અમારા વહાણને બરફે દશેય દિશાએથી ઘેરી લીધું. સઘળી બાજુથી બરફની મજબૂત દીવાલો વચ્ચે અમે સપડાઈ ગયા હતા!
અમે બધા દીવાનખાનાની અંદર સ્તબ્ધ થઈને ઊભા હતા. કૅપ્ટન નેમો સ્થિર દૃષ્ટિએ નીચે જોતો અદબ વાળીને ઊભો હતો; અમે બધા કૅપ્ટન તરફ જોઈ રહ્યા હતા. વહાણ આખું સ્તબ્ધ હતું.
કૅપ્ટન થોડી વારે બોલ્યો: “ભાઈઓ! હવે બે રસ્તે આપણું મૃત્યુ સરજાયેલું છે. “તેનો શાંત છતાં જરાક ધ્રુજતો અવાજ આખા વહાણની શાંતિમાં જાણે સૂર પૂરતો હતો. “કાં તો ચારેય બાજુથી બરફની ભીંસમાં કચરાઈને આપણે મરશું, અથવા તો હવા વગર ગૂંગળાઈને મરશું. ભૂખથી મરશું નહિ, કારણ કે વહાણમાં ખાવાનું તો પુષ્કળ છે. ફક્ત હવા બે દિવસ ને બે રાત ચાલે તેટલી જ ટાંકામાં પડી છે. તે પહેલાં આ પણે આ મોતની ગુફામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો રહે છે. માણસોને લઈ હું બધી દીવાલોને બરાબર તપાસીને જે સૌથી વધારે પાતળી હશે તેને તોડીને તેમાંથી વડાણ કાઢવાની મહેનત કરું છું. મારા માણસો કે દાળી પાવડા લઈને અને પાણીમાં પહેરવાને પોશાક ચડાવીને તૈયાર છે. હું જાઉં છું.”
કૅપ્ટન જવાની તૈયારી કરતો હતો, ત્યાં નેડ બોલી ઊઠ્યોઃ “હું પણ આવું છું. શું તમે એમ સમજો છો કે અમે બધા અહીં ખાવા જ આવ્યા છીએ? મારા માટે એક પાણીનો પોશાક અને કોદાળી તૈયાર કરાવો, તમને ખાતરી થશે કે આ નેડ હારપૂન ચલાવી શકે છે, તેમ જ કોદાળી પણ ચલાવી શકે છે.” તેણે આંખો ચડાવી.
“તો ચાલો મારી સાથે.” કૅપ્ટને કહ્યું.
નેડની પાસેથી મેં આ આશા નહોતી રાખી. મારામાં ઉત્સાહ આવ્યો ને કૅપ્ટનના ગયા પછી હું દીવાનખાનાની બારી ઉઘાડીને બેઠો. થોડી વારે મેં નીચેના બરફના ભાગ ઉપર માણસોને ચાલતા જોયા. કૅપ્ટનનું પ્રચંડ શરીર મેં સૌના સરખા પોશાક હોવા છતાં ઓળખી કાઢ્યું; તે સૌથી મોખરે હતો. હાથમાંનો એક મોટો લોઢાનો સળિયો બરફમાં જુદી જુદી જગ્યાએ ખોસતો જતો હતો, અને કંઈક જોતો જતો હતો. છેવટે એક જગ્યા નક્કી થઈ અને કૅપ્ટને ત્યાં વહાણના આકારની જ એક મોટી હદ દોરી. માણસે તે હદ ઉપર કોદાળી લઈ ખોદવા મંડી પડ્યા. લગભગ ૭૦૦૦ ઘનયાર્ડ જેટલો ભાગ ખોદવાનો હતો. ત્યાં આગળ બરફનો થર ૩૦ ફૂટ જેટલો જાડો હતો.
કામ તડામાર ચાલવા માંડ્યું. એક માણસ બે માણસ જેટલા જોરથી કામ કરતો હતો. બરફનાં ચોસલાં ને ચોસલાં ઊખડતાં જતાં હતાં, અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતાનુસાર તે નહેરને મથાળે ચોંટી જતાં હતાં.
બે કલાકની સતત મજૂરી પછી નેડ લોથ થઈને મારા ઓરડામાં આવ્યો. કામ કરનારાઓની એક ટુકડી થાકી એટલે કૅપ્ટને બીજી ટુકડીને તરત જ રવાના કરી. આમાં હું અને કોન્સીલ બંને જોડાયા. આટલી સખત ઠંડી હોવા છતાં કોદાળીના ત્રણ ઘા માર્યા ત્યાં મારા શરીરમાં ગરમી આવી ગઈ અમારા પર ૩૦ વાતાવરણનું દબાણ હોવા છતાં મારું શરીર છૂટથી ફરતું હતું.
હું જ્યારે કામેથી પાછા ફરીને મારા ઓરડામાં આવ્યો. ત્યારે ઓરડાની હવામાં મને વિચિત્ર ફેરફાર લાગવા માંડ્યો. મારે શ્વાસ ખૂબ જ જોરથી લેવા પડતા હતા. વહાણની અંદર હવામાં કાર્બોનિક ઍસિડનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. ૪૮ કલાકથી આ ને આ જ હવામાં અમે રહેતા હતા; તેમાંથી ઑક્સિજન–પ્રાણવાયુ ખૂબ જ ઘટી ગયો હતો, અને ખોદાણ તે હજુ લગભગ ૬૦૦ ઘનયાર્ડ જેટલું જ થયું હતું. આ કામ પૂરું કરતાં ચાર દિવસ અને પાંચ રાત હજુ લાગવાનાં હતાં. પણ ચોથો દિવસ અમે જોઈશું કે કેમ તેની કોને ખબર હતી?
તોપણ પ્રયત્નમાં પાછા ન હઠવું એમ નકકી કર્યું હતું. મરવું તે પછી ઠેઠ સુધી કુદરત સાથે લડીને કેમ ન મરવું? અમે બધા જ મરણિયા થયા હતા. કૅપ્ટન નેમો પણ કુદરતની સામે બાંય ચડાવી ઊભો હતો.
રાતોરાત કામ ચાલતું હતું. આખી રાતમાં આખું તળ એક યાર્ડ ઊંડું ખેદાયું હતું. સવારે ઊઠીને હું જ્યારે કામે લાગ્યો ત્યારે મેં જોયું કે વહાણની પડખેની બંને દીવાલ પાસે આવતી જતી હતી. પાણીનો બરફ બહુ ઝડપથી બનવા લાગ્યો હતો. બરફના જે ટુકડાઓ અમે નીચેથી કાઢતા તે તરત જ દીવાલમાં જોડાઈ જતા; આ દીવાલો આમ ને આમ વધારે નજીક આવતી જશે તો અમારું વહાણ એ બેની વચ્ચે ક્યારે ભીંસાઈ જશે, તે કહી શકાય એમ નહોતું. પાણીનો બરફ થવાની ક્રિયા કોઈ પણ રીતે વહેલામાં વહેલી તકે અટકાવવી જોઈએ. એક તરફથી વહાણમાં હવાને સંગ્રહ ખૂટવા આવ્યો હતો, બીજી બાજુથી આ મુશ્કેલી ઊભી થઈ હતી! અમારી કોદાળીઓ વધારે વધારે જોરથી ચાલવા લાગી. હું મોટે ભાગે કામ કરવામાં જ રહેતો હતો; તેમાં એક બીજો ફાયદો હતો. કૅપ્ટન નેમોએ નિયમ કર્યો હતો કે જે હવા હજુ ટાંકાઓમાં છે, તે બહાર બરફ ખોદનારાઓને માટે જ વાપરવામાં આવશે; વહાણની અંદર જે હવા છે, તેમાંથી જ અંદરનાઓએ ચલાવવાનું રહેશે. અને એ નિયમ જ બરાબર હતો. હું જે થોડોઘણો વખત વહાણમાં કાઢતો, તેટલામાં તો ગૂંગળાઈ જતો હતો.
અલબત્ત પાણીમાં પ્રાણવાયુ-ઑકિસજનનું પ્રમાણ ઘણું છે, અને તે જુદું પણ પાડી શકાય; પણ વહાણ અને આસપાસમાં અમે કાઢેલો જે કાર્બોનિક ઍસિડ ગૅસ ભરાઈ ગયો હતો તે દૂર કરવા માટે તો કૉસ્ટિક પોટાશ જોઈએ, અને તે અમારી પાસે નહોતો. અમે લાચાર હતા!
એ દિવસે સાંજે હવાની ટાંકીમાંથી થોડીક હવા કૅપ્ટને વહાણની અંદરના, ઓરડાઓ માટે કાઢી. જો આ હવા ન કાઢી હોત તો કદાચ સવારે અમે પથારીમાંથી ઊઠ્યા જ ન હોત!
૨૬મી માર્ચને દિવસે પંદર ફૂટ ઊંડું ખોદાયું હતું. પડખેની બરફની દીવાલો ધીમે ધીમે નજીક આવતી જતી હતી. મારામાં નિરાશા આવી ગઈ. આટઆટલી મહેનત કરવા છતાં કુદરત અમારા ઉપર જુલમ જ કરતી જાય છે?! આમ દુનિયાના નિર્જન ભાગમાં એક બરફ જેવી વસ્તુથી અમારું કમોતે મોત થાય એ વિચારે હું હતાશ થઈ ગયો. કામ પડતું મૂકીને મારા ઓરડામાં હું આવ્યો. કૅપ્ટન નેમો તરત જ મારી પાછળ આવ્યો. તે મારે ખભે હાથ દઈને બોલ્યો: “આ પાણીનો બરફ થતો જો આપણે નહિ અટકાવીએ તે થોડા જ વખતમાં ખલાસ થઈ જઈશું!”
“મને કાંઈ સૂઝતું નથી.” મેં કહ્યું,
કૅપ્ટન થોડી વાર મારા સામું જોઈને પછી નીચે જોઈ રહ્યો, એકાએક તે બોલી ઊઠ્યો: “ગરમ ઊકળતું પાણી તૈયાર કરો.”
હું પણ ચમકી ઊઠ્યોઃ “ગરમ ઊકળતું પાણી?”
“હા; વીજળીથી પાણી ગરમ કરીને આપણું પંપ વાટે તે બહાર છાંટો.”
તરત જ એંજિનના ઓરડામાં જઈને તેણે હુકમ છોડ્યો. પાણી ઘડીક વારમાં ગરમ થયું અને પંપ વાટે બરફ ઉપર તેણે પોતાનું જોર અજમાવવા માંડ્યું. જે બરફ ભલભલી કોદાળીઓનાં પાનાં બૂઠાં કરી નાખે તે આ ગરમ પાણી પાસે લાચાર થઈ ગયો. આ પાણીનું પ્રમાણ જોકે ખૂબ ઓછું હતું, તોપણ તેણે એટલું તો જરૂર કર્યું કે નવો બરફ જામતો અટકી ગયો. થરમૉમિટર શૂન્ય ડિગ્રી નીચે ૬ ડિગ્રી સુધી પહોંચ્યું હતું; બે કલાક પછી તે શૂન્ય ડિગ્રી નીચે ૪ ડિગ્રીએ પારો દેખાડવા લાગ્યું..
“આપણે ફાવશું!’ કૅપ્ટને ઉત્સાહથી કહ્યું. મને પણ આશા આવવા માંડી.
૨૭મી તારીખે ૧૮ ફૂટ ઊંડું તળ ખોદાઈ ગયું. બાર ફૂટ હજુ બાકી હતું. હજુ બે દિવસ કામ હતું. બે દિવસ એટલે ૪૮ કલાક હવા ખૂટવા આવી હતી. હું મારા ઓરડામાં બિછાનામાં ગૂંગળાતો હતો. કોન્સીલ મારી પડખે જ મને આશ્વાસન આપતો બેઠો હતો. તે પણ ગૂંગળાતો હતો, પણ પોતાનું દુઃખ મારા દુખમાં સમાવી દેતે હતો. મેં તેને ધીમેથી બોલતો સાંભળ્યો; “જો આપને વધારે હવા મળી શકતી હોય, તો હું શ્વાસ લેવાનું જ બંધ કરું.”
કોન્સીલની કિંમત મને સમજાવા લાગી, તેનું આ વાક્ય સાંભળીને મારી આંખ ભીની થઈ. હવે મારો વારો ક્યારે આવે ને ક્યારે હું બહાર ફરવા જાઉં કે જ્યાં જોઈએ તેટલી હવા મળે એમ થતું હતું.
થોડોક વખત તાજી હવા અને થોડોક વખત વહાણની ઝેરી હવા એમ ચાલ્યા કરતું હતું. કૅપ્ટન નેમો બરાબર નિયમ પ્રમાણે જ દરેકને વારો સરખો વખત આવે તેની કાળજી રાખતો હતો. પિતાને વારે પૂરો થાય કે તરત જ પોતાની હવાની કોથળી બીજાને આપીને પોતે ઝેરી હવાવાળા વહાણમાં બેસતો હતો.
કામ રાક્ષસના બળથી થતું હતું. બીજે દિવસે ફક્ત નવ જ ફૂટ ખોદવાનું બાકી રહ્યું હતું. પણ હવે હવાનાં ટાંકાં લગભગ સાવ ખાલી હતાં. જે થોડીઘણી હવા હતી તે ફક્ત કામ કરનારાઓ માટે જ હતી.
મારો શ્વાસ હવે રૂંધાવા લાગ્યો; આજનો દિવસ હું માંડ કાઢીશ એની મને ખાતરી થઈ હતી. કૅપ્ટન નેમોએ પણ જોઈ લીધું કે કામ કરનારાઓ પણ આજ સાંજ સુધી જ વાપરી શકે તેટલી હવા બાકી રહી હતી. તેના મનમાં એક નવી યોજના સ્ફુરી આવી. બધા માણસોને તેણે અંદર બોલાવી લીધા. બરફનું તળિયું, હવે ફક્ત ત્રણ જ ફૂટ તોડવાનું હતું. તેણે નક્કી કર્યું કે વહાણને જરા ઊંચે લઈ જઈને એ ખોદાયેલી ખાઈની અંદર જોરથી લઈ જવું. વહાણના જેરને લીધે જ એ ત્રણ ફૂટનું પડ તૂટી જશે અને વહાણ તરત જ પાણીમાં આવી પહોંચશે. આમાં સાહસ તો હતું જ, પણ મરવાને વખતે સાહસ શા માટે ન અજમાવવું?
વહાણને થોડુંક ઊંચું લીધું. ખોદાયેલી ખાઈની ઉપર તે બરાબર તોળાઈ રહ્યું. થોડી વારે કૅપ્ટનના હુકમ પ્રમાણે પાણીનાં ટાંકાં જોરથી ભરાવા લાગ્યાં ને વહાણ એકદમ નીચે ઊતર્યું.
હું મારા ઓરડામાં લગભગ બેભાન અવસ્થામાં પડ્યો હતો, વહાણ નીચે ઊતર્યું એની મને ખબર હતી. પણ પછીથી મને બધું સ્વપ્ન જેવું લાગ્યું. વળી વચ્ચે મને તાજી હવા મળી. મને થયું કે અમે સમુદ્રની સપાટી ઉપર આવી પહોંચ્યા હોઈશું. પણ ના, એમ નહોતું. કોન્સીલ અને નેડની હવાની કોથળીમાં જે થોડીક હવા રહી ગઈ હતી તે પોતાને માટે નહીં વાપરતાં તેઓ મને આપી રહ્યા હતા. મેં સૂતાં સૂતાં મારી ભીની આંખ તેમના તરફ ફેરવી. કોન્સીલે મારી આંખ લૂછી. હું ફરી પાછો આંખ મીંચી ગયો અને બેભાન થઈ ગયો.
જ્યારે આંખ ઉઘાડીને મેં ઘડિયાળ સામે જોયું ત્યારે ૨૮મી તારીખના સવારના અગિયાર વાગ્યા હતા. નૉટિલસની ગતિ કલાકના ૪૦ માઈલની હતી. આ શું? કૅપ્ટન નેમો ક્યાં? આ વહાણ ક્યાં જાય છે? મૅનોમિટરમાં જોયું તો અમારું વહાણ દરિયાની સપાટીથી ફક્ત ૨૦ ફૂટ જ ઊંડે હતું! એક બરફનું પાતળું પડ જ અમારી અને સમુદ્રની સપાટી વચ્ચે આડું હતું. એ પડ નહીં તૂટે? શી ખબર પડે? પણ નૉટિલસ પોતાનો બધો પ્રયત્ન કરી છૂટવાનું હતું. તેના પાછળના ભાગમાં આવેલાં ટાંકાંઓમાં ખૂબ પાણી ભરવામાં આવ્યું, તેથી તે ભાગ નમ્યો ને આગલો ભાગ ઊંચો થયો. આવી રીતે ત્રાંસું થઈને તેણે પોતાને પંખો જોરથી ફેરવવા માંડ્યો. બરફ ધીમે ધીમે તૂટવા માંડ્યો. અને આખરે બરફના એ પડને વીંધીને તીરની જેમ આખું વહાણ હવામાં ઊછળીને સમુદ્રની સપાટી ઉપર આવી પછડાયું!
બધા ઓરડાઓનાં બારણાં ઊઘડી ગયાં, અને તાજી હવાનો ધોધ આખા વહાણમાં જોતજોતામાં ફેલાઈ ગયો!