૧૪. સાચાં મોતી

આ રીતે સમુદ્રના ગર્ભમાં અમારું તથા કૅપ્ટન નેમોનું જીવન વ્યતીત થતું હતું. કૅપ્ટન નેમોને હજુ અમે બરાબર ઓળખી શક્યા છીએ એમ કહી શકાય તેમ નહોતું. કોન્સીલ માનતો હતો કે દુનિયામાં આ માણસને ખૂબ સહન કરવું પડ્યું હશે અને તેથી અત્યારે તે મનુષ્યજાતિથી દૂર ને દૂર જ રહે છે. મારી માન્યતા પ્રમાણે તે મનુષ્યથી ભાગતો ફરતો માણસ નહોતો, પણ પોતાને થયેલા અન્યાયનો બદલો મનુષ્યજાતિ ઉપર લેવા માટે તે તલસતો હતો. પણ તોયે આ માણસને વખાણવો કે નિંદા કરવી એ હું નક્કી કરી શકતો નહોતો. મને તો સમુદ્રની અંદર રહેલી આ અગાધ સમૃદ્ધિ જોઈ વળવાની ઇચ્છા હતી. હજુ તો અમે માત્ર ૧૮૦૦ માઈલ જ ફર્યા હતા; હજુ કોણ જાણે કેટલું જોવાનું બાકી હતું!

પણ બીજી બાજુ મારા સાથીઓની અહીંથી ગમે તે ઉપાય નાસી છૂટવાની ઇચ્છામાં પણ મારે મારો ભાગ રાખવાનો જ હતો. મારી પોતાની મહત્ત્વાકાંક્ષાઓની ખાતર મારા મિત્રોને પણ મારી સાથે રોકી રાખવા એ બરાબર નહોતું. મારે તેઓની પાછળ જવું જ જોઈએ. ઊલટું મારે તો તેમના આગેવાન તરીકે કામ કરવું જોઈએ. પણ અહીંથી નાસી છૂટાય એવી તક આવશે ખરી?

અમારું વહાણ હિંદી મહાસાગરનાં નિર્મળાં પાણીની અંદર ઝપાટાબંધ પશ્ચિમ દિશામાં જતું હતું. હું મારા ઓરડાની કાચની બારીમાંથી આખો દિવસ આસપાસ નાચતી-કૂદતી માછલીઓ જોવામાં જ કાઢતો હતો. કેટલાયે દિવસો સુધી આમ ને આમ ચાલ્યું. હું સમુદ્રનાં પાણી જોતાં થાકતો ત્યારે વાંચતો; વાંચતાં થાકતો ત્યારે ઊંઘી જતો. કોઈ કોઈ વાર તો જાળ નાખીને જાતજાતની માછલીઓ ભેગી કરવાનું કામ પણ હું કરતો. કોઈ કોઈ માછલીઓ તો કૅપ્ટન નેમોએ પોતાના નાનકડા પણ ખૂબ સમૃદ્ધ એવા સંગ્રહસ્થાનમાં રાખી લીધી હતી. ૨૧મીથી ૨૩મી જાન્યુઆરી સુધી અમારા વહાણે ૨૪ કલાકના ૭૫૦ માઈલની ઝડપથી આગળ વધવા માંડ્યું. જાતજાતની માછલીઓ આ વહાણના વીજળીના પ્રકાશથી આકર્ષાઈને વહાણની સાથે શરતમાં ઊતરી હોય એમ તરવાનો પ્રયત્ન કરતી, પણ તે પાછળ જ પડી જતી.

ધીમે ધીમે કિલિંગના બેટ નજીક આવવા લાગ્યા. નેડે મને પૂછ્યું: “હવે હિંદુસ્તાનનો કિનારો નજીક આવતો જાય છે. શો વિચાર છે? મને લાગે છે કે આપણે રીતસર કૅપ્ટનની રજા માગીને આ કિનારે ઊતરી જઈએ. હિંદુસ્તાનમાંથી આપણે આપણા વતનમાં જઈ શકશું.”

“નેડ! હજુ શું થાય છે તે આપણે જોઈએ. કદાચ અહીંથી આ વહાણ યુરોપ તરફ જ વળશે. તે તરફ વહાણ જાય ત્યારે શું કરવું તે આપણે તે વખતે નક્કી કરશું. એ વખતે જેવી તક હશે તે પ્રમાણે કરશું. વળી મને તો ખાતરી છે કે કૅપ્ટન નેમો પાસે રજા માગવી એ ખાલી ફાંફાં છે! આ વખતે તો તે આપણને પાપુઅન બેટની જેમ અહીંના કોઈ બેટ ઉપર શિકાર કરવા પણ ઊતરવા દે એવો સંભવ નથી.”

“તો પછી આપણે તેની રજા ન માગીએ તો?”

એનો ઉત્તર મારી પાસે નહોતો. હું પણ અંતરના ઊંડાણમાંથી નેડની જેમ જ ઇચ્છતો હતો. કિલિંગ બેટ પસાર થઈ ગયા પછી અમારી ગતિ જરા ધીમી પડી; અહીં અમે વારંવાર દરિયાને તળિયે વહાણને ઉતારતા અને કોઈ કોઈ વાર ફરવા નીકળતા. દરિયાને સાવ તળિયે ગરમી શૂન્ય ઉપર ૪ ડિગ્રી રહેતી. સમુદ્રના સાવ તળિયે તેનાથી ઉપરના ભાગ કરતાં થોડી વધારે ગરમી રહે છે. 

૨૬મીનો આખો દિવસ સમુદ્રની સપાટી ઉપર કાઢ્યો. ચારેય બાજુ પાણી, પાણી ને પાણી જ હતું! દૂર દૂર એક સ્ટીમર ધુમાડા કાઢતી ચાલી જતી હતી; પણ તે અમને જોઈ શકે તેમ નહોતું.

બીજે દિવસે અમે વિષુવવૃત્તની રેખાને ઓળંગી ઉત્તર ગોળાર્ધમાં પેઠા. આજે અમારા વહાણની પડખે ભયંકર શાર્ક માછલીઓનું ટોળું દેખાયું. કોઈ કોઈ માછલીઓ જોર જોરથી વહાણની બારીઓને બટકાં ભરતી હતી. તેમના ભયંકર દાંત અંદર બેઠાં બેઠાં પણ અમારામાં ભય પેદા કરતા હતા. નેડના હાથમાં ચળ આવવા લાગી. તૂતક ઉપર જઈને હારપૂનથી એકાદ-બેને વીંધી નાખું એમ તેને થઈ ગયું, પણ ત્યાં તો નોટિલસની ઝડપ વધી અને શાર્ક માછલીઓ પાછળ રહી ગઈ.

વહાણ બંગાળાના ઉપસાગરમાં પેઠું. અહીં આગળ અમને એક કરુણ દેખાવ નજરે પડ્યો. માણસોનાં તથા ઢોરનાં કેટલાંય મડદાં પાણી પર તરતાં દેખાયાં; કદાચ ગંગાના મહાન પૂરમાં એ તણાઈ આવેલાં હશે. શાર્ક માછલીઓ તેમને ઠેલી રહી હતી.

અહીં એક બીજો ચમત્કાર પણ જોવા મળ્યો; વચ્ચે એક જગ્યાએ સમુદ્રનું પાણી દૂધ જેવું સફેદ દેખાવા લાગ્યું. જાણે અમે દૂધના સમુદ્રમાં આવી પડ્યા! કોન્સીલના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું: “આ શું?” 

મેં કહ્યું: “એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી; ઇન્ફયુસોરિયા નામનાં એક પ્રકારનાં જીવડાંઓમાંથી નીકળતો આ પ્રકાશ છે; આવાં અસંખ્ય જીવડાંઓ માઈલોના માઈલો સુધી પથરાઈને કોઈ વાર પડ્યાં હોય છે. અને મેં વાંચ્યું છે તે પ્રમાણે એક વખત એક વહાણ ચાળીસ માઈલ સુધી આવા દૂધિયા પાણીમાંથી પસાર થયું હતું.”

૨૮મી ફેબ્રુઆરીએ જ્યારે વહાણ સમુદ્રની સપાટી ઉપર આવ્યું ત્યારે તે ઉત્તર ગોળાર્ધના ૯° ૪’ અક્ષાંશ ઉપર હતું. પૂર્વ દિશામાં બે માઈલને અંતરે જ જમીન હતી. તે જમીન બીજી કોઈ નહિ પણ હિંદુસ્તાનનાં ચરણોમાં બિડાયેલા કમળની જેવું શોભતું સિલોન હતું.

હું પુસ્તકાલયમાં બેઠાં બેઠાં સિલોન વિશે વાંચતો હતો, ત્યાં કૅપ્ટન નેમ અંદર દાખલ થયો. તેણે કહ્યું: “સિલોનનો દરિયો તો મોતીઓ માટે પ્રસિદ્ધ છે. અહીં મોતી કાઢવાની જગ્યા આપણે. જેવી હોય તો જઈએ.”

“મારે જરાય વાંધો નથી. હું તો તૈયાર જ છું.” મેં કહ્યું.

નેડને તથા કોન્સીલને જ્યારે મેં આ વાત કરી ત્યારે તેમના આનંદને પાર ન રહ્યો. તેમણે મોતી કાઢવાની રીત વિશે ઘણું સાંભળ્યું હતું; પણ દરિયામાં મોતી ક્યાં રહેતાં હશે, તેને કઈ રીતે ભેગાં કરાતાં હશે, તે વિશે તેઓ કાંઈ જાણતા નહોતા. મેં પહેલાં તો તેમને મોતીની છીપ કઈ રીતે ભેગી થાય, દરિયામાં કઈ રીતે માણસ ડૂબકી મારીને તે એકઠી કરે, વગેરે વિશે બધી માહિતી આપી. મોતી કેટલી જાતનાં અને કેવડાં કેવડાં થાય છે, કેટલી કેટલી કિંમતનાં હોય છે, તે સાચું છે કે ખોટું તેની પરીક્ષા શી, વગેરે વિશે પુસ્તકોમાં મેં જેટલું જેટલું વાંચ્યું હતું તે સઘળું તેમને કહી સંભળાવ્યું.

બીજે દિવસે બધી તૈયારી થઈ ગઈ. મને મનમાં એક જ બીક હતી. ગઈ કાલે વાતચીતમાં કૅપ્ટન નેમોએ મને કહ્યું હતું: “અહીંના દરિયામાં શાર્ક માછલીઓ ખૂબ જોવાની મળશે.” શાર્ક માછલીના નામથી જ એક તો મારા મનમાં ભય ઊભો થયો હતો; તેમાં આજ તો તેમનાં હાજરાહજૂર દર્શન થવાનો સંભવ હતો. મેં નેડને શાર્કની વાત કરી એટલે તે તો તેના શિકારનાં સ્વપ્નાં ઘડવા મંડી પડ્યો. મારી આગલી આખી રાત શાર્ક માછલીના ભયંકર સ્વપ્નામાં પસાર થઈ. હું કોઈની સાથે વાત કરતો તો તે ચીજને બદલે શાર્કનું નામ મારા મોઢામાંથી નીકળી પડતું! કોઈ પણ રીતે મોતી પાકવાની જગ્યા જોવાનો કાર્યક્રમ બંધ રહે એમ હું અંદરખાનેથી ઇચ્છતો હતો. પણ એ બહાર કેમ બોલાય? આખરે વખત આવી પહોંચ્યો.

અમે વહાણના તૂતક ઉપર આવ્યા. પડખે જ હોડી તૈયાર હતી.. અમે ત્રણેય જણા, કૅપ્ટન નેમો અને બીજા બે માણસો એટલા હોડીમાં ચડી બેઠા અને હલેસાં ચલાવવા લાગ્યા. અમે દક્ષિણ દિશા તરફ હોડી હંકારી કિનારાથી થોડે દૂર એક નાના એવા અખાતમાં અમે આવી પહોંચ્યા. મોતી કાઢવાની ઋતુને હજુ એક મહિનાની વાર હતી, એટલે ત્યાં કોઈ માણસની વસ્તી નહોતી; કોઈ હોડી પણ તરતી દેખાતી નહોતી. અમારી હોડીએ લંગર નાખ્યું અને અમે પાણીમાં પહેરવાને પોશાક ચડાવી અંદર ઊતર્યા. નેમોએ અમને અમારી સાથે વીજળીની બત્તી લેવાની ના પાડી હતી; કારણ કે એક તો સૂર્યનાં કિરણો ઠેઠ તળિયા સુધી પ્રકાશ નાખી શકતાં હતાં, અને બીજું બત્તીને લીધે કદાચ ભયંકર દરિયાઈ પ્રાણીઓ અમારા તરફ આકર્ષાય એવો સંભવ હતો. હથિયારમાં બધાએ પોતાની સાથે માત્ર એક એક ખંજર અકસ્માત માટે રાખ્યું હતું. અમે તળિયે ઊતર્યા. તળિયું જરાયે ઊંડું નહોતું. અમે માંડ ૧૦ ફૂટ સપાટીથી નીચે હોઈશું. થોડી વારે અમે મોતીના ખેતરમાં આવી પહોંચ્યા. ખડકો ઉપર હજારો – બલકે લાખો કાળુ માછલીઓની છીપલીઓ જાણે લટકતી હતી. અમે જેવા ઊભા રહેવાને વિચાર કરતા હતા, પણ કૅપ્ટન નેમો તો ચાલ્યે જ જતો હતો. અમારે તેની પાછળ જ જવાનું હતું. આ રસ્તાને જાણે તે પૂરેપૂરો ભોમિયો હોય એમ લાગતું હતું.

રસ્તામાં વચ્ચે વચ્ચે ઊંચી જમીન આવતી હતી. કોઈ કોઈ જગ્યાએ તો અમે લગભગ પાણીની સપાટી સુધી આવી જતા હતા. પાછો ધીમે ધીમે ઢાળ આવતો ગયો અને અમે એક નાની એવી ગુફા જેવા રસ્તા ઉપર આવી પહોંચ્યા. અહીં અંધારું લાગવા માંડ્યું. પહેલાં તે કાંઈ ન દેખાયું, પણ ધીમે ધીમે આંખ ટેવાઈ ગઈ અને અંદર દેખાવા માંડ્યું; પણ પ્રકાશ ખૂબ ઝાંખો હતો.

જરાક આગળ વધ્યા એટલે કૅપ્ટને મને આંગળી ચીંધીને કંઈક બતાવ્યું. મેં જોયું તો તે એક છીપના આકારની ‘ઑઇસ્ટર’ માછલી હતી. આવી મોટી ઑઇસ્ટર માછલી મેં પહેલવહેલી જોઈ. તેનું વજન ૧૫ મણ જેટલું હશે એમ મને લાગે છે. કૅપ્ટન નેમોની આંખો આ જોઈને હર્ષથી ચમકતી હું જોઈ શકતો હતો. આ જગ્યા અને આ માછલી તેણે ઘણી વખત જોઈ હશે એમ મને લાગ્યું. એ માછલી–છીપ અરધી ઉઘાડી હતી. કૅપ્ટને પોતાનું ખંજર તેની વચ્ચે ભરાવ્યું જેથી તે બિડાઈ ન જાય; પછી તેણે હાથ નાખીને છીપને વધારે પહોળી કરી.

મેં અંદર જોયું તો લગભગ નાળિયેરીના ગોટા જેવડું એક મોટું મોતી ચમકતું હતું! આવડું મોટું મોતી મેં પહેલી વાર જ જોયું. દુનિયા પર આવડું મોતી હોઈ શકે તેની જ મને કલ્પના નહોતી. મેં અનુમાન બાંધ્યું કે કૅપ્ટન નેમોએ ખાસ કાળજીથી આ મોતી ઉછેર્યું હોવું જોઈએ. દર વરસે મોતી ઉપર નવા ને નવા રસના થરો જામતાં જામતાં આવડું મોતી થયું હશે; અથવા તો કોઈ કોઈ જગ્યાએ – ખાસ કરીને હિંદુસ્તાનમાં અને ચીનમાં કરે છે તે પ્રમાણે – છીપમાં કાચ કે બીજી ધાતુ મૂકી રાખીને છીપલીઓના રસ માથે ભળીને તે એક થઈ જાય અને એ રીતે મોતી મોટું થાય. એમ પણ કર્યું હશે. ગમે તે હોય. પણ દુનિયાની એક મહાન અજાયબી ગણી શકાય એવું એ મોતી હતું.

અમે તે જોઈને પાછા ફરવા લાગ્યા. આ મોતીના વિચારમાં ને વિચારમાં હું શાર્ક માછલીની વાત ભૂલી જ ગયો. અમે ચાલ્યા જતા હતા, તેવામાં કૅપ્ટને અમને એકદમ અટકાવ્યા. મેં સામે નજર કરી તો પાણીમાં કાંઈક આકૃતિ તરતી દેખાઈ. તરત મારા મગજમાં શાર્ક માછલી આવીને ઊભી! પણ મેં જોયું તો તે આકાર માણસનો હતો. મોતી કાઢવા તે પડેલો હોય એમ લાગ્યું. એક મોટો પથ્થર અને એક ટોપલી દોરડા સાથે બાંધેલી તેની પાસે હતી. તળિયે જઈને ટોપલીમાં તે છીપલીઓ ભરવા લાગી જતો; થોડી વારમાં પાછો ઉપર જતો ને પાછો નીચે આવતો. આ પ્રમાણે તેણે કેટલીય ડૂબકીઓ ખાધી. અમે ખૂબ ધ્યાનથી આ બધું જોઈ રહ્યા હતા.

તે માણસ જ્યાં ગોઠણભેર થઈને છીપલીઓ વીણતો હતો ત્યાંથી એકાએક ભયને માર્યો કૂદ્યો, અને ઉપર પહોંચવા માટે તરવા લાગ્યો. પણ ત્યાં તો દૂરથી શાર્ક માછલી પાસે જ આવી પહોંચી. પેલો, માણસ તેના હુમલાથી બચવા માટે નીચે ડૂબકી મારી ગયો. આ બધું થોડી જ સેકંડમાં બન્યું; શાર્ક તે માણસની પાછળ પાછી તળિયે આવી; પિતાની કરવત જેવી સૂંઢથી તે પેલા માણસને વહેરી નાખવાની તૈયારીમાં હતી. હું ભયથી સ્તબ્ધ બની ગયો હતો, પણ કૅપ્ટન નેમો વીજળીની જેમ કૂદ્યો; તેના હાથમાં ખંજર હતું. રાક્ષસી માછલી પાસે તે જઈ પહોંચ્યો; માછલી પણ કૅપ્ટનને સામે ઊભેલો જોઈને પેલા માણસને પડતો મૂકી તેના તરફ જ ધસી. કૅપ્ટનની તે વખતની ઊભા રહેવાની રીતે તો હું કદી નહિ ભૂલું. એક પગ આગળ રાખીને તે અડગ ઊભો. શાર્કે તેના પર હુમલો કર્યો. વાંકા વળીને તેણે તે તરાપ ચૂકવી દીધી, અને નીચા વળીને પોતાનું ખંજર શાર્કના પેટમાં ભોંકી દીધું. શાર્કના પેટમાંથી લોહીનો ધોધ છૂટ્યો! પેલું પ્રાણી હવે વધારે ભયંકર બન્યું. એટલા ભાગમાં દરિયાનું પાણી પણ લાલઘૂમ બની ગયું. હું કૅપ્ટનની મદદે જવાનો વિચાર કરતો હતો પણ મારા પગ જ ઊપડતા નહોતા. લડાઈ ભયંકર બનતી ગઈ. શાર્ક માછલીના રાક્ષસી જોર પાસે કૅપ્ટન થાક્યો; તે નીચે પડી ગયો. શાક તેને હમણાં જ વીંધી નાખશે એમ લાગ્યું. ભયથી મારી આંખો ફાટી ગઈ: આંખે અંધારાં આવી ગયાં! પણ ત્યાં તો મારી પડખે ઊભેલો નેડ જોરથી ધસ્ય અને કૅપ્ટનના શરીર ઉપર શાર્ક પોતાની સૂંઢ ભોંકે તે પહેલાં તો તેનું ખંજર શાર્કના પેટમાં ઘૂસી ગયું. આ ઘા તેને જીવલેણ ઘા થઈ પડ્યો. તેના મરણ વખતનાં તરફડિયાં પણ ભયંકર હતાં. નેડે હાથ ઝાલીને કૅપ્ટનને બેઠો કર્યો. કૅપ્ટન ઊભો થયો કે તરત જ પેલાં મોતી કાઢનાર માણસ પાસે તે પહોંચ્યો. માણસ બેભાન હતો; તેને ઊંચકીને એક જ ફલાંગે તે પાણી ઉપર આવી પહોંચ્યો અને તેની હોડીમાં નાખીને તેને ભાનમાં આણ્યો. કૅપ્ટને પછી પોતાના ખિસ્સામાંથી મોતીથી ભરેલી એક નાની કોથળી કાઢીને તેના હાથમાં મૂકી. પેલો માણસ તો આભો જ બની ગયો હતો! અમે બધા પાછા તળિયે ઊતરી ગયા, અને ત્યાંથી ચાલતા ચાલતા અમારી હોડી પાસે પહોંચ્યા અને સીધા નૉટિલસ ઉપર પહોંચી ગયા.

પોશાક ઉતારીને અમે ઓરડામાં ગયા. તરત જ કૅપ્ટને આવીને નેડનો હાથ હલાવીને કહ્યું: “મિસ્તર નેડ! તમારો ઘણો ઉપકાર થયો.”

“ના. મેં તે માત્ર મારી ફરજ જ બજાવી છે.” નેડે કહ્યું. 

“કૅપ્ટન ફિક્કું હસ્યો. પછી તે મારા તરફ ફરીને બોલ્યો: પ્રોફેસરસાહેબ! તમે પેલો માણસ જોયો? દુનિયાની કચડાયેલી- દબાયેલી પ્રજાનો તે પ્રતિનિધિ હતો; અને હું પણ મારા મરણપર્યંત તેનો જ સાથી રહેવાનો છું.”

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book