હમણાં-હમણાં સ્વિસ નાટ્યકાર અને નવલકથાકાર મેક્સ ફિશનું નામ નોબલ પારિતોષિક માટે બોલાવા માંડ્યું છે. એમની લેખક તરીકેની કારકિર્દી 45 વર્ષ જેટલી લાંબી છે. એમની કૃતિઓમાં વૈવિધ્ય સારા પ્રમાણમાં છે. એ ઉપરાંત શૈલીની મૌલિકતાના ગુણ તરત આપણને આકર્ષે છે. એમનાં નાટકોનાં કેટલાંક રૂપાન્તરો આપણે ત્યાં મરાઠી ગુજરાતીમાં થયા છે. નવલકથાકાર તરીકે આપણે એમને ઝાઝા ઓળખતા નથી. નિબન્ધકાર તરીકે પણ પશ્ચિમમાં એમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. બે ખણ્ડોમાં એમણે એમની નોંધપોથીઓ પણ પ્રગટ કરી છે. એમાં લેખકનું વ્યક્તિત્વ એકદમ હાથ આવી જતું નથી. એમને તો માત્ર એમની કૃતિઓ દ્વારા જ પામવાના રહે છે. એમણે એક સ્થળે કહ્યું છે, ‘અમુક પ્રકારના વાચકો સમક્ષ હું મારી વાર્તાઓ રજૂ કરતો રહ્યો છું. એ વાર્તાઓમાં મેં મારી જાતને ખુલ્લી મૂકી દીધી છે. તે એટલી બધી માત્રામાં કે હવે લોકો મને ઓળખી શકતા નથી.’
એઓ પોતાને વિશે લખતા હોય છે ત્યારે બિલકુલ બિનંગત રૂપે લખતા હોય છે. એમનાં નાટકો અને નવલકથાઓ બે જુદી જુદી વ્યક્તિની રચનાઓ હોય એવું લાગે છે. એમનાં નાટકોમાં બ્રેખ્તને અનુસરીને એઓ રાજકારણનો મર્મ પ્રગટ કરતી ‘પેરેબલ’ રજૂ કરે છે. જે સમસ્યા નાટકમાં રજૂ કરે છે તેના સમ્ભવિત નિરાકરણને એઓ સૂચવે છે. એમની નવલકથાઓમાં ઝાઝું વૈવિધ્ય દેખાય છે. એ દરેકમાં એક કેન્દ્રવર્તી પાત્ર રહ્યા કરે છે. એ ક્યાં તો પોતાનામાંથી જ ભાગી છૂટવા વલખાં મારવા મથતું હોય છે. અથવા તો બીજાઓ એની જે વ્યાખ્યાઓ બાંધે છે તેની જટાજાળમાંથી છૂટવા મથતું હોય છે. અથવા તો એને ખૂબ મોડું-મોડું સમજાય છે કે એ પોતાને જે રીતે જોતો હતો તેવો નથી. લેખકના વ્યક્તિત્વની જેમ આ નવલકથાઓ પણ છટકિયાળ છે. એમાં રહેલો કટાક્ષ આપણને વિચાર કરતા કરી મૂકે છે. આક્રમક બનાવતો નથી. એમાં કોઈ ચોક્કસ પ્રકારનો નીતિબોધ હોતો નથી. એમાં રહેલી અનેક અર્થચ્છાયાઓ અમુક એક નિશ્ચિત અર્થના બોધને શક્ય બનાવતી નથી. એમાં જે સમસ્યા રજૂ થાય છે તેનું નિરાકરણ ઝટ થઈ શકે એવું લાગતું નથી. માનવના સન્દર્ભના પરિપ્રેક્ષ્યમાં એ સમસ્યાની માંડણી થાય છે. તમે એ સમસ્યા ટાળીને ચાલવા જાવ તો માનવતાને જ ટાળવા જેવું થઈ પડે. એમની તાજેતરમાં અનૂદિત થયેલી નવલકથા ‘મેન ઇન ધ રોલોસિન’ વિશે પણ આવું જ કહેવું પડે.
નવલકથાનું કથાનક સંક્ષેપમાં જોઈએ : ચુમ્મોતેર વર્ષનો જૈફ હેર ગેઇઝર વિધુર છે. નિવૃત્ત ઇજનેર છે. પશ્ચિમમાં આલ્પ્સની પર્વતમાળાના ઢોળાવ પર ટિસિનોમાં એ રહે છે. એક અઠવાડિયાથી લાગલગાટ વરસાદ પડ્યા કરે છે. કરા પડવાથી બધા ગુલાબ મરી ગયા છે. વાડામાંની વંડી પડી જવાથી બેટ્યુસને નુક્સાન થયું છે. ટેલિવિઝનના પરદા પર છબિઓ સરખી ઝિલાતી નથી. વીજળી ઘડીકમાં જાય છે અને ઘડીકમાં આવે છે. રસ્તા ઉપરના ભાગ પરથી કાદવ ધસી પડ્યો છે. ટપાલ લાવનારી બસનું હોર્ન પણ સંભળાતું નથી. ઉપરથી ખડકો ધસી પડવાનો પણ ભય રહે છે. પૂર આવે તો બધું જળબંબાકાર થઈ જશે એવું એ વિચારે છે. ધુમ્મસના કારણે થોડાં ડગલાં છેટે રહેલું પણ દેખી શકાતું નથી. સુકાઈ ગયેલી રોટલીના ટુકડામાંથી પેગોડા બાંધવામાં એ વખત ગાળે છે. વાદળની ગર્જના કેટલા પ્રકારની છે તે નોંધે છે. એના સોળ પ્રકાર તો એણે વરત્યા છે. વરસાદના પણ બાર પ્રકાર એણે નોંધ્યા. ‘સ્મરણ વિના જ્ઞાન ટકે નહિ.’ એ એનું પ્રિય સૂત્ર છે. પાયથાગોરિયન થિયરમ હજી એને યાદ છે. પણ ‘ગોલ્ડન સેક્શન’ યાદ નથી. એ ચોપડીમાંથી જોઈ લેવું પડે છે. એ ચોપડીમાંથી ઉતારી લે છે અને એની કાપલીને દીવાલ પર ચોંટાડી રાખે છે. બીજી મહત્ત્વની યાદ રાખવા જેવી વાતો પણ દીવાલ પર ચોંટાડી રાખે છે. ‘હંમેશાં કોઈ પણ પરિસ્થિતિ માટે તત્પર રહેવું’, ‘માછલીઓ ઊંઘતી નથી.’ આ ઉપરાંત જુદા-જુદા પુસ્તકમાંથી ઉતારા કરીને એ બધાને પણ ભીંત પર ચોંટાડી રાખે છે. બાઇબલમાંથી પણ એણે ઉતારા કર્યા છે. (‘પૃથ્વી કશા આકાર વિનાની શૂન્ય જેવી હતી,’ ‘અને જળનું બધે વર્ચસ્વ હતું)’ એ સ્થળના જૂના ઇતિહાસની વિગતો પણ એણે ચોંટાડી રાખી છે. એનસાયક્લોપિડિયામાંથી જન્તુવિદ્યા વિશેનાં વાક્યો પણ એણે ચોંટાડી રાખ્યાં છે. પ્રાકૃતિક ઉત્પાતો, માનવીની ઉત્ક્રાન્તિ, સરિસૃપોનો યુગ, માનવનું રૂપાન્તર, સ્મૃતિભ્રંશ – આ બધાં વિશેની વિગતો લખી લખીને ચોંટાડી રાખે છે.
એના અક્ષર ખરાબ અને લખી લખીને ચોંટાડવામાં સમય પણ ઝાઝો જાય. આથી પછી તો એ સીધું પુસ્તકમાંથી કાપી કાપીને ચોંટાડવા લાગે છે. પણ એની કાતર ખોવાઈ જાય છે. ‘નેઇલ કટર’થી એ કામ ગબડાવે છે. હવે દીવાલ પર ઝાઝી જગા રહી નથી. પ્લાસ્ટર પર કાગળ ચોંટતો નથી. ભેજથી કાગળો કોકંડુ વળી જાય છે. પવનને કારણે કાગળો ઊખડીને ઊડી જાય છે. બહુ ઊંચે ચોંટાડેલા કાગળો પર લખેલું વાંચી શકાતું નથી. વળી એનાં ચશ્માં પણ ભાંગી જાય છે. સૂક્ષ્મદર્શક કાચથી પણ છેક ઉપરના કાગળનું લખાણ વાંચી શકાતું નથી. ધુમ્મસને કારણે બાયનોક્યુલર પણ નકામાં થઈ ગયા છે.
એની છાવણીમાં એક કાચીંડો પેસી જાય છે. કયો વાર થયો છે એ જાણવા એ પાસેના ગામમાં જાય છે. પણ એ પૂછવાનું જ ભૂલી જાય છે. એ દરમિયાન પેલો કાચીંડો બેઠકના ઓરડામાં આવે છે. પાવડાથી ઊંચકીને એને ગેઇઝર બહાર ફેંકી દે છે. એ કોઈક વાર જુએ છે તો ફ્રીઝ, હોટપ્લેઇટ, ટેલિવિઝન, ટેલિફોન, બોઇલર આ બધું રહી રહીને બંધ પડી જતું હોય છે. એ ખાવાનું સુધ્ધાં ભૂલી જાય છે. આખા ગામમાં જ વીજળી બંધ થઈ ગઈ હોવી જોઈએ. કારણ કે દેવળના ટકોરા પણ સંભળાતા નથી. કાચીંડો ફરી છાવણીમાં દેખાય છે. કાચીંડો એક જ છે કે પછી બે? એકને ગેઇઝરે બહાર નહોતો ફેંકી દીધો? એ દર્પણમાં પોતાને જુએ છે. તો કાચીંડા જેવો લાગે છે. આ દરમિયાન વરસાદ તો પડ્યા જ કરે છે.
ગેઇઝર ક્યાંક નાસી છૂટવાનું વિચારે છે. એક ઘાટમાં થઈને નીચે ઊતરતો ઊતરતો એ ઇટાલીના એક ગામમાં જઈ પહોંચે છે. ગામથી થોડેક દૂર હશે ને ફરી એ પોતાના ઘર તરફ, કાદવ ખૂંદતો પાછો વળે છે. એ દરમિયાન એની છત્રી ક્યાંક પડી જાય છે. પછી એ દાદર ચઢતાં નીચે ગબડી પડે છે. દાદરના કઠેડા એણે કરોળિયાનાં જાળાં સાફ કરવા તોડીને વાપર્યા છે. એ ચૂલો પાસે જઈ પડે છે. એ અંદરથી બારણું વાસી દે છે. જાળિયાં પણ બંધ કરી દે છે. આજુબાજુના ગામવાસીઓ આશ્રય લેવા આવે છે, તેને ભગાડી મૂકે છે. બારણે ઘંટડી વાગ્યા જ કરે છે, પણ એ કોઈને જવાબ આપતો નથી. આખરે એની દીકરી બાસેલથી આવી ચઢે છે. એ ચા કરીને આપે છે ત્યારે એની આંખ ભીની થઈ જાય છે. એ હસે છે તે હોસ્પિટલની નર્સ જેવું. એના બાપ જાણે બાળક હોય એ રીતે એની જોડે વાત કરે છે. ગેઇઝરનું માથું દુ:ખવા લાગે છે. એના ડાબી આંખનાં પોપચાં અને મોઢાનો ડાબો ખૂણો જુદાં પડી જાય છે. પછીથી એન્સાયક્લોપિડિયામાંથી જમીનનું ધોવાણ, મરણ પછીનું જીવન વગેરે વિશેની એ કાપલીઓ કાઢે છે. એમાં ભયની વાત છે. એ બધું આ પરિસ્થિતિ જોડે અદ્ભુત રીતે મેળ ખાતું હોય છે. કોણ જાણે ફ્રીશે પોતે જ એ બધું આ પરિસ્થિતિ જોઈને લખ્યું નહીં હોય! પુસ્તકનો એક ચતુર્થાંશ ભાગ આ લખાણ રોકે છે. એથી બીજી બધી વાતોમાં વસ્તુલક્ષિતાનું તત્ત્વ પ્રવેશતું હોય એમ લાગે છે. એ બધાં દ્વારા ગેઇઝર જાણે પોતે કાચીંડો નથી, એવું પુરવાર કરવા મથી રહ્યો છે.
આ બધી વિગતો, પુનરાવર્તનો અને સંયોજનોને કારણે આ કૃતિ જીવન્ત બની રહી છે. એ બધું આપણને રસ પડે એવું છે. આથી ‘આ બધાંનો અર્થ શો?’ એવો પ્રશ્ન પૂછવા આપણે રોકાતા નથી. નવલકથા વાંચી લીધા પછી આ બધું ફરીથી મનમાં વાગોળ્યા કરીએ છીએ. એમાંનાં કેટલાંક સૂત્રો કદાચ આપણને પણ સંભારવા ગમે. 1. માનવીઓ વાસ્તવિકતાને આત્મલક્ષી બનાવે છે, નવલકથા માનવીની આત્મલક્ષિતાને વસ્તુલક્ષી બનાવે છે. 2. આપણું માનવ્ય આપણા જ્ઞાન પર આધાર રાખે છે, જ્ઞાન સ્મૃતિ પર આધાર રાખે છે. જો સ્મૃતિ નહીં હોય તો આપણે પણ કાચીંડા બની રહીએ. 3. જ્ઞાન એક પ્રકારનું બખ્તર છે. પ્રાકૃતિક ઉત્પાતો સામેનું રક્ષાકવચ છે. એ આપણામાં થતા લાગણીના ઉત્પાતોથી આપણને બચાવી લે છે. પણ જેટલું મન નક્કર તેટલું જ્ઞાન નક્કર. 5. એકલવાયાપણું માણસને ગાંડો બનાવી દે છે. 6. તમે એટલે તમારું મન. એમાં જે બહારથી પ્રવેશે તે પણ એનો જ અંશ બની રહે છે. 7. દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો.
8-1-82