આક્રમક એકરૂપતા

સર્જન કરવાની રુચિ અને શક્તિ – મૌલિકતા આપણા જમાનામાં એનું ગૌરવ ફરીથી સ્થાપી શકાશે ખરાં? એકરૂપતા અને એકવિધતા માટેનું દબાણ ચારે બાજુથી એવું આવે છે કે એની સામે ટકી રહેવાનું આપણામાંના ઘણાને માટે શક્ય રહ્યું નથી. ફ્રેન્ચ નવલકથાકાર સાંત એકઝુપેરીએ કહેલું ‘રેફ્રિજરેટર, રાજકારણના દાવપેચ, જમાઉધારના આંકડા અને ક્રોસ વર્ડઝ પઝલમાંથી જીવનની રચના થઈ શકે નહિ. એ અશક્ય વાત છે. સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે કવિતા, રંગ અને પ્રેમ વિના આપણે ઝાઝું ટકી શકીએ નહિ.

આપણો દેશ, આપણો સમાજ અને આપણી સરકાર આપણા વર્તનમાં અમુક પ્રકારની એકરૂપતા હોય એવો આગ્રહ રાખે છે, પણ વાત એટલેથી જ અટકતી નથી, શહેરમાં ‘સોસાયટી’ કે ‘કોલોની’માં રહેતો હોઉં તો ઘરની બાંધણીની એકવિધતાથી માંડીને રહેણીકરણીની નાનામાં નાની વિગતોમાં પણ એકવિધતા પ્રવેશતી જાય છે. શાળામાં એક સરખા યુનિફોર્મથી માંડીને તે અન્ય વર્તનવ્યવહારની એકરૂપતાનો વિદ્યાર્થીઓ માટે આગ્રહ રાખવામાં આવે છે. ધર્મસંસ્થાઓ તો નીતિનિયમ અને આચારને નામે સારી એવી એકવિધતા સ્વીકારી જ લેતી હોય છે. ક્રીડાંગણમાં પણ હવે એ દેખાવા લાગી છે.

આવી આક્રમક સ્વરૂપની એકરૂપતા ચારે તરફથી આપણને ભીંસમાં લેતી હોય ત્યારે આપણે જો એની સામે વિદ્રોહ કરીએ તો તેને કદાચ ઉન્માદના લક્ષણ તરીકે જ ઓળખાવાય અને કોઈ હિતેચ્છુ સજ્જન આપણને મનોચિકિત્સક પાસે લઈ પણ જાય. એ આપણને તપાસીને ધરપત આપતાં કહેશે, ‘તમારે આજુબાજુના વાતાવરણ સાથે ‘એડજસ્ટ’ થઈ જવાનું શીખવું પડશે.’ આ ‘એડજસ્ટ’ થવું એટલે એકરૂપતાને સ્વીકારી લેવી. લોકો મૌલિકતા કે વિશિષ્ટતાથી ડરે છે; એમને બીજા બધાથી નોખા પડી જવું નથી. અલબત્ત, આપણે એમ નથી કહેવા ઇચ્છતા કે હઠાગ્રહપૂર્વક આપણે હંમેશાં બીજા બધાં કરતાં હોય તેનાથી કાંઈક જુદું જ કરવું. હું સ્વીકારું છું કે આ ‘એડજસ્ટ’ થવાની શક્તિ જરૂરી છે, એ હોય છે તો જ સમાજનું બંધારણ જળવાઈ રહે છે, એમાં અરાજકતા ફેલાઈ જતી નથી. પણ અહીં આપણે વિચારની એકરૂપતા અને વર્તનની એકવિધતા વચ્ચે વિવેક કરવાનું ચૂકી જતા હોઈએ છીએ.

મનોવિજ્ઞાનીઓએ મોટા પાયા પર કરેલાં સંશોધનોને આધારે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ‘સર્જનશીલ કલ્પનાશક્તિ’ દરેક વ્યક્તિમાં હોય છે, પણ એની વય છ વર્ષની થાય ત્યાં સુધીમાં એનો ઘણોબધો હ્રાસ થઈ ચૂક્યો હોય છે. અઢી કે ત્રણ વર્ષની વયે બાલવાડીમાં બાળક જાય ત્યારથી જ વર્તનની એકરૂપતાનો આગ્રહ શરૂ થાય. નિશાળમાં નિયમોની જટાજાળ વધતી જાય. (‘આપણાથી એવું થાય કે?’ ‘આવું ફરીથી કરીશ નહિ, નહિ તો –’ ‘આ તેં શું દોર્યું? આવી છે તારી મમ્મી? એને તો બે જ પગ છે’ ‘ડાહી છોકરી હોય તે આવું નહીં કરે.)’ એ બાળકોના સ્વાભાવિક વર્તનની આડે અન્તરાયો ઊભાં કરે. એનામાં પાપબુદ્ધિ જાગૃત કરે. આથી ભવિષ્યમાં એ બાળક સરળ સાહજિકતાથી કશું કામ પણ કરતાં અચકાય, એની શક્તિ કુણ્ઠિત થતી જાય છે. ત્યારથી જ આ નરમેધ યજ્ઞ શરૂ થઈ જાય! નીતિના આગ્રહીઓ તો, અલબત્ત, એમ કહેવાના કે એથી જ બાળકોનો અંતરાત્મા ઘડાતો આવે છે, કેટલાક મનોવિજ્ઞાનીઓે પણ એને જરૂરી લેખીને કહેશે કે એથી બાળકનો ‘સુપર ઇગો’ ઘડાય છે, ધર્માચાર્યો કહેશે કે એથી બાળકની સારાંનરસાંનો વિવેક કરવાની શક્તિ વિકસે છે.

આમ ક્રમશ: એકરૂપતાનો આગ્રહ વધતો જાય છે. સાંસ્કૃતિક પ્રવાહમાં દૂર લઈ જનારા તત્ત્વ સામે રક્ષણ આપીને એનાથી બચાવી લેવાને નામે આ બધું થતું હોય છે. અમેરિકામાં ડો.આર્નોલ્ડ હુટશનેકરે પ્રેસિડેન્ડ નિક્સનને સૂચવેલું કે છથી આઠની વયનાં બધાં જ બાળકોની મનોવૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં ગુનેગાર થવાની એમની વૃત્તિનો પહેલેથી જ ખ્યાલ આવી જાય. એમાંનાં મોટા ભાગનાં બાળકોને ટ્રાન્ક્વીલાઇઝર આપીને એ સ્થિતિમાં લાંબો વખત રાખવામાં આવે. અશક્તાશ્રમમાં નર્સો પોતાનું કામ સહેલું બનાવવાને વૃદ્ધોને ટ્રાન્ક્વીલાઇઝર ખાસ્સી માત્રામાં આપતી જ હોય છે.

આવો એકરૂપતાનો આગ્રહ અને એને નામે આપણા વર્તન આડે ઊભા કરવામાં આવતા અન્તરાયો આપણે આપણી સમસ્યાનો ઉકેલ આપમેળે ન કરી શકીએ એવી પરિસ્થિતિ ક્રમશ: ઊભી કરી દે છે. કાર્યસાધકતાની માત્રા વધારવાનો આગ્રહ પણ કેટલીક હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઊભી કરે છે. વિક્ટર પાયાનેક એમના પુસ્તક ‘ડિઝાઇન ફોર ધ રિયલ વર્લ્ડ’માં આનું એક રમૂજી દૃષ્ટાન્ત આપે છે. એવી એક જૂની કહેવત છે કે તમે જો ઉંદરનું પાંજરું સરસ બનાવશો તો દુનિયા તમારે બારણે ઊભી રહેશે. હવે અહીં સાચી સમસ્યા કઈ છે? ઉંદર પકડવાની કે ઉંદરથી છુટકારો પામવાની? મારા શહેરમાં ઉંદરો બહુ વધી ગયા હોય ને હું વધારે સારું ઉંદર પકડવાનું પાંજરું બનાવું તો એનું પરિણામ એ આવે કે બીજી સવારે ઘણાબધા ઉંદરો પકડાયા હોય. પછી એ બધાનો નિકાલ શી રીતે કરવો તે પ્રશ્ન ઊભો થાય. એટલે મૂળ મુદ્દો તો ઉંદરનો નિકાલ શી રીતે મેળવવો તે છે. એને માટે જો કોઈ કલ્પનાને વધુ ચગાવે તો એમ કહે કે ‘અલ્ટ્રાસોનિક’ કે ‘સબસોનિક’ કિરણ રેડિયો/ટી.વી. પરથી થોડા કલાકો માટે પ્રસારીએ તો બીજા પ્રાણીને કશી ઇજા થાય નહીં પણ ઉંદરોમાં વન્ધ્યતા આવી જાય અને થોડા જ વખતમાં ઉંદરોનું પ્રમાણ ઘટી જાય! પણ ઉંદરોને ટેલિવિઝન જોવા દેવું કે નહિ એવો નૈતિક પ્રશ્ન એમાંથી ઊભો થશે.

એડ ઓલિવરે તેની નવલકથા ‘શેડોઝ ઇન ધ સન’માં લખ્યું છે કે ‘ઘણાં લોકોને જીવનભર એક્કેય નરી નવી સમસ્યાનો ઉકેલ શોધવાનું આવતું નથી. સાઇકલને કેમ ઊભી રાખવી એ તો પપ્પા બતાવશે – નવા ઘરમાં નળની પાઇપ કેવી રીતે નાખીશું એ તો પ્લંબર ફોડી લેશે. સાંજે ઓફિસેથી ઘરે આવીને થોડા સમયનો ભોગ આપીને વાડામાં કામ કરું તો, તો પડોશીઓ શું કહેશે?’

જો કોઈ સમાજની આ એકવિધતાની જોહુકમી સામે ઝૂકીને પોતાની સર્જનશીલ વિશિષ્ટતાને જાળવી રાખવા જાય તો સમાજ એને દંડ્યા વગર રહે નહીં. કોલેજમાં પ્રવેશતા અંતરાયો પાછળ સોળ વર્ષની નિશાળની ખોટી કેળવણીનો ફાળો હોય છે. એ સંસ્થામાં એકવિધતાનાં ધોરણો જાળવી રાખનારાને જ તરત પારિતોષિકથી પુરસ્કારવામાં આવે છે. સમાજનો વગ ધરાવનારો વર્ગ જે સીમાઓ બાંધી આપે તેની બહાર જવા માટે ભારે સંઘર્ષ કરવો પડે. એમાં શક્તિનો એટલો બધો દુર્વ્યય થાય કે કશુંક મૌલિક કરવાનું કામ હાથ ધરવાની હામ નહિ રહે. આ બધું વેઠ્યા પછી સર્જનના ક્ષેત્રમાં જે પ્રચલિત છે તેનાથી જો ગભરાઈ ગયા તો સંરક્ષણવાદીઓ તૂટી પડે. આથી જ તો સર્જનકર્મ એ વિરલ અને પવિત્ર કર્મ છે.

9-10-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.