સમયની ભયાવહતા

સવારે બારી ખોલું છું ને સૂરજ એકદમ ઓરડામાં આવે છે. એ કબાટના કાચ સાથે અફળાય છે તેનો અવાજ સાંભળું છું. ચોપડીના પૂઠા પર એ સોનેરી અક્ષર લખી દે છે. મારું મુખ પણ કોઈ દેવના મુખ જેવું દેદીપ્યમાન બની રહે છે. મારી ચેતનાની ગિરિમાળા અને એના કંદરો, ગહ્વરોમાં આ પ્રકાશ પ્રસરે છે. એકાએક આ વિરાટ વિસ્તાર છતો થઈ જતાં હું મારાથી જ ભયભીત થઈ જાઉં છું. આપણે માનીએ છીએ કે જે અનુભવ્યું, સંવેદ્યં, આપણાથી અગોચર એવા ચેતનાના કોઈ સ્તર પર જઈને ઠર્યું. હવે એની સાથે આપણો શો સમ્બન્ધ એ વિશે આપણે કશો વિચાર કરતા નથી, કારણ કે વર્તમાનનો પ્રવાહ આપણને ખેંચી લઈ જાય છે. આમ છતાં આપણામાં જ રહેલી કશીક સાક્ષીભૂત ચેતના આપણી આ અખિલાઈને જોયા કરે છે. વર્તમાનમાં જળ કોઈ વાર સ્થિર અને નીતર્યાં બને છે ત્યારે એને તળિયેથી આ અખિલાઈનું ભૂપૃષ્ઠ દેખાવા લાગે છે.

રિલ્કે જેવો કવિ સમયને ભયાવહ ગણે છે. એની કવિતામાં એ સમયને નકારીને કેવળ અવકાશને સ્વીકારે છે. સમય કશું નથી પણ અવકાશનો જ સાક્ષાત્કાર છે એવું એ કહે છે. સ્થળ ઊભા રહેવાની, આપણને ચિહ્નિત કરવા પૂરતી, તસુભર ભોંય આપે છે. સમય તો આ એના પ્રવાહમાં આપણને વહાવી લઈ જઈને કેવળ બુદ્બુદ જેવો કરી નાખે છે. સમય જ મરણનું બીજું નામ. માટે જ તો આપણે એને કાળ કહીએ છીએ. સમયની આ ગતિશીલતાને કારણે એ આપણું નિશ્ચિત રૂપ બાંધવા દેતો નથી. આથી કવિ સમયમાંથી સરી જઈને થોડાંક રૂપ સારવી લે છે. એ રૂપ કાળની થપાટથી ભાંગી જતાં નથી. હજી આપણે સ્વયંવરમાં પધારેલા રાજાઓ સમક્ષ દીપશિખાની જેમ ઊભી રહેતી ઇન્દુમતીને જોઈએ છીએ. ઉદ્વિગ્ના કુર્રી જેવી કે ભાંગેલી યજ્ઞદેવી જેવી ‘કરુણસ્ય મૂતિર્’ સીતાને જોઈએ છીએ. આપણને પાંચ ઇન્દ્રિયો છે, પણ આપણે એ બધીને એકીસાથે વાપરી શકતા નથી. કવિઓમાં પણ અમુક એક ઈન્દ્રિય પ્રત્યેનો પક્ષપાત વરતાઈ આવે છે. કોઈક કવિમાં શ્રુતિગોચર કલ્પનો વિશેષ હોય છે તો કોઈકમાં ચાક્ષુષ કલ્પનો વિશેષ હોય છે. સ્પર્શગોચરતાની માત્રા આપણી કવિતામાં ઓછી છે. એક સમયનો ગાળો રિલ્કેના જીવનમાં એવો આવી ગયો જ્યારે એને અરેબિક કવિતામાં ખૂબ રસ પડ્યો. એમાં પાંચેય ઇન્દ્રિયો એક સાથે એક સરખો ભાગ ભજવતી હોય એવું લાગ્યું. યુરોપની કવિતામાં ચાક્ષુષ કલ્પનોની માત્રા વિશેષ છે. રિલ્કેની પોતાની કવિતામાં શ્રુતિગોચર કલ્પનો વિશેષ છે. આપણે બેધ્યાન છીએ, આપણા કાન સરવા નથી તેથી આપણે કેટલું બધું સાંભળતા નથી! આપણે બીજી ઇન્દ્રિયો પરત્વે કેટલા બધા ઉદાસીન છીએ! પાંચેય ઇન્દ્રિયના ભોગવટાનો જન્મસિદ્ધ અધિકાર હોવા છતાં આપણે અનુભવદરિદ્ર જીવન શા માટે ગાળતા હોઈશું? ચેતનાના બાહ્ય પરિઘ પર જ કેટલીક ઇન્દ્રિય સંવેદનાઓ રહી જાય છે. સ્પર્શરેખાની જેમ એ આપણને અછડતો સ્પર્શ કરીને લય પામે છે. આપણી ચેતનાની આ ઉપેક્ષિતતાઓનું કાવ્ય કોણ લખશે? એમાંય તો અવિક્ષુબ્ધ એવું નીતર્યું સંવેદન પણ આપણે ભાગ્યે જ અનુભવીએ છીએ. ડહોળાયેલો અવાજ કે ડહોળાયેલું દૃશ્ય જ ઘણી વાર તો આપણે સાંભળતાં-જોતાં હોઈએ છીએ. કેટલા બધા વિક્ષેપોથી આપણી સંવેદના ખણ્ડિત થઈ જતી હોય છે! આથી જ તો કેવળ અવિક્ષિપ્ત, અવિક્ષુબ્ધ અનુભૂતિ હોવી એ પણ એક આધ્યાત્મિક અનુભવ છે. કવિની સાધના આ અર્થમાં આધ્યાત્મિક બની રહે છે.

અહીં આપણને એક પ્રશ્ન થાય છે : જુદી જુદી ઇન્દ્રિયોનાં સંવેદનો સ્થળકાળ – બંનેમાં થાય છે કે પછી અમુક ઇન્દ્રિયોને સ્થળ સાથે સમ્બન્ધ હોય છે અને અમુક ઇન્દ્રિયોને કાળ સાથે એવું કહેવું જોઈએ? રિલ્કેની કવિતામાં પ્રશ્નો ઘુમ્મટ જેવા અવકાશમાં પ્રતિધ્વનિત થતા સંભળાય છે. જે દૃષ્ટિગોચર છે તે દેખાય જ છે એટલા માટે કે એ અવકાશમાં અમુક બિન્દુએ સ્થિર છે. જેને રૂપ આપવું હોય તેને સમયના પ્રવાહમાંથી તારવી સાચવી લેવું પડે એવી કશી અનિવાર્યતા ખરી? જ્યાં પાંચે ઇન્દ્રિયો એકીસાથે એકસરખી રીતે વ્યાપારશીલ બને એવી કશીક ભૂમિકા તે કવિને માટેની આદર્શ ભૂમિકા છે. એ સહજપ્રાપ્ય નથી, માટે જ લોકોત્તર ભૂમિકા છે એમ રિલ્કે કહે છે. આ સ્થિતિ એટલે જ કશી લોકોત્તર ચેતનાની સ્થિતિ જેને આપણે ઝાઝી સહી શકીએ નહીં, જેના તેજથી આપણે ભુંસાઈ જઈએ એવું પણ બને, છતાં કવિને તો એવું દુસ્સાહસ કર્યા વિના છૂટકો નહીં!

ઈશ્વરી શાપ એ છે કે ખણ્ડિત જગતમાં રહીને કશાક અખણ્ડની તીવ્ર કામના કરવી ઇન્દ્રિયથી સીમિત જગતમાં રહીને ઇન્દ્રિયોને ઉલ્લંઘી જવાની મહત્ત્વાકાંક્ષા સેવવી. આથી જ તો કવિ અદૃષ્ટિદર્શન કરવા ઇચ્છે છે, અનાહત નાદને સાંભળવાની કામના યોગીઓની પણ હોય છે. આ જગતના પદાર્થો એના વાસ્તવને, યથાર્થને પ્રગટ કરતા નથી. એમનાં રૂપ તે મહોરાં છે. પણ કવિની આ મહોરાંને ભેદીને જોવાની પ્રવૃત્તિ પોતે જ એક મનોહર રૂપ એટલે કે મહોરું સરજે છે. ઇન્દ્રિય દ્વારા જ ઇન્દ્રિયોને ઉલ્લંઘી જવી, શબ્દો દ્વારા શબ્દોને ઉલ્લંઘી જવા – આમ કરવાની અનિવાર્યતા શા માટે? આ પ્રયત્નો (અથવા આ દુસ્સાહસોની) ફળશ્રુતિ શી?

શબ્દ એટલે નીરવતામાં ઉદ્ભવેલો બુદ્બુદ. હું કોઈ શાસ્ત્રીય કે આધ્યાત્મિક વ્યાખ્યા બાંધતો નથી. પણ જે નિશ્ચેષ્ટ છે તેમાં ક્રિયાનો ઉદ્ભવ, જે સમ્પૂર્ણ અને આત્મસમાહિત છે તેમાં તરંગોનો ઉદ્ભવ એ જ સર્જનની અનિવાર્ય ભૂમિકા છે. પુરુષ-પ્રકૃતિના દ્વન્દ્વની કલ્પનામાં આ જ તથ્ય નથી દેખાતું? પણ દોલાયિત લીલાયિત થયા પછી પાછી પૂર્વસ્થિતિને પામવાની ઝંખનાનું બીજ આપણામાં રહી જ જાય છે, ને એ ઝંખના જ ઈશ્વરી શાપ છે! એ શાપરૂપે જ આપણને ઈશ્વરનો અનુભવ થાય છે. આમ ચક્રાકારે બધું ઘૂમ્યા કરે છે. આ ઝંખનાને કારણે જ ગતિ છે જેને આપણે સમયને રૂપે ભયપૂર્વક અનુભવીએ છીએ. પ્રતીકો અને કલ્પનો રચીને કશુંક ધ્રુવ તત્ત્વ સર્જવાની મહત્ત્વાકાંક્ષા સેવીએ છીએ.

આપણે જે નાનો સરખો નક્કર મૂર્ત આકાર ઘડીએ છીએ તેને ચારે બાજુથી છલકાતી અસીમ અને વિરાટની છોળ પળેપળ તોડે છે. આપણી ઉપર અસીમ આકાશ તોળાઈ રહેલું છે. આપણી સામે કાંઠા વગરનો અસીમ સમુદ્ર છે. આપણે જે પ્રિયજનની આંખોમાં આંખ માંડીને જોઈ રહ્યા છીએ એ આંખો પણ અતાગ છે. બપોર વેળાએ થંભી જતો લાગતો સમય કેવો અગાધ બની જાય છે! દિશાના પવનો આવીને આપણી આ મૂર્તતાને તોડે છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે પર્વતોમાં હિમાલય યુવાન છે, પણ પાવાગઢ વૃદ્ધ છે!

તો આખરે આપણી આ જ નિયતિ! સીમાહીન અને સીમિત વચ્ચે – આ બે ધ્રુવો વચ્ચે અમળાયા કરવું! મૂર્ત અને અમૂર્ત વચ્ચે રઝળ્યા કરવું! નિ:શબ્દ અને શબ્દ વચ્ચે આન્દોલિત થઈને શમી જવું. ફરી તરંગિત થવું! આવી જ કશી અનિવાર્યતાને કારણે ઋતુચક્ર ફર્યા કરે છે. સમયને સ્વીકારવાનું આપણે માટે અનિવાર્ય બની રહે છે.

કવિકર્મનું ગૌરવ જ એમાં રહેલું છે કે આપણા સૌ વતી એ જ આ બે અન્તિમો વચ્ચે અમળાયા કરવાની વેદનાને વાચા આપે છે. કવિની વેદના તે કેવળ રોમેન્ટિક અભિનિવેશ નથી, એ આપણી સમ્પૂર્ણતામાંથી ઊભો થતો એક ચિત્કાર છે. છતાં એ ચિત્કારને સંગીતમય બનાવીને કવિ આપણી આગળ રજૂ કરે છે. આપણી અનેક ક્ષુદ્ર લાગણીઓેના ઘોંઘાટ વચ્ચે એ આપણને આવી, માનવ્યના મૂળમાં રહેલી, વેદનાનો સૂર સંભળાવે છે.

મારી સામેનું શિરીષ સ્થળમાં જીવે છે કે સમયમાં? સમયની એને અનુભૂતિ નથી એમ કહી શકાશે? એનો ગ્રીષ્મનો સ્વીકાર એ પુષ્પરૂપે નથી પ્રગટ કરતું? ગુલાબની પાંખડીઓમાં કેટલાય સમયનાં પડની ગોઠવણી નથી દેખાતી? પાણીનાં ટીપાંમાંથી સમયનું દ્રવી જવું નથી સંભળાતું?

ઈશ્વર એ કવિએ ઘડેલું રૂપ છે. આ અર્થમાં રિલ્કે કહે છે : ‘અમે તો ઈશ્વરના પૂર્વજો છીએ.’ જે કાલાતીત છે તેને અવકાશમાં ખેંચી લાવીને મૂર્ત, સીમિત કરવાનું દુસ્સાહસ કવિ સિવાય બીજું કોણ કરે? એ અર્થમાં દરેક શિલ્પ, દરેક ચિત્ર, દરેક ગીત, દરેક કાવ્ય ઈશ્વરતુલ્ય છે. આ અર્થમાં કવિ જ ધર્મનો સ્રષ્ટા છે.

ભૂમિકાની સીધી રેખા ક્યાં સુધી સીધી રહીને દોડી શકે? આખરે એ વર્તુળાકારે જ વિસ્તરે. આથી વર્તુળાકાર જ પૂર્ણતાનો સંકેત. વર્તુળમાં નહીં આદિ કે નહીં અન્ત! અને વર્તુળ એટલે જ શૂન્ય. એ શૂન્ય જ બ્રહ્મ. શિરીષની ડાળે અત્યારે એકસરખો કલબલાટ માંડી બેઠેલી કાબરને આ ગુહ્યા રહસ્યની ખબર છે ખરી?

17-11-75

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.