વિદ્રોહી સર્જકમુદ્રા

બાળક એના રમતિયાળ હાથે પાટી પર આંકડા માંડવાની શરૂઆત કરે છે તે જોઈને હું કોઈક વાર ધ્રૂજી ઊઠું છું. જગતભરમાં આતતાયીઓનો દોર વધતો જાય છે. લોકશાહીના ઓઠા નીચે જુલમશાહી ફેલાતી જાય છે. પ્રજાનો મોટો વર્ગ કાયર, નમાલો અને અર્ધમાનવ બનતો જાય છે. દરેક દેશમાં સામૂહિક હત્યા કરનારાઓ કારાગારની બહાર હોય છે. સર્જકો, ચિન્તકો, બુદ્ધિશાળીઓથી કેદખાનાં ભરાઈ જાય છે. શાસકો ક્યારે આપણું નામ આંચકી લેશે અને એને સ્થાને કેવળ પાંચ રકમનો આંકડો આવી જશે તે કહી શકાય નહિ! બાળકના નિર્દોષ હાથે લખાતો આંકડો આખરે કેવી દુર્ગતિને પામે છે!

મોર્દોવિયા રશિયાનો એક ભાગ છે. ત્યાંની કન્યા વિશે એક સરસ વાર્તા મેસ્કિમ ગોર્કીએ લખેલી છે. પણ આજે તો ત્યાં અત્યાચારની છાવણીઓ છે. એવી એક છાવણીમાં આશરે પાંચ-છ વર્ષ પહેલાં એક જુવાન કવિ યુરી ગાલાન્સ્કોવ તેંત્રીસ વર્ષની વયે મૃત્યુ પામ્યો. એ પણ આંકડાથી જાણીતો હતો. એ સંખ્યા હતી 385-3.

મોસ્કોમાં 1939માં જન્મેલો એ કવિ મહેનતકશ કુટુમ્બનું ફરજંદ. વીસ વર્ષની વયે એણે મોસ્કોના માયકોવ્સ્કી ચોકમાં બીજા કવિઓ સાથે કવિતાપાઠ કરવાનું શરૂ કર્યું. ગિન્સબર્ગ નામના રશિયન કવિએ ‘સિન્ટાક્સિસ’ નામે કાવ્યોનું સંકલન પ્રસિદ્ધ કર્યું. તેમાં એની કવિતાઓ સ્થાન પામી. એનો દૃષ્ટિકોણ માનવતાવાદી હતો. એ શાન્તિવાદી અને યુદ્ધવિરોધી હતો. સામાજિક ન્યાયનો એ આગ્રહી હતો. એણે પોતે ‘ફિનિક્સ 66’ નામનું એક કાવ્યસંકલન પણ પ્રસિદ્ધ કરેલું. એ ખૂબ સક્રિય એવો નાગરિક અને કવિ હતો.

19મી જાન્યુઆરી, 1967માં સોવિયેત રશિયાની સરકારે એની ધરપકડ કરી. એક વર્ષ બાદ મુકદ્દમો ચાલ્યો અને એને સાત વર્ષ યાતનાછાવણીમાં ગુજારવાની સજા થઈ. એના બીજા સાથીઓ દોબ્રોવોલ્સ્કી અને લાશ્કોવને પણ એ જ સમયે શિક્ષા થઈ. 17 અ સંખ્યાથી ઓળખાતી મોર્દોવિયાની એક કેદી છાવણીમાં આ કવિ સજા ભોગવવા પહોંચી ગયો. રાજકીય કેદીઓના મૂળભૂત અધિકારો અંગે એ ત્યાં પણ લડત ચલાવતો રહ્યો, ભૂખહડતાળ પર ઘણી વાર ઊતર્યો.

એ કેદમાં પુરાયો તે પહેલાંથી જ એની હોજરીમાં ચાંદું પડ્યું હતું. આથી કારાવાસ એની લથડતી તબિયત માટે ભારે આકરો થઈ પડ્યો. દાક્તરી સારવાર એને ક્વચિત્ જ મળતી અને એ પૂર્ણ અસરકારક બનતી નહોતી. એના મિત્રો તથા સગાંવહાલાંઓ કેદમાંના સાથીઓ સત્તાધીશોને વારેવારે વિનંતી કરતાં અને એને સમયસર યોગ્ય સારવાર મળે એ માટે ઘટતી વ્યવસ્થા કરવાનું કહેતાં. એને ખાસ પ્રકારનો ખોરાક આપવામાં આવે અને એની પૂરી દાક્તરી તપાસ સારી હોસ્પિટલમાં થાય એવો એઓ વારેવારે આગ્રહ કરતા, પણ એ તો બધું પથ્થર પર પાણી!

1972માં તબિયત વધારે લથડી. ગાલાન્સ્કોવને દુબ્રોવ્લાગની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. શસ્ત્રક્રિયા કર્યા પછી તો ઊલટાનું પેરિટોનાઇટિસ થયું. પછી તો બાજી હાથમાંથી ચાલી ગઈ. છેલ્લે મોસ્કોથી દાક્તરને મોકલ્યા, પણ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આખરે એની માને અને બહેનને છેલ્લી મુલાકાત માટે બોલાવવામાં આવ્યાં, પણ તે પહેલાં તો એનું અવસાન થઈ ચૂક્યું હતું. એના મૃતદેહ પર ક્રોસ મૂકવાની એમને ‘રજા’ આપવામાં આવી! અન્ત્યેષ્ટિ ક્રિયામાં મિત્રે એને અંજલિ આપી. 1972ની બીજી નવેમ્બરે એનું અવસાન થયું.

આ ઘટનાથી જુવાન સર્જકો અને બુદ્ધિશાળીઓએ વિષાદ અને રોષ અનુભવ્યો. પણ આ કાંઈ સામાન્ય પ્રકારનો વિષાદ કે રોષ નહોતો, કારણ કે આ કોઈ પ્રાકૃતિક કારણે થતું સામાન્ય મૃત્યુ નહોતું. આ તો એક રાજકીય હત્યા જ હતી. આપણે હમણાં જ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. જયપ્રકાશના કારાગારમાંના અનુભવને યાદ કરો, સ્નેહલતા રેડ્ડીના મૃત્યુને યાદ કરો, ફણીશ્વરનાથ ‘રેણુ’ના મોતને સંભારો. પ્રજા આ બધું ભૂલવા બેઠી છે, ફરી જલ્લાદોના હાથને મજબૂત કરવાની વાતો ચાલે છે.

હત્યા કરવા માટે કોઈને ઝેર આપવાની, ગોળીએ દેવાની કે બારીમાંથી નીચે ફેંકી દેવાની જરૂર નથી. ગાલાન્સ્કોવના મૃત્યુની યોજના ઠંડે કલેજે વિચારમાં આવી હતી. એ પીડાઈને ધીમે ધીમે મરે, એ સતત યાતના સહેતો સહેતો મરે એવી જ યોજના ઘડાઈ હતી. એના પરનું આરોપનામું ખોટું હતું. એને થયેલી શિક્ષા એ ન્યાયના ક્રૂર ઉપહાસસમું હતું. ઓપરેશન ટેબલ પર શસ્ત્રક્રિયા કરનાર કસાઈની નિષ્ઠુર છરીથી એ આખરે યાતનામાંથી છૂટ્યો!

સૃદૃઢ ચારિત્ર્યબળવાળો એ જુવાન સદા મૌલિક વિચારોથી છલકાતો હતો. પ્રજાજનોનો અન્તરાત્મા જાગૃત રહે એની જ એને સૌથી મોટી ચિન્તા હતી. મોટા ભાગની પ્રજા તો શાસકોના આદેશના ચોકઠામાં અન્તરાત્માને ગોઠવી દેતી હોય છે. એની ધરપકડ થઈ તે પહેલાં એણે અહિંસક સરઘસોમાં ભાગ લઈને શાન્તિની અને બુદ્ધિશીલો માટેની અભિવ્યક્તિની સ્વતન્ત્રતાની ઝુંબેશ ચલાવી હતી. ‘ફિનિક્સ’ નામના મોસ્કોમાંથી પ્રગટ થતા સામયિકનો એ એક તજ્જ્ઞ હતો. એણે પોતાના આચરણથી ઘણાંને પ્રેરણા આપી હતી. મુકદ્દમા દરમિયાન એણે જે હિમ્મત દાખવી તેનાથી ઘણાંને બળ મળ્યું હતું. એના બચાવ માટે જે પ્રયત્ન થયા, લોકમત જાગૃત કરવા માટે જે ઝુંબેશ ચાલી, લેખકોની સહી લઈને આન્દોલન ચલાવાયું તે તો સુવિદિત છે જ. એના સવિનયભંગની ઘોષણાને કેદના સળિયા પાછળ રૂંધી નાખી શકાઈ નહિ. મશીનગન તાકીને પહેરો ભરનારાઓ એ અવાજને રૂંધી નાખી શક્યા નહિ. એની પીડાદાયક માંદગી છતાં ઠેઠ સુધી ગાલાન્સ્કોવ રાજકીય કેદીઓના, મુક્ત નાગરિકોના સ્વાતન્ત્ર્ય માટે ઝૂઝતો રહ્યો. આ માટે એણે ભૂખહડતાળ જેવાં સાધનોનો ઉપયોગ કર્યો, અપીલો બહાર પાડી. જડ હૃદયના અધિકારીઓ પણ આથી ફફડી ઊઠ્યા. એના સાથી કેદીઓ એની પ્રત્યે ખૂબ આદરથી જોતા હતા. એ જે કાંઈ કહે તે કરવા સૌ કેદીઓ ખડેપગે તૈયાર રહેતા. એ બધાને જ મદદરૂપ થઈ રહેવાનો પ્રયત્ન કરતો.

જગતમાં સર્જકતા સામે, મૌલિકતા સામે, અભિવ્યક્તિની સ્વતન્ત્રતા સામે જે દમનનો કોરડો વીંઝાઈ રહ્યો છે, તેને કારણે માનવની માનવ તરીકેની વિશિષ્ટતાને જ હણી નાખવાનું ષડયન્ત્ર ચાલી રહ્યું છે. લોકો શિક્ષિત હોય તેમ છતાં હવે જાણે એમનો પોતાનો કોઈ વિચાર, ભાવના કે લાગણી જેવું કશું છે જ નહિ. બધાં જ જાણે સરકારી સહીસિક્કાવાળા પ્રતિભાવને પ્રગટ કરવામાં જ સહીસલામતી સમજે છે. આ દમનચક્રે કેટલી મૌલિક પ્રતિભાનો ભોગ લીધો છે, કેટલા સર્જકોને ખુશામતિયા બનાવીને એમના આત્માને હણ્યો છે. આ બધું બનવા છતાં પણ જો આપણે આત્મતુષ્ટિ કેળવીને પ્રવંચનામાં જ રાચ્યા કરીશું તો ભવિષ્ય અન્ધકારમય થઈ જશે. અત્યારેય ભાવિની વાત કરવાનો એટલો ઉત્સાહ રહ્યો નથી.

દેશભરમાં હવે શેઠ કે સરકારના આશ્રય પર આધાર નહિ રાખે એવાં પ્રકાશનનાં અને શિક્ષણનાં સાધનો ઊભાં કરવા માટે યુવાન પેઢીએ મંડી પડવું જોઈએ. ઘણા જુવાનીમાં જ કોઈ પ્રતિષ્ઠાનનો આશ્રય લઈ લે છે. આવાં પ્રતિષ્ઠાનો જુવાનોની વાણીને રૂંધી નાખે છે. એની સામે પ્રતિકાર કરવાને માટે આપણે હવે સંગઠિત થવું પડશે.

26-1-78

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.