લગભગ સવાર પડવા આવી ત્યારે અમે વહાણમાં પહોંચ્યા. પથારીમાં પડતાંવેંત જ હું ઘસઘસાટ ઊંઘી ગયો. હું જમવા વખતે જાગ્યો. જાગીને કંપાસમાં જોયું તો અમારું વહાણ ઝપાટાબંધ દક્ષિણ દિશામાં હંકારાતું હતું. હું જમી રહ્યો અને મારા સાથીઓના ઓરડામાં ગયો. ગઈ કાલ રાતની વાત મેં તેમને કરી. તેમને કંઈ તેમાં બહુ રસ ન પડ્યો હોય એમ લાગ્યું. નેડને તો કશામાં રસ નહતો. કોન્સીલને આટલાંટિક મહાસાગરની માછલીઓ જોવામાં વધારે રસ હતો. અમે બંને આ માછલીઓ જોવામાં અને તેના જુદા જુદા વિભાગ પાડવામાં રોકાયા. વહાણ ખૂબ ઝડપથી એટલે કે કલાકના વીસ માઈલની ઝડપથી ચાલતું હતું. ઝપાટાબંધ દરિયાનાં માછલાંઓ અમારી પાસેથી પસાર થઈ જતાં હતાં. આમ આખો દિવસ સતત વહાણ ચાલ્યા કર્યું. રાતના થોડેક વખત વહાણ દરિયાની સપાટી ઉપર આવ્યું. સ્વચ્છ આકાશમાં મૃગશીર્ષના તારાઓને હું મધ્યાકાશે જોઈ શકતો હતો.
બીજે દિવસે હું આઠ વાગે પથારીમાંથી ઊઠ્યો. મેં મૅનોમિટરમાં જોયું તો વહાણ દરિયાની સપાટી ઉપર હતું અને તૂતક ઉપર કંઈક ઘોંઘાટ થતો હતો. હુંતરત જ ઉપર ગયો; પણ ઉપર દિવસનું અજવાળું હોવાને બદલે ગાઢ અંધારું હતું! ત્યારે મેં રાતને દિવસ ધારી લેવાની ભૂલ કરી? ના, પણ ઉપર તો તારા પણ દેખાતા નથી. કોઈ પણ રાત આવી અંધારી મેં દીઠી નથી. આ તે શો ગોટાળો?
મારે શું ધારવું તેની મને ખબર નહોતી પડતી. ત્યાં તો પાછળથી અવાજ આવ્યો: “કોણ, પ્રોફેસર ઍરોના?”
“ઓહો કૅપ્ટનસાહેબ! આપણે ક્યાં છીએ?”
“જમીનની નીચે.”
“જમીનની નીચે! અને પાછું વહાણ દરિયા ઉપર? આ તમે શું બોલો છો? આપણે જમીનની નીચેના દરિયાની ઉપર? અત્યાર સુધી આપણે જમીન ઉપર ને દરિયાની નીચે જતા; આવું તે આજ જ જોયું! તમે મશ્કરી તે નથી કરતા?’ મેં પ્રશ્ન ઉપર પ્રશ્ન મૂક્યા.
“તમને બધું સમજાશે. હમણાં બત્તી સળગશે, એટલે બધું સમજાશે.’ હું બત્તીની રાહ જોતો રહ્યો. ચારેય બાજુ અંધારું હતું, ફક્ત ઉપર નજર કરતાં દૂર દૂર ઊંચે થોડોએક પ્રકાશ દેખાતો હતો; તે એક મોટું કાણું હોય અને તેમાંથી દેખાતો પ્રકાશ દિવસના પ્રકાશ જેવો હોય એમ લાગતું હતું.
થોડી વારે બત્તી સળગી. નૉટિસ ખડકવાળા કિનારા પાસે ઊભું હતું. દરિયો સાવ સરોવર જે શાંત હતો; એટલું જ નહિ પણ સરોવરની પેઠે જ તે ખડકોથી ચારે બાજુથી ઘેરાયેલો દેખાતો હતો. ઘેરાવો લગભગ છ માઈલનો હશે. તેની સપાટી દરિયાની જેટલી જ હતી, એમ મૅનોમિટર પરથી જોઈ શકાતું હતું. એનો અર્થ એ થયો કે દરિયાના પાણીને નીચેથી આ સરોવરના પાણી સાથે કંઈક સંબંધ છે. ઉપર જે પ્રકાશવાળું કાણું દેખાતું હતું, તેમાંથી દિવસનો જ પ્રકાશ આવતો હતો. આ બધું કઈ રીતે બનેલું હશે એ કંઈ મને સમજાતું નહોતું. મેં કૅપ્ટન નેમોને ફરી વાર પૂછ્યું: “આપણે કયાં છીએ?”
“હજુ કાંઈ ખબર ન પડી? આપણે એક જ્વાળામુખી પર્વતના ગર્ભમાં છીએ. આ પર્વત હવે જ્વાળામુખી રહ્યો નથી, અને તેના ગર્ભભાગમાં દરિયાએ તળિયેથી પોતાનાં મોજાં વડે બહારનો ભાગ ફોડીને મોટું સરોવર બનાવી દીધું છે! કલ્પના કરો કે જ્યારે આ જ ગર્ભમાં ઉકળાટભર્યો લાવારસ પેલા ઊંચે દેખાતા કાણામાં થઈને બહાર પડતો હશે ત્યારે દૃશ્ય કેવું ભયંકર હશે? અત્યારે એ લાવારસને નીકળવાના માર્ગમાં જ આપણે ઊભા છીએ, ને એ જ જગ્યાએ અત્યારે શાંત સરોવર સૂતું છે. આ અદ્ભુત જગ્યા મને બહુ જ અકસ્માતથી હાથ લાગી. દુનિયામાં આથી વધારે કઈ સહીસલામત જગ્યાએ મારું વહાણ કે દુનિયાનું કોઈ પણ વહાણ આરામ કરી શકે?”
“પણ અહીં કયું વહાણ આરામ લેવા માટે આવે? અને તમારા વહાણને તો આવા બંદરની જરૂર પણ શી છે?’ મેં પૂછ્યું.
“હા, એ વાત સાચી કે મારા વહાણને આશ્રયની જરૂર નથી. પણ તેને વીજળીની જરૂર છે, અને વીજળીને માટે કોલસા અને સોડિયમની જરૂર છે. એ બધું મને આ જગ્યાએથી ઢગલાબંધ મળે છે!”
“ત્યારે અહીં તમારા માણસો કોલસા લેવા માટે રોકાશે, કેમ?”
“હા, જુઓ. માણસો દરિયામાં ચાલવાનો પોશાક પહેરીને અને કોદાળીપાવડા લઈને આ નીકળી પડ્યા.”
“તો આપણે પણ તે જોવા જઈશું?” મેં પૂછ્યું.
“ના; અત્યારે ત્યાં બહુ ખોદકામ નહિ ચાલે, કારણ કે થોડુંક સોડિયમ તો ત્યાં સિલકમાં પડ્યું છે. વળી કોઈ બીજી વાર વાત. પણ અત્યારે થોડો વખત આ સરોવરના કિનારા ઉપર ફરવું હોય તો તમને છૂટ છે.
હું આનંદમાં આવી ગયો. મારા સાથીઓને હું બોલાવી લાવ્યો અને તેમની સાથે કિનારા ઉપર ફરવા નીકળી પડ્યો. ખડક સાથેના પાણીના નિરંતર ઘસારાથી થોડાએક ભાગમાં રેતી થઈ ગઈ હતી; બાકીનો કિનારો અણીદાર દાંતીનો જ બનેલો હતો. નેડની ચકોર નજર ચારે પાસ ફરતી હતી.
“આખરે પાછા આપણે જમીન ઉપર ઘણે વખતે પગ મૂકી શક્યા.” કોન્સીલે કહ્યું.
“હું આને જમીન ઉપર પગ મૂક્યો કઈ રીતે ગણું? આ તો જમીનની નીચે છે. જમીન ઉપર કાણું દેખાય છે, ત્યાં ચડી જવું જોઈએ!” નેડે કહ્યું.
“એ વાતો છે. આટલે ઊંચે પર્વતના અંધારા પેટાળમાં થઈને ચડવું, એ કાંઈ વહેલ માછલી મારવાની વાત નથી.” કોન્સીલે કહ્યું.
નેડને આથી ખાટું લાગશે એમ માનીને મેં તરત જ કોન્સીલનું કહેવું વાળી લીધું: “આ ચઢાવ એટલો બધો સીધો છે કે એ કોઈનાથી બને જ નહિ. તોપણ ચાલો આપણે જોઈએ તો ખરા કે ક્યાં સુધી ઉપર જઈ શકાય છે?”
અમે કિનારા ઉપર ચડવા લાગ્યા. જ્વાળામુખી ઘણા વખતથી શાંત થઈ ગયેલો હોવો જોઈએ, કારણ કે તેમાં ક્યાંક ક્યાંક વનસ્પતિ પણ ઊગી હતી. નવાઈની એક વાત એ જોવા મળી કે એક જગ્યાએ એક મોટો મધપૂડો જામેલો હતે. એક ઝાડની બખોલમાં આ મધપૂડો માખીઓથી બણબણતો હતો. નેડની ઇચ્છા આ મધપૂડો પાડીને મધ એકઠું કરવાની થઈ. મારાથી તેને ના કેમ પડાય? થોડાંક સૂકાં લાકડાં ને ડાળીઓ સળગાવીને સાચેસાચ તેણે તેમાંથી મધ પાડ્યું, અને પોતાની શણની એક મજબૂત કોથળીમાં તે ભરી લીધું. અમે સરોવર ફરતા પ્રદક્ષિણા ફરતા હતા, અને સાથે ઉપર જેટલું ચડાય તેટલું ચડતા પણ જતા હતા. રસ્તો ખૂબ મુશ્કેલ હતો; પણ નેડ અને કોન્સીલ સાથે હોવાથી મને બહુ અડચણ ન પડી. અમે ફરીને આખરે પાછા એ કિનારા પાસે આવ્યા. ઉપર જ્વાળામુખીના મોઢાના કાણામાંથી ઝડપથી પસાર થઈ જતાં વાંદળાં જોઈ શકાતાં હતાં. કિનારા પરની સુંવાળી રેતી ઉપર અમે ઘડીક આરામથી પડ્યા, અને વાતો ના ગપાટા મારવા લાગ્યા. વાતોમાંથી વાત નીકળતાં પછી આ વહાણમાંથી નાસી છૂટવાની વાત નીકળી. મેં નેડને એક આશ્વાસન આપ્યું: “કદાચ કૅપ્ટન નેમો આ દક્ષિણ બાજુ તો ફક્ત અહીંથી સોડિયમ લેવા જ આવ્યો હશે, એટલે હજુ નિરાશ થવાનું કાંઈ કારણ નથી.”
અમે લગભગ કલાકેક સુધી આમ પડ્યા હોઈશું. ધીમે ધીમે અમારી આંખો ઘેરાવા માંડી. હું તો ઊંઘી જ ગયો. સ્વપ્નામાં હું જાગી ગયો; મારાં કપડાં બધાંય પલળી ગયાં હતાં. આ “આ શું?” એમ વિચાર કરું છું ત્યાં તો સરોવરના પાણીની બીજી છાલકે આવીને મને વધારે ભીંજવી નાખ્યો. અમે ત્રણેય જણા પલળી ગયા હતા. હું કારણ સમજ્યો; દરિયાની અંદર ચડતી ભરતીની અસર આ સરોવરના પાણી ઉપર પણ થઈ હતી. અમે વહાણમાં ચડી ગયા ને ઓરડામાં જઈને કપડાં બદલી નાખ્યાં.
મારી ઇચ્છા આ વહાણ પાછું કયે રસ્તેથી કઈ રીતે દરિયામાં પ્રવેશ કરે છે તે જોવાની હતી; પણ કૅપ્ટને વહાણ ઊપડવાનો હુકમ ઠેઠ રાત પડતાં સુધી પણ આપ્યો નહિ. કદાચ તેનો વિચાર અમે જાણી ન જઈએ તેવી રીતે આ છૂપા માર્ગમાંથી નીકળી જવાનો હશે.
ગમે તેમ હોય, બીજે દિવસે સવારે મેં જોયું તો વહાણ આટલાંટિક મહાસાગરમાં તરતું હતું.