વિજ્ઞાન અને સાહિત્ય : 1

ઘણાં વર્ષો પહેલાં મેકોલેએ કહ્યું હતું કે સંસ્કૃતિના ઉત્તરોત્તર વિકાસ સાથે કવિતા પીછેહઠ કરતી જશે. પ્લેટોના અભ્યાસી લોવેસ ડિકિન્સને પણ કહ્યું છે કે વિજ્ઞાનના ઉદય સાથે સાહિત્યને હાંકીને કાઢવામાં આવશે. કવિ કીટ્સે ફરિયાદ કરેલી કે વિજ્ઞાન તો ઇન્દ્રધનુષના તાણાવાણા છૂટા પાડી નાખે છે ને અલૌકિક વસ્તુને નીરસ અને સામાન્ય બનાવી દે છે. ત્યારે નોબેલ પારિતોષિકવિજેતા વિજ્ઞાની પિટર મેડાવર એથી ઊંધું જ કહે છે : સાહિત્યના ઉદય સાથે વિજ્ઞાનને હાંકી કાઢવામાં આવશે. આ બધાંમાંથી એક વાત ફલિત થતી લાગે છે : હવે, પ્લેટોના જમાનામાં હતું તેવું, કવિતા અને ફિલસૂફી વચ્ચેનું વૈમનસ્ય રહ્યું નથી. હવે પ્રશ્ન વિજ્ઞાન અને સાહિત્યના સમ્બન્ધનો છે. એ બંને એકબીજાનાં પૂરક હોઈ શકે એવી સમ્ભાવના પ્રથમ કોટિના ચિન્તકો પણ કેમ નહિ કરી શકતા હોય એવો આપણા મનમાં પ્રશ્ન થાય છે.

જીવનમાં એવાં ઘણાં ક્ષેત્રો છે, માન્યતાઓ અને જ્ઞાનના એવા ઘણા પ્રદેશો છે, જેને વિશે વિજ્ઞાન અને સાહિત્ય મહત્ત્વની વાતો કહી શકે. સામાજિક અને સાંસ્કૃતિક નૃવંશવિદ્યા, મનોવિજ્ઞાન અને માનવવ્યવહારવિદ્યા, ખગોળવિજ્ઞાન – એ બધાંનું ક્ષેત્ર અને સાહિત્યનું ક્ષેત્ર અડોઅડ જ રહેલાં છે. સાહિત્યનેય આ બધાં સાથે લાગેવળગે છે, કારણ કે એ બધાંનેય માનવીનાં આશા, ભય, માન્યતા અને આશયો સાથે સમ્બન્ધ છે; આપણે આપણને સમજવા માટે, આપણે વિશે જે અહેવાલ આપવા મથી રહ્યા છીએ તેની સાથે સમ્બન્ધ છે; સામાન્ય સાંસ્કૃતિક વિગતો સાથે સમ્બન્ધ છે એટલે કે માનવીની વિચારવાની અને વર્તવાની રીતિઓ સાથે સમ્બન્ધ છે. આ બધા વિષયો પરત્વે આપણે એક વિશિષ્ટ પ્રકારની સમજ કેળવવાની રહે છે. એ સમજના મૂળમાં કલ્પનાશક્તિ રહેલી છે, તેમ છતાં સત્ય પ્રત્યેની અમુક જવાબદારીને કારણે એ અમુક પ્રકારની ‘સેન્સરશિપ’થી નિયન્ત્રિત હોય છે.

આજે જે પરિસ્થિતિ પ્રવર્તે છે તે જોતાં એમ કહીને આપણે આશ્વાસન લઈ નહીં શકીએ કે વિજ્ઞાન અને સાહિત્ય એક સમાન લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એકબીજાને પૂરક બનીને પ્રયત્ન કરી રહ્યાં છે. એથી ઊલટું, જ્યાં બંને વચ્ચે સહકાર શક્ય હોવો જોઈએ ત્યાંય બંને વચ્ચે અનુચિત સ્પર્ધા હોય એવું જોવામાં આવે છે. આ ટાળી શકાતું નથી તેનો સૌ કોઈ વિચારકને ખેદ થાય તે દેખીતું છે. સંસ્કૃતિના ઇતિહાસના એક ખરાબ તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા હોઈએ એવું લાગે છે. વિજ્ઞાન અને સાહિત્યનો મૈત્રીસમ્બન્ધ સ્થપાવો જોઈએ અને કદાચ એક દિવસ એ શક્ય બનશે પણ ખરું. આવી જ કશીક ભાવનાથી આલ્ડુસ હકસલેએ કહ્યું હતું, ‘આપણે સાહિત્યકારો અને વિજ્ઞાની સાથે મળીને પ્રગતિ કરીએ અને જે હજી અજ્ઞાત છે તેની દિશામાં આગળ ને આગળ વધતા જઈએ.’

આવી મહત્ત્વાકાંક્ષા સેવવી એમાં કશું ખોટું નથી; પણ હકસલેએ એ જે રીતે વ્યક્ત કરી છે તે ઘણાને ખૂંચે એવી લાગશે. આ માટે વિજ્ઞાની અને સાહિત્યકાર એકબીજાની સિદ્ધિઓ વિશે જાણકારી કેળવે એ જ પૂરતું નથી; એકબીજાના આશયો સમજે તે પણ પૂરતું નથી; બંનેએ એકબીજાની પદ્ધતિઓ અને એને માટે પ્રેરકબળ બની રહેતી વિભાવનાઓનો તેમ જ અને એકબીજાના વિચારની ગતિને, ભાતને પણ ઓળખવાં જોઈએ. આ હકીકતને ધ્યાનમાં રાખીને મેડાવર કલ્પનાશક્તિ અને આલોચના આ બે ક્ષેત્રોમાં કેવી રીતે ક્રિયાશીલ બને છે તે તપાસવા માટેનો આગ્રહ રાખે છે. વિજ્ઞાનની અને સાહિત્યની શૈલી અને અર્થસંક્રમણની રીતિઓ વિશેની વિભાવનાઓ વચ્ચે મેળ પાડવાનો પ્રયત્ન થવો જોઈએ; વિજ્ઞાનની અને સાહિત્યની સત્ય વિશેની વિભાવનાઓની તુલના થવી જોઈએ. ફ્રોઇડના મનોવિજ્ઞાન અને અસ્તિત્વવાદી મનોવિજ્ઞાનની મદદ લઈને વિજ્ઞાન અને સાહિત્ય જે ક્ષેત્ર પર દાવો કરીને સ્પર્ધામાં ઊતરે છે તેની તપાસ કરવી જોઈએ. મેડાવરે એક વિજ્ઞાનીની હેસિયતથી વિજ્ઞાનમાં અને સાહિત્યમાં કલ્પના અને વિવેકપરાયણ આલોચનાશક્તિ કેવા સ્વરૂપનાં હોય છે અને એકબીજા પરત્વે કેવી રીતે ક્રિયાશીલ બનતાં હોય છે તેની ચર્ચા કરી છે. આ સંજ્ઞાના સંકેતો હંમેશા અસંદિગ્ધ રીતે સ્પષ્ટ જ હોય છે એવું નથી. આથી મેડાવર પોતાની દૃષ્ટિએ કલ્પનાને સમજાવતાં આધુનિક સાહિત્યવિવેચનમાં એને નર્યા તરંગ કે ધૂની વ્યવહારથી જુદી પાડીને જોવામાં આવે છે તેના સ્વીકારપૂર્વક આગળ વધે છે. અઢારમી સદીમાં આજે જેને તરંગ કહીએ છીએ તેને કલ્પના કહેતા હતા; આજે જેને કલ્પના કહીએ છીએ તેને તરંગ કહેતા હતા!

બુદ્ધિ અને કલ્પના એકબીજાનાં વિરોધી છે એવું રોમેન્ટિક અભિગમ ધરાવનારા માનતા હતા. બંને વચ્ચે શત્રુતાનો સમ્બન્ધ છે એમ નહિ કહીએ તો પણ સત્યને પહોંચવાના બંનેના માર્ગો જુદા છે એમ તો કહેવું જ પડે. બુદ્ધિનો માર્ગ લાંબો, અનેક વળાંકો લઈને આગળ વધનાર અને શિખરે પહોંચવા આવે ત્યાં અટકી જતો હોય એવો છે. આમ જ્યારે બુદ્ધિ હાંફતી લાગે ત્યારે કલ્પના હળવે પગલે ઊંચે ચઢી જતી લાગે. શેલીએ તો વિજ્ઞાનમાં કાવ્યતત્ત્વને પારખેલું તે સાચું; પણ સાથે એણે ઉમેરેલું, ‘હકીકતોના સંચય અને ગણતરીની પ્રક્રિયા પાછળ એ કાવ્યતત્ત્વ ઢંકાઈ જતું હોય છે.’ એણે એક સ્થળે તો એમ પણ કહ્યું છે કે કવિતા બધાં વિજ્ઞાનને સમજે છે. અહીં કવિતા એટલે સર્જનાત્મક ચેતનાના બધા જ આવિષ્કારો એમ સમજવાનું છે. આમ છતાં હજી સામાન્ય રીતે કાવ્ય અને વિજ્ઞાન એકબીજાનાં વિરોધી છે એવી જ સમજ પ્રવર્તતી દેખાય છે. શેલી, કીટ્સ, વર્ડ્ઝવર્થ અને કોલરિજ એમ જ માનતા હતા. અંગ્રેજ કવિ પિકોકે કહ્યું છે કે કવિઓ જે ક્ષેત્રમાં કલ્પનાને બળે ઘૂમી ચૂક્યા હોય છે તેમાં વિજ્ઞાનીઓ પાછળથી પ્રવેશ કરે છે. વિલિયમ બ્લેઇકે તો સ્પષ્ટપણે જ કહી દીધેલું કે કલ્પનાની ભવ્યતા આગળ બૅકન, લોક કે ન્યૂટનનાં બુદ્ધિપ્રેરિત નિદર્શનો તુચ્છ જ લાગે છે. એણે કહેલું, ‘હું તર્ક લડાવું નહિ કે તુલના કરું નહિ, મારું કામ તો કશુંક સર્જવાનું છે.’

રોમેન્ટિક કવિઓનો અભિગમ આવો હતો તે તો સુવિદિત છે; પણ વિજ્ઞાનીઓ સુધ્ધાં એવું જ કશુંક માનતા હતા. ન્યૂટને કલ્પનાના વિજ્ઞાનમાં થતા વિનિયોગ વિશે ટીકા કરી હોવાનું કહેવાય છે. એના ‘હાયપોથિસિસ નો ફિન્ગો’માં એણે આવું વિધાન કર્યું છે. વાસ્તવમાં એના કહેવાનો અર્થ એવો નહોતો. બૅકન, મિલ પણ એવું માનતા કે શોધનું ગણિત ઉપજાવી શકાય, બુદ્ધિના વ્યવહારને સૂત્રોથી સમજાવી શકાય એ વિજ્ઞાનીને સત્યની શોધમાં આગળ લઈ જઈ શકે. આ નવું ‘કેલક્યુલસ’ તે કવિતાનું જાણે ‘મારણ’ નહિ હોય! કલ્પનાનો પ્રપંચ તો વન્ધ્ય જ લેખાતો. આલ્ડુસ હક્સલેએ કહ્યું કે, ‘વિજ્ઞાનમાં ઉદાસીનભાવે નિરીક્ષણ કરવામાં આવે છે, એમાં પૂર્વગ્રહથી દૂષિત નહિ એવી આંતરિક સૂઝ, પ્રયોગશીલતા અને ધૈર્યપૂર્વકની તાકિર્કતાનો વિનિયોગ તર્કસંગતથી સુબદ્ધ એવી વિભાવનાઓના માળખામાં રહીને થતો હોય છે.’ હક્સલે વિજ્ઞાન અને સાહિત્ય વિશે એકસરખી અધિકૃતતાથી બોલી શકે એવી વ્યક્તિ છે માટે એમના આ કથનનું મહત્ત્વ છે.

હક્સલેએ વિજ્ઞાનના ક્ષેત્રમાં કલ્પનાનો વિનિયોગ થતો નથી એવું વિધાન કર્યું જ ન હોત. પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્જનાત્મક કલ્પનાશીલતા એ વિરલ વિજ્ઞાનીઓનો જ વિશિષ્ટાધિકાર હોય એવું લાગે છે. એવા વિજ્ઞાનીઓ આંતરસૂઝના એક ઝબકારામાં જે સિદ્ધ કરી લઈ શકે છે તે બાકીના બીજા, વર્ડ્ઝવર્થ કહે છે તેમ, ‘પૃથક્કરણના ઉદ્યમ’થી જ કરી શકતા હોય છે. પણ વિજ્ઞાની કલ્પનાનો વિનિયોગ કરી શકે એ સ્વીકારાવું જોઈએ. આન્તરસૂઝથી નિરપેક્ષ રીતે કામ કરતી વિજ્ઞાનની સંશોધનપદ્ધતિ છે એ પણ એક હકીકત છે; એની ગતિ ધીમી હોય છે એટલું જ.

વિજ્ઞાન બુદ્ધિપુરસ્સરનું જ હોવું જોઈએ; બુદ્ધિના તકાજાને સંતોષે એવું જ હોવું જોઈએ એવું વિજ્ઞાનની પ્રક્રિયાના સ્વરૂપ વિશે ઊંડાણપૂર્વક વિચારનારા ઘણા સ્વીકાર્ય લેખતા નથી. કાર્લ પોપર, ચાર્લ્સ પિયર્સ, વિલિયમ વ્હેવેલ, સ્ટેનલી જેવોન્સ જેવા વિજ્ઞાનીઓએ એમનાં લખાણોમાં જુદી જ વિભાવનાને વિકસાવી છે. વિજ્ઞાનને જે કહેવું છે તે પારિભાષિક ચર્ચાઓમાં અને વિગતોની જટાજાળમાં અટવાઈ જાય છે. મેડાવર સરળ ભાષામાં થોડાક મુદ્દાઓ રજૂ કરે છે. કોઈ પણ બાબતની વૈજ્ઞાનિક સમજ કેળવવા માટેની પ્રવૃત્તિના આરમ્ભમાં સાચું શું હોઈ શકે એ વિશેનો કલ્પનાજન્ય ખ્યાલ રહેલો હોય છે. આપણે હકીકતોના સમર્થનથી કે તર્કને આધારે જે પામીએ તેનાથી એ થોડાં ડગલાં આગળ રહેતું હોય છે. એક સમ્ભવિત વિશ્વની શોધને માટેનો એ પ્રયત્ન હોય છે; એ કદાચ વિશ્વનો નાનો સરખો અંશ પણ હોઈ શકે. એનું કલ્પનાજન્ય અનુમાન પછીથી આલોચનાનાં સાધનોથી તપાસવામાં આવે છે. એને આધારે એ કલ્પનાજન્ય જગત સાચું જગત છે કે નહિ તેનો નિર્ણય કરવામાં આવે છે. વિચારજગતની બે ઘટનાઓ, બે અવાજો વચ્ચેના સંવાદરૂપે વૈજ્ઞાનિક વિચારણા રહી હોય છે. એ બે અવાજો પૈકીનો એક અવાજ તે કલ્પનાનો અને બીજો તે આલોચનાત્મક બુદ્ધિનો. આ સંવાદ સમ્ભવિત અને વાસ્તવિક વચ્ચે ચાલે છે; જે સાચું હોઈ શકે અને જે વાસ્તવમાં હકીકતરૂપે છે તેની વચ્ચેનો છે એમ પણ કહી શકાય.

વૈજ્ઞાનિક પ્રક્રિયાને આ સ્વરૂપે જોઈએ તો એમાં કલ્પના અને આલોચકબુદ્ધિ અભિન્નપણે રહ્યાં હોય છે. આલોચક બુદ્ધિ વિનાની કલ્પના કદાચ નર્યા ગબારા ઉડાવે; નરી આલોચક બુદ્ધિ વન્ધ્ય નીવડે. રોમેન્ટિક કવિઓએ કવિતાને બુદ્ધિ અને વાસ્તવિકતાના વ્યવહારની ભૂમિકાથી ઘણે ઊંચે સ્થાપી હતી. આથી એક સૌથી મોટી શોધને એઓ ચૂકી ગયા હતા : કલ્પના અને બુદ્ધિ સહચારથી ક્રિયાશીલ બને છે, એ વાત એમના ધ્યાનમાં આવી નહોતી. આ ‘શોધ’ કોઈ એક વ્યક્તિએ કરી નથી. કોલરિજ પણ એ કરી શક્યો હોત. છેલ્લાં દોઢસો વર્ષમાં એવી શોધ કરવાની પાત્રતા એનામાં જ હતી. એ શોધ એ ન કરી શક્યો એ સાંસ્કૃતિક ઇતિહાસની એક કરુણ ઘટના છે.

અહીં સાહિત્યના વતી બોલનાર એમ કહેશે, ‘વૈજ્ઞાનિક આલોચકબુદ્ધિનો સર્જનાત્મક અને આલોચનાત્મક શક્તિ વચ્ચેના સંવાદમાં વિલય કરી દઈ શકાય તે સાચું; પણ એમાં વિશિષ્ટ રીતે વૈજ્ઞાનિક એવું શું છે જેને કારણે એને વિજ્ઞાન અને કલ્પનોત્થ સાહિત્ય વચ્ચેના વ્યાવર્તક તત્ત્વરૂપે લેખી શકાય?’ આના સમર્થનમાં મેથ્યૂ આર્નલ્ડને ટાંકીને એ કહી શકે કે કવિતા આમેય જીવનની આલોચના જ છે. પણ આર્નલ્ડે સુધ્ધાં આલોચક બુદ્ધિને અને સર્જકતાને એકબીજાનાં વિરોધી ગણ્યાં હતાં તે ભૂલવાનું નથી. એણે તો સ્પષ્ટ જ કહેલું, ‘આલોચનાશક્તિ સર્જકતાથી ઊતરતી કક્ષાની છે.’ આજે આપણે કહીશું કે બુદ્ધિવ્યાપારનાં જુદાં જુદાં સ્વરૂપોનો તેને ખ્યાલ નહોતો, માટે તેણે આ પ્રકારનો વર્ગભેદ જોયો. તો આપણે એમ નહીં કહી શકીએ કે સાહિત્યિક આલોચનામાં પ્રવર્તતો બુદ્ધિવ્યાપાર વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવર્તતી આલોચનાના બુદ્ધિવ્યાપારને મળતો આવે છે.

વાસ્તવમાં સર્જક આમે સમ્પ્રજ્ઞાત, અર્ધસમ્પ્રજ્ઞાત કે અસમ્પ્રજ્ઞાતરૂપે, સર્જન- પ્રક્રિયાની સાથે સાથે, એની સમાન્તર રહીને, જે એ રચી રહ્યો હોય છે તેની આલોચના પણ કરતો જતો હોય છે. એની આવી યુગપદ્ સ્થિતિને કારણે આ પહેલું અને આ બીજું એવો ક્રમ ઝટ દઈને સ્પષ્ટ કરી આપી શકાતો નથી.

8-9-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.