હેપનિંગને નામે

સૅમ્યુઅલ બૅકૅટનું પ્રખ્યાત નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’ રજૂ થયું તે પહેલી રાતે પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધું એ હકીકતની જ્યારે બૅકૅટને જાણ થઈ ત્યારે એણે કહ્યું, ‘અરે ભગવાન, ક્યાંક કશીક ભૂલ થઈ લાગે છે. આવું બને જ નહિ. એ લોકોએ તાળી પાડી!’ બૅકૅટે આ કહ્યું તે લોકપ્રિયતાની એને કશી પડી નથી કે લોકો રીઝ્યા તે જ ખોટું થયું એવી ઉદ્ધતાઈથી કહ્યું નથી. પણ ઘણી વાર નાટ્યકારે જે સૂક્ષ્મતાથી કર્યું હોય છે ત્યાં સુધી પ્રેક્ષકો પહોંચી શકતા નથી અને કેટલીક ગૌણ વિગતોને ખોટી રીતે જોઈને રાજી થતા હોય છે. બૅકૅટ જેવા નાટ્યકારને તો આવું બને ત્યારે પણ પોતે રચનાકળામાં સાવધાની રાખી નથી એવું લાગે. આવી પાયાની પ્રામાણિકતાની સર્જકમાં અપેક્ષા રહે છે. જો પ્રેક્ષકો કશી જહેમત વિના, પોતે સેવેલી માન્યતાઓે, પોતાના જગત વિશેના ખ્યાલો, કેળવેલી આત્મતુષ્ટિ – આ બધાં સાથે સંઘર્ષમાં ઊતર્યા વિના નાટ્યકારે જે કર્યું છે તેને સમ્મતિ આપી દે તો એ સર્જનકર્મની નિષ્ફળતા જ લેખાય.

આપણે તો પ્રેક્ષકોને ખુશ રાખવાની એટલી ચિન્તા કરીએ છીએ કે નાટકના તખ્તા પર એકાદ મિનિટ કોઈ કશું બોલ્યા વગર ઊભું રહે તો કે થોડા સમય સુધી કશું ‘બને’ જ નહિ તો પ્રેક્ષકોનો રસ ઊડી જશે એવી આપણને ચિન્તા થાય છે. રાહ જોવી, પ્રતીક્ષા કરવી એ ઘટનામાં કેટલી બધી નાટ્યક્ષમતા રહેલી છે! પણ તખ્તા પર આપણે એ શી રીતે રજૂ કરીશું? મેં પાંચ મિનિટની એક પ્રયોગાત્મક ફિલ્મ જોયેલી. એમાં એક યુવાન પોતાની પ્રિયતમાની રાહ જુએ છે. થોડા વખત પછી સિગારેટ સળગાવે છે, પી નાખે છે. પછી સિગારેટના પેકેટમાંથી રૂપેરી કાગળ કાઢીને એમાંથી નારીની આકૃતિ બનાવે છે, એની પાસે નૃત્ય કરાવે છે. પાસેના પાણીના પ્યાલાને ધક્કો લાગતાં એમાંથી પાણી ઢોળાઈ જાય છે. એનો વહી જતો રેલો પછી દૃષ્ટિનો વિષય બને છે. આમ તુચ્છ ગણાતી વિગતોમાંથી નાટ્યાત્મક ક્ષણો રચાતી આવે છે. રંગમંચ પર સમયનું પુનવિર્ધાન થાય છે; આપણે માત્ર એના સાક્ષી જ નહિ, પણ સહકારી બની રહીએ છીએ.

રાહ જોવાની ક્રિયામાં કંટાળો પણ રહેલો છે. એ કંટાળાની લાગણી પ્રેક્ષકમાં જગાડવાનું આપણે સાહસ કરી શકીશું ખરા? હમણાં જ ‘નક્સલવાદી’ ફિલ્મ જોતાં કંટાળીને ઉશ્કેરાયેલા પ્રેક્ષકોની વાત આપણે સાંભળી, એમાં એક મનોવૈજ્ઞાનિક સત્ય રહેલું છે. એ તરફ આપણી નજર જવી જોઈએ. સાર્ત્રે આવા એક, હેતુપૂર્વક કરેલા, પ્રયોગની વાત કરી છે. એનો હેતુ પ્રેક્ષકોમાં જે અવરુદ્ધ બનીને રહ્યું છે તેને મુક્ત કરવાનો હોય છે. પડદો ઊઘડે છે, થોડી વાર પછી એક માણસ તખ્તા પર આવે છે. એ શું કરશે તે જાણવાના કુતૂહલથી પ્રેક્ષકો એને જોઈ રહે છે. પેલો માણસ એક ખુરશી પર બેસે છે. હાથની અદબ વાળીને એ સતત બે કલાક સુધી એમ ને એમ બેસી રહે છે. કંટાળાની લાગણી તીવ્રતર બને છે. એના પ્રતિભાવો ઉગ્ર બને છે; ઘણાંની આંખોમાં આંસુ છલકાઈ ઊઠે છે. એક વાર રંગમંચ પર એક નગ્ન સ્ત્રીને શરીર પર ફીણવાળી મલાઈ ચોપડીને ઊભી રાખેલી. પ્રેક્ષકો એ બધી મલાઈ ચાટી ગયા. અહીં શું એક જ પ્રકારની બુભુક્ષા કામ કરી રહી હતી? નાટક જોયા પછી પ્રેક્ષક પોતાના અન્તરંગને ઢાંકતા પડદાને ખૂલી જતો નથી જોતો? એથી પોતાની આ નવી ઓળખ સાથે મેળ પાડવાની એને જરૂર નથી ઊભી થતી?

આપણે ત્યાં ‘હેપનિંગ’નો ગાળો આવી ગયો. પણ, હંમેશ બને છે તેમ, સાહસવૃત્તિના અભાવને કારણે થોડાં અળવીતરાંમાં જ એ બધું પૂરું થઈ ગયું. સાર્ત્રે નોંધ્યું છે કે પેરિસમાં આવા એક ‘હેપનિંગ’માં મરઘાને તખ્તા પર હલાલ કરીને એનું લોહી પ્રેક્ષકો પર છાંટવામાં આવતું હતું. અહીં કશુંક અણધાર્યું બનશે એવી ગણતરી કામ નહોતી કરતી. પણ આ ઘટનાના પ્રેક્ષકોના હૃદયમાં રહેલાં પ્રતિરૂપો એમની આગળ પ્રગટ થાય એ જ અપેક્ષિત હતું. આથી સ્થૂળ સ્વરૂપના કુતૂહલને ઉત્તેજિત કરવાનો આશય ઊંચી કોટિની સર્જકતાવાળા નાટ્યકારને હોતો નથી. એથી કશુંક વધુ તે તાકતો હોય છે. અહીં ઘટના ‘સ્કૅન્ડલ’માં પરિવતિર્ત થઈ જાય છે. પ્રેક્ષકો બે ભાગમાં વહેંચાઈ જાય છે : એને સ્વીકારનારો એક વર્ગ અને એને ઉગ્રપણે નકારનારો બીજો વર્ગ. એક વાર આ પ્રયોગને અન્તે પ્રેક્ષકોએ પેરિસમાં વિયેતનામના યુદ્ધની વિરુદ્ધમાં સરઘસ કાઢેલું.

આમ નાટકમાંની ઘટના પ્રતીકરૂપ બનીને આપણી નજર જે વાસ્તવિકતા પર નહોતી પડી તેની સાથેના ઉત્કટ સમ્બન્ધને સ્થાપી આપે છે. આ વાસ્તવિકતા કેવળ શબ્દોથી નથી ઊભી થતી. આપણાં નાટકો મોટે ભાગે ભાષાશ્રયી અને તેથી વધુ બોલકાં લાગ્યાં છે. એમાંય ‘થિયેટર ઓવ્ સાયલેન્સ’માં બનતું હતું તેવું બનતું નથી. સંવાદો સપાટી પરની તુચ્છ વિગતોની વાત એવી રીતે કરે કે એની પાછળ વણઉચ્ચારાયેલી વાત ધીમે ધીમે પ્રગટ થતી આવે. આમ સપાટી નીચે રહેલી અશ્રુત ભાષાને તો આપણે ઝાઝો અવકાશ આપ્યો જ નથી. પ્રેક્ષકોને જે બની રહ્યું છે તેનાથી કેટલા દૂર રાખવા કે નજીક રાખવા તેનો પણ નાટ્યકારને કે ભજવનારને ઝાઝો ખ્યાલ હોતો નથી. પ્રેક્ષકો છેલ્લે સુધી દૂર રહે ને અણધાર્યા જ અન્તમાં ઘનિષ્ટતાથી સંડોવાઈ ગયા હોય એવું અનુભવે એમ પણ બને. વિયેતનામના યુદ્ધના વખતના આવા એક નાટ્યપ્રયોગમાં એક પાત્ર તખ્તા પર આવીને દીવાસળીની પેટી ખોલીને પતંગિયાં બહાર કાઢે છે ને પછી એને મીણબત્તીની જ્યોતમાં બાળે છે. વિયેતનામમાં બૌદ્ધ ભિક્ષુઓ અગ્નિથી આત્મવિલોપન કરતા હતા તે ઘટનાનું આ પ્રતિરૂપ બની રહે છે. સાચા અર્થમાં આને હેપનિંગ કહેવાય. કારણ કે એથી ખરેખર કશુંક બને છે. ‘ગેજેટરી’નો નિપુણતાપૂર્વકનો ઉપયોગ, ‘સ્લીક પ્રોડક્શન’, – આથી આગળ આપણે નીકળી શક્યા નથી. કહેવાતાં શેરીનાટકો પ્રચારનાં વરવાં ઢોલ જ વગાડી જાણે છે. નાટ્યસ્વરૂપની શક્યતાઓ સમર્થ સર્જકને હજી પડકાર ફેંકી રહી છે.

22-5-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.