સંસારનો ધ્વનિ

આ દિવસ – જાણે બપોર સુધી પહોંચ્યા પછી એકાએક થમ્ભી ગયો છે. વાલેરી જેવા કોઈ કવિની અધૂરી રહી ગયેલી પંક્તિના જેવો એ લાગે છે. શબ્દો તો ઘણા છે, પણ કોઈ યોગ્ય લાગતા નથી. ભાવ વધારે પડતો પ્રગટ તો રાખવો નથી. પણ અતિ ગૂઢ હોય તેનોય શો અર્થ? અથવા કાવ્યમાં આટલે સુધી આવ્યા પછી કવિને એકાએક એવું થઈ આવે છે કે આ અર્થની બલામાંથી જ છૂટી જઈએ તો કેવું! એકાએક ભાષા વ્યાકરણની વાડમાંથી છટકી નાસીને પહેલા વરસાદ પછી ઊગતા દુર્વાંકુર સાથે જાણે નવેસરથી ઊગવા માંડે છે.

ભાષાનો આ નવોદ્ગમ કેટલી મહત્ત્વની વસ્તુ છે! કાળનો પાસ બેઠેલા શબ્દો કવિતામાં નથી રુચતા. એ જાણે તરત જ ઉબાઈ ઊઠે છે. ધરતી તો એની એ જ છે. દુર્વાંકુરોને દર ચોમાસે ઊગતા જોયા છે પણ આકાશમાં ઘનશ્યામ અને ધરતી પર દુર્વાંકુરોનો સંયોગ ફરી જોવો ગમે છે. નવીનતા કદી આકસ્મિક નથી હોતી. એની પ્રશસ્ત ભૂમિકા કાવ્યના નાના પટમાં પણ ભાવક જોઈ શકે છે.

પંક્તિ અટકી ગઈ છે, ગતિ અવરુદ્ધ થઈ ગઈ છે. પાસેથી જ ચાલ્યા જતા સંસારનો ધ્વનિ સંભળાયા કરે છે. વચ્ચે વચ્ચે એ પંક્તિને ત્યાં જ છોડી દઈને બીજા કશાકનો આરમ્ભ કરવાનું મન થાય છે. પણ શ્વાસ રૂંધાતો હોય, બહાર નીકળવાનો રસ્તો નહિ હોય ત્યારે જ ઝંઝાવાત આવીને બધું અસ્તવ્યસ્ત કરી નાખે એવું આપણે નથી ઇચ્છતા? પણ ઝંઝાવાત ચાલી ગયા પછી આપણે, જૂની ટેવ પ્રમાણે, ફરી બધું વ્યવસ્થિત રીતે ગોઠવવા બેસી જઈએ છીએ.

આ વચ્ચેથી જ થમ્ભી ગયેલી પંક્તિ, અધૂરી રહી ગયેલી વાર્તા સર્જકના જગતને તો થમ્ભાવી જ દે છે. એ દરમિયાન લહિયાઓ તો બીજી પચ્ચીસપચાસ કવિતાઓ કે વાર્તાઓ ચીતરી ચૂક્યા હોય છે, પણ સર્જકને માટે તો આ થમ્ભી ગયેલી પંક્તિ આગળ ત્રણેય કાળ ભેગા થઈને મસલત કરતા સંભળાય છે. જે ભૂતકાળમાં હતું તે આખું ચક્ર ફરીને ભવિષ્યને દ્વારે થઈને કવિની ચેતનામાં નૂતનને રૂપે પ્રવેશે છે. રિલ્કેએ એના પત્રોમાં આવો અનુભવ નોંધ્યો પણ છે. જે પહેલાં સિદ્ધ થઈ ચૂકેલું ગણીને બાજુએ રાખ્યું હતું તે અધૂરું છે એવું લાગવા માંડે છે ને એને ફરી રમવા બેસી જઈએ છીએ.

સર્જકનો આ અનુભવ, એના કાલવ્યુત્ક્રમની આ યાત્રા, કૃતિમાં વર્તાય કે ન વર્તાય પણ કવિને એ સમયની બહારના, અવકાશમાંના કોઈ બિન્દુએ લઈ જાય છે. રિલ્કેના શબ્દોમાં કહીએ તો એ છે હૃદયભૂમિ – એ સમયના પરિમાણમાં નથી, એ અવકાશમાં જ છે. ત્યાંથી બધું જ સરખે અન્તરે હોય એવું ભાસે છે. ઉદય અને અસ્તની આખી પરિભાષા પછી બદલાઈ જાય છે.

કેટલાક કવિઓ અધૂરી રહી ગયેલી પંક્તિ પર ઈશ્વરના પ્રચણ્ડ પડછાયાને પથરાયેલો જોઈને નિ:શબ્દતામાં સરી પડે છે. પછી કવિતા અને પ્રાર્થનામાં કશો ફેર રહેતો નથી. અધૂરી રહી ગયેલી પંક્તિ આગળ એમને ઈશ્વરનાં પગલાં લાધે છે. પણ કેટલાક ચાલી ગયેલા ઈશ્વરનાં પગલાંનો પીછો પકડવાને બદલે સાથેના માનવીઓમાં મુખ જોવાનો આનન્દ જ માણતા રહે છે. અધૂરી રહી ગયેલી પંક્તિ તે વિરામસ્થાન તો નથી જ. એ આપણને આપણી શક્તિઅશક્તિનો ફરીથી અંદાજ કાઢી લેવાની ફરજ પાડે છે.

જેની કોઈ પંક્તિ અધૂરી રહી જ નહિ હોય એવા સર્જકને હું બડભાગી ગણતો નથી, મને એની ઈર્ષ્યા આવતી નથી. અપૂર્ણતા તો આપણો સ્વભાવ છે. પૂર્ણતાનું મહોરું પહેરીને ફરવાથી કાંઈ ઈશ્વરકલ્પ બની જવાતું નથી. છતાં અપૂર્ણતા, આંખમાં પડેલી કણીની જેમ, હંમેશાં આપણને ખૂંચ્યા કરે છે. ઘણા એવા છે જેને અપૂર્ણતા કોઠે પડી ગઈ હોય છે. પછી એમના જીવનમાં કશી મહત્ત્વાકાંક્ષા રહેતી નથી. એમની ગતિ જડતા તરફની જ હોય છે. આથી અધૂરી પંક્તિ એ તો લક્ષ્યને ચીંધતી તર્જની છે.

તો આ દિવસ જાણે એકાએક આટલે સુધી આવીને થંભી ગયો છે. હવે શાન્તિ તરફ જવું કે ઝંઝાવાત તરફ, પ્રખરતા તરફ જવું કે નમ્રતા તરફ તેનો જાણે હજી નિર્ણય થયો નથી. હજી બધી જ શક્યતાઓ ખુલ્લી છે. આ દ્વિધાની સ્થિતિ નથી, આ નવા નિર્ણયની ભૂમિ છે. વૈશાખના આ છેલ્લા દિવસે ગ્રીષ્મ વળાંક લઈને વર્ષા તરફ વળી છે. આકાશમાં ગઈ કાલ સુધીનો પ્રખર સૂર્ય વાદળ પાછળ ઢંકાઈ ગયો છે. દિવસ કઠે છે. થોડાક જ છાંટા પડ્યા, પણ બાળકો બધાં જ ઘરની બહાર દોડી આવ્યાં અને એ અભિષેકને આનન્દપૂર્વક ઝીલી લીધો. હવે લીમડાઓ ઝૂમી રહ્યા છે. દૂર ક્યાંક વરસી ચૂકેલા વરસાદની ભીનાશ હવામાં છે. મારું મન પણ હવે અધૂરી રહેલી પંક્તિ આગળથી નવું પ્રસ્થાન કરવા ડગલું ભરે છે.

11-6-78

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.