રૂઢિગત નવલકથાની મર્યાદા

એકનો એક પદાર્થ જુદી જુદી રીતે જોતાં બે રૂપે દેખાય એવાં ચિત્રો આપણે જોયાં છે. આર.એસ.ગ્રેગરીએ ‘The Intelligent Eye’ નામના પુસ્તકમાં એનાં ઘણાં દૃષ્ટાન્તો આપ્યાં છે. કાફકાએ આ વાત સમર્થ રીતે દર્શાવી આપી છે. આપણે સામાન્યત: જેને આપણું જગત કહીને ઓળખાવીએ છીએ તે વાસ્તવમાં તો હમણાં આ ક્ષણે, આપણે જે રીતે જોતાં હોઈએ છીએ તે પ્રકારનું જગત હોય છે. આ વાત કંઈક ક્લેશકર અને મૂંઝવી નાખે એવી છે. કારણ કે બીજી ક્ષણે, બીજી રીતે જોતાં, એ જગત વળી જુદે જ રૂપે દેખાવાનું છે. આપણી ચેતનાનો સ્વભાવ સંકુલતાને નકારી કાઢવાનો છે. કાફકાની વાર્તાનો નાયક આવી, ક્ષણેક્ષણે મૂંઝવી નાખે એવાં જુદાં રૂપો ધરાવનારી, વાસ્તવિકતાથી ઘેરાયેલો દેખાય છે. એની આજુબાજુનાં પાત્રો આ સ્થિતિને સ્વીકારીને ચાલતાં હોય એવું લાગતું નથી. ‘The Castle’માંનો કિલ્લો ખરેખર કઈ દિશામાં ક્યાં છે તે વિશે કોઈ કશી ચોક્કસ માહિતી આપી શકતું નથી. ઘણુંખરું પ્રમાદને કારણે આપણે ‘કોઠે પડી ગયેલી’ એક વાસ્તવિકતાને સ્વીકારીને ચાલતા હોઈએ છીએ. આથી જ તો કાફકા આપણને આ જગતને જોવાની નવી દૃષ્ટિ આપે છે એમ કહેવા કરતાં આપણી આંખ આગળના પડળને ખસેડીને એ વાસ્તવિકતાને જોવાનો સાચો અભિગમ આપે છે એમ કહીએ તો વધુ સાચું છે. એની કૃતિ વાંચ્યા પછી આપણને રૂઢિગત પરમ્પરાશ્રયી નવલકથાની મર્યાદા તરત સમજાઈ જાય છે. એવી નવલકથા આપણા રૂઢિગત જોવાના અને બોલવાના વ્યવહારને વશ વર્તીને જ ચાલતી હોય છે.

ઈંગ્લેંડમાં અઢારમી સદીમાં લખાતી નવલકથાની ધાટીને જ અનુસરીને આપણી મોટા ભાગની નવલકથાઓ રચાય છે. લોકસમ્મત એવું વાસ્તવિકતાનું અને જગત પરત્વેનું દૃષ્ટિબિન્દુ સ્વીકારી લેવાનો સહીસલામતીભર્યો માર્ગ એણે અપનાવી લીધો છે. પણ એમ કરવા જતાં સાહિત્યની જે વિશિષ્ટતા છે તેનું ઝાઝું ગૌરવ એણે કર્યું નથી. સાહિત્ય સત્યનું શક્ય તેટલા દૃષ્ટિબિન્દુથી આલેખન કરવાનું માથે લે છે. આથી જ એ અસંદિગ્ધતાને સ્વીકારે છે. પરિચિત વાસ્તવિક જોડે મેળ બેસાડીને વાચકને વિશ્વાસમાં લેવાની ખટપટમાં એ પડતો નથી. ઈંગ્લેંડમાં પણ અત્યારે કેટલાક નવલકથાકારો પરમ્પરાગત કથનરીતિને સ્વીકારીને નવલકથા લખે છે. એમાં વાચક જોડે સમ્મતિના સહીસિક્કા કર્યા પછી જ નવલકથાકાર કૃતિ રચવા બેસતો હોય એવું લાગે છે.

આ જગત બહુ સાદુંસીધું હોય છે : એમાં માનવી કાં તો પાપી છે ક્યાં તો નિર્દોષ, પણ એ પાપી અને નિર્દોષ બંને એકીસાથે નથી હોતો તો જરા અટપટું બની જાય અને બિચારા વાચકની મતિ મુંઝાઈ જાય એ કેમ પરવડે? પણ કોઈએ તો કળાકૃતિ વિશે વાત કરતાં એમ કહ્યું કે જે આપણને આત્મતુષ્ટિની ભ્રમણામાંથી જગાડીને મૂંઝવી નાખે તે જ કળાકૃતિ. પણ આવો નવલકથાકાર તો એક જ વસ્તુની વાત કરશે : હાથ ક્યાં તો નાજુક છે ક્યાં તો નબળા. એને કાફકાની વાત બેહૂદી લાગશે પણ પિરાન્દેલોએ બતાવ્યું છે તેમ નરી હકીકત પણ કેવા દૃષ્ટિકોણથી જોઈ શકાય છે! કાફકા જે સૂચવે છે તે આ : આપણે કશીક વસ્તુ કે કશાક અનુભવ વિશે એ આ છે અથવા આ છે એમ દૃઢતાથી કહી દઈએ છીએ તે તો સગવડ ખાતર, એથી વાસ્તવિકતાને પામવાનો દાવો ન કરી શકાય. છતાં કહેવાતા વાસ્તવવાદી નવલકથાકારો વિગતોનાં એકપરિમાણી વર્ણન આપી છૂટે છે. એમ કહીને એઓ આપણો જીવવાનો વ્યવહાર નિર્બંધ ચાલતો રહે એવું કરે છે, પણ આપણા મનમાં પ્રશ્ન થાય છે : એવા જીવનથી કે એવી વાસ્તવિકતાથી શું વળે?

આથી મગદૂરીવાળા સર્જકોએ સંકુલને સરળ બનાવવા માટે કશી બાદબાકી કરી નથી. કળાની પ્રતીતિકરતા એમાં નિરૂપાયેલી હકીકતના પર નિર્ભર રહેતી નથી. જો એવું હોત તો આંકડાઓ અને કોષ્ટકોથી આપણું કામ ચાલી ગયું હોત. એક અર્થમાં વાસ્તવિકતાના અર્થઘટનનો આ પ્રશ્ન દાર્શનિક પણ છે. પરમ્પરાગત નવલકથાકારોએ જે દૃઢતાથી સ્થાપી આપી તે વાસ્તવિકતા વિશે આપણા જમાનામાં દોસ્તોએવ્સ્કી, કાફકા, પૂ્રસ્ત, વજિર્નિયા વુલ્ફ વગેરે સર્જકોએ પ્રશ્નો ઊભા કર્યા. એ વાસ્તવિકતા પ્રત્યે આપણને બાવરું બાવરું જોતા કરી મૂક્યા. સાર્ત્રે તો ફલોબેરની નવલકથાની રચનાપદ્ધતિને પણ પડકારી હતી. સાર્ત્રને મન ફલોબેર એ ઘડીભર જંપવા ન દે એવો શત્રુ હતો. આથી તો જીવનમાં છેલ્લી ક્ષણોમાં પણ એઓ ફલોબેર સામેનો પક્ષ રજૂ કરતા રહ્યા.

નવલકથામાં વાંચવા લઈએ છીએ ત્યારે આપણે માનવીને જોવા માટે એ સૃષ્ટિમાં પ્રવેશીએ છીએ. આપણે નાયકને જોઈએ છીએ. એ આપણી જેમ જ રસ્તા પરથી જઈ રહ્યો છે. આમ તો આપણને એ મુક્ત લાગે છે, એની આડે કશા અન્તરાય નથી. આપણે એ જે રીતે જીવે છે તે જોતા જઈએ છીએ. વાર્તા પૂરી થતાં સુધીમાં એ અમુક દુસ્સાહસો કરશે, અમુક સંજોગોમાં મુકાતાં અમુક પ્રકારનો વ્યવહાર કરશે, એને નિર્ણયો લેવા પડશે. આમ કરતાં કરતાં ધીરે ધીરે એ જીવનનો અર્થ પામતો જશે. સાર્ત્રે તો કહ્યું છે : ‘We are condemned to meaning.’ આપણે આ અર્થથી બચી શકવાના નથી. આપણે એટલા માટે જ તો નવલકથા વાંચીએ છીએ. અર્થની જુદી જુદી ભાત આપણે જોવા ઇચ્છતા હોઈએ છીએ; અર્થ વિશેની એકવાક્યતા પામવા માટે આપણે નવલકથા વાંચતા નથી. જે શક્યતાઓ આપણી કલ્પના બહાર રહી ગઈ હોય તે કોઈ ચીંધી બતાવે તો તેનો આપણને આનન્દ થાય છે. આથી નવલકથાકાર પરમ્પરાગત જીવનવ્યવહારને પુરસ્કૃત કરે તેથી રાજી થઈ જવા માટે આપણે નવલકથા વાંચતા નથી. કશાક નવીનના આવિષ્કારને આપણે ઝંખતા હોઈએ છીએ.

સાર્ત્રે એમની આત્મચરિત્રાત્મક કૃતિ ‘The Words’માં પ્રખ્યાત ચિત્રકાર રાફાએલનો એક પ્રસંગ ટાંક્યો છે. બાળપણમાં રાફાએલને ધર્મગુરુ પોપને જોવાની બહુ ઇચ્છા હતી. એક વાર એની આ ઇચ્છા સન્તોષાય એવા સંજોગો ઊભા થયા. રાફાએલને એનાં માતાપિતા સેઇન્ટ પીટર્સના ચર્ચમાં લઈ ગયા. એ દિવસે પોપ લોકોને દર્શન આપવાના હતા. ભારે દબદબાથી પોપ એના રસાલા સાથે આવ્યા. ઘરે ગયા પછી પિતાએ રાફાએલને પૂછ્યું ‘કેમ તને પોપ કેવા લાગ્યા?’ રાફાએલે સામેથી પૂછ્યું. ‘કોણ પોપ? મેં તો કોઈ પોપબોપને જોયા નથી. મેં તો જુદા જુદા રંગો જ જોયા!’ રાફાએલની દૃષ્ટિ ચિત્રકારની હતી. એ પોતાના પ્રયોજન પૂરતું જ જોતો હતો, બાકીનું બાદ કરી નાખતો હતો. અર્જુન મત્સ્યવેધ વખતે કેવળ માછલીની આંખને જ જોતો હતો. પણ સાર્ત્રની દૃષ્ટિએ આ ભારે ખતરનાક રીત છે. એમાં કશો સંઘર્ષ વેઠ્યા વિના, ત્યાગ કર્યા વિના, વિકલ્પોનો સામનો કર્યા વિના, સીધી રેખાએ ચાલી જવાની વાત કરે છે. એથી તો જીવનનું વૈવિધ્ય અને એમાંથી નીપજતી સમૃદ્ધિને ન જોવા જેવું થાય છે. આપણું જીવન શક્ય તેટલા દૃષ્ટિકોણથી જોવાતું જાય અને વર્ણવાતું રહે તે ઇષ્ટ છે. ક્ષેત્રને મર્યાદિત કરીને આણેલી ચોકસાઈ એ સાહિત્યને માટે ઇષ્ટ નથી. માનવચિત્ત વાસ્તવિકતાની અખિલાઈને જીરવી શકે નહિ તેથી એની દયા ખાઈને વાસ્તવિકતાને કાપીકૂપીને આલેખવી, એમ કહીને એનો નિશ્ચિત અર્થ ઉપજાવી લેવો અને એથી કૃતકાર્યતા અનુભવવી તે સર્જકને માટે ઇષ્ટ નથી. સાર્ત્રની પહેલાં ડેનિશ ફિલસૂફ ક્યિર્કેગાર્દે આ જ વાત કહી હતી. એણે કહ્યું હતું કે આ બધાંના મૂળમાં અનિશ્ચિતતાનો ભય રહ્યો હોય છે. એણે જગતના પદાર્થો અને રસકીય પદાર્થો વચ્ચે વિવેક કરી બતાવ્યો હતો. એ બે વચ્ચેના ભેદને ભૂંસી નાખવા નહિ જોઈએ. આ રસકીય પદાર્થો અનેક છે અને એ દરેક આપણું ધ્યાન ખેંચતા હોય છે. આપણે આર્ટ ગેલેરીમાં ગયા હોઈએ તો ફરતાં ફરતાં એક પછી એક ચિત્ર જોતા જઈએ. એવી જ રીતે કોઈ બે ઘટના એકસરખી ભાગ્યે જ હોઈ શકે. આથી જીવનમાં રહેલા આ વૈવિધ્યમાંથી આપણે આપણી પસંદગી કરવાની રહે છે; એટલે કે પુરસ્કાર-તિરસ્કારનો વિવેક કેળવવાનો રહે છે. પણ કળામાં આપણે એવું કરતાં નથી. ક્યિર્કેગાર્દ કહે છે કે નૈતિક વ્યવહારના ક્ષેત્રમાં આ અથવા બીજું એ રીતે વિચારવાનું હોય છે, જ્યારે રસના ક્ષેત્રમાં આ અને આ એ રીતે આપણે જોતા હોઈએ છીએ.

ક્યિર્કેગાર્દ માટે આ સમસ્યા હતી : પુસ્તકોમાં જે પક્ષિલતા અને વિકૃતિકરણ જોવામાં આવે છે તેનો બોધ શી રીતે કરાવવો? એ કરાવવા માટે પણ પુસ્તકોનો જ આશ્રય લેવાનો રહે! આથી જ તો આપણે આપણા જમાનામાં પ્રતિ-નવલકથા અને અ-કવિતાની વાતો કરીએ છીએ. સર્જક પોતે રચેલી સૃષ્ટિમાં વાચકને લઈ જાય છે અને પછી એને એ ઉગ્રપણે ભાન કરાવે છે કે એ જગત નથી; પણ પુસ્તક છે.

નીત્શેએ એક સ્થળે કહ્યું છે, ‘મને ભય છે કે હજી આપણે ઈશ્વરમાંથી છૂટ્યા નથી, કારણ કે હજી આપણને વ્યાકરણમાં શ્રદ્ધા છે.’ એનું કહેવાનું તાત્પર્ય કદાચ આ છે : હજી ઈશ્વર એક પરમ તત્ત્વ તરીકે, આપણા સન્દર્ભને અતિક્રમીને નિયન્ત્રિત કરી રહ્યો છે. આપણા જીવન પર અર્થને આરોપિત કરી રહ્યો છે એમ લાગે છે, કારણ કે આપણા વ્યાકરણની સંરચનાનું સમીકરણ માંડીએ છીએ. આપણે માનીએ છીએ કે જગતમાં પણ કર્તા અને કર્મ છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ છે; અલ્પવિરામ અને પૂર્ણવિરામ છે. આથી અદ્યતન કળા નીરવતા તરફ, નિ:શબ્દતા તરફ જઈ રહી છે. એમાં જાણે ભાષા દ્વારા જ ભાષાનો વિલય સિદ્ધ થઈ રહ્યો છે. ગેબ્રિયલ જોસિપાવીચીએ આ જ વાત સચોટ રીતે આમ સમજાવી છે. આપણા જીવનનો મોટો ભાગ આપણે બંધ બારીએ ગાડીમાં મુસાફરી કરતા માણસની જેમ જીવતા હોઈએ છીએ. બધું દૃષ્ટિગોચર ગાડીની ગતિએ જ આગળ વધતું એને લાગે છે, આથી એ એવું કલ્પે છે કે જાણે કશું ગતિ કરતું જ નથી. પણ હવે અદ્યતન સાહિત્યમાં આપણે એ બંધ બારીઓ ખોલી નાખી છે. આથી બહારના જગતને સ્થિર જોતાં આપણને આપણી ગતિનું ભાન થાય છે. પણ ભાષા અને આપણી ચેતના તો આપણી સાથે ગાડીમાં છે; આથી બહાર એવું કશું નથી જેને આધારે આપણે આપણી ગતિને પારખી લઈ શકીએ. અદ્યતન સર્જકોએ આપણને એકાએક આનું ભાન કરાવ્યું છે. શબ્દો બોલાઈ ચૂક્યા પછી નિ:શબ્દતામાં વિલય પામે છે અને પુસ્તક લખાઈ ચૂક્યા પછી આગળ વધીને એવા બિન્દુએ પહોંચે છે, જેને વિશે કોઈ પુસ્તકમાં કશું કહી શકાતું નથી.

23-11-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.