હવે જે આપણી આજુબાજુ બને છે તે જાણે સીધું આપણા ચિત્તમાં આવે છે. આપણે માટે નરવું એકાન્ત હવે શક્ય રહ્યું નથી. જે ઘટનાઓ બને છે તેમાં કશુંક અસાધારણ છે એવું નથી, પણ આપણી જીવનરીતિ બદલાઈ ગઈ છે અથવા એને બદલવાની જાણે ફરજ પડી છે. જાહેરજીવનના ઘમસાણને દૂર રાખી શાન્તિમાં બે શબ્દ રચવાના નેપથ્યમાં ધસી આવતાં સુખો હવે ઓછાં સાંપડે છે. આથી સર્જકને પક્ષે સમકાલીનતા સાથે જે ‘એસ્થેટિક ડિસ્ટન્સ’ રાખવું જરૂરી હોય છે તેય રાખવાનું શક્ય બનતું નથી. આથી ઘણી વાર તો સર્જકને પોતાના સમયનો વહીવંચો બની રહેવાનું જ આવે છે.
સામૂહિક માધ્યમો દ્વારા બહારનું જગત સતત મારા પર ધસારો કરતું રહે છે. હવે અંગત કે આત્મીયતાને જાળવવા જતાં લોકદ્રોહી કે સમાજદ્રોહીની ગાળ ખાવી પડે એવું વાતાવરણ છે. છાપામાં જે રોજ-બ-રોજની વાસ્તવિકતા ઠલવાય છે તેનાથી કોરા રહેવાનું અઘરું થઈ પડ્યું છે. જડેલા પથ્થર વચ્ચેથી ઊગી નીકળતા ઘાસની જેમ એ આપણા એકાન્તને ભેદીને ત્યાંથી જાય છે. આ રસ્તે થઈને હમણાં જ નરસંહિજીનો વરઘોડો ગયો. હવે ત્યાં જ કામદારોનું સરઘસ પોતાનાં સૂત્રો ગજાવતું જઈ રહ્યું છે. બાજુની જ ગલીમાંથી સ્મશાનયાત્રા નીકળી રહી છે. બારણું ખખડાવીને ભાગલપુરની રેશમી ચાદર વેચનારો મારું ધ્યાન ખેંચી રહ્યો છે.
હવે મારી વાર્તાનાં પાત્રોને પણ એને શી રીતે રોજી મળે છે તેની કેફિયત આપવાની રહે છે. નહિ તો એની વાસ્તવિકતા પર કોઈને વિશ્વાસ બેસતો નથી. એને રળવાનો પરિશ્રમ કરતો નહિ બતાવું તો સમાજવિજ્ઞાની એના પર તૂટી પડશે. મારી જ જૂની વાર્તા વાંચતા એમાંનાં પાત્રોને હવે કેવી ઊલટતપાસના ભોગ બનવું પડશે તેનો ખ્યાલ આવતાં મને એની દયા આવે છે. સમાજ વિશે વિચારનારા લોકોએ જ ખાનાં પાડ્યા છે. તેમાં આ પાત્રો ગોઠવાઈ નહીં જાય તો એમની બૂરી વલે થશે.
આમ છતાં વિચારું છું તો લાગે છે કે સર્જક અને સમાજ વચ્ચેના સમ્બન્ધો કંઈક અસ્પષ્ટ સ્વરૂપના જ રહ્યાં છે. કાલિદાસે રાજારાણીની વાતો કરી તે છતાં એમાં આપણી વાત નથી? સૅમ્યુઅલ બૅકૅટનાં પાત્રો જે શૂન્યના આવર્તમાં ઘૂમરી ખાય છે તે શું નર્યું કપોલકલ્પિત છે? ગોવર્ધનરામનો સરસ્વતીચંદ્ર શું શું ખાતો-પીતો હતો તે આપણે જાણતા નથી. હું ગુજરાતના અમુક શહેરમાં છું ત્યારે સ્ટેશન પર ટિકિટબારી આગળ હું પણ હારમાં એક જવાબદાર નાગરિક છું, બહારગામ જવા નીકળું છું ત્યારે બસડેપો ઉપર ઊભો રહું છું. ઇન્કમટેક્ષના ફોર્મની આંટીઘૂંટી મને સમજાતી નથી તે છતાં એ વિધિમાંથી હું છટકી શકતો નથી. મારાં પાત્રો શી રોજી રળે છે તે મેં હંમેશાં બતાવ્યું નહિ હોય તોય મારે તો મારા કુટુમ્બનું ભરણપોષણ કરવાનો ઉદ્યમ કરવો પડે છે તે હકીકત છે. હું સાહિત્યિક સંવિવાદમાં ભાગ લઈને તરત જ બીજી સાહિત્યિક ચર્ચા માટે ઝટઝટ વિમાન પકડીને દોડાદોડ કરતો નથી. કોઈ સાહિત્યિક સંસ્થાનો હું સૂત્રધાર નથી. માનવઅધિકારનું ગૌરવ નથી જળવાયું ત્યારે એના વિરોધમાં જે અપીલ બહાર પાડવામાં આવી એના પર મેં સહી કરી છે અને તે ફંડફાળામાં મેં યથાશક્તિ મારો આંકડો મૂક્યો છે.
પણ મને લાગે છે કે આ બધી જીવવાની રસમો છે. માનવઅધિકારના વિરુદ્ધની અપીલનું શું પરિણામ આવ્યું નથી તેની ખબર નથી, ફંડફાળામાં મેં આપેલા પૈસા હું જેને ઉચિત લેખું તે માર્ગે જ વપરાયા હશે કે કેમ તે હું જાણતો નથી, આમ છતાં એક નાગરિક તરીકે મેં મારી ફરજ બજાવી તેનો સન્તોષ લેવાની સુવિધા આ રસમોને કારણે જ મને પ્રાપ્ત થાય છે. જે સમાજમાં હું છું તેની બધી રીતિનીતિ સાથે હું સંમત નથી, છતાં હું એની બહાર રહીને જીવતો નથી. એક સમાજના અંગભૂત બનીને આપણે સહુ આપણું ભવિષ્ય ઘડી રહ્યા છીએ એવું કહેતાં હું ખચકાઉં છું. ઘણી વાર મને તો એવું લાગે છે કે ભવિષ્ય આપણને ઘડી રહ્યું છે. શાસકો મને ભરવાડના કૂતરા જેવા લાગે છે. એઓ ઘેટાંને આડાંઅવળાં જવા દેતા નથી. જો સમાજને આપણે કારાગાર ગણીએ તો જ આપણા સહુની નિયતિ સમાજ છે એમ આપણે કહી શકીએ.
સર્જકની ઓળખાણ આપવી એ એટલું સહેલું નથી. આથી જ તો એમ કહેવાય છે કે સર્જકની ઓળખ સમય આપે છે. સમકાલીનો એને સાચી રીતે ન ઓળખે, એની ઉપેક્ષા થાય એમ પણ બને. વળી, સર્જક એ સંજ્ઞા વધુ વ્યાપક સ્વરૂપની છે. એમાં પ્રેમાનન્દનો અને ચન્દ્રકાન્ત બક્ષીનો પણ સમાવેશ થાય છે. એચ.જી.વેલ્સ અને વજિર્નિયા વુલ્ફનો પણ સમાવેશ થાય છે. બિથોવન, વાન ગોઘ, એડમંડ બર્ક, ફ્રાન્ઝ કાફકા અને હેન્રી જેઇમ્સને આ એક જ સંજ્ઞાથી ઓળખાવીશું? એથી એ પૈકીની કોઈ વિશિષ્ટતાનો સાચો પરિચય આપણને મળતો નથી. શિક્ષક જેને શીખવે છે તેને જવાબદાર છે તો નવલકથાકાર એની કૃતિ વાંચનારને જવાબદાર ખરો કે નહિ?
મારી કેટલીક જવાબદારી કોઈ પણ સામાન્ય નાગરિકને હોય છે તેવી જ હોય છે. મારી પ્રામાણિકતાથી મારા કુટુમ્બનું ભરણપોષણ કરવું જોઈએ. ગરીબોનું ધન મારે આંચકી ન લેવું જોઈએ. આંધળાને, વિધવાને અને અનાથને સહાનુભૂતિ બતાવી મારે મદદ કરવી જોઈએ. સ્વતન્ત્રતા જાળવવા મારા પ્રાણ સમર્પવા પડે તેવી સ્થિતિ પણ ઊભી થાય. આ બધાંમાંથી હું ચૂકું તો એટલે અંશે હું માનવ લેખે ઊણો ઊતરું અને સર્જક તરીકે તો એથી વધુ ઊણો ઊતરું. ગરીબો પ્રત્યે સહાનુભૂતિભરી હૃદયદ્રાવક કવિતા લખીને ગરીબોની ઉપેક્ષા કરનારા ક્યાં નથી હોતા? ગ્રામજનોના જીવનને સ્વર્ગસમું ગણાવીને એ સ્વર્ગ છોડીને મહાનગરમાં નરકમાં વસનારા ક્યાં નથી હોતા? પણ નવલકથાકાર તરીકે મારી બે ફરજો તો છે જ. હું સત્યને જે રૂપે જોઉં તે રૂપે એનું નિરૂપણ કરવું અને સર્જક હોવાને નાતે રાજ્ય પાસેથી કશા વિશેષાધિકારની અપેક્ષા ન રાખવી.
સત્ય કહેવાની વાત અટપટી છે. વાસ્તવમાં એ જ સહુથી સરળ વાત હોવી જોઈએ. સત્ય કોઈ છુપાવતું હોય તો ઉઘાડું પાડવું એવો એનો અર્થ અખબારી આલમમાં થતો હોય છે. આ ઉઘાડું પાડવાની રીત પણ ભારે સનસનાટીભરી હોય છે. પણ સર્જક તરીકે સત્યની વફાદારી એટલે યથાવત નિરૂપણની ચોકસાઈ. એનું મોઢું ધોળું પૂણી જેવું થઈ ગયું કે એ પવનમાં કેળનું પાન ધ્રૂજે તેમ ધ્રૂજવા લાગ્યો જેવા રેઢિયાળ પ્રયોગથી આપણે ઘણી વાર સત્યને પ્રગટ કરવાની જવાબદારી પૂરી ઉઠાવતા હોતા નથી. સર્જક તરીકે મારે જે વાતને અભૂતપૂર્વ રીતે કહેવી હોય તે રીતે કહેવાનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. જો હું એમ નહીં કરું તો સર્જક તરીકેના મારા અન્તરાત્માને ડંખે એટલું જ નહીં એથી હું સમાજને પણ છેતરતો હોઉં એમ બને. નવલકથા લોકપ્રિય પ્રકાર છે. આથી હું અનુભવને જે રીતે વર્ણવું તે સ્વરૂપે લોકો એને સ્વીકારવા પ્રેરાય. આથી મારી રીત સાચી નહિ હોય તો સમાજને હું છેતરું છું એમ જ કહેવું પડે. કળાની નીતિ અને સામાજિક નીતિને આપણે માનીએ છીએ તેટલું છેટું નથી.
20-11-81