ક્લારા માફેઇ એ જમાનાની મિલાનની એક જાણીતી સન્નારી હતી. એને ત્યાં દેશદેશના કવિઓ અને કળાકારો આવતા. 1837ની એક રાતે બાલ્ઝાકે એની સુવિખ્યાત નેતરની હાથલાકડીથી ક્લારા માફેઇનાં બારણાં ખખડાવ્યાં હતાં. એ જ શેરીમાં મોન્તાલે રહે છે. પંદર નંબરનું મકાન. છેક ઉપલે માળે, બધી બાજુથી ઝરૂખાવાળા, એક મકાનમાં એઓે રહેતા હતા. પણ ઘરની માલકણ બાઈની દીકરી પરણવાની હતી એટલે એણે ઘર ખાલી કરાવ્યું. મોન્તાલે આથી ખૂબ નારાજ હતા. આ વિશે એમણે ધૂંધવાઈને કહ્યું હતું, ‘કાયદાની દૃષ્ટિએ એ બાઈ સાચી હતી, પણ નૈતિક દૃષ્ટિએ ખોટી, કારણ કે એ તો લક્ષાધિપતિ છે. એને શાની ખોટ!’
કોઈ મુલાકાતી આવે તો આરસનાં પગથિયાં આગળ ઊભા રહીને મોન્તાલે એને આવકારે છે. આંખ પર જાડી ભ્રમર છે, એને કારણે એ ભ્રમર ઊંચી થતાં એમના મોઢા પર વિસ્મયનો ભાવ હોય એવું આપણને લાગે. એમનું હરવુંફરવું ધીમી ગતિએ થતું લાગે પણ મન ભારે ચપળ, સતેજ. બધી વિગતો તરત જ નોંધી લે. સ્વભાવમાં મૃદુતા. એમના જીવનકાળ દરમિયાન એમણે ત્રણ રાજ્યક્રાન્તિઓ, હિરોશિમા, બે વિશ્વયુદ્ધ – આ બધું જોયું. એ બધું એમનાથી જીરવી શકાયું નથી.
હવે તો ઇટાલીમાં બધા જ પ્રકાશકો એમની કવિતા છાપવા આતુર છે, પણ હજી ઈંગ્લેંડમાં એવી પરિસ્થિતિ નથી. મોન્તાલે ઇટાલીની સેનેટના સભ્ય છે. ત્યાં સભાગૃહમાં એઓ ડાબી બાજુ કે જમણી બાજુ બેસતા નથી, પણ વચ્ચે બેસે છે! કોઈ અગત્યના મુદ્દા પર મતદાન થવાનું હોય ત્યારે બંને બાજુથી ખેંચાખેંચ થાય છે. ‘જ્યારે લગ્નવિચ્છેદનો મુદ્દો આવ્યો ત્યારે મને ડાબી બાજુ ખેંચવાનો પ્રયત્ન થયો.’
આમ બાંધો એકવડો, હાડકાં નાજુક, હાથનાં કાંડા નાનાં અને લાંબી પાતળી ગંઠાયેલી આંગળીઓ, લગ્ન વખતની વીંટી હજી એક આંગળી પર છે. બધું જ જરૂર પૂરતું – ચાલવું, બોલવું, હસવું. એમના હાથ કોણી નીચેથી જ માત્ર સહજ હાલે. સિત્તોતેર વર્ષ થયાં છે, પણ મુખ પર તરવરાટ છે, ઝાઝી રેખાઓ નથી. માત્ર આંખ આગળ કરચલીઓ છે. પચાસ વર્ષની અનિદ્રાની એ નિશાની છે! ફ્રેન્ચ નવલકથાકાર પ્રૂસ્તની નવલકથાના કોઈ પાત્ર જેવા એઓ લાગે છે એવું ડેગાએ નોંધ્યું છે. એમનાં સ્મરણો અદૃશ્ય એવી રજની જેમ ઓરડામાં બધે છવાયેલાં લાગે છે.
કોઈ એમને પ્રશ્ન પૂછે છે ત્યારે એમની આંખો સંકોચાય છે. એ આંખોમાં હજી જાણે કિશોરવેળાની ભૂરી તાજગી સચવાઈ રહી છે. એમનાં પત્નીને એઓ વહાલથી ‘માખી’ કહીને બોલાવતા. એમને અહીંથી તહીં દોડાદોડ કરવાની બહુ ટેવ હતી, તેથી એવું નામ પાડ્યું હતું. એમનું 1963માં અવસાન થયું. એમને આંખે ઝાઝું દેખાતું નહીં. કોઈક વાર દર્પણમાં પોતાના પ્રતિબિમ્બને જ ઓળખતાં નહીં ને અથડાઈ પડ્યા હોય એવા ખ્યાલથી ‘એને માફ કરજો’ એવું કહેતા. મોન્તાલે ખુરશી પરથી ઊઠી ગયા હોય પછી પણ એ ખુરશીને સમ્બોધીને વાત કર્યા કરે! એમણે એકબીજાંને બોલાવવા માટે અમુક રીતે સીટી બજાવવાનો સંકેત કરેલો – બે પંખીની જેમ એઓ ટહુકાથી વાતો કરતાં. ચારે બાજુનાં જીવન વચ્ચે એક નાનો દ્વીપ રચીને એઓ જીવતાં.
મોન્તેરોસ્સોમાં એમનો જન્મ થયેલો. દરિયાકાંઠેનું એ ગામ હવે તો વિકસ્યું છે. એ વેળાની મારીઆ બોદિયોની નામની નોકરબાઈ પ્રત્યે એમને ભારે હેત. એ બાઈએ એમના કુટુમ્બમાં પાંસઠ વર્ષ સુધી કામ કરેલું. નેપોલિયન એ ગામમાંથી પસાર થયેલો ત્યારે એણે એને જોયેલો એવી એ બડાશ મારતી.
મોન્તાલેનો અવાજ એક સરખા ધ્રૂમપાનથી કંઈક ઘોઘરો બન્યો છે. યુવાન વયમાં તો એમણે ગાયક થવાનાં સપનાં સેવેલાં. પણ એ સાથે બીજા શોખ પણ ખરા. એમને ચિત્રો આંકવાનો પણ શોખ અને કવિતા લખવાનું પણ ગમે. એઓ કહે છે, ‘મોટા ગાયક થવા માટે પ્રતિભા અને બાઘાઈ બંનેની જરૂર પડે. કદાચ મારામાં પૂરતા પ્રમાણમાં બાઘાઈ નહોતી!’ પણ હજી એમણે ચિત્ર આંકવાનું ચાલુ રાખ્યું છે. હજી હમણાં જ એમણે રંગને સ્થાને કોફી અને દારૂનો ઉપયોગ કરીને ચિત્રો દોર્યાં છે. એઓ સારા ચિત્રકાર થઈ શક્યા હોત. પણ એઓ સ્વભાવે બહુ સંકોચશીલ અને શરમાળ છે. લોકસમુદાયનો સામનો કરવાનું એમનું ગજું નહીં. કોઈ તખલ્લુસથી ચિત્રો દોર્યાં હોત તો ચાલત! એમનામાં અવકાશરચના કરવાનું કૌશલ છે. જૂની શૈલીના ‘નેચરાલિસ્ટ’ ચિત્રકાર એઓ થઈ શક્યા હોત એવું એમનું માનવું છે.
અંગ્રેજ લેખકો પૈકીના થોડાકનો એમનો પરિચય છે ખરો, પણ મૈત્રી કેળવવા જેટલો નહીં. એલિયટને મળેલા : ‘એમને મળવું એટલે બિલકુલ ઘડિયાળને કાંટે.’ બ્રિટિશ કાઉન્સિલે યોજેલા એક સમારમ્ભમાં એઓ એલિયટને મળેલા – માત્ર દસ મિનિટ. ભોજન સમારમ્ભમાં એલિયટનું દાંતનું ચોકઠું ખોવાઈ ગયું. આથી એઓ મુંઝાયા અને શિષ્ટાચાર ઝાઝો નહીં સમજનારા ઇટાલિયન લેખકો હસ્યા. ઓડેનનો પણ એમનો થોડો પરિચય ખરો.
એવું કહેવાય છે કે ઇટાલીની યુદ્ધોત્તર કવિતા મોટે ભાગે એન્ગ્લો સેક્સન કવિતાને અનુસરનારી છે. એના અંગ્રેજીમાં ફરીથી અનુવાદ કરીએ તો અંગ્રેજી કવિતા જેવી જ લાગે. ગદ્ય પર અંગ્રેજીની વધારે અસર છે એવું મોન્તાલે પણ માને છે. નવી કવિતાના પુરસ્કર્તાઓ પણ હવે તો પચાસને આરે પહોંચ્યા છે. મોન્તાલે કહે છે, ‘આજે કવિઓનું મૂલ્યાંકન એ શું કહે છે તેને આધારે નહીં, પણ એ કેવી રીતે કહે છે તેને આધારે થાય છે.’ એમના પર સંરચનાવાદી વિવેચનની અસર છે. સંરચનાવાદ ઇટાલીની નીપજ નથી. પણ સેગ્રે, કોર્તે, દ’આવાલ્લે જેવાનું એ શાખામાં જે અર્પણ છે તે નોંધપાત્ર છે. ક્રોચેએ કાવ્ય-અકાવ્ય વચ્ચે જે ભેદની ભૂમિકા સમજાવેલી તે વિશે આ લોકોને શંકા છે.
સારા વિવેચકનું કામ ભાવકને કૃતિના આસ્વાદને માટે અનિવાર્ય એવી વિગતોથી માહિતગાર કરવાનું છે, એવું મોન્તાલે માને છે. એમણે લુસિયો વિક્કોલોને બહાર લાવવામાં મદદ કરેલી.
‘કટલફિશ બોન્સ’ (ઓસ્સિ દિ સેપ્પિયા)ની સૃષ્ટિમાં અર્ધાં સુકાઈ ગયેલાં ખાબોચિયાં, ખાડામાંથી ઇલ માછલીને ઓળખતો કોઈ કિશોર, કોઈ વૃક્ષની સુકાઈને અમળાઈ ગયેલી ડાળ જેવા શબ્દો, ખરબચડી પર્વતની ધાર, ઝાંખરામાંથી સફાળો કૂદતો ઉંદર, અર્ધા ચન્દ્રનું સૂર્ય તરફ સરતું શીંગડું, સુકાઈને વળી ગયેલા પાંદડાનું કરકરાપણું, અધખુલ્લું બારણું, પૃથ્વી અને સમુદ્રની સતત એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલ્યા કરતી ગતિ – આ બધાં દ્વારા પરસ્પરવિરોધી એવી આદિમ વાસનાઓના સતત ચાલ્યા કરતા સંઘર્ષનું ચિત્ર જોવા મળે છે. એ સંગ્રહ 1925માં પ્રસિદ્ધ થયેલો. લિગુરિયાના દરિયાકાંઠે કવિએ ગાળેલા દિવસોનો એમાં આલેખ છે. એમાં કવિના ‘પાષાણવત્ વિષાદ’ભર્યા દિવસોનાં સંસ્મરણો આલેખાયેલાં છે. એનું કશું નામ પાડી શકાય એમ નથી. મોન્તાલે વેદનાની વાત કરતાં કહે છે, ‘કાચ જડેલી વંડી પર ઉઘાડે પગે ચાલવા જેવી એ વેદના હતી અથવા તો કટલફિશના અણીદાર હાડકાં પર ચાલવા જેવું એ હતું.’
બે વિશ્વયુદ્ધોના ગાળામાં પ્રસિદ્ધ થયેલી મોન્તાલેની કવિતા વિશે વિવેચકોએ મૂંઝવી નાખે એવાં અર્થઘટનો કર્યાં છે. કાવ્યનો પાઠ અને એનું અર્થઘટન આ બે વચ્ચે ભારે વિરોધ નજરે પડે છે. રાજકારણ પરત્વેની કવિની ઉદાસીનતા એમાં પ્રગટ થાય છે એવું કેટલાક વિવેચકોએ કહેલું. પણ કવિતામાં તો દરેક કલ્પન વ્યક્તિગત, અંગત અને અન્ય માનવીઓથી નિરપેક્ષ રીતે યોજાયું હોય છે એવું મોન્તાલેનું કહેવું છે. બીજા વિશ્વયુદ્ધથી અમને નિર્ભ્રાન્ત થવાની કેળવણી મળી એમ કહેવાનો શો અર્થ? ‘કટલફિશ બોન’માં યુદ્ધનો પરાણે અછડતો નિર્દેશ માત્ર છે. એમાં કવિ તો પોતાને ‘આખી શૃંખલાની એક નબળી કડી’ રૂપે જ જુએ છે. જગત સાથે એ લાચારીભર્યો વિસંવાદ અનુભવે છે. એને તો પોતાનું અસ્તિત્વ સુધ્ધાં શંકાસ્પદ લાગે છે. એઓ કહે છે, ‘કદાચ કોઈ એક સવારે, કાચ જેવી કકરી હવામાં એકલો એકલો ચાલતો હોઉં ત્યારે હું પાછું વાળીને ચમત્કાર થતો જોવાની આશા રાખું છું. મારી પાછળનું શૂન્ય, કોઈ દારૂડિયાના મનમાં વ્યાપેલા ભય જેવું શૂન્ય, જ માત્ર ક્ષિતિજ સુધી પ્રસર્યું હોય… પછી તમને જો ગમે તો આ મારી ફરિયાદ કરતી જિન્દગીને કાળા પાટિયા પરથી શિક્ષક દાખલો ભૂંસી નાખે તેમ ભૂંસી નાખજો… કેવળ બળી જવું, એ સિવાય મારા જીવનનો કશો મર્મ નથી!’ એ સંગ્રહ જ એક સાથે બળતા અને ઠરી જતા માનવીની વેદનાનો ઉદ્ગાર છે. દુનિયા સાથે ત્રાગું કરીને છેડો ફાડી બેઠેલા કોઈ બૌદ્ધિક બુર્ઝવાનું એ નાટક નથી. એમાં વ્યક્તિગત એકાન્તથી પીડાતા, પોતાનામાં ઘર કરીને બેઠેલા કશાક અજાણ્યા વિષાદને મૂળસોતો ઉખાડીને ફેંકી દેવા ઇચ્છનાર જુવાનના સંતાપનું આલેખન છે. એમાં એક ‘અંગત વાસના’ અને એની ‘મધુરી ધમકી’ના નિર્દેશો છે. ‘મેં એક રસ્તો લીધો, પણ મારા હૃદયમાં તો એથી વિરુદ્ધની દિશાનું નિમન્ત્રણ જ રણક્યા કર્યું.’ આ મધુરી ધમકી જ નરકનું આશ્વાસન હતી?
એમાં જે નારી છે તેને મુખ નથી, કાયા નથી, એવું વિવેચકો કહે છે પણ મોન્તાલેની સૃષ્ટિમાં સ્ત્રીઓ ‘નારી’ છે, ‘સાયરેન’ છે, ‘ફેન્ટમ’ છે. એમનાં ઉદાત્ત ‘લલાટ’નો એમાં ઉલ્લેખ હોય છે. યૌનસમ્બન્ધ વિશેનો પરોક્ષ સરખો પણ નિર્દેશ એમાં હોતો નથી. એમાં અધૂરપ અને કારાવાસની વાતો કલ્પનો દ્વારા પ્રગટ થઈ છે.