૧૦. મહાસાગરને તળિયે

આમ અણધાર્યું આમંત્રણ મળ્યું તેથી મને ખૂબ નવાઈ લાગી. કૅપ્ટન કહેતો હતો કે જમીન સાથેનો બધો સંબંધ તેણે છોડી દીધો છે, એ વાત મને ખોટી લાગી. શિકારની વાતથી નેડને બે રીતે આનંદ થયો; એક તે, ઘણે વખતે જમીન ઉપર પગ મૂકવાનો વખત આવ્યો હતો, અને બીજું એક વાર જમીન ઉપર પગ મૂક્યા પછી આ ભયંકર માણસના પંજામાંથી છટકવું સહેલું બને તેવું તેને લાગતું હતું.

મેં નકશામાં જોયું તો એમાં એક નાનો એવો બેટ અગ્નિ ખૂણામાં આવેલો જોયો. બેટ સાવ ઉજ્જડ હોવો જોઈએ એમ નકશા ઉપરથી જોઈ શકાતું હતું. રાત પડી. મને ઊંઘ તો આવી ગઈ, પણ ઊંઘમાં શિકારનાં જ સ્વપ્નાં આવવા લાગ્યાં. સવારે વહેલો ઊઠીને કપડાં પહેરી હું દીવાનખાનામાં પહોંચી ગયો. કૅપ્ટન નેમો ત્યાં મારી વાટ જોતાં જ બેઠો હતો.

“કેમ મારી સાથે આવવા તૈયાર છો ને?’ કૅપ્ટને એક ખુરશી આપતાં આપતાં પૂછ્યું.

“હા.” મેં કહ્યું, “મારે કશો વાંધો જ નથી. વાંધો તે તમારે હોવો જોઈએ.”

“મારે શો વાંધો હોય?” કૅપ્ટને આશ્ચર્યથી પૂછ્યું.

“કેમ, તમે જમીન ઉપર પગ નથી મૂકતા ને?”

“ના, એવું નથી. જરૂર પડે તે મૂકું પણ ખરો. પણ આજે તો નથી મૂકવાનો.”

“તો પછી શિકાર કઈ રીતે કરશો?”

“તમે હજુ નથી સમજ્યા. આજે આપણે જમીન ઉપરના જંગલમાં શિકાર કરવા નથી જવાના.”

“ત્યારે?”

“સમુદ્રને તળિયે જંગલમાં જવાના છીએ.”

“હેં! ત્યારે તે મને ડુબાવવાની વાત લાગે છે.” મારાથી બોલી જવાયું.

“ના. તમારા શરીરને પાણીનું એક ટીપું પણ ન અડે એવી રીતે તમને હું લઈ જવાનો છું.”

“અને શિકાર શાનાથી કરશો?”

“શાનાથી કેમ? બંદૂકથી.”

મને થયું કે કૅપ્ટનનું મગજ ભમી ગયું છે. પણ એમ કંઈ તેને કહેવાય ખરું? એમ કહેવામાં તો મારા જીવનું જોખમ હતું. તેણે મને નાસ્તો કરીને તૈયાર થઈ જવા માટે કહ્યું. એક કલાકમાં હું નાસ્તો કરીને તૈયાર થઈ ગયો; મારા મિત્રો પણ તૈયાર થઈ ગયા હતા. કૅપ્ટન નેમો આવીને મને એક ઓરડામાં લઈ ગયો. એ ઓરડામાં વિચિત્ર જાતના કેટલાક પોશાકો ટાંગેલા હતા. કૅપ્ટને એ પોશાકો બતાવીને કહ્યું : “પ્રોફેસર, તમને એમ લાગ્યું હશે કે આ માણસ ગાંડો થઈ ગયો છે. પણ તમે જરાક વધારે વિચાર કર્યો હોત તો તમને એમ ન લાગત. તમે જાણો છો કે માણસને પોતાની પાસે હવા લેવાનું સાધન હોય તો તે પાણીની નીચે પણ જીવી શકે છે. તમારા જ દેશના બે માણસોએ પાણીની અંદર હવા લેવાનું યંત્ર શોધી કાઢ્યું હતું. મેં તેમાં થોડાક સુધારા-વધારા કરીને તેને મારા ઉપયોગમાં લીધું છે. જાડા લોઢાના પતરાની નાની એવી પેટીમાં હું હવા ભરું છું. એ પેટી પીઠ ઉપર બાંધી દેવામાં આવે છે. એની બે નાની રબ્બરની નળીઓ નાક સાથે ને મોઢા સાથે જોડેલી હોય છે; એક નળીમાંથી તાજી હવા નાકમાં આવે છે, અને બીજી નળીમાં થઈને મોઢા વાટે ઝેરી હવા બહાર નીકળી જાય છે. આખા શરીર ઉપર પહેરવા માટે પણ મજબૂત રબ્બરનો પોશાક અમે વાપરીએ છીએ. તમને શંકા એ થશે કે પાણીમાં રસ્તો કઈ રીતે દેખાતો હશે? તેને માટે મેં વીજળીની બત્તીઓ તૈયાર કરી છે.”

“એ તો ઠીક, પણ પાણીમાં તમે બંદૂક કઈ રીતે ફોડો છે?” મેં પૂછ્યું.

“હા, તે પણ હું કહેવાનો જ હતો. હું કાંઈ સાધારણ બંદૂકમાં વપરાતી ગોળીઓ નથી વાપરતો. મારી બંદૂકની અંદરથી વીજળીના બળને લીધે સીસાની ગોળીઓ એવા જોસથી છૂટે છે કે પ્રાણી ગમે તેવું બળવાન હોય તો પણ તેને તે વીંધી નાખે છે.”

“બસ, હવે હું તૈયાર છું. તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ.” મેં કહ્યું.

“પણ આ તમારા સાથીઓ?” કૅપ્ટને પૂછ્યું.

“અમે તો ત્રણેય સાથે જ હોઈએ ને!” કોન્સીલે તરત જ કહ્યું.

નેડ બિચારો નિરાશ થયો. જમીન ઉપરથી નાસી છૂટવા માટે મગજમાં ઘડેલી એની યોજનાઓ ધૂળધાણી થઈ ગઈ! છતાં એ પણ અમારી સાથે અાવવા માટે તૈયાર થયો.

પોશાક પહેરવાનું કામ શરૂ થયું. કૅપ્ટનના હુકમથી એક માણસે બધાને પોશાક પહેરાવ્યા. અમને દરેકને એકએક બંદૂક પણ આપી. કારતૂસનો એકએક પટ્ટો પણ અમારે ખભે બાંધવામાં આવ્યો. કપડાં પહેર્યાં હતાં છતાં અમારું શરીર છૂટથી હરીફરી શકતું હતું. અમારા હાથમાં એક એક બત્તી પણ આપવામાં આવી.

પોશાકમાં સજ્જ થયા એટલે અમે એ ઓરડામાંથી નીચેના ભાગમાં એક ટાંકા જેવા ઓરડામાં ઊતર્યા. તરત જ તે ઓરડો ઉપરથી બંધ થઈ ગયો અને થોડી વારમાં તે એક મોટા નળમાં થઈને સમુદ્રનું પાણી તો આખા ઓરડામાં ફરી વળ્યું; અમે પાણીની અંદર જ હતા. ઓરડો પાણીથી ભરાઈ જતાં નીચેનું બીજુ બારણું ઊઘડ્યું; એક ઝાંખા પ્રકાશ દેખાયો, અને બીજી જ ક્ષણે અમારા પગ દરિયાના તળિયે અડ્યા!

દરિયાની સપાટીથી નીચે પાંચ વામ આવેલા ભાગ ઉપર જિંદગીમાં પહેલવહેલો મારો પગ અડ્યો ત્યારે મારા મનમાં શું શું થયું હશે તેની કલ્પના તમે જ કરી લેજો. મારી કલમ તેનું વર્ણન કરવા સમર્થ નથી. કૅપ્ટન નેમો અમારા બધાની આગળ ચાલતો હતો. હું અને કોન્સીલ બંને સાથે સાથે ચાલતા હતા. વીજળીના પ્રકાશથી હું લગભગ ૧૦૦ વામ સુધી જોઈ શકતો હતો. મારી આસપાસનું પાણી મને પાણી જેવું નહોતું લાગતું પણ હવાનું ઘટ્ટ વાતાવરણ જ લાગતું હતું. અમારા પગ નીચે સુંદર સુંવાળી રેતી હતી. સૂર્યનાં કિરણો અહીં સુધી પહોંચવાનો પ્રયત્ન કરતાં હતાં.

અહીં કૅપ્ટન નેમો અટક્યો. હું તેની પાસે આવી પહોંચ્યો. તેણે મને દૂર આંગળી ચીંધીને કાંઈક બતાવ્યું. દૂર દૂર ઝાંખા કાળા પડદા જેવું દેખાતું હતું. ‘આ જ કે બેટનું જંગલ લાગે છે.’ મેં વિચાર કર્યો.

અમે જંગલની સરહદ ઉપર આવી પહોંચ્યા હતા. અહીં કૅપ્ટન નેમોનું સામ્રાજ્ય હતું. અહીં કોઈ તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા આવે તેમ નહોતું. કૅપ્ટન નેમો રાજાની જેમ પોતાના માણસો સાથે આ જંગલમાં પેઠો. અમે તેની પાછળ જ હતા. અમારા રસ્તાની બંને બાજુએ સીધા સોટા જેવા મોટા મોટા છોડોની હાર લાગી ગઈ હતી. નીચે ગાલીચાની જેમ ઘાસ પથરાઈ ગયું હતું; એ ઘાસની નાની નાની સળીઓ પણ ઊભી જ રહેતી હતી. ખૂબી તો. એ હતી કે છોડ કે ઘાસને મૂળ જ નહતાં! વળી આ વનસ્પતિ અને તેની પાસે જ સંખ્યાબંધ પડેલાં નાનાંમોટાં જીવજંતુઓ એવી વિચિત્ર રીતે પથરાયેલાં હતાં કે કઈ વનસ્પતિ છે અને કયું જંતુ છે તેની ખબર જ ન પડે!

લગભગ એક વાગે કૅપ્ટન નેમોએ અમને બધાને અટકાવ્યા. અમે ત્યાં થોડી વાર આરામ કરવા બેઠા; પરંતુ અમે વાતચીત નહોતા કરી શકતા. આસપાસનું દૃશ્ય કેવું મનોહર હતું! મને ભૂખ જરાયે નહોતી લાગી. ચાર કલાક સતત ચાલ્યા છતાં ભૂખ ન લાગે એ પણ એક નવાઈ ને? પણ કોણ જાણે કેમ, મારી આંખો ઘેરાવા માંડી; હું ઊંઘી ગયો.

હું કેટલું ઊંઘ્યો તે ખબર ન પડી. પણ હું જાગ્યો ત્યારે સૂર્યનાં કિરણો ત્રાંસાં અને સાવ ઝાંખાં પડતાં હતાં. કંૅપ્ટન નેમો અને તેના માણસો ઊપડવાની તૈયારીમાં જ હતા. હું આળસ મરડતો હતો. અને ધીમે ધીમે ઊઠવાની તૈયારી કરતો હતો, ત્યાં ઓચિંતો હું કૂદકો મારીને ઊભો થઈ ગયો. મારાથી થોડેક જ દૂર એક મોટો દરિયાઈ કરોળિયો લગભગ ત્રણ ફૂટ લાંબો મારી સામે આંખો કાઢીને આવતા મેં જોયો. જોકે મારો પોશાક એટલો મજબૂત હતો કે તે મને કંઈ કરી શકે તેમ નહોતું; તોયે ઘડીક તો મને બીક લાગી જ ગઈ, હું ઊભો થઈ ગયો.

પાછા અમે આગળ વધવા લાગ્યા. અમે દરિયાની સપાટીથી લગભગ ૪૫ વામ નીચે હતા. અંધારું વધતું જતું હતું, એટલે કૅપ્ટને પોતાની વીજળીની બત્તી સળગાવી. અમે ચાલતા હતા ત્યારે વચ્ચે વચ્ચે કૅપ્ટન નેમો અટકીને બંદૂક તાકતો હતો. બંદૂકનો અવાજ તો સંભળાતો નહોતો, પણ શિકાર થતો હતો. એમ કૅપ્ટન નેમોની હિલચાલ ઉપરથી જણાઈ આવતું હતું, અનેક નાનાંમોટાં દરિયાઈ પ્રાણીઓ પણ આમથી તેમ નાસી જતાં હતાં.

કે આખરે ચાર વાગ્યે અમારી મુસાફરી પૂરી થઈ. સામે એક મોટી ખડકની દીવાલ આડી આવી. અહીંથી અમે પાછા ફર્યા. કૅપ્ટન નેમો અહીં પણ અમારી સૌની મોખરે ચાલતો હતો. અમે જે રસ્તે જતા હતા તે જ રસ્તે પાછા નહોતા ફરતા; નવો રસ્તો તો ખૂબ ઢોળાવાળો હતો અને તેથી ખૂબ અઘરો પણ હતો. બેશક એ રસ્તો ટૂંકો તો હતો જ.

પાછાં ફરતાં મેં કૅપ્ટન નેમોની બે સરસ નિશાનબાજીઓ જોઈ. પહેલી વાર એક મોટું દરિયાનું માછલીમાર પ્રાણી તેના શિકારનો ભોગ થઈ પડ્યું. તેના જેવું રૂપેરી, સુંવાળા પેટવાળું લગભગ બે મણ વજનનું આ પ્રાણી દુનિયાના સમુદ્રમાં હવે ભાગ્યે જ જોવા મળે છે. કૅપ્ટન નેમોના સાથીઓએ તેનું મડદું ખભે ઉપાડી લીધું અને અમારી ટોળી આગળ ચાલી.

ધીમે ધીમે અમે દરિયાની સપાટી તરફ આવતા જતા હતા. સપાટી પરનાં ખળભળાટ કરતાં મોજાં હવે મને જણાતાં હતાં. મોટાં મોટાં પક્ષીઓના ઝાંખા ઓળા પણ હું જોઈ શકતો હતો. આ પક્ષીનાં ઊડતાં ટોળાં તરફ તાકીને કૅપ્ટન નેમોએ પાણીમાંથી જ બંદૂકની ગોળી છોડી અને જોતજોતામાં પક્ષી પાણીમાં પડ્યું. તરત જ એક માણસે તે પકડી લીધું. એ પક્ષીનું નામ આલ્બેટ્રોસ.

અમારી કૂચ ચાલ્યા જ કરતી હતી. હવે હું થાક્યો હતો. નૉટિલસનું ઝાંખું તેજ દેખાયું. લગભગ અરધા કલાકનો રસ્તો બાકી હશે. હવાની કોથળીમાંથી હવા પણ જાણે ઓછી થતી હોય એમ લાગ્યું, કારણ કે હવે શ્વાસ લેવામાં જોર પડતું હતું.

હું કૅપ્ટન નેમોથી લગભગ વીસેક ડગલાં પાછળ હોઈશ. એવામાં એકાએક કૅપ્ટન નેમો મારા તરફ ફર્યો અને પિતાના મજબૂત હાથનો ધક્કો મારી મને નીચે પાડી દીધો. હું તો આભો બની ગયો! કૅપ્ટન મને આમ શા માટે પાડી દેતે હશે તેને ય હું વિચાર ન કરી શક્યો, કારણ કે હું બીકથી ગભરાઈ ગયો હતો. પણ જ્યારે કૅપ્ટન પોતે અને તેના સાથીઓ પણ નીચે મારી પડખે જ સૂઈ ગયા ત્યારે ભય ઓછો થયો. પણ આમ કરવાનું કારણ સમજાયું નહિ.

મેં ઉપર જોયું તો અમારા ઉપરથી નાનાં કાળાં વાદળાંની જેમ બે શાર્ક માછલીઓ ચાલી જતી હતી. જેના ભયંકર જડબામાં માણસ એક જ કળિયો થઈ જાય એવી એ માછલીઓ હોય છે. હું તેમનું રૂપેરી પેટ અને ભયંકર દાંતવાળું મોઢું જોઈ શક્યો. અમારી અને તેમની વચ્ચે સદ્ભાગ્યે એક નાનો એવો છોડ આવી ગયો હતો. એ ઉપરાંત એ પ્રાણીઓ બહુ માઠું દેખે છે, એટલે શાર્ક માછલીઓ અમારા ઉપરથી જ પસાર થઈ ગઈ; અમે ઊભા થઈ ગયા.

અરધા કલાક પછી પેલા પ્રકાશને આધારે આધારે અમે નૉટિલસ પાસે આવી પહોંચ્યા. બહારનું બારણું ઉઘાડવામાં આવ્યું; અમે અંદર ગયા. તરત જ પંપ ચાલુ થઈ ગયા અને અમે જે ટાંકામાં ઊભા હતા તેનું પાણી ઉલેચાઈ ગયું. પછી તે ટાંકાનું ઉપલું ઢાંકણું ઊઘડયું અને અમે વહાણમાં ચડી ગયા. પિશીક ઉતારીને અમે સીધા ખાણા ઉપર પહોંચી ગયા, અને આખા દિવસના થાકેલા તે ખાઈને ઘસઘસાટ ઊંઘી ગયા.

License

સાગર સમ્રાટ Copyright © by જુલે વર્ન. All Rights Reserved.

Share This Book