મિલોઝની કવિતા : 1

જોગાનુજોગ બન્યું એવું કે હમણાં જ અમે ઝેસ્લાવ મિલોઝે સમ્પાદિત કરેલી યુદ્ધોત્તરકાલીન પોલિશ કવિતાનો સંગ્રહ વાંચતા હતા. અમારું વધારે ધ્યાન તો ટેડ્યુસ રોઝેવિક, ટિમોટિયસ કાપેવિચ, હર્બર્ટ વગેરે કવિ તરફ ગયેલું. મિલોઝની કવિતા પણ વાંચેલી. પણ કાપેવિચની પેલી કવિતા : ‘પેન્સિલનું સ્વપ્ન’ તો યાદ રહી ગયેલી : પેન્સિલ સૂતાં પહેલાં કપડાં ઉતારે છે ને ટટ્ટાર અને ‘કાળી’ રીતે સૂવાનો નિર્ણય કરે છે : એની કરોડરજ્જુ ભાંગે ખરી પણ વળે નહિ એવી છે. એને વાંકડિયા વાળનાં સ્વપ્ન નહિ આવે, એને તો શિસ્તબદ્ધ ટટ્ટાર ઊભેલો સૈનિક કે શબપેટી જ સ્વપ્નમાં દેખાય. એનામાં જે કાંઈ છે તે સાવ સીધું છે; જે કાંઈ એની બહાર છે તે વાંકુંચૂકું છે! હર્બર્ટની કવિતા ‘સ્ટડી ઓવ્ ધ ઓબ્જેક્ટ’નો તો મેં અનુવાદ કરીને ‘એતદ્’માં છાપેલો. એ સંગ્રહમાં સૌથી વધુ કવિતા પણ હર્બર્ર્ટની જ છે.

આથી મિલોઝને નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. કોઈએ હમણાં જ કહ્યું છે તેમ ખૂણે પડેલા, ભુલાઈ જવા આવેલા, ધ્યાન ખેંચતા નહિ હોય એવા, કવિઓ કે સર્જકોને શોધીને એમને પુરસ્કાર આપવાનું વલણ હમણાં હમણાંનું દેખાય છે. સામ્યવાદી દેશના માંધાતાઓને જાણી કરીને ચીઢવવાનો ઇરાદો પણ એમાં કેટલાકને દેખાય છે.

આવા પુરસ્કારો શુદ્ધ સાહિત્યિક દૃષ્ટિએ જ આપવામાં આવે છે એવું માની લેવાની જરૂર નથી. કોઈ સારા કવિનું ગૌરવ થયું છે તે આપણે માટે તો આનન્દની ઘટના બને છે. લિથુઆનિયામાં ઓગણીસસો અગિયારમાં એમનો જન્મ. થોડાં જ વર્ષો પછી એમના ઇજનેર પિતા રશિયા જઈને વસ્યા, પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી એમણે પોલેન્ડમાં રહેવાનું પસંદ કર્યું. કવિનું બાળપણ વિલ્નોમાં વીત્યું. ત્યાંની એક કેથોલિક શાળામાં એઓ ભણ્યા, કોલેજના અભ્યાસકાળ દરમિયાન, એમના સમકાલીન મિત્રોની જેમ એઓ માર્ક્સવાદી વિચારસરણીના પ્રભાવ નીચે આવ્યા. એઓ પેરિસમાં વસતા હતા તે દરમિયાન ગમ્ભીરપણે કાવ્યસાધના શરૂ કરી. ફ્રાન્સમાં વસતા એમના પિતરાઈભાઈ ઓસ્કાર મિલોઝ સાથે ત્યાં એમને પરિચય થયો. એઓ ફ્રેન્ચ ભાષામાં કવિતા લખતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડ જર્મનીએ લીધું ત્યાર પછી સાર્ત્રની જેમ, એમણે પ્રતિકાર આન્દોલનમાં સક્રિય ભાગ લીધો અને એના મુખપત્રનું સમ્પાદન કર્યું. બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં શરૂઆતમાં એઓ પોલેન્ડના વોશંગ્ટિન ખાતેના એલચીખાતામાં હતા. ઓગણીસસો એકાવનમાં એમણે પોલેન્ડ છોડ્યું. પેરિસમાં દસ વર્ષ ગાળ્યા પછી એઓ અમેરિકામાં સ્થાયી થયા. હાલ એઓ બર્કલીમાં યુનિવર્સિટી ઓવ્ કેલિફોનિર્યામાં સ્લાવ ભાષાઓનું સાહિત્ય શીખવે છે. ‘ધ કેપ્ટિવ માઈંડ’ એ પુસ્તકથી પણ એઓ આ પહેલાં પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. એમણે આત્મકથા પણ લખી છે.

પોલિશ યુદ્ધોત્તર કવિતાના નાના સંકલનમાં જોડેલી પ્રસ્તાવનામાં એમણે કવિતા વિશે થોડી વાતો કરી છે. એ સંકલન પાછળનો એમનો આશય સ્પષ્ટ કરતાં એમણે કહ્યું છે કે એમને નકારવાદી અને હતાશાભરી કવિતામાં ઝાઝો વિશ્વાસ રહ્યો નહોતો. વન્ધ્ય ક્રોધને પ્રગટ કરવાનો કશો અર્થ નથી એવું એમને લાગતું હતું. જો માનવીને એવા કશા યન્ત્રસંચારનો સામનો કરવાનો આવે જેના પર એનો કશો કાબૂ ન હોય તો એને હાર કબૂલવી જ પડે. પણ મિલોઝ એક બીજો વિકલ્પ સૂચવે છે : જે એને કચડી નાંખતું લાગે તે વાસ્તવમાં એની ચેતનાનું નવું પરિમાણ ખોલી આપવા માટે અનિવાર્ય એવી જુક્તિ જ હોય. આ નવા ખૂલેલા પરિમાણથી માનવી અશ્રુત અગોચર એવી નવી પરિસ્થિતિ સામે ઝૂઝવાને મનને સજ્જ કરી શકે. પોલેન્ડ જેવા, ભૌગોલિક દૃષ્ટિએ જર્મની અને રશિયા વચ્ચે આવેલા, દેશ પર તો ઇતિહાસનું સ્ટીમ રોલર વારે વારે ફરી જાય તે દેખીતું છે પણ આથી જ તો કદાચ એ દેશનો કવિ વધારે ચેતનવન્તો બને, માનવસન્દર્ભે ઊભા કરી આપેલાં કાર્યો સિદ્ધ કરવા એ વધુ સજ્જ બને. પોલિશ કવિ વ્યંગનો વધારે પડતો ઉપયોગ કરે છે એવી ફરિયાદ કરવામાં આવે છે; કેટલીક વાર એ વક્રદર્શી બનવાની હદે પણ પહોંચી જાય છે, પણ આ વ્યંગ આજકાલ તો, પ્રવર્તતા વિશિષ્ટ માનવસન્દર્ભને કારણે, જગતભરની કવિતાનું નોંધપાત્ર લક્ષણ હોય એવું લાગે છે. એ જે હેતુ સિદ્ધ કરે છે તેને કાવ્યત્વથી નોખો પાડી શકાય તેમ નથી.

પોલિશ ભાષામાં લખનાર કવિને અંગ્રેજી અનુવાદ દ્વારા આપણે પામીએ. ઘણી વાર અનુવાદ સરખો થઈ શકે નહિ. કેટલાક કવિઓની કવિતા અનુવાદપ્રવૃત્તિને ગાંઠે એવી નથી હોતી. રાવજી પટેલની કવિતાનો અમે અનુવાદ કરવા બેઠા ત્યારે આ વાત અમને સમજાઈ હતી. નવા કવિઓમાં એક પ્રકારની અનાસક્તિ દેખાય છે, આથી એઓ કાવ્યનાં ઉપકથનોના વિનિયોગ પરત્વે કંઈક ઉદાસીનતા સેવે છે. આવા કવિઓની કવિતાના અનુવાદમાં ઝાઝી ન્યૂનતા રહી જતી નથી. આ કવિઓ પ્રાસની અલાબલામાં ઝાઝા પડતા નથી.

મિલોઝને કવિતામાં ઝાઝો વિસ્તાર રુચતો નથી. સૂત્ર જેવી ટૂંકી કવિતાના એઓ પક્ષપાતી છે. આવી કવિતાનો અનુવાદ લાંબી કવિતાના અનુવાદ કરતાં, સરલ થઈ પડે છે એવો એમનો અનુભવ છે. આથી ‘આઇડિયોગ્રામ’માં રહેલી ‘કલિગ્રાફિક’ ગુણવત્તા કવિતામાં એમને રુચે છે. કવિનો અને રૂપકોનો ઠઠારો જેમ ઓછો તેમ સારું એવી એમની માન્યતા છે. એથી કવિતાની સર્વગ્રાહ્યાતાની માત્રા વધે છે. જગતમાં જે અનિષ્ટ વ્યાપી રહ્યું છે તેને પહોંચી વળવા માટે કવિ પાસે વ્યંગનું શસ્ત્ર છે.

દૂર રહ્યા રહ્યા એમણે પોલેન્ડની સ્થિતિનું નિરીક્ષણ કર્યા કર્યું છે. માર્ક્સવાદી ફિલસૂફીમાં આવેલી વિકૃતિને કારણે ત્યાં અમલદારશાહીએ સરમુખત્યારનું રૂપ ધારણ કર્યું છે. બુદ્ધિમત્તા અને વિચારશીલતાની સામે જ જાણે ત્યાં મોરચો મંડાયો છે. બૌદ્ધિક નિષ્ઠા ધરાવનારને ત્યાં ‘રિવિઝિનિસ્ટ’ કે ‘ઝિયોનિસ્ટ’ કહીને ભાંડવામાં આવે છે. ઘણા જુવાન કવિઓએ આ પરિસ્થિતિમાં વ્યંગનો જે રીતે ઉપયોગ કર્યો છે તે આપણાં હાડને થથરાવી મૂકે એવો છે. ‘જગત ભૂંડની જેમ જ વર્તે છે, આપણે બધાં ભૂંડ છીએ, તો પછી ચાલો આપણે પણ ભૂંડની જેમ જ વર્તીએ’ – આવું પ્રમેય કેટલાકે સિદ્ધ કરી લીધું છે. મિલોઝને મતે માનવ અસ્તિત્વની પવિત્રતાને કદી અળપાવા દેવી ન જોઈએ. કાવ્ય અને દર્શન એકબીજાથી અભિન્ન છે.

મિલોઝ એમની એક કવિતામાં કહે છે. ‘જેમનો ઉદ્ધાર હું કરી શક્યો નથી તેઓેને હું કહી રહ્યો છું, સાંભળો, મારી આ સાદી ભાવનાને સમજવાના પ્રયત્ન કરો, એ સિવાયની બીજી કશી ભાષા વાપરતાં મને શરમ આવે. હું શપથ ખાઈને કહું છું કે હું શબ્દોની ડુગડુગી વગાડીને કશો જાદુ કરતો નથી. કોઈ વાદળ કે કોઈ વૃક્ષ જેવી નિ:શબ્દતાથી બોલે તેવી રીતે હું તમારી સાથે બોલું છું. જે રાષ્ટ્રને કે પ્રજાને ઉગારે નહિ તે કવિતા શેની? સરકારી જૂઠાણાં પ્રત્યે આંખમીંચામણાં કરવા ને કન્યાશાળાની કન્યાઓે મુગ્ધ થાય તેવું લખવું તે કવિતા નથી. મરેલાઓ પણ પંખી થઈને આવે અને એનો ટહુકો કરે એવી કવિતા હોવી જોઈએ.

7-10-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.