હું દોડતો દોડતો વહાણના તૂતક ઉપર પહોંચી ગયો. પાછો વિશાળ ખુલ્લો સમુદ્ર નજર આગળ પથરાયેલે દેખાય. ક્યાંક ક્યાંક છૂટક છૂટક બરફના ખડકો તરતા હતા; આકાશમાં પક્ષીઓ તરતાં હતા. થરમૉમિટર શૂન્ય ઉપર ૩ ડિગ્રી બતાવતું હતું.
લગભગ દસ માઈલને અંતરે એક નાનો એવો ટાપુ દેખાતો હતો. અમે વહાણ તે તરફ હંકાર્યું અને થોડી વારમાં કિનારે આવી પહોંચ્યા. કેટલાય લાંબે વખતે અમે જમીન પર પગ મૂક્યો. ટાપુ લગભગ ૬૦૦ ફૂટ દરિયાની સપાટીથી ઊંચો હતો. બહુ તો ચારથી પાંચ માઈલનો તેનો વિસ્તાર હશે. અમે ઠેઠ કિનારે વહાણ લઈ ન ગયા, પણ લગભગ અરધો માઈલ દૂર રાખીને હોડીમાં બેસીને ગયા, કારણ કે પાણીમાં જો જમીનની દાંતી છુપાયેલી હોય તો વહાણુ નકામું જોખમાય.
અમારી હોડી જેવી કિનારાને અડકી કે તરત જ કોન્સીલ કૂદવા જતો હતો, પરંતુ મેં તેને અટકાવ્યો. મેં કહ્યું: “આ જમીન ઉપર પહેલો પગ મૂકવાનો અધિકાર કૅપ્ટન નેમોનો છે. દુનિયામાં મનુષ્યનો પહેલવહેલો પગ જે આ જમીન ઉપર કોઈને પડતા હેય તે કૅપ્ટન નેમને જ ભલે પડે!’ બધાએ તે કબૂલ કર્યું. ધીરે પગલે કૅપ્ટન કિનારે ઊતર્યો; તેની પાછળ અમે બધા ઊતર્યા. હું તથા કૅપ્ટન બે જ જણા આ બેટની ઊંચી ટેકરી ઉપર ચડવા માંડ્યા. કોન્સીલ વગેરે તે પાછળ હોડીમાં જ રહ્યા હતા. તેને તથા નેડને માટે શિકારનું કામ તૈયાર હતું.
આ જગ્યાએ વનસ્પતિ બહુ થોડી હતી, અને તે પણ નાના નાના ઘાસ અને છોડવાઓની જ. પણ પક્ષીઓ તો ત્યાં અસંખ્ય હતાં. જમીન ઉપર પૅંગ્વિનનાં ટોળાં કોઈ વૃદ્ધોની મહાસભા મળી હોય એમ કાળા ડગલા પહેરીને બેઠાં હતાં.
ઉપર ચડતાં ચડતાં હું તો પક્ષીઓની ખડકોમાંની મોટી મોટી બખોલો, તેમનાં ઈંડાં, નાનાં નાનાં બચ્ચાંઓ વગેરે જોતો જતો હતો. કૅપ્ટન નેમો મારાથી આગળ નીકળી ગયેલો. જ્યારે હું તેની નજીક પહોંચ્યો ત્યારે તે અદબ વાળી સ્થિર નજરે અને શાંત ચહેરે આકાશ સામે જોતો હતો. તે સૂર્યની વાટ જોતો હોય એમ લાગતું હતું; પણ આકાશમાં એટલું ધુમ્મસ હતું કે બપોરના બાર વાગ્યા સુધી અમે રાહ જોતા ઊભા હતા છતાં સૂર્ય દેખાયો નહિ.
“આપણે કાલ સુધી સૂર્ય માટે અહીં રોકાવું પડશે. આપણે દક્ષિણ ધ્રુવ ઉપર છીએ કે બીજે, તે સૂર્ય વગર કઈ રીતે નક્કી થાય?” કૅપ્ટન નેમો આટલું બોલીને પાછો ઊતર્યો; હું પણ તેની પાછળ પાછળ ઊતર્યો. અમે વહાણમાં પહોંચ્યા ત્યારે તાજા શિકારનું ખાણું તૈયાર હતું.
બીજે દિવસે એટલે ૨૦મી માર્ચે પાછા અમે બેટ ઉપર આવવા નીકળ્યા. આજે ધુમ્મસ અને બરફ બંને ઓછાં હતાં; લગભગ બંધ થઈ ગયાં હતાં; પણ ઠંડી જરા વધારે હતી. અમે કિનારે ઊતર્યા, ત્યારે કિનારા પરની રેતી ઉપર ટોળાબંધ સીલ પ્રાણીઓ આળોટતાં અને ગેલ કરતાં અમે દીઠાં. નાનાં નાનાં બચ્ચાંઓ પણ પોતાની વિચિત્ર પૂછડી પટપટાવતાં તેમની માની પીઠ ઉપર ચડીને ગેલ કરતાં હતાં. કેટલાં નિર્ભયપણે આ બધાં અહીં પડ્યાં હતાં! અમેરિકા કે ઇંગ્લાંડના કિનારા પર આમ હોય તો? અરે પણ હોય જ શાનું? એકાદ સીલ જુએ તોપણ કોઈ નિશાનબાજીએનાં ટોળાં તેના પર તૂટી પડે! બીજાં વૉલરસ નામનાં સીલને મળતાં પ્રાણીઓ પણ એક બાજુ બૂમાબૂમ પાડીને રમતાં હતાં. આ બિચારાં એમ તે બીકણ હોય છે, પણ તેમના પર હુમલો કરવામાં આવે, અને ખાસ કરીને તેમનાં બચ્ચાંને જો કોઈ પકડવા આવે તો તે જરા આકરાં પડી જાય એવાં હોય છે. હું અને કોન્સીલ છાનામાના લપાતા લપાતા આ બધું જોવા નીકળ્યા હતા. ફરીને અમે પાછા આવ્યા ત્યારે એક નાની ટેકરી ઉપર કૅપ્ટન નેમો સૂર્યની વાટ જોતો ઊભો હતો. આજે પણ આકાશ ગઈ કાલના જેટલું નહિ, તો ઠીક ઠીક ઘેરાયેલું હતું. ઘણી વાર સુધી રાહ જોયા પછી કૅપ્ટન મારા સામું જોઈને બોલ્યો: “આજે પણ સૂર્ય દેખાય તેવો સંભવ નથી. હજુ આવતી કાલ સુધી આપણે રોકાવું પડશે.”
“હા; પણ તમને યાદ છે, કે આવતી કાલે માર્ચની એકવીસમી તારીખ છે? કાલથી સૂર્યનું ઉત્તરાયણ થશે, એટલે પછી દક્ષિણ ધ્રુવના પ્રદેશની તો લાંબી રાત થશે. એટલે પછી દક્ષિણ ધ્રુવનું સ્થાન નક્કી કરવું હશે તો તો અહીં છ મહિના સુધી રોકાવું પડશે.”
“હા, તે મારા ધ્યાનમાં છે. પણ ભલે છ મહિના થાય તોયે જો નક્કી જ કરવું હોય તે તેથીયે વધારે લાંબો વખત રોકાવામાં મને કંઈ વાંધો નથી. આપણે સાથે જ છીએ ને?”
આવતી કાલે જો સૂર્ય નહિ દેખાય તો કૅપ્ટન અહીં રોકાશે, અથવા ફરી પાછો મને લઈને છ મહિનેય અહીં આવશે જ, એ વિચારે મને ભય ઉત્પન્ન થયો. કાલે સૂર્ય ઊગે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરતો હું નેમોની સાથે પાછો વહાણમાં ગયો. પાછાં ફરતાં રસ્તામાંથી પેંગ્વિનનું એક સુંદર ઈંડું હું તેમના પ્રદર્શન માટે લેતો આવ્યો.
૨૧મી માર્ચની સવાર પડી. સદ્ભાગ્યે આકાશ ચોખ્ખું હતું. સૂર્ય દેખાશે એવી આશા મારા મનમાં ઊભી થઈ. અમે પાછા હોડીમાં બેસીને કાંઠે આવ્યા અને પેલી ટેકરી ઉપર એક અનુકૂળ જગ્યા શોધીને બેઠા. સાથે એક ક્રોનોમિટર (ઘડિયાળ), દૂરબીન તથા બૅરોમિટર હતાં.
લગભગ અગિયાર વાગે અમે ટેકરીની ટોચે પહોંચ્યા. બરાબર બાર વાગે સૂર્ય ઉપરથી અમારી જગ્યાના અક્ષાંશ-રેખાંશ નક્કી થવાના હતા. હું ઘડિયાળ લઈને ઊભો હતો. બૅરોમિટરથી ઊંચાઈ તો નક્કી થઈ જ હતી; વાર ફક્ત ૧૨ વાગવાની હતી.
૧૧||| થયા; સૂર્યનું ક્ષિતિજ ઉપર પડતું પ્રતિબિંબ દેખાયું. જાણે સોનાની મોટી થાળી! સૂર્ય પિતાનાં છેલ્લાં કિરણો આ નિર્જન સ્થાનમાં ફેંકી રહ્યો હતો, અને બરફને સોનાથી મઢી દેતો હતો. હું બરાબર ઘડિયાળ લઈને ઊભો હતો. સૂર્યનો બરાબર અર્ધો જ ભાગ જો બરાબર બાર વાગે દેખાય તો અમે ઊભા હતા તે જગ્યા દક્ષિણ ધ્રુવ છે એમ નક્કી થાય. પરિણામ માટે મારું હૃદય ખૂબ આતુર હતું.
ઘડિયાળનો કાંટો બાર ઉપર આવ્યો. હું બોલી ઊઠ્યો: “બાર!” અને બીજી જ ક્ષણે સામે નેમોને અવાજ મળે: “દક્ષિણ ધ્રુવ!”
કૅપ્ટન નેમેએ સૂર્યના પ્રતિબિંબને ઝીલવા માટે રાખેલા કાચની અંદર ધીમે ધીમે આથમી જતા સૂર્યનો અડધો ભાગ ઘડીક દેખાયો, ન દેખાયો ત્યાં તો તે અદશ્ય થતો ચાલ્યો; થોડી વારે દેખાતો બંધ થયો.
“સલામ, ઓ જગતના જીવનદાતા! આ સમુદ્રમાં આરામ કર. આ મારા પોતાના પ્રદેશ ઉપર હમણાં છ મહિના સુધી અંધકારનો પછેડો ઓઢાડી દે!” કૅપ્ટન નેમો ગંભીર અવાજે સૂર્ય તરફ જોઈને બોલ્યો.
થોડી ક્ષણ પછી મારા તરફ ફરીને તેણે કહ્યું: “પ્રોફેસર! અત્યાર સુધીમાં ઘણા માણસોએ અહીં પહોંચવાનો પ્રયત્ન કર્યો છે; તમે એ બધું જાણતા જ હશે. આજે હું આ પ્રદેશ કબજે કરું છું, પણ તે બીજા કોઈના નામે નહિ પણ ખુદ મારા નામે.”
પોતાની પાસેથી એક નાનો કાળો વાવટો તેણે કાઢ્યો અને હવામાં ફરકાવ્યો. વાવટાની વચ્ચે સોનેરી અક્ષરે લખેલો ‘N’ ચળકતો હતો.