રાજ્યસત્તાને પડકાર

કેટલીક વાર જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે સાહિત્યકારો ચુપકીદી સેવે તે પ્રજાદ્રોહનું પાતક ગણાય છે. આપણે હમણાં જ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા. સરમુખત્યારશાહીએ દમનના દોર છૂટા મૂક્યા. અમલદારશાહી પણ વકરેલા વિકરાળ પશુ જેવી બની ગઈ. એને ખુશ રાખવા માટે ઘણા સર્જકો વિદૂષકવેડા કરતા દેખાયા. સામૂહિક માધ્યમોમાં સર્જકોનો આવો ઉપયોગ થયો. સંવિવાદ અને પરિષદોને બહાને લેખકોને એકઠા કરીને કટોકટીના અમલ વિશે એમની પાસે ભાટાઈ કરાવવામાં આવી. એમની સારી સરભરા કરી અને એમને આનન્દ પર્યટને લઈ જવાયા.

લોકશાહીને ભાટચારણોની જરૂર પડતી નથી. સરકાર ગમે તે કરે તોય પ્રશંસા જ કરવી એવી જવાબદારી કે લાચારી સર્જકોની હોતી નથી. સેન્સરશિપનો કોરડો વીંઝાયો. છાપામાં અગ્રલેખનું પાનું કોરું રાખવાની પણ છૂટ આપવામાં ન આવી. આવે વખતે આપણા પત્રકારત્વની પણ ઊજળી તેમ જ કાળી બાજુઓ બહાર આવી.

ઘણા સર્જકોએ ‘નરો વા કુંજરો વાની વૃત્તિ સેવીને મૌન જ રાખ્યું. ફણીશ્વરનાથ ‘રેણુ’ જેવાએ શહીદી વહોરી લીધી. સરકાર હકીકત છુપાવીને એને સ્થાને જે જૂઠાણું ફેલાવવા મથતી હતી તેને કેટલાક લેખકોએ નિર્ભીકપણે ખુલ્લું પાડ્યું. ભૂગર્ભ પત્રિકાઓ શરૂ થઈ. સમાચારો પ્રજા સુધી પહોંચાડવામાં આવ્યા.

આ પણ એક મહત્ત્વની પ્રવૃત્તિ હતી. પણ એ પત્રકારત્વ પૂરતી મર્યાદિત ગણાય. સર્જકોની પાસે તો આથી વિશેષની અપેક્ષા રહે છે. અમુક સમયના વિક્ષોભોનો જ સીધો પડઘો પાડે કે કેવળ આક્રોશ અને રોષનો ઊભરો ઠાલવે તે લખાણ સાહિત્યની કક્ષાએ ન પહોંચે, એમાં ચિરંજીવિતાનાં લક્ષણ ન પ્રગટે. આથી સર્જક ત્રિકાલાબાધિત એવી ભૂમિકાએ નિરૂપણ કરે એ તે ઇચ્છનીય બની રહે. વિશ્વસાહિત્યમાં દુર્ભાગ્યે ઘણી વાર આવી, પ્રજાજીવનને હિંસા અને વિનાશને ઝોલે ચઢાવે એવી, પરિસ્થિતિઓ ઊભી થતી આવી છે. હિટલરે બાઇબલના દસેદસ આદેશોનો ભંગ કરીને જર્મન પ્રજાની સર્વોપરિતા સ્થાપવા માટે પાશવી હત્યાકાંડ સર્જ્યો ત્યારે ટોમસ માન અને બીજા પ્રથમ પંક્તિના સર્જકોએ આ આદેશોનો કેવી રીતે ભંગ કરવામાં આવ્યો તે શુદ્ધ મૌલિક વાર્તાઓ લખીને સબળ રીતે દર્શાવ્યું અને ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો. એનો પ્રભાવ આજે પણ ઓસર્યો નથી. વિરોધ અને વિદ્રોહ પણ ચિરસ્મરણીય બની રહે એ રીતે સર્જનમાં રજૂ થવો જોઈએ.

સર્જનને એનું આગવું ઋત છે. એ જો નહિ જળવાય તો કેવળ પ્રાસંગિકતાને જોરે કોઈ કૃતિ ઝાઝું જીવી શકે નહિ. અમલદારશાહીએ પાશવી રૂપ ધારણ કરવા માંડ્યું તેનાં પ્રથમ ચિહ્નો ફ્રાન્ઝ કાફકાએ પારખી લીધાં હતાં. આથી માનવી માનવી વચ્ચેના સમ્બન્ધની કડી તોડી નાખવામાં આવી હતી. માનવી એક, આમથી તેમ હડસેલી દઈ શકાય એવી, વસ્તુ બની ગયો હતો, કાફકાએ આ વિભીષિકાને અવિસ્મરણીય રૂપે મૂર્ત કરી એમાં સામર્થ્યપૂર્વક સત્ય રજૂ કયું. આથી કાફકાની ગણના આજે પણ એક અસાધારણ સર્જક તરીકે થાય છે.

ઈંગ્લેંડમાં જ્યોર્જ ઓર્વેલે ‘1984’ નામની નવલકથામાં તથા ‘એનિમલ ફાર્મ’ નામની બીજી કૃતિ દ્વારા જગતમાં ધીમે ધીમે પ્રસરતી જતી સરમુખત્યારશાહીની સામે એક સર્જક લેખે પ્રબળ વિરોધ રજૂ કર્યો. એમાં મનમાં ચાલતા વિચારોનો ચોકીપહેરો ભરતી ‘થોટ પોલિસ’, સરકારી નિયમાનુસાર નક્કી કરેલી ‘ટુ સ્પીક’ નામની ભાષા, મોટા કદની સરમુખત્યારની સર્વત્ર મૂકવામાં આવેલી છબિ અને એની સાથે લખેલ શબ્દો ‘ધ બીગ બ્રધર ઇઝ વોચિંગ યુ’ આ બધું જ્યારે ટેલિવિઝન પર બતાવવામાં આવ્યું ત્યારે લોકોને માટે એ અસહ્ય નીવડ્યું!

કટોકટીના ગાળા દરમિયાન જે ‘સાહિત્ય’ લખાયું તેમાં આવી ગુણવત્તા છે ખરી? વાસ્તવમાં ઘણી ઓછી રચના છે જેમાં સૂક્ષ્મતા કે વ્યંજના હોય. જે પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે વ્યંગ અને કટાક્ષ માટે ખૂબ યોગ્ય હતી. વ્યંગની તીક્ષ્ણતા આ સમયની જૂજ જ કૃતિઓમાં જોવામાં આવી છે. સોલ્ઝેનિત્સિનની લઘુકથાઓનો અનુવાદ, જોશેન્કોની વાર્તાના અનુવાદ આપણે ત્યાં ક્યાંક ક્યાંક જોવામાં આવ્યા. આ સમયમાં પશુકથા અને નીતિકથા તથા દૃષ્ટાન્તકથાઓ પણ રચી શકાઈ હોત પણ આ સાહિત્યપ્રકાર અઘરા છે. એને ઉત્તમ કક્ષાના સાહિત્યકારની અપેક્ષા રહે છે. એવી પ્રતિભાનાં દર્શન થયાં નહિ.

જે થોડીઘણી વ્યંગાત્મક રચનાઓ પ્રસિદ્ધ થઈ તેને સરકારી અધિકારીઓ તો પારખી શક્યા નહિ. એમનામાં એવી સૂક્ષ્મતાની અપેક્ષા રાખવી એ વધારે પડતું કહેવાય. પણ પ્રજાનો શિક્ષિત વર્ગ પણ વ્યંગને પારખવામાં નિષ્ફળ નીવડ્યો. આજે પણ મુખ્યત્વે અમુક વર્તમાનપત્રો કે મુખપત્રોનો જ ઉલ્લેખ થાય છે જેમણે પરિસ્થિતિ પર નિર્ભીકપણે ટીકાટિપ્પણ કરવાની નીડરતા બતાવી હતી. પણ જે કળાકૃતિ તરીકે ટકી શકે એવી રચના હતી તે તો ઉપેક્ષિત જ થઈ, કારણ કે આપણને સાહિત્યિક ગુણવત્તા ક્યારેય પરવડી નથી!

26-1-78

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.