથે પિતાની પૂંછડીઓ અફળાવતાં હતાં.

છૂપી નહેર છોડ્યાને હજુ ૪ કલાક જ થયા હતા. ૧૮મીએ સવારે ત્રણ વાગે અમે જિબ્રાલ્ટરની સામુદ્રધુનીમાં પેઠા. હરક્યુલિસનાં ખંડેરો નજરે પડે ન પડે તે પહેલાં તો ભૂમધ્યને તળિયે વહેતા અંદરના સામાં પ્રવાહે અમારા વહાણને વિશાળ આટલાંટિક મહાસાગરમાં ધકેલી દીધું!

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book