ભૂગર્ભ સર્જનપ્રવૃત્તિ

ઝેસ્લાવ મિલોઝે એમના પ્રખ્યાત પુસ્તક ‘ધ કેપ્ટિવ માઇન્ડ’માં એક જૂની યહૂદી સન્તવાણીને ટાંકી છે તે હાલના સન્દર્ભમાં યાદ કરવા જેવી છે ‘કોઈ પ્રામાણિકપણે પંચાવન ટકા સાચું હોય તો એ ઘણી સારી વાત કહેવાય. એ વિશે લમણાઝીંક કરવાની જરૂર નથી. અને જો કોઈ સાઠ ટકા સાચો હોવાનો દાવો કરે તો એ અદ્ભુત જ લેખાય. એ એનું સદ્ભાગ્ય. એ બદલ એણે ભગવાનનો પાડ માનવો જોઈએ, પણ જે પંચોતેર ટકા સાચો હોવાનો દાવો કરતો હોય તેનું શું? ડાહ્યા માણસોને મતે એ શંકાસ્પદ જ લેખાય. તો પછી સો ટકા સાચા હોવાનું કહેતા લોકોનું શું? જે પોતાને સો ટકા સાચો લેખાવતો હોય તે આંધળો ઝનૂની છે, ઠગ છે, અધમમાં અધમ પ્રકારનો બદમાશ છે.’

પંચાવન ટકાવાળા પ્રામાણિક લોકોનો આજે અભાવ વર્તાય છે. છાપું ઉઘાડતાંની સાથે જ સો ટકા સાચું બોલનારાનો ક્લેશકર ઘોંઘાટ આપણને ઘેરી વળે છે. દરેક શાસક પોતાને અનુરૂપ સત્યની છબિ બદલી નાખે છે. પછી પ્રજાએ તો એ ‘સરકારી સત્ય’ને જ હારતોરા કરવાના રહે છે. ‘સત્ય અમે જ જાણીએ છીએ’ એમ કહેનારા જ સૌથી ક્રૂર હોય છે. સત્યને પોકળ કરી નાખીને એમાં ગાંઠનું અસત્ય ભરી દેવાનો ઉદ્યમ ધમધોકાર ચાલે છે. સરકારસમ્મત સત્ય બોલવાની લાચારી સર્જક કબૂલ રાખે ખરો? લોકશાહીમાં જે આદર્શ નાગરિક લેખાય તેના મનમાં વિરોધાભાસ ન હોઈ શકે એવું શાસકો માનતા હોય છે. એવા વિરોધાભાસો ખરેખર હોય તોય બધાને જાહેરમાં પ્રગટ કરી ન શકાય પણ આપણે જે જીવન જીવીએ છીએ તેમાં તો આવા વિરોધાભાસોનું શું કરવું તે પ્રશ્ન મહત્ત્વનો બની રહે છે. સાચા બુદ્ધિશીલોને આ સમસ્યા ભારે પીડતી હોય છે. એ સમસ્યાનો ઉકેલ એઓ અભિનયપટુ અદાકાર થઈને જ લાવી શકે છે એમ મિલોઝ કહે છે તે સાચું છે.

આ અદાકારો રંગમંચ પર જતા નથી. એ લોકો તો શેરીઓમાં, કચેરીમાં, કારખાનામાં, જાહેર સભાસ્થાનોમાં, એટલું જ નહીં, પોતાના ઘરમાં સુધ્ધાં આ અભિનયનું પ્રદર્શન કરતા હોય છે. આ અભિનય એ સારી રીતે વિકસી ચૂકેલો કસબ છે. એમાં માનસિક ચપળતાની ખૂબ જરૂર પડે છે. શબ્દ ઉચ્ચારાય તે પહેલાં એનાં બધાં જ શક્ય પરિણામોનો વિચાર કરી લેવાનો રહે છે. ખોટી ક્ષણે પ્રગટેલું હાસ્ય, એક અજૂગતો દૃષ્ટિપાત – આ બધું ઘણી વાર ભયપ્રદ સંદેહો અને આક્ષેપો ઊભા કરી દે છે. બોલતી વખતનો હાવભાવ, રણકો – આ બધું પણ રાજકારણમાં ઘણું મહત્ત્વનું થઈ પડે છે.

હવે તો જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં આપણે આ અભિનયથી એવા ટેવાઈ ગયા છીએ કે જે અભિનય કરે છે તેની પ્રત્યે આપણે પૂર્વગ્રહ કેળવતા નથી, એથી ઊલટું આપણે એના અભિનયની ગુણવત્તાની કદર કરીએ છીએ. જો કોઈ કશાકનો ઉગ્રપણે વિરોધ કરે તો એ અભિનયમાં દસેક ટકા તો સત્યનો અંશ રહ્યો હશે એવું આપણે માનવા પ્રેરાઈએ છીએ. જો વિરોધની માત્રા ઓછી હોય તો એ જેનો વિરોધ કરે છે તેને જ એ માનતો હોવો જોઈએ તેવું લાગવા માંડે છે.

આ સભાનપણે કરવામાં આવતો અભિનય આ જમાનાના લોકજીવનનું એક વ્યાવર્તક લક્ષણ બની રહ્યો છે, પણ આથી એક ખતરનાક પરિસ્થિતિ ઊભી થાય છે. શરૂઆતમાં અમુક પરિસ્થિતિ પૂરતું અભિનય કરવાનું સ્વીકાર્યા પછી એ અભિનય લાંબા સમય સુધી કરવો પડે એવું બને. ત્યારે જે પાઠ ભજવવાનું સ્વીકાર્યું હોય તેમાં જ અભિનય કરનારનું વ્યક્તિત્વ બરાબર ગોઠવાઈ જાય અને આને પરિણામે પોતાનું સાચું વ્યક્તિત્વ અને પોતે જે પાઠ ભજવે છે તે – આ બે વચ્ચેની ભેદરેખા જ સાવ ભુંસાઈ જાય. ચતુર શાસકો આ પરિસ્થિતિ ભારે કુનેહપૂર્વક ઊભી કરતા હોય છે, જેથી ‘રિમોટ કન્ટ્રોલ’થી કોઈ પણ વ્યક્તિને નિયન્ત્રિત કરી શકાય. આત્મીયતાભર્યો ઘનિષ્ઠ સમ્બન્ધ ધરાવનારી વ્યક્તિઓ પણ આ કે તે પક્ષનાં સૂત્રોની પરિભાષામાં જ વાત કરતી થઈ જાય. આ જમાનામાં સત્યની અવેજીમાં પરિભાષાએ એનું સ્થાન લીધું છે એ હજી ઘણા બુદ્ધિશીલો પણ સમજી શક્યા નથી. આજે ‘માસ મીડિયા’ના પ્રભાવને કારણે આપણા પ્રતિભાવોને પણ પૂર્વનિર્ણીત કરી નાખવામાં આવ્યા છે.

સાહિત્યના ક્ષેત્રમાં આ એટલું તો ઉઘાડી રીતે બન્યું છે કે એને થોડું ઢાંકવા પૂરતીય કળા દેખાતી નથી! જે પહેલેથી જ અમુક કાવ્યેતર અપેક્ષાઓને સન્તોષવા જ લખાતું હોય તેમાં કવિનો નિજી સૂર ક્યાંથી આવે? મિલોઝ કાવ્યની વ્યાખ્યા કંઈક આવી આપે છે : કવિતા એ નિજી મિજાજનું સામાજિક રૂઢિ દ્વારા વક્રીભવન થઈને પ્રગટ થતું રૂપ છે. પ્રચારવાદી કવિતામાં આથી ઊંધું જ બને છે. એમાં સામાજિક રૂઢિ કવિના નિજી મિજાજ દ્વારા વક્રીભૂત થઈને પ્રગટ થાય છે. આથી લહેકાલટકાં, વાક્છટા કે નાટ્યછટાવાળા કવિઓ પ્રચારના ક્ષેત્રમાં વધુ સફળ નીવડે છે. કવિ જેનો પ્રચાર કરવાનો હોય છે તે અંગેનું એક આદર્શ પાત્ર રચે છે અને પાત્રની સ્વગતોક્તિ કે એકોક્તિરૂપે પોતાની કવિતા લખે છે, એ પોતાનું તો કશું કહેતો જ નથી હોતો.

અભિનય કરનાર પોતે જે પાઠ ભજવતો હોય છે તેની સાથે પોતાના વ્યક્તિત્વની અભિન્નતા સ્થાપવાનો ભલે ને ગમે તેટલો પ્રયત્ન કરે, તેમ છતાં આત્મસાત્ થયા વિનાના ઘણા અંશ તો રહી જ જતા હોય છે. આને કારણે એણે સાવધ તો રહ્યા જ કરવું પડતું હોય છે. પ્રજા આખી મહોરાં પહેરીને ફરતી હોય ત્યારે કવિને પહેરવા પડેલા મહોરાની વિશિષ્ટતા શી? બે વિરુદ્ધ પ્રકારના વ્યવહારો, આને પરિણામે, શરૂ થઈ જાય છે : આપણે જેને કાળું જોતાં હોઈએ તેને ધોળું કહીને વર્ણવવું પડે, બહારથી ગમ્ભીર હોઈએ પણ અંદરથી હસતા હોઈએ, પ્રેમ પ્રગટ કરતાં જ અંદરથી તિરસ્કાર અનુભવતા હોઈએ, અજાણ હોવાનો દેખાવ કરતા હોઈએ પણ ખરેખર તો ઘણું જાણતા હોઈએ. આને પરિણામે જે કુશળતા ખીલતી આવે તે વાસ્તવમાં સર્જકની કુશળતા હોતી નથી. આમાં સફળ નીવડવું એ જ સન્તોષપ્રદ થઈ પડે.

બીજી એક સમ્ભવિતતા પણ છે : જેને ખણખોદ કરતી આંખોથી બચાવીને હૃદયના નેપથ્યમાં સાચવી રાખીએ તેનું વિશિષ્ટ મૂલ્ય આપણને વરતાવા માંડે. એ શબ્દમાં તો પૂરું વ્યક્ત થયું હોતું નથી. આથી કેવળ ઊમિર્ગત વસ્તુનું જે આકર્ષણ હોય છે તે જ આકર્ષણ એમાં પણ રહ્યું હોય છે. આ પછી એ અન્તરંગનું આશ્રયસ્થાન બની રહે છે. બહારનાને એમાં પ્રવેશ ન મળે એ માટે એને મથવું પડે છે માટે એનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.

મિલોઝ અહીં ‘કેટમાન’ સંજ્ઞાનો ઉલ્લેખ કરે છે. આમ તો એ ‘આત્મા’ પરથી જ બનેલો શબ્દ લાગે છે. આ શબ્દનો ઉલ્લેખ ગોબિનુના પુસ્તક ‘રિલિયજન એન્ડ ફિલોસોફિઝ ઓવ્ સેન્ટ્રલ એશિયા’માં થયેલો છે. આ કેટમાન અને સરમુખત્યારશાહી દેશોમાં પ્રવર્તતી સાહિત્યિક પરિસ્થિતિમાં ઘણું સામ્ય છે.

મુસલમાનો એમ માને છે કે જેને સત્ય લાધ્યું હોય તેણે પોતાને, પોતાનાં સમ્બન્ધીઓને કે પોતાની કીતિર્ને સંગોપિત રાખવા જોઈએ. જે લોકોને સત્ય લાધ્યું નથી તેમની મૂર્ખાઈ, અંધાપો કે વિકૃતિનું એ ભોગ નહિ બને તે એણે જોવું જોઈએ. આથી બની શકે ત્યાં સુધી એવા માણસે પોતાની સાચી આત્મપ્રતીતિઓ વિશે મૌન સેવવું એ જ હિતાવહ છે. આમ છતાં એવા પ્રસંગો ઊભા થાય ખરા જ્યારે મૂગા રહેવું પૂરતું ન થઈ પડે, એવું મૌન સંમતિ લેખાઈ જાય. એવી પરિસ્થિતિમાં કશો સંકોચ રાખવો ન જોઈએ. પોતાના સાચા અભિપ્રાયને એવા સંજોગોમાં નકારી કાઢવો, એટલું જ નહિ, પોતાના વિરોધીને છેતરવા બની શકે તેટલી બધી જ યુક્તિઓ પણ વાપરવી, પોતે જેને મિથ્યા લેખતો હોય તેવા બધા વિધિ પાળવા, પોતાનાં પુસ્તકોને વખોડી કાઢવાં; આ રીતે પોતાના સાચા સ્વરૂપને ઢાંકી દેવું અને વિરોધીને છેતરીને એને નસિયત કરવી.

જે કેટમાન આચરે છે તે ગર્વભર્યા હોય છે. એ બીજાને પોતાને લાધેલા સાચા માર્ગથી દૂર રાખે છે. બહારથી એની દશા બહુ ખરાબ ભલે ને લાગતી હોય પણ એની આંખો અપાથિર્વ પ્રકાશથી ચમકી ઊઠે છે. વિરોધીઓ તો બિચારા અંધારામાં જ રહી જાય છે. સંસ્કૃતિના ક્ષેત્રમાં આવતાં શાસકીય દબાણોને સર્જક કેટલે અંશે વશ વર્તે એ અન્તે તો એના પોતાના ખમીર પર આધાર રાખે છે. એવું બને કે જેને એ નબળી કોટિનો ગણતો હોય તેની એણે પ્રશંસા કરવી પડે, રેઢિયાળ કળાકૃતિઓને બિરદાવવી પડે. આ બધું તો એ જાહેરમાં કરે, પણ પોતાના ઘરની ચાર દીવાલ વચ્ચે એ પોતાને જે અભિમત હોય તે કરે. ત્યાં એ ઉત્તમ કળાકૃતિને જ સંઘરે, ઉત્તમ સંગીત જ સાંભળે, ઉત્તમ સાહિત્યકૃતિઓનું જ સેવન કરે. પોતે જે રચે તે પોતાની સાહિત્યિક રુચિની વિરુદ્ધ જઈને ન રચે. આમ ‘ભૂગર્ભ’માં સાચી રીતે જેને અધિકૃત કહેવાય એવું સાહિત્ય રચાતું આવે. એમાંનું ઘણું ભવિષ્યમાં પ્રકાશમાં આવ્યા વિના જ લુપ્ત થઈ જાય એવું બને. શ્રમછાવણીમાંના આવા સાહિત્યને જાળવી રાખવા માટે કેદીઓ જ કેવો ભગીરથ પ્રયત્ન કરતા હોય છે તેનો ખ્યાલ સોલ્ઝેનિત્સીને આપ્યો જ છે.

આ સ્વેચ્છાએ સ્વીકારેલું સર્જકનું ‘ભવ્ય’ એકલવાયાપણું આપણા સમયનું એક મહત્ત્વનું લક્ષણ છે. બહારથી એ સરકારી પ્રચારનું રણશિંગું ફૂંકવાનું કબૂલ રાખે છે ત્યાં સુધી જ એનો આ એકાન્તવાસ સલામત રહે છે. કદાચ ભવિષ્યમાં ટેલિવિઝનનો ડોળો સર્જકના આવા એકાન્તને પણ સરકાર વતી જોતો થઈ જશે. રસવૃત્તિને રેઢિયાળ પ્રચારવાદી સાહિત્ય તથા કળાથી કુણ્ઠિત થતી અટકાવવી એ સાચા સર્જક માટે તો, ગમે તે ભોગે, કરવા જેવી પ્રવૃત્તિ છે. એને માટે પુસ્તકો વાંચવાની કે કળાકૃતિઓ જોવાની જ જરૂર છે એવું નથી, પણ પ્રાકૃતિક પરિવેશ પણ રેઢિયાળ અને દૂષિત થતો જાય છે. આજે તો ટોળાંમાં ફરતાં જે ઘનિષ્ઠતાનો અનુભવ થાય છે કે વિખૂટાપણાનો અનુભવ થાય છે તેનાં પ્રતિરૂપો પણ સાહિત્યમાં કે કળામાં ઝાઝાં જોવાં મળતાં નથી.

આથી સર્જક પોતાના પરિવેશની બહાર, જાણે કોઈ બીજા જ ગ્રહમાં જતો રહેવા મથે છે. થોડાક કવિ પ્રગતિનાં ગાણાં ગાઈને અંદરથી ઊઠતો અવાજ બહાર નહિ સંભળાય તેની વ્યવસ્થા કરે છે, તો કેટલાક યન્ત્રો અને સંસ્થાઓ વિશે રોમેન્ટિક પ્રેમની કવિતા લખે છે. કેટલાક છેક સત્તરમી કે અઢારમી સદીમાં ચાલ્યા જાય છે. પછી ઘણી વાર એમનો સમકાલીન સમયમાં આવવાનો માર્ગ બંધ થઈ જાય છે. આમ વર્તમાન સમયમાં સરકારી કે અર્ધસરકારી પ્રતિષ્ઠાનોએ કેટલા બધા સર્જકોના અંગૂઠા કાપી લીધા છે. પ્રજાજીવનના કોઈ સ્તર પર એની ખોટ વરતાશે ખરી? મને લાગે છે કે દરેક સર્જકે ભૂગર્ભમાં પોતાની આગવી સર્જનપ્રવૃત્તિનો આરમ્ભ કરી દેવો જઈએ.

3-11-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.