નાટકની નવી શક્યતાઓ

પિરાન્દેલોએ પ્રેક્ષાગૃહ અને રંગમંચ વચ્ચેની કૃત્રિમ દીવાલને તોડી તેની પાછળનું સાચું, નાટક વિશેનું, રસકીય દૃષ્ટિબિન્દુ આપ્યું હતું. પણ પછી તે નાટક વિશેની કાચી સમજવાળા પણ એક ‘ગિમિક’ની જેમ એનો છાશવારે ઉપયોગ કરવા લાગ્યા. સાચી વાસ્તવિકતાને લાવવા જતાં એક નવું જરા સ્થૂળ સ્વરૂપનું, નાટકીપણું ધસી ગયું! પરદેશમાં પણ આવું સારા નાટ્યકારો પણ કરતા રહે છે. પણ ફેર એટલો કે ત્યાં એમને કશી દયા-માયા રાખ્યા વિના, ખખડાવી નાખવામાં આવે છે – પછી ભલેને એ હેરોલ્ડ પિન્ટર હોય કે પીટર હાન્ડકે હોય.

કોલિન લુડલોએ ‘લંડન મેગેઝિન’ (જુલાઇ)માં પીટર હાન્ડકેના નાટક ‘ધે આર ડાઈંગ આઉટ’ વિશે આવો એક પ્રસંગ ટાંકીને એ વિશે ટિપ્પણ કર્યું છે તે અહીં સંભારવા જેવું છે. છોંતેરમાં એ નાટક ‘યંગ વીક’માં ભજવાયું ત્યારે એક જુવાન પ્રેક્ષકો વચ્ચેથી એની બેઠક પરથી ઊઠીને રંગમંચ પર નાટક ચાલતું હતું ત્યાં અદાકારોની વચ્ચે એક ખાલી ખુરશી પર બેસી ગયો. અદાકારોએ એના તરફ ધ્યાન આપ્યું જ નહિ અને પોતપોતાના સંવાદો બોલ્યે ગયા. પ્રેક્ષકોએ પણ પેલાના વર્તનની કશી નોંધ લીધી નહીં. એ થોડા શબ્દો બોલ્યો, પણ એની કશી પ્રતિક્રિયા થઈ નહિ. આખરે એ ઊઠીને પ્રેક્ષાગૃહ છોડીને ચાલ્યો ગયો. જાણે કશું જ ન બન્યું હોય તેમ નાટક તો ચાલુ જ રહ્યું!

પેલા સજ્જને એ નાટક સામેનો વિરોધ પ્રગટ કરવા આ કદાચ કર્યું હોય કે પછી ધ્યાન ખેંચવા માટેનું એ નર્યું અળવીતરું હોય, પણ હવે આ બધું પણ એવું રેઢિયાળ બની ચૂક્યું છે કે એથી કશો આઘાત લાગતો નથી. રોનાલ્ડ હેલેને હાન્ડકેનાં નાટકોની સારી એવી ચર્ચા કરી છે. આ આખા આંદોલનને એ ‘એન્ટીથિયેટર’ની સંજ્ઞાથી ઓળખાવે છે. પિન્ટર, સ્ટોપાર્ડ, આલ્બી અને શેપર્ડમાં પણ એના અંશો જોવા મળે છે. આ બધામાં અમુક પ્રકારનું સમાન વલણ દેખાય છે. ભાષા પ્રત્યેનો ઉગ્ર અવિશ્વાસ (આને કારણે બિનસાહિત્યિક અભિગમ વધતો લાગે છે, શબ્દ પહોંચી શકે તેની બહારના અનુભવના નિરૂપણનો આગ્રહ રાખવામાં આવે છે – આથી જ કદાચ ઉન્માદના પ્રસંગોનું નિરૂપણ વધ્યું છે.) નાટકમાંની કાર્યની યોજના અને પાત્રવિધાનની રૂઢ પદ્ધતિ સામે વિરોધ (એને વ્યંગની યોજના દ્વારા વખોડી કાઢવામાં આવે છે), રંગમંચ જીવનનું પ્રતિબિમ્બ રજૂ કરે છે અને રંગમંચ પર જે બને છે તે બહાર જગતમાં જે બને છે તેનું પુનરાલેખન હોય છે એ ખ્યાલનો વિરોધ, આને પરિણામે અત્યાર સુધી પ્રેક્ષકો જેનાથી ટેવાયા હતા તેનું તે જ નિરૂપવાનો ઉગ્ર આગ્રહ દેખાવા લાગ્યો છે.

જે જુવાન પીટર હાન્ડકેના નાટકમાં પ્રેક્ષકો વચ્ચેથી ઊઠીને રંગમંચ પર ગયો તે પ્રેક્ષકોનો નાટ્યકારના આવા અભિગમનો વિરોધ કરવા જ ગયો હતો. જોકે પીટર હાન્ડકેનું એ નાટક તો એટલું બધું રૂઢિવિરોધી નહોતું. હવે મોટા ભાગના પ્રેક્ષકો પણ એવી જ હતાશા અનુભવે છે, પણ અદબ જાળવીને ઇન્ટરવલ સુધી બેસી રહે છે.

જુવાન રંગમંચ પર ગયો તેનો પ્રેક્ષકોએ વિરોધ ન કર્યો તેનું એક કારણ એ હોઈ શકે કે એ આખી ઘટના કદાચ નાટકનો જ એક અંશ હોય એવી એમને શંકા થઈ હોય, વાસ્તવનિષ્ઠ પ્રણાલીને તમે એક વાર બાજુએ મૂકી દો પછી ગમે તે સમ્ભવિત થઈ શકે છે. રંગમંચ પરનાં પાત્રો જોડે એને કશો સમ્બન્ધ દેખાયો નહિ. પણ એવા સમ્બન્ધનો અભાવ સૂચવવાનું નાટકકારને અભિપ્રેત હોય એમ પણ બને! આથી જે ભજવાય છે તેમાં શું પ્રમાણભૂત કે અનિવાર્ય અને શું આગન્તુક તેનો વિવેક કરવાનું પ્રેક્ષકને માટે અઘરું બની રહે છે.

આવાં નાટકો ઘણુંખરું એકબીજા જોડે સમ્બન્ધ નહિ ધરાવનારા ટુકડાઓના હારડા જેવા હોય છે. એમાં એક ઘટનામાંથી બીજી ઘટનામાં અણધાર્યો કૂદકો મારીને જવાનું હોય છે, – ઘણી વાર તો બોલાતું વાક્ય પણ અર્ધું છોડીને! આમ બને ત્યારે રંગમંચ પરનાં પાત્રો જીવનમાં માણસો વર્તતાં હોય તેવી રીતે વર્તવાનું છોડી દે, એમાં રસ પડે એવું વસ્તુ ન હોય કે કશો વસ્તુવિકાસ થતો દેખાય નહિ ત્યારે બધું નર્યું અમૂર્ત અને તર્કની પટાબાજી જેવું કે બુદ્ધિની ચતુરાઈના ખેલ જેવું બની રહે. આથી સામાન્ય પ્રકારના પ્રેક્ષકોને માટે બે કે અઢી કલાક જેટલા સમય સુધી ધીરજ રાખીને ધ્યાન કેન્દ્રિત કરવાનું અશક્યવત્ બની રહે. વળી એમાં જે અનુભવોનું નિરૂપણ કરવામાં આવતું હોય છે તે પણ જીવન વિશેની દૃઢ સમજ ધરાવનારને ગળે ઊતરે નહિ. સૅમ્યુઅલ બૅકૅટનાં નાટકો વધુ ને વધુ ટૂંકા સમયગાળાનાં થતાં જાય છે તે આ અર્થમાં એક સૂચક ઘટના છે. એનું ‘નોટ આઇ’ નામનું બોંત્તેરમાં લખાયેલું નાટક દસથી પંદર મિનિટ જ લે છે. આપણી સંસ્કૃતિ, આપણી માન્યતાઓ અને આપણી જીવનરીતિને આ બધું કેટલું અનુકૂળ છે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે.

આથી આ પ્રકારનાં નાટકો વિશાળ પ્રેક્ષકસમૂહ આગળ ભજવી નહિ શકાય તે દેખીતું છે. એમાં સાથે સંગીત, મુદ્રાઓ, નૃત્ય, ગીતો ઉમેરો તો વાત જુદી. આમ છતાં એ તો કબૂલ કરવું જ પડશે કે નાટકનાં અનિવાર્ય ઘટકો વિશેની આપણી સમજમાં ક્રાન્તિકારી પરિવર્તન થઈ રહ્યું છે અને એથી નવી નવી શક્યતાઓનું આખું ક્ષેત્ર આપણી સમક્ષ ખૂલતું જાય છે. પણ એક મૂળ મુદ્દો અહીં વીસરવાનો નથી. નાટક પણ અન્ય સાહિત્યપ્રકારોની જેમ એક પ્રકારની શોધ છે – ભલે એ શોધ શબ્દો દ્વારા નહિ કરવાની હોય. જો જે કાંઈ માન્યતારૂપે પંપાળેલા પૂર્વગ્રહરૂપે, પ્રિય ભ્રાન્તિરૂપે કે સ્વીકારી લીધેલા સત્યરૂપે ગાંઠે બાંધ્યું હોય તેની જ લ્હાણ કરવા નાટ્યકાર નીકળશે તો એ નાટ્યસ્વરૂપની શક્યતાને તાગવાને બદલે એ સ્વરૂપને કેવળ પરિચિત હેતુ માટેના સાધન તરીકે જ વાપરીને એનું ગૌરવ કરવામાં નિષ્ફળ જશે.

નાટકમાં પ્રત્યક્ષતા છે, એ પ્રેક્ષકને ઉદાસીન રહેવા દેતું નથી. એથી માનવીય સન્દર્ભના શક્ય તેટલા પરિપ્રેક્ષ્યો નાટ્યકાર પોતાની રચનામાં લાવી શકે છે. હજી આપણે ત્યાં પ્રયોગનો જુવાળ કહી શકાય એવું બન્યું નથી ત્યાં તો પ્રયોગની નિરર્થકતાની જ નહિ પણ અનિચ્છનીયતાની વાતો શરૂ થઈ ગઈ છે. આપણો વર્તમાન અનેક રીતે સંક્ષુબ્ધ છે, અત્યારે પરસ્પર, પ્રાપ્ત કશું ઝાઝું ખપમાં આવે એવું નીવડ્યું નથી એવી ઉગ્ર લાગણી પ્રવર્તે છે. આ પરિસ્થિતિમાં જ ઘણી નાટ્યક્ષમતા રહી છે. પણ આ તક ગમ્ભીરતાથી ઝડપી લેવાને બદલે આ આખા આન્દોલનનાં ઉપરછલ્લાં લક્ષણ તારવીને એનું કળાપ્રયોજન સમજવાની ધીરજ રાખ્યા વિના, જો થોડાં છમકલાં કે અળવીતરાં કરીને જ કશુંક કરી નાખ્યાનો મોટો દાવો કરીશું તો એ નરી બાલિશતા જ લેખાશે. પ્રજા તો ધીમે ધીમે એવી જડ થતી જાય છે કે ગમે તેવા આઘાત આપવાથીય એને ઢંઢોળી શકાવાની નથી. તો થોડાક સજ્જ અને દીક્ષિત એવા પ્રેક્ષકવર્ગને સાથે લઈને ધીમે ધીમે આગળ વધવાની ધીરજ નાટ્યકારે રાખવાની રહેશે.

10-10-79

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.