સોલ્ઝેનિત્શિન અને રશિયા : 1

ઓગણીસસો સાઠની આસપાસ રશિયામાં કહેતી થઈ ગઈ હતી : ‘તમે સોલ્ઝેનિત્શિન વિશે શું માનો છો તે કહો એટલે તમને અમે ઓળખી લઈશું.’ આજેય આપણે સોલ્ઝેનિત્શિનને મહાન સર્જક કહેવા કે કેમ તે વિશે ભલે વિવાદ કરીએ, પણ એણે જગતભરના ચિન્તકોના અન્તરાત્માને જગાડવાનો સન્નિષ્ઠ પ્રયત્ન, બધું જ હોડમાં મૂકીને, કર્યો છે એની તો ના કહી શકાશે નહિ. એમને વિશે ચાલતો વિવાદ રાજકારણના સ્તર પર ચાલે છે, સાહિત્યના સ્તર પર નહિ, જેમ હિટલરની નિર્ઘૃણ નૃશંસ માનવહત્યા પછી પશ્ચિમમાં જેને ‘ધ હોલોકોસ્ટ લિટરેચર’ કહે છે તે અસ્તિત્વમાં આવ્યું તેમ રશિયામાં પણ એ જ પ્રકારનું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. ફેર એટલો કે રશિયામાં એવું સાહિત્ય રચનારને જીવસટોસટના જોખમને આવકારી લેવાનું હતું. સોલ્ઝેનિત્શિનનો પુરુષાર્થ આ દિશામાં જ છે.

સ્તાલિનના અમલ દરમિયાન લગભગ એકત્રીસ વર્ષ સુધી એકધારો જુલમનો દોર ચાલ્યો. આડેધડ થતી ધરપકડો, દેહદંડની શિક્ષાઓ, ગુજારવામાં આવતી યાતનાઓ, શ્રમછાવણીમાં બળજબરીથી કરાવવામાં આવતી શરીરતોડ મજૂરી – આ બધાંનો ભોગ લાખ્ખો માનવીઓ બન્યા. આવી અસાધારણ અમાનુષી ઘટનાના લાચાર સાક્ષી બનવાનું બધા જ સર્જકો તો નહિ જ સ્વીકારે. પણ ભલભલા આ કસોટીમાંથી ઓછા ઊતર્યા. ગોર્કી પણ એમાં.

સોલ્ઝેનિત્શિને પોતે આ બધી યન્ત્રણાઓ ‘ગુલાગ’માં વેઠી. એ વખતે જ એમણે મનમાં પ્રતિજ્ઞા લીધેલી, ‘આ યાતનાનો હું માત્ર સાક્ષી નથી, એ મેં, જાતે વેઠી પણ છે. જો જીવતો રહીશ તો એનો દસ્તાવેજી પુરાવો જગત સમક્ષ રજૂ કરીશ.’ સાહિત્યકાર તરીકેની એમની નિયતિ એમને મન એમની અંગત વાત નહોતી. એમને તો એવા અનેકોની વતી બોલવાનું હતું, જેઓ કપરા કારાવાસની અમાનુષી યાતના ભોગવી ચૂક્યા હતા; પણ એક અક્ષર પાડવાને, એક નિ:શ્વાસ સરખો સારવાને, જીવ્યા નહોતા. કેન્સરના ભયંકર વ્યાધિ અને પોલીસ તરફથી સદા થયા કરતી સતામણી છતાં થોડાં જ વર્ષોમાં એમણે પરદેશમાં વાર્તાઓ ઉપરાંત, નાટકો, કાવ્યો, ત્રણ મહાકાવ્યનાં ગજાની કૃતિઓ (‘ધ ફર્સ્ટ સર્કલ’, ‘કેન્સર વોર્ડ’, ‘ધ ગુલાગ આકિર્પેલાગો)’ – આ બધું પ્રગટ કર્યું અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. હજી એમનું કાર્ય પૂરું થયું નથી. એમને એમ લાગે છે કે કદાચ એ પૂરું કરવા માટે આયુષ્ય ઓછું પડશે! લાખ્ખો અનામી શહીદોના વતીનો આ એક પ્રચંડ પડકાર છે. એમણે એક સ્થળે કહ્યું છે, ‘હું જેટલો રશિયન સાહિત્યનો છું તેટલો જ રશિયામાં ગુનેગાર ઠરાવાયેલાની જમાતનો છું. એમની પ્રત્યે પણ મારું કર્તવ્ય છે.’

એમનાં સંસ્મરણો એક અસાધારણ સાહિત્યિક ઘટના તો છે જ, પણ રાજકારણના ક્ષેત્રમાંય એણે ભારે વિક્ષોભ મચાવ્યો છે. સોવિયેત રશિયામાં જ સાત વર્ષના ગાળામાં આ પૈકીનું ઘણું લખાયું છે. એ દરમિયાન એમને એવું સતત લાગ્યા કરતું હતું કે એમના ગળામાં ફાંસો નાખવામાં આવી રહ્યો છે. ‘ધ ઓક એન્ડ ધ કાફ’નું છેલ્લું પ્રકરણ એમણે હદપાર થયા પછી લખેલું. એનું ગદ્ય સંકુલ અને સમૃદ્ધ છે. રશિયન ભાષામાં એ પુસ્તકના શીર્ષકનો જે અર્થ છે તે ‘ભીંત સાથે માથું પછાડવું’ એવા આપણા પ્રયોગને મળતો આવે છે. હદપાર થયા ત્યાં સુધી પોતાના દેશમાં રહીને સોલ્ઝેનિત્શિનને આ જ કરવું પડ્યું હતું. એ સમયના નાના ગાળામાં એમણે રશિયન રાજકીય અને સાહિત્યિક અમલદારશાહીનાં કરતૂતો જોઈ લીધાં હતાં. આ સંસ્મરણોમાં એમની કળાત્મક સર્જકતા અને આન્તરિક સૂઝ પણ સારી પેઠે પ્રગટ થાય છે. ઘણાને મતે આ કૃતિઓ ‘હોલોકોસ્ટ લિટરેચર’થી કંઈક વિશેષ છે. જેમને રશિયન રાજકારણનો ઝાઝો પરિચય નહિ હોય તેઓ આમાંનું ઘણું કદાચ બરાબર પકડી નહિ શકે. તેમ છતાં સોલ્ઝેનિત્શિનની કથનરીતિનો પ્રભાવ તો એમના પર પડશે જ. એઓ જ પોતે એમાંનું કેન્દ્રવર્તી પાત્ર છે. એમની અસાધારણ વ્યક્તિમત્તા આપણને આકર્ષે છે જ.

પોતાના જ દેશમાં સહુની નજર ચૂકવીને આ નિષિદ્ધ વિષયનું એમણે નિરૂપણ કરવાનું હતું. હસ્તપ્રતો ગુપ્ત સ્થાનોમાં ખડકાયે જતી હતી અને પોતે તાલુકાના ગામમાં શિક્ષક તરીકે જીવવાનું ચાલુ રાખ્યું હતું. ખુ્રશ્ચોફે પરિસ્થિતિ હળવી કરીને એમણે ‘વન ડે’ની હસ્તપ્રત એમના મિત્ર એલકઝાંડર ત્વાર્દોવ્સ્કીને સોંપી. ખુ્રશ્ચોફે પોતે પણ એ જોઈ. ગઈ કાલનો ભયંકર અપરાધી એકાએક ખ્યાતનામ સાહિત્યકાર બની ગયો. એણે જે પ્રગટ કર્યું તેથી મહત્ત્વનાં સ્થાનો પર રહેલા ઘણા અધિકારીઓ થરથરી ઊઠ્યા. આ દરમિયાન રાજકીય ઊથલપાથલમાં ખ્રુશ્ચોફને જવાનું આવ્યું, રાજનીતિ ફરીથી બદલાઈ ગઈ. જેને લેનિન પુરસ્કાર લગભગ મળવામાં હતો તેને લેખકસંઘમાંથી બરતરફ કરવામાં આવ્યા; ફરી કેજીબીની સતામણી શરૂ થઈ ગઈ. પણ એમનો વિરોધ ચાલુ રહ્યો એ કારણે એમને આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. હવે સરકારી નિયન્ત્રણો, સેન્સરશિપ – આ બધાંથી મુક્તિ મેળવીને એમણે નિરાંત અનુભવી છે.

હવે એઓ પૂરું સત્ય કહી શકે છે. હવે ખુલ્લું યુદ્ધ શરૂ થયું છે. એમની હસ્તપ્રતો, એ આસુરી સત્તા સામેની અક્ષૌહિણી સેનાની જેમ, એક પછી એક પ્રસિદ્ધ થતી જાય છે. એમની જીવનકથા જ કોઈ રોમાંચક સાહસોવાળી નવલકથાને ટપી જાય એવી છે. એમાં ઉપકથાનકો ઉમેરાતાં જાય છે, કેટલાંય પાત્રો એમાં તાદૃશતાથી આલેખાયાં છે, એમાં કરુણનું સારું નિર્વહણ થયું છે. બીજી બારેક નાની નવલકથાઓ રચી શકાય એટલી એમાં સામગ્રી છે. રશિયામાં આ બધાંનો મિશ્ર પ્રત્યાઘાત પડ્યો છે. કેટલાક એમને સન્ત ગણે છે, તો કેટલાક એમને સેતાન પણ લેખે છે. ‘ધ ઓક એન્ડ ધ કાફ’થી બે પરસ્પરવિરોધી મોરચાઓ ઊભા થયા છે. એ પૈકીનું એક જૂથ રાજકીય બનાવોના આ દસ્તાવેજને અને સોલ્ઝેનિત્શિનના જીવનને દૈવી ચમત્કાર કહીને ઓળખાવે છે. તે માને છે કે લેખક તરીકે સોલ્ઝેનિત્શિન ભલે મહાન હોય, પણ ‘ગુલાગ’ના અનુભવને કારણે એમને વૈરવૃત્તિનું વિષ ચઢ્યું છે. એમનો આ બધું ઉઘાડું પાડવાનો પ્રયત્ન પણ એટલો જ અસહિષ્ણુ, નિર્દય, જુઠ્ઠો, બિનલોકશાહી અને ડહાપણની ખોટ દર્શાવનારો છે.

તિતિક્ષા, પોતાના ધ્યેય પરત્વેની અસાધારણ નિષ્ઠા, ઊંડી ધામિર્ક પ્રતીતિ અને લગભગ ચમત્કારી કહી શકાય એવી શક્તિ – કહ્યું છે તેમ, સોલ્ઝેનિત્શિનને આપણા જમાનાની એક અસાધારણ વિભૂતિ બનાવી દે છે. એક સ્તર પર તો એમની મહત્તા અક્ષત છે. સાથે એ પણ ભૂલવાનું નથી કે એઓ કેન્સરમાંથી માંડ ઊગરી ગયેલા, યાતના છાવણીમાંથી માંડ જીવતા રહી શકેલા માનવી છે. આ અનુભવોનાં ચિહ્ન એમની ચેતનામાંથી ભૂંસી શકાયાં નથી. આને કારણે એમનાં મન્તવ્યોમાં અધિકારીની તોછડાઈ અને ઉદારમતવાદી લોકશાહી પ્રત્યેનો તિરસ્કાર જોવામાં આવે છે. મિત્રો આગળ જૂઠું બોલ્યાનો એમણે એકરાર કર્યો છે, એમના જેવા સોવિયેત તન્ત્રના બીજા વિરોધીઓની પડખે ઊભા રહેવાની એમણે ના પાડી દીધી છે; એમની હસ્તપ્રત જાળવવા જતાં મરણને આવકારનારી વૃદ્ધા માટે એક ક્ષણ પણ વિલાપ કરવાની એમની વૃત્તિ નથી, આ હસ્તપ્રતો બચાવવાને પોતાનાં બાળકોનો પણ ભોગ આપવો પડે તો આપવાનો, આપણને અમાનુષી લાગે એવો, નિર્ણય પણ એ કરી લે છે. તો આ તે કઈ જાતનો માણસ છે? આ પ્રશ્નનો સોલ્ઝેનિત્શિનનો જવાબ આ છે : સોવિયેત દમનનો જીવન્ત સાક્ષી બની રહેવા માટે ગમે તેટલો ભોગ આપવા તત્પર, મરણને ઘાટ ઉતારેલા લાખ્ખો લોકોનાં સ્મરણને પ્રજાના હૃદયમાંથી ન ભૂંસવા દેનાર એવો અનુકમ્પાશીલ માનવી. પણ એની સામે ઘણા પ્રશ્ન પૂછે છે : જે તર્કસરણી સોવિયેત આતતાયીને અમાનુષી જુલમ ગુજારવા તરફ દોરી ગઈ, તેનાથી આ શી રીતે જુદું પડે છે?

25-10-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.