યાન્ત્રિક મરણ

કશીક પણ મહાન કે અસામાન્ય ઘટના બનતી હોય છે ત્યારે કેવા રેઢિયાળ શબ્દોનો રાફડો ફાટે છે! આ રેઢિયાળ શબ્દો એને વાપરનારા કેટલા મરી ચૂકેલા છે તેની જ જાહેરાત કરતા હોય છે. કશી પણ પરિસ્થિતિ પરત્વે આપણા છાપાળવા પ્રતિભાવો તૈયાર જ હોય છે. આપણે બધું જ ‘રેડીમેઇડ’ વાપરતાં થઈ ગયા છીએ. જો આપણને નવેસરથી કશા વિશે વિચારવાનો ઉત્સાહ નહિ હોય તો પછી મનનો ભાર ઉપાડીને શા માટે ફરીએ. વાતાવરણમાં જે લાગણીઓેના પડઘા સંભળાયા કરે છે તેટલાથી જ જો આપણું કામ સરી જતું હોય તો આ હૃદય જેવી વસ્તુના ઉધામા શા સારું સહેવા જોઈએ?

કેટલીક વાર એવું લાગે છે આપણે કેમ્યૂના નાટક ‘સ્ટેઇટ ઓવ્ સીજ’માંના કાદિઝ શહેરના વાસી જેવા છીએ. એમાં બે પ્રકારનાં મરણ છે : એક યાન્ત્રિક મરણ અને બીજું વિદ્રોહના પરિણામ રૂપે આવતું મરણ. યાન્ત્રિક મરણ વન્ધ્ય હોય છે. જેમ ફળ ખરે તો એના બીજમાંથી નવા વૃક્ષનું જીવન શરૂ થાય તેમ આ યાન્ત્રિક મરણ વિશે બનતું નથી. આપણામાંના ઘણાંએ યાન્ત્રિક મરણ સ્વીકારી લીધું છે. એ મરણની વ્યવસ્થા દરેક ફેક્ટરી, ઓફિસ અને પેઢીઓમાં આપણે કરી લીધી છે. ત્યાં રાબેતા મુજબનો વ્યવહાર રાબેતા મુજબની ભાષામાં ચાલ્યા કરે છે. ત્યાં ‘આ હું શું કરી રહ્યો છું?’ એવા દાર્શનિક પ્રશ્ન માટે કશી ગુંજાઇશ જ નથી હોતી. આથી ઓફિસનાં ટેબલખુરશી સાથે એ એકરૂપ થઈને ભળી જાય છે. આપણા કવિ સુન્દરમ્ એક વાર આપણા સૌ વતી કહેલું, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું.’ હવે તો એમ કહેવાનું આપણે સૌ ઇચ્છીએ છીએ : ‘હું માનવી કેવળ વસ્તુ થાઉં!’ એટલે જ તો પેલો કચેરીમાંનો કારકુન સ્થિતપ્રજ્ઞની અદાથી કહી શકે છે : ‘મારી મા મરી ગઈ છે, પણ સદ્ભાગ્યે મારે આજે આટલો પત્રવ્યવહાર તપાસી જવાનો છે.’

મને લાગે છે કે ખરો યન્ત્રયુગ તો હવે બેઠો છે. હવે જીવતોજાગતો માનવી યન્ત્રની જેમ બોલવા લાગ્યો છે, જીવવા લાગ્યો છે. એના પ્રતિભાવો સામૂહિક છે. એ કેવા હોઈ શકે તેની આગાહી પહેલેથી કરી શકાય છે. આથી જ તો માનવસ્વભાવના રહસ્ય અને એથી ઉદ્ભવતા વિસ્મયને આધારે ટકી રહેલી ઘણીબધી કવિતા હવે નિરુપયોગી ઠરશે. બુદ્ધિશીલ લોકો કવિતા વાંચતા નથી એનું કારણ જ એ છે કે એમના જીવનને અને કવિતાને કશો જ સમ્બન્ધ રહ્યો નથી. યન્ત્ર બનીને જીવવાનું મોટું સુખ એ છે કે આપણા નિર્ણયો આપણે લેવાની જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ છીએ. આમ જીવતેજીવ આપણા જીવનમાં મરણનો મહિમા વધતો જાય છે. સહુથી વિશેષ આપણને ખટકે છે તે પોતાપણું. આથી શિસ્તને નામે, સંગઠનને નામે હું સામૂહિક આચારને સ્વીકારી લઈને મારું પોતાપણું ભૂંસી નાખું છું. આવા સમાજમાં વ્યક્તિ સરમુખત્યારના આદેશો લખવા માટેની કોરી પાટી બનીને જીવતો થઈ જાય છે.

આમ ધીમે ધીમે આત્મનિર્ણયની ભૂમિકામાંથી સરી પડીને આપણે સત્ય અને મિથ્યાના સન્દર્ભની બહાર ફેંકાઈ જઈએ છીએ; સામૂહિક આચારસૂત્રોને શિસ્તને નામે સ્વીકારી લઈએ છીએ ખરા, પરંતુ એમાં કશી સંવાદિતા સ્થાપી શકતા નથી. આપણને વિસંગતિ કોઠે પડી જાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિનું આપણે ઘણું ગૌરવ કર્યું પણ હવે એને પ્રયોજવાની ભૂમિકા જ આપણે રહેવા દીધી નથી. આત્મા કે સ્વ આ સન્દર્ભમાં એક નિરર્થક વળગણ જ બની રહે તે દેખીતું છે. આમ જગત આપણા એને સમજવાના બૌદ્ધિક પ્રયત્નોનું પ્રતિકાર કરતું રહ્યું છે.

આમ આપણને અકળ રહી જતું જગત અને રોજ-બ-રોજની રેઢિયાળ પુનરાવર્તનોની થકવી નાખનારી જિન્દગી, એમાં મૂક અભિનય જેમ ચાલતો આપણો જીવનવ્યવહાર – એ ઘરેડમાંથી મરણ જ આપણને બહાર કાઢી શકે. આપણી ચેતનાના સાક્ષાત્કારના બધા માર્ગો આપણે કશાક ભયથી બંધ કરતા જઈએ છીએ. જીવનના સ્વાભાવિક લય સાથેનો આપણો સમ્બન્ધ વિચ્છિન્ન થઈ જાય છે. આમ આપણી ચેતના આમાંથી સ્વતન્ત્ર રીતે એનો આગવો રસ્તો લઈ લે છે. આ અસંગતિને ફાલવા માટેની ફળદ્રુપ ભૂમિ છે.

એક તરણું ઊંચકવા જેટલી તુચ્છ લાગતી ક્રિયા પણ જો આપણે ઓતપ્રોત થઈને કરીએ છીએ તો આપણે માટે એ એક સાક્ષાત્કાર કરાવનારી ક્રિયા બની રહે છે. આવી તુચ્છ ગણાતી ક્રિયાઓના નક્કર પાયા પર જ કશું સંગીન રચી શકાય છે. આ વિશ્વ તો હંમેશાં પ્રલયગ્રસ્ત અવસ્થામાં જ રહ્યું હોય છે. માટે જ તો ક્ષણે ક્ષણે એમાંથી એકાદ નાના શા ખણ્ડને ઉદ્ધારી લેવાની આપણી જવાબદારી બની રહે છે. મને જગત કોઈએ તૈયાર આપ્યું નથી; જીવવાની પ્રક્રિયા દરમિયાન મારે એ જગત રચતા જવાનું રહે છે. આથી જ તો જીવવું એટલે રચવું. સાચા અર્થમાં જીવનાર નામે રચયિતા, કવિ હોય છે.

જેને સાચી રીતે નથી ઓળખી શકાતાં તેની જ આપણે વિભીષિકા ઊભી કરી દઈએ છીએ. સ્વર્ગ અને નરક બંને એક જ ભયની નીપજ છે. આથી જ તો ભયના ગર્ભમાં આપણાં ઘણાં સ્તોત્રો ઊછરતાં હોય છે. જીવનનો સંચાર ભયથી વર્તાય છે. જે કાંઈ ગતિ છે તે પણ ભયને જ કારણે છે આથી ભયનો તે શો ભય પણ આનન્દ વિનાનો કેવળ ભય આપણને કોરી ખાય એવુંય બને. આપણે ભય આગળ અટકવાનું નથી. આપણી શોધ તો આનન્દ માટેની જ છે.

24-3-79

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.