સાહિત્ય અને સેન્સરશીપ

સમાજ કેટલીક વાર કોઈક સર્જકને અનેક પારિતોષિકથી નવાજે, ખૂબ કીર્તિ આપે. આ છતાં એમ બને કે એ લેખકની સર્જક તરીકેની ગુણવત્તા પારખવામાં આવી નહિ હોય. ઘણી વાર આવું ગણતરીપૂર્વક થતું હોય છે. આવો લેખક કૃતજ્ઞતાની લાગણીથી એ સમાજને રુચે એવું, એની માન્યતાઓ અને રૂઢિઓને ઝાઝો આઘાત નહિ આપે એવું, લખતો થઈ જાય છે. સમાજ આવા લેખકોની કદર કરે છે તે પણ નિ:સ્વાર્થભાવે નહિ. એને વિશેની એક ‘ઇમેય્જ’ ઊભી કરીને પછીથી એમાં એ સર્જક દ્વારા થનારા ‘ઉત્પાત’ને અટકાવી દે છે. પ્રતિષ્ઠાથી પર રહીને કેવળ સત્યને જ લક્ષ્ય માનનારા અને સત્ય કહેવા વર્ણવવા માટે ગમે તેવી વિપત્તિઓને સહી લેનારા તો બહુ થોડા, પ્રતિષ્ઠા અને પારિતોષિકોથી લલચાઈ જનારા ઘણા. સાચા સર્જકને તો આ બધાં પ્રલોભનોથી સાવધ રહેવું પડે, નહિ તો એને કશું કળવા દીધા વિના સમાજ એને ભરખી જાય. સમાજને ઉપદ્રવકારી લાગતા સર્જકની કૃતિઓે તરફ ઝાઝું ધ્યાન નહિ જાય. એની મહત્ત્વની કૃતિઓનો ઉલ્લેખ સરખો ન થાય એ પ્રકારની સેન્સરશીપ પ્રવર્તતી હોય છે. પણ તે જરા ગૂઢ પ્રકારની અને તરત જ વરતી લઈ શકાય એવી હોતી નથી. આપણી ચિન્તા એટલા માટે છે કે એથી સર્જકતા કુંઠિત થાય છે.

સોલ્ઝેનિત્શિને હમણાં જે પોતાને વિશે કહ્યું કે આવો ભય કાલ્પનિક નથી, પણ એક વાસ્તવિકતા છે, એ હકીકતનું સમર્થન કરે છે. રશિયામાંથી હદપાર થવાનું કે ભાગી છૂટવાનું તો એને ગમતું નહોતું. રશિયાની પ્રજા, એમને મોઢે બોલાતી રશિયન ભાષા, રશિયાનું વાતાવરણ – આ બધું તો એની કૃતિઓ માટે પ્રાણપ્રદ તત્ત્વ બની રહે છે. અમેરિકા જેવા દેશમાં મળતા ભોગ ઐશ્વર્યથી લોભાઈને આપણે ત્યાંથી કેટલા બધા બુદ્ધિશાળીઓ, નરી અર્થલાલસાને વશ થઈને, ‘સેકંડ સિટિઝન’ તરીકે જીવવાનું સ્વીકારીને સ્વેચ્છાએ દેશવટો ભોગવતા હોય છે!

સોલ્ઝેનિત્શિનનાં વીસેક પુસ્તકોનો જગતની કેટલી બધી ભાષાઓમાં અનુવાદ થયો છે, એને નોબેલ પારિતોષિક મળી ચૂક્યું છે, એની કીર્તિ જગતભરમાં વ્યાપેલી છે. આમ છતાં એને આ આખી પરિસ્થિતિથી ઉગ્ર અસન્તોષ છે. અમેરિકા એમની આગળ ઐશ્વર્યનો ખડકલો કરી દઈને એમને રશિયાની વિરુદ્ધના પ્રચારમાં સાધન લેખે વાપરવા ઇચ્છે છે, વર્મોન્ટમાં પચાસ એકરની પોતાની જાગીરમાં રહીને સોલ્ઝેનિત્શિન પોતાની માતૃભૂમિ રશિયાને, આતતાયીઓના પગ નીચે કચડાતી રશિયાની પ્રજાને, ભૂલ્યા નથી. પણ એમનો આત્મા તો રશિયાની આબોહવામાં જ જીવે છે.

સોલ્ઝેનિત્શિનની મુખ્ય ફરિયાદ એ જ છે કે એમની સાહિત્યિક ગુણવત્તા તરફ એમના પ્રશંસકોનું ઝાઝું લક્ષ ગયું નથી, એ બધા તો રાજકીય દૃષ્ટિબિન્દુને જ અગ્રતા આપતા હોય છે, કેમ જાણે સોલ્ઝેનિત્શિને માત્ર રશિયામાં થતા અત્યાચારોનો દસ્તાવેજી પુરાવો જ એમની કૃતિઓ દ્વારા પૂરો નહિ પાડ્યો હોય! એમની ફરિયાદ એ છે કે છેલ્લાં વીસ વર્ષ દરમિયાન એમની કૃતિઓની ગમ્ભીર સાહિત્યિક આલોચના ક્યાંય થઈ નથી. એમની કૃતિઓ વિશે લખાયેલા એક લેખસંકલનમાં મુખ્ય ધ્યાન રાજકીય પાસા પર જ આપવામાં આવ્યું છે. માત્ર હાઇનરિખ બ્યોલનો લેખ જ એમાં અપવાદરૂપ છે. સોલ્ઝેનિત્શિને અગિયાર વર્ષ જેટલો લાંબો ગાળો કપરા કારાવાસમાં ગાળ્યો છે. એમનો ગુનો એટલો જ કે એમણે એમના મિત્રને લખેલા અંગત પત્રમાં સ્તાલિન વિશે આકરી ટીકા કરેલી. ઓગણીસસો બાસઠમાં કારાવાસના આ અનુભવમાંથી રચાયેલી કૃતિ ‘વન ડે ઇન ધ લાઇફ ઓવ્ ઇવાન ડેનિસોવિચ’ પ્રગટ થઈ. એથી ભારે હોહા મચી ગઈ. એ અરસામા ખ્રુશ્ચોફે સ્તાલિન વિરુદ્ધની ટીકાઓ થઈ શકે એવું વાતાવરણ ઊભું કર્યું હતું. એમણે પોતે આ કૃતિ પ્રગટ કરવાની સમ્મતિ આપી હતી. પશ્ચિમમાં તેમ જ રશિયામાં આ કૃતિની પ્રગટ પ્રબળ છાપ પડી પણ આજ સુધી એ કૃતિની સાહિત્યિક ગુણવત્તાની ઝાઝી ચર્ચા ક્યાંય થયેલી જોવામાં આવી નથી. એવી જ રીતે ‘ધ ગુલાગ આકિર્પેલાગો’ને પણ જાણે એ કેવળ દસ્તાવેજી અને બિનસાહિત્યિક કૃતિ હોય એ રીતે જ જોવામાં આવી છે. ત્રણ ખણ્ડોમાં વહેંચાયેલી આ મહત્ત્વાકાંક્ષી કૃતિમાં બસો સત્તાવીસ જેટલા સાક્ષીઓના અંગત અનુભવોનું બયાન છે. રશિયાના એ નરકાગારમાં જીવાતા જીવનની યાતનાઓનું એમાં એક સર્જકે કરાવેલું દર્શન છે.

સોલ્ઝેનિત્શિનનો અમેરિકાનો નિવાસ સુખઐશ્વર્ય ભોગવવા માટે નથી. વહેલી સવારથી તે મોડી રાત સુધી એમનું લખવાનું ચાલતું હોય છે. હમણાં જ એમની કૃતિ ‘ધ ઓક એન્ડ ધી કાફ’ બહાર પડી. ખૂંટે બંધાયેલો વાછરડો તે પોતે અને ખૂંટો તે રશિયા. આમ તો એ લખાયેલી તેર વર્ષ પહેલાં પણ ત્યારે છૂપી પોલીસની નજર ન પડે એ માટે એની હસ્તપ્રત સંતાડી રાખવી પડતી. ત્યારે એમાં જેનો સમાવેશ, રાજકીય કારણોસર, નહોતો કરી શકાયો તે બધા ‘પૂરક અંશો’નો હવે એમાં સમાવેશ કરી દેવાયો છે. આવા ચાર મોટા પૂરક અંશો એમાં છે. આ કથા રશિયામાંથી એમની થયેલી હદપારીના સમયને આવરી લે છે. પણ આ ચાર પૂરક અંશો ઉમેરવા છતાં આખી વાત તો હજી કહેવાઈ નથી. હમણાં એઓ પાંચમો પૂરક અંશ લખી રહ્યા છે. એમાં બધાં જ રહસ્યો ખુલ્લાં કરી દીધાં છે, એમાં બધી જ સંકળાયેલી વ્યક્તિઓનો એમનાં નામ સહિત પરિચય આવે છે. પણ આ અંશ હમણાં પ્રગટ થઈ શકશે નહિ, કારણ કે જો એમ કરવામાં આવશે તો રશિયામાંનાં અને પશ્ચિમમાંનાં ઘણાંનું જીવન જોખમમાં આવી પડશે. એ બધાં વિશે જે કહ્યું છે તે અત્યારે પ્રગટ કરવામાં એમને ઔચિત્ય લાગતું નથી. પણ આ અપ્રસિદ્ધ રહે તેથી કદાચ એવી છાપ પડવાનો સમ્ભવ છે કે સોલ્ઝેનિત્શિન એકલે હાથે ઝૂઝતા જ રહ્યા છે, વાસ્તવમાં એવું નથી.

સોલ્ઝેનિત્શિને લખવાની ભૂગર્ભ પ્રવૃત્તિ રશિયામાં ચાલુ રાખેલી, પણ આજના રશિયામાં એમ કરવું ઘણું કપરું બની ચૂક્યું છે. છતાં કેવળ ‘પોતાના ટેબલના ખાના’ માટે લખનારા સર્જકો આજે પણ રશિયામાં હશે. આજેય આવા લેખકે રશિયામાં પોતાની કૃતિ પ્રગટ કરવી હોય તો સેન્સરશિપને અનુકૂળ રહીને એમાં ફેરફાર કરવા પડે. ખ્રુશ્ચોફને તો સ્તાલિનને મારવા માટે લાકડી જોઈતી હતી. આથી થોડાક સર્જકોને એમણે લખવા દીધું, પણ તરત જ પાછા આકરા નિયમો આવી પડ્યા. હજી તો ‘વન ડે’ – લખવા બદલ સોલ્ઝેનિત્શિનના સન્માન સમારમ્ભો થવા ચાલુ હતા ને જ એ પુસ્તકને પ્રચારમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આથી લેખકને માટે એક જ રસ્તો ખુલ્લો રહે છે; ભવિષ્યને માટે લખવું. સોલ્ઝેનિત્શિનને એમના સમકાલીનો એમની કૃતિ વાંચશે એની ખાતરી નહોતી. એઓ તો પોતાના અનુગામીઓ માટે જ લખતા રહ્યા. પોતાને માટે એક સર્જક તરીકે આત્મઘાતક નીવડે એવું સમાધાન કે પ્રચ્છન્ન પ્રવૃત્તિ – આ બે જ વિકલ્પો આજે સર્જક સામે રહ્યા છે.

એવ્જેની નોસોવની ‘ધ હેલ્મેટ બેરર્સ –’ અને વાસિલી બેલોવની ‘ધ ઇવ’ – રશિયામાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી આ બે નવલકથાઓ સોલ્ઝેનિત્શિનની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમાં ગામડાના લોકોની તળપદી બોલી છે. આથી એનો અનુવાદ શક્ય નથી. ‘ધ હેલ્મેટ બેરર્સ’ની ભાષા તો ઊંચા પ્રકારની કવિતા છે, પણ બહુ ઓછા લોકો સુધી એ પહોંચશે. રશિયા છોડીને એમને ઝાઝો સન્તોષ નથી. એનું મુખ્ય કારણ એ જ છે કે રશિયાની ધરતીમાંથી એમનાં મૂળ ઊખડી ચૂક્યાં છે. વળી એઓ એમનાં પુસ્તકોની ભાષા એની અનુવાદક્ષમતાને ધ્યાનમાં રાખીને લખતા હોય છે. જે ભાષા સૌથી દરિદ્ર તે જ સૌથી વિશેષ અનુવાદક્ષમ. અમેરિકાવાસીઓ રશિયન પ્રજાને તેમ જ રશિયન સાહિત્યને વિકૃત કરીને જ જોવાને ટેવાયેલા છે. રશિયાની બહાર રહીને લખનારા લેખકોની મહત્ત્વાકાંક્ષા રશિયન લેખક નહિ, પણ આન્તરરાષ્ટ્રીય લેખક થવાની હોય છે.

સોલ્ઝેનિત્શિનના પર ટોલ્સ્ટોયનો વિશેષ પ્રભાવ છે, પણ દોસ્તોએવ્સ્કી એમની ચેતનાને વધુ સૂક્ષ્મ રીતે સ્પર્શ કરે છે. પુશ્કિને સાહિત્યની ભાષા ઘડી આપી છે અને રશિયાના બધા લેખક એના ઋણી છે. મારિયા ત્સ્વેતાયેલા અને યેવ્જેની ઝેખ્યાતિન એમને વધુ ગમે છે. વીસી ને ત્રીસી દરમિયાન થયેલા સાહિત્યના નિકન્દન માટે એઓ ગોર્કીને પણ જવાબદાર ગણે છે. એઓ જે લખવા માગે છે, તેને માટે પૂરતું આયુષ્ય રહ્યું નથી એવું એમને લાગે છે.

19-10-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.