હતાશાની મોઢામોઢ

લોરા રાઇડિંગ નામની ક્વયિત્રીએ એક ચેતવણી આપી છે તે ધ્યાનમાં રાખવા જેવી છે. એ કહે છે કે ચિન્તકો અને વિચારકો માનવીઓને માટે મોટાં ભયસ્થાનો છે. એ લોકો પોતાના વિચારોને જે શાબ્દિકરૂપે પ્રગટ કરે છે તે આ ભયનું કારણ બની રહે છે. એમની વ્યક્તિગત સંકલ્પશક્તિના પ્રભાવથી એઓ ભાષા દ્વારા લોકોને વશીભૂત કરી દઈ શકે છે. સમાજમાં હજી વિચારકનો પ્રભાવ છે. એઓ સમાજમાં અગ્રણી લેખાય છે. દરેક તબક્કાનો આવો એક વિચારક નેતા હોય છે જે એના સમકાલીનોને આ રીતે વશીભૂત કરે છે. અમેરિકી નવલકથાકાર સોલ બેલોની દૃષ્ટિએ સાર્ત્ર આપણા જમાનાનો આવો ચિન્તક છે.

હું બહુ રૂઢિચુસ્ત નહિ છતાં ધામિર્ક સંસ્કારવાળા કુટુંબમાં ઊછર્યો છું. કિશોર વયમાં જ સ્વામી વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થનું સાહિત્ય વાંચેલું. કોલેજમાં જઈને શ્રી અરવિન્દનું ‘ધ લાઇફ ડિવાઇન’ વાંચ્યું. પોંડિચેરી ચાલ્યા જવાના વિચારો પણ આવેલા. પણ મને જગતમાં પ્રવર્તતા અનિષ્ટની સમસ્યા વિશે પ્રતીતિકારક કશું જાણવા મળતું નહોતું. આ ગાળામાં હું ખૂબ જ દ્વિધાગ્રસ્ત સ્થિતિમાં રહ્યો. ઘડીભર જીવનના આ ‘ગમ્ભીર’ પ્રશ્નોને છોડીને હું રવીન્દ્રનાથની વિશાળ સૃષ્ટિમાં વિહાર કરવા માંડ્યો. પછીથી સાહિત્ય જે રીતે માનવ સંદર્ભને આલેખીને એની સમસ્યાઓને રસકીય ભૂમિકા પર રજૂ કરે તે રીતમાં મને રસ પડી ગયો.

આ પછીના ગાળામાં જેકબ વાસરમાનની નવલકથાઓ વાંચી. કોલેજમાં ભણતો હતો ત્યારે જ સ્ટેફન ત્સ્વાઇગની ‘થ્રી માસ્ટર્સ’ ચોપડી હાથે ચઢેલી. એમાં દોસ્તોએવ્સ્કી વિશે વાંચ્યું ને એની નવલકથાઓ વાંચવા પ્રેરાયો. કરાંચી જઈને એ નવલકથાઓ ખરીદી લીધી તે હજી મારી સાથે છે. એ જ ગાળામાં ફૂટપાથ પરથી મળેલી ‘ધ ગ્રેટ વોલ ઓવ્ ચાઇના’ દ્વારા કાફકાની સૃષ્ટિમાં પ્રવેશ મેળવ્યો. તે જમાનાના અધ્યાપકો જે ભણાવે તેનાથી બહુ દૂરની સાહિત્યસૃષ્ટિની ઝાઝી વાત કરતા નહિ. મેં કોઈ અધ્યાપકને મોઢે દોસ્તોએવ્સ્કી, કાફકા, બોદલેર, રિલ્કેનાં નામ સાંભળેલાં નહિ.

આમ ક્રમશ: મૂર્ત માનવસન્દર્ભ રચીને જીવન વિશેનો અભિગમ પ્રગટ કરનાર અસ્તિત્વવાદી સર્જકોની સૃષ્ટિમાં પ્રવેશવાની ભૂમિકા રચાતી આવી. વચમાં વિદ્યાનગર હતો ત્યારે ફિલસૂફી વિષય લઈને એમ.એ.ની ટર્મ્સ ભરેલી અને એ નિમિત્તે ફિલસૂફી વાંચેલી. વડોદરા આવ્યા પછી મારી સાધનાનો બીજો તબક્કો શરૂ થયો. એમાં ‘એસ્થેટિક્સ’ અને અસ્તિત્વવાદી ફિલસૂફીને અગ્રસ્થાન પ્રાપ્ત થયું. આ રીતે હું સાર્ત્ર અને કેમ્યૂ સુધી પહોંચ્યો. સાર્ત્ર વાંચતાં ફિનોમિનોલોજી વાંચવા-સમજવાની જરૂર ઊભી થઈ. આથી માર્લો-પોંતિનું ‘ફિનોમિનોલોજી ઓવ્ પરસેપ્શન’ વાંચવા માંડ્યું. હવે દર વર્ષે એની કથા માંડું છું.

ઘણા ફિલસૂફો સાર્ત્રને સાહિત્યિક સર્જક માત્ર લેખે છે તો ઘણા સાહિત્યવિવેચકો એને કેવળ ફિલસૂફ લેખે છે. એ જે હોય તે, સાર્ત્ર આપણી સાંસ્કૃતિક સિદ્ધિઓનું એક ઉત્તમ નિદર્શન છે એની ના નહીં. રેમોં આરોએ નોંધ્યું છે કે સાર્ત્ર સાથે ઘણી વાર દલીલ કરતાં મને લાગતું કે હું જ સો ટકા સાચો હતો. પણ ત્યારેય મને એ વાતની પ્રતીતિ થતી હતી કે એની ચેતના એક સર્જકની ચેતના છે. આમ છતાં ઘણા ઉત્તમ કોટિના સર્જકો પણ કેવળ, કુતૂહલથી સાર્ત્રની પ્રથમ નવલકથા ‘નોશિયા’ તરફ વળ્યા હતા. સોલ બેલો કહે છે, ‘એ નવલકથા મારા મર્મસ્થાનને સ્પર્શી ગઈ નહિ.’ એક વિવેચકે તો સાર્ત્રની નવલકથાઓને ‘સાયક્લોન લિટરેચર’ કહીને ઓળખાવી છે. અસ્તિત્વવાદી લેખકો પ્લેગ, યુદ્ધ, સામૂહિક હત્યા અને કટોકટીભરી પરિસ્થિતિના નિરૂપણમાં રાચે છે એમ કહેવાય છે. સાર્ત્રને મતે આવી પરિસ્થિતિ જ માનવીનાં જીવનનાં બધાં પાસાંને પ્રગટ કરી શકે. માનવીને જડભરતપણાની ઝાડીમાંથી બહાર કાઢવો જોઈએ. આપણા પૂર્વજોએ ઘર બાંધ્યાં, આપણી સંસ્કૃતિ રચી, એમના અનુભવજન્ય જ્ઞાનનો આપણને વારસો આપ્યો, મહાન માનવોનાં સ્મારકો રચી આપ્યાં અને સાદોસીધો સદાચાર પાળ્યો. એમનું જીવન સમશીતોષ્ણ આબોહવામાં વીત્યું પણ આપણો જમાનો તો અણુબોમ્બ અને હાઇડ્રોજન બોમ્બનો, રોકેટ ને મિસાઇલ્સનો, ‘કૅમિકલ વોરફૅર’નો – ટૂંકમાં આપણો જમાનો અનેક ઝંઝાવાતનો જમાનો. એક ચક્રવાતમાંથી ફેંકાઈને બીજા ચક્રવાતમાં ફસાતા જઈએ. પરાણે આપણે વધારે તિતિક્ષા કેળવવી પડી, પરાણે આપણે અમુક પ્રકારનું ખમીર કેળવવું પડ્યું. આપણા ગુણો પણ જેવાતેવા નહિ, બીજે છેડે આપણે અર્ધમાનવની સ્થિતિમાં જ રહી ગયા છીએ એવું લાગે. આકાશમાંથી વિમાનો ત્રાટકે ને માણસો દરમાં ભરાઈ જાય. માણસ હવે સંસ્કૃતિને આગ ચાંપવાની મુખ્ય પ્રવૃત્તિ લઈ બેઠો છે.

અઢારસો અડતાળીસની ફ્રેન્ચ ક્રાન્તિનો બોદ્લેર સાક્ષી હતો, એની પાસે સાર્ત્રની દાર્શનિક વિદગ્ધતા નહોતી. સિદ્ધાન્તોનો ઝાઝો સરંજામ એની પાસે નહોતો. આ ક્રાન્તિથી એને રોમાંચ થયેલો.

આ ઉત્તેજના અને રોમાંચનું કારણ શું હતું? બોદ્લેરે પોતે જ કહ્યું છે તેમ ‘વેર માટેની એષણા અને વિધ્વંસ માટેની સાહજિક ઇચ્છા.’ પણ જે સ્વાભાવિક લાગે તે જ એને માટે શંકાસ્પદ બની રહેતું. આથી આ સ્વાભાવિક પ્રતિભાવથી બોદ્લેરે પોતાની જાતને નોખી તારવી લીધી. એની નોંધપોથીમાં બોદ્લેરે ‘કોઈને દુભવવાની ખાનદાની પણ કેળવવા જેવી છે’ એવું લખ્યું હતું.

આપણી મુશ્કેલી એ છે કે જે કાંઈ જાગતિક સન્દર્ભમાં બનતું રહે છે તેને કશા આક્રોશ કે અનુચિત અભિનિવેશ વિના, શુદ્ધ વિવેકબુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવો તે કપરું કામ છે. પરિસ્થિતિ વધારે સંકુલ છે, ઘટનાઓની રફતાર તેજ છે. આથી અભિનિવેશના ધૂંધળાપણામાંથી બહાર આવીને બધું સ્વસ્થતાથી ગોઠવવા બેસીએ ત્યાં આપણને બહુ પાછળ રહી ગયા છીએ એવું સમજાય છે. આથી એક પ્રકારની હતાશા આપણને ઘેરી વળે છે. આ સ્થિતિમાં ‘નિહિલિઝમ’ અને ‘એબ્સર્ડ’ની વાત આપણે ખોટી રીતે ઘટાવીએ તે સમજાય તેવું છે. આપણે માત્ર કવિતામાં જ સન્દિગ્ધતા પારખીને સ્વીકારીએ છીએ એવું નથી, આપણે દરેક ચિન્તકને પણ આપણી જરૂરિયાત પ્રમાણે જ ઓળખીએ છીએ. આ ગતિના આવર્તો ચક્રવાત રચે છે ને આપણે એક ચક્રવાતમાંથી બીજામાં ફેંકાતા જઈએ છીએ. આ બધું છતાં ધીર અને સ્વસ્થ રહેનારા કોણ? કદાચ જડ હોવાની ગાળ ખાઈને જ એ ધીર પુરુષોએ સન્તોષ માનવાનો રહેશે!

આ હતાશા સાથેની ઓળખમાં પણ કેટલી બધી પરોક્ષતા છે! આ પરોક્ષતા ક્યાં તો કાયરતાને કારણે છે, ક્યાં તો અપ્રામાણિકતાને કારણે. આપણે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનું નામ રટ્યા કરીએ છીએ પણ મૂલ્યના સર્જન માટે જરૂરી યોગ્યતા પ્રાપ્ત કરવાને એટલા ઉત્સાહી નથી. આજે જે કાંઈ વિચારાય છે ને જે કાંઈ ચિન્તનને નામે ચલણી બને છે તે જોઈશું તો એમાંનું ઘણુંબધું કૃતક લાગશે. ખોટા પ્રશ્નો અને ખોટી સમસ્યાઓ ઊભી કરીને કૃત્રિમ ગમ્ભીરતાથી બધો ઘટાટોપ રચવામાં જ કેટલો બધો સમય જતો રહે છે! સાર્ત્રની નવલકથામાંનો પેલો જ્ઞાનપિપાસુ જગતથી વેગળો થઈને કેવળ શબ્દકોશમાં જ ગળાબૂડ થઈને રહે છે! આપણામાંના ઘણાની સ્થિતિ વાસ્તવમાં એવી જ છે. આપણે રહીએ છીએ ભારતમાં જેમાં સો ટકા ભારતીય જેવું કશું રહ્યું નથી. ઘણા યુરોપની વૈચારિક આબોહવા અહીં લાવવા ઇચ્છે છે. ઘણા અમેરિકાના ધનવૈભવને લાલસાભરી નજરે જોઈ રહે છે. ઉદ્દામવાદીઓ પણ વાસ્તવિક કરતાં રોમેન્ટિક વધારે હોય છે. થોડુંઘણું જ્ઞાન પ્રાપ્ત કરનારાઓ એ જ્ઞાનને કારણે અમુક પ્રકારનું વેગળાપણું કેળવી લેતા હોય છે, આથી એમનું જ્ઞાન કશે મૂળ નાખી શકતું નથી. વાસ્તવિક સન્દર્ભની વાત કરતી એવી નવલકથાઓ પ્રગટ થાય છે જે સાચી નવલકથાની કાચી સામગ્રી જેવી જ લાગે છે. એનું કળાદૃષ્ટિએ રૂપાન્તર કરવાની હામ લેખકમાં નથી. કારણ કે એક તો એ સિદ્ધ કરવાની એનામાં શક્તિ નથી અને બીજું એ કે જો એવું રૂપાન્તર સિદ્ધ કરે તો વાચક એને પામી ન શકે અને એ કારણે પોતે વાચકાભિમુખ નથી એવી ગાળ ખાય. આથી જે છે તેનું રૂપાન્તર નહિ, પણ ઓળખી શકાય એવું પુનરાવર્તન કરીને સન્તોષ માનવો એ જ વધુ યોગ્ય લાગે છે.

આપણી વાચનમનનની પ્રવૃત્તિ આમ અનેક કારણે હાલ તો ડહોળાઈ ગયેલી લાગે છે. આવી પરિસ્થિતિમાં જે સર્જક કે ચિન્તક પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી કે પોતાની ભાષાકીય વશીકરણની શક્તિના પ્રભાવથી આંજી નાખે તેને આપણે આપણો ઇષ્ટદેવ માનવા લાગી જઈએ છીએ. પછી એ જ આપણું અક્ષયપાત્ર. આમ હંમેશાં એવા તબક્કાઓ આવે જ્યારે સમર્થ સાહિત્યકાર અને ચિન્તકને ખમવું પડે છે – ખોટી પ્રશંસાથી અને ખોટી નિન્દાથી. આ પરિસ્થિતિની તન્તોતન્ત ચર્ચા આપણી વિદ્યાપીઠોમાં થવી ઘટે પણ ત્યાં હવે એવી આબોહવા જ રહી નથી. અધ્યાપકો અધિકારો અને માગણીઓ માટે મંડળો રચે છે. અધ્યાપનના પ્રશ્નો ચર્ચાતા હોય ત્યારે પણ પોતાની અધ્યાપનની મર્યાદાઓ સ્વીકારવા જેટલી નિખાલસતા બતાવતા નથી.

આ પરિસ્થિતિ નિરાશ કરી મૂકે એવી હોય તોય એને જ આપણે તો આપણા ઉત્સાહ અને પુરુષાર્થ માટેના ઉદ્દીપન વિભાવરૂપ લેખવી જોઈએ. વિદ્યાપીઠોમાં ફરીથી વિદ્યાની સ્થાપના થાય તે માટેના પ્રયત્નની આવશ્યકતા છે, વિદ્યાપીઠોને પોતાના વર્ચસ્નાં ક્ષેત્રો ગણનારને પ્રજાએ ઓળખી લેવા જોઈએ. જો એ નહિ બનશે તો થોડાંક વર્ષ જતાં વિદ્યાપીઠો લુપ્ત થયેલી સરસ્વતીનાં સ્મારકો બની રહેશે. આ કામ સંવિવાદો અને પરિષદોથી થવાનું નથી. એને માટે તો સત્તા, યશ, ધન – આ બધાંની લાલસા છોડીને, જાહેરાતના દબદબાથી દૂર રહીને. પુરુષાર્થ કરનારા વિદ્વાનની અપેક્ષા રહે છે. જો એવા વિદ્વાનો મળી રહેશે તો હવે પછીની પેઢીને ઊગરી જવાની આશા છે.

17-11-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.