ભયનું બદલાતું સ્વરૂપ

ભાષાને સર્જકો સમર્થ રીતે બદલતા રહે છે એમ આપણે આજ સુધી માનતા હતા. હવે રાજકારણવાળાઓ ભાષાને બદલે છે એ હકીકત સ્વીકારવાની રહેશે. સૌથી વધુ અધોગતિ ‘માનવતાવાદ’ શબ્દની થઈ છે, જે કાંઈ થાય છે તે માનવના કલ્યાણને માટે જ થાય છે! એ કલ્યાણ શેમાં રહેલું છે તે પણ રાજકારણવાળાઓ જ નક્કી કરે છે. આ બે વિરોધાભાસી શબ્દોને ભેગા કરતાં એક ભારે ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ છે. મોટાં રાષ્ટ્રો જગતના બને તેટલા ભાગ પર પોતાનું વર્ચસ્ જમાવવાની સ્પર્ધામાં ઊતર્યા છે. સાધનશુદ્ધિની વાત એમને કાને કોણ નાખે? આમ છતાં આ દરેક રાષ્ટ્ર એવું પ્રસ્થાપિત કરવા ઇચ્છે છે કે આ બધું એ માનવનાં સુખશાન્તિ માટે જ કરે છે. રશિયા કહેશે કે ચીન વિસ્તારવાદી છે. ભારત પ્રતિક્રિયાવાદી છે, અમેરિકા સામ્રાજ્યવાદી છે. બીજાં સામ્યવાદી રાષ્ટ્રો રશિયાને ગાળ ભાંડીને કહેશે કે રશિયા ‘રિવિઝનિસ્ટ’ છે. પણ આ બધા દેશો પોતાને કેવી રીતે ઓળખાવતા હોય છે? આપણે સત્ય, અહિંસા અને ઉદાર જનમતવાદના પુરસ્કર્તા છીએ, ચીન ક્રાન્તિકારી છે, રશિયા સમાજવાદી છે અને અમેરિકા સ્વતન્ત્રતાવાદી છે!

ખૂબ જ ઉપયોગી નીવડી શકે એવી કોઈ પણ સંસ્થા આખરે તો અમુક વિચક્ષણ ધૂર્તોના હાથમાં જઈ પડે છે. પછી બહારનાં પાટિયાં એનાં એ રહે છે, અંદરનું બધું જ ધરમૂળથી બદલાઈ જાય છે. ઘણા દેશો અમુક મોટી વેપારી પેઢીઓના હાથમાં રમતા હોય છે. સ્વાર્થને ઉચ્ચ ભાવનાને નામે ઓળખાવવાનો કીમિયો આ લોકોએ હાંસલ કર્યો હોય છે. સામૂહિક માધ્યમો પર આ ધનિકોનો કબજો હોય છે. હકીકતને કેવી રીતે રજૂ કરવી તે આ લોકોના હાથમાં હોય છે. મારું આવતી કાલનું સત્ય એમની પેઢી તૈયાર કરી આપે છે. આથી વ્યક્તિસ્વાતન્ત્ર્યની વાત આ લોકો જ જોરશોરથી કરતા રહે છે. એ વ્યક્તિ અને એનો અવાજ – આ બંનેના સૂત્ર એમના જ હાથમાં હોય છે. ભયનું એક સુખ એ છે કે એ આપણને ચોંકાવીને સાવધ કરે છે.

પણ હવે ભયનું સ્વરૂપ પણ બદલાયું છે : એ સુખની જેમ જ આપણામાં પ્રસરે છે. વિશ્વ પર છવાતા જતા આતંકની છાયાની વાત આપણે કરીએ છીએ તો થોડા સુખી જીવો આપણને બાઘાઈભર્યું હસતા પૂછે છે : એવું પારકું દુ:ખ તમે અહીં શા સારુ લાવ્યા? વાત તો સાચી છે. આપણી પ્રજામાં ગમે તે આફતને ઝીલી લેવાની શક્તિ છે. મોગલ બાદશાહોની હકૂમત એને સદી ગઈ હતી : હજી આજે પણ એવો એક વર્ગ છે જે વારે વારે એમ કહે છે : આના કરતાં તો અંગ્રેજોનું રાજ શું ખોટું હતું? ગમે તેવી સરમુખત્યારશાહી એને કોઠે પડી જાય છે, એટલું જ નહિ, કોઈના કહ્યા વગર એ એનો ભાટચારણ બની જાય છે. આપણા દેશે દુ:ખ અને આફતને ઓળખવાની શક્તિ ક્યારની ગુમાવી દીધી છે.

આથી, એક જર્મન કવિ કહે છે તેમ, આપણે હવે આ સમકાલીન વાસ્તવિકતાથી ઊંચે ઊઠવું જોઈએ. આદર્શની કલ્પના ન કરી શકીએ એટલા બધા દરિદ્ર આપણે થોડા જ છીએ? એવું ઉજ્જ્વળ ભવિષ્ય આપણે જોઈશું ત્યારે ગીધ ગુલાબ ખાઈને ઊછરશે. પછી શિયાળ શું કરશે? શિયાળ હોવાનો અંચળો ઉતારી મૂકશે? અને વરુ? એ પોતે પોતાના બીજાને ફાડી ખાનારા દાંતને મોઢામાંથી કાઢીને ફગાવી દેશે? ને તમને આ ધર્માચાર્યો અને રાષ્ટ્રપ્રમુખો શા માટે આટલા બધા નડે છે? તમે મોં વકાસીને શા માટે ટીવીના પડદા પર જે બને છે તે જોઈ રહ્યા છો? અનેક પરાક્રમથી વિભૂષિત સેનાપતિની છાતી પરની એ પટ્ટીઓ કોણે સીવી? પેલા વ્યાજખાઉનું નામ કોણે આરસ પર કોતર્યું? છાતી પર, અનેકને માર્યા બદલની બહાદુરીનો ચન્દ્રક ઝુલાવતો જે ઊભો છે તેને જોઈને તાળીઓ કોણે પાડી? સત્ય ઉચ્ચારાતું બંધ કરવા કોણે માણસનું મોઢું ચાંદીના સિક્કાથી ભરી દીધું? ભલા માણસ, એક હકીકતને ઓળખી લો : ચોર તો થોડાક જ છે, એનો ભોગ બનનારા ઘણા છે. દર્પણમાં જુઓ : સત્યના ભારથી તમે ઝૂકી ગયા છો. આ જ્ઞાન આપણને આફતમાં મૂકે છે, માટે આપણે વિદ્યાપીઠમાં જઈને જ્ઞાનથી બચવા માટે મથીએ છીએ; વિચારને આપણે વરુનું ભોજ્ય બનાવી દેવા ચાહીએ છીએ. પેલો મદારી મસમોટા રીંછને નાકમાં આભૂષણ પહેરાવે છે. આપણે પણ કોઈ નાક નાથીને એવું આભૂષણ પહેરાવે એવું ઇચ્છીએ છીએ. આપણી મૂર્ખામીને પડકારે એવી કશી છેતરપિંડી હવે રહી નથી, સુખસગવડ ગમે તે ભોગે આપણને પરવડે છે. બધા જ એકબીજાનો ગેરલાભ ઉઠાવવાની તીવ્ર સ્પર્ધામાં પડ્યા છે. કાગડાઓ સાધુ બને અને આપણે ભોળાંભલાં ઘેટાં બનીને કોઈ તારણહારની રાહ જોયા કરીએ? આપણે સૌએ એકબીજાને ક્યારનાય ઓળખી લીધા છે, પણ આંખ આડા કાન કરીને જીવી રહ્યા છીએ. બન્ધુતા, સહચાર અને સહકાર હવે વરુની જમાતના જ ગુણો રહ્યા છે.

આ પદલાલિત્ય નથી, વાક્છટા નથી. ઉપમાઉત્પ્રેક્ષાનો પ્રપંચ રચ્યા કરવાથી જગત સોહામણું બની જશે એવી ભ્રાન્તિ સેવવાથી કશું વળવાનું નથી. હા, એ સાચું કે આટલાં બધાં કુત્સિત વચ્ચે એક ફૂલ ખીલવાનું સાહસ હજી કરી શકે છે; વાતાવરણને આપણે દૂષિત કરી મૂક્યું છે તેમ છતાં વન આપણા સંતપ્ત દેહમનને શાતા આપે છે; અવકાશને આપણે કલુષિત કરી મૂક્યો છે તેમ છતાં હજી તારા અને ચન્દ્ર શીળો પ્રકાશ પ્રસારે છે. પણ ઋતુનો ભંગ કરીશું તો બધું જ બદલાઈ જશે. પછી સાગરની ભરતી કાંઠાને ઉલ્લંઘી જશે. પછી સૂર્યનો દાહ વધતો જશે. વિભીષિકાનું આલેખન કરવાનો રસ નથી, પણ હમેશાં રુદ્રનું દક્ષિણ મુખ જ જોયા કરીએ એવુંય બની શકવાનું નથી. થોડા સમય પૂરતું આપણે મોટા મોટા શબ્દનું ઉચ્ચારણ કરવું બંધ કરીએ તે જ હિતાવહ છે. આત્મનિન્દાથી આપણો ઉદ્ધાર થવાનો નથી, ભ્રાન્તિનો આધાર લેવાથી આપણે બચી જવાના નથી, ઉત્તેજનાથી જ જીવ્યાનું પરમ સુખ પ્રાપ્ત થઈ જવાનું નથી. સ્વસ્થતા તે જડતા નથી. ઉબાઈ ગયેલા સુખને બાઝી રહેવાથી જ દુ:ખથી રક્ષણ પામવાના નથી. આપણી ભાષામાંથી દમનની ગન્ધ આવે છે, એને જ વ્યંજના કહીને ઓળખાવવાથી આપણે ઝાઝો સમય કોઈને ભરમાવી શકવાના નથી. પ્રાચીન ગૌરવના ખંડેરને એક ખૂણે આશ્રય મેળવવા કરતાં અવારિત આકાશ નીચે ઊભા રહીને વર્તમાનના સન્દર્ભને ઓળખવાનું ને જીરવવાનું કૌવત બતાવીએ તે વધુ જરૂરી છે.

28-1-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.