મહામાનવ સાર્ત્ર

સાર્ત્રના બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે : સાંજ ઢળી ગઈ છે, ઘરમાંથી પ્રકાશ ઓસરતો જાય છે. તેમ છતાં શિશુ સાર્ત્ર ઢાળિયા પાસે બેસીને કશુંક લખ્યે જ જાય છે. આથી એની મા એન મેરી એને કહે છે, ‘કેવું અંધારું થઈ ગયું છે, મારો લાડીલો આંખ બગાડી રહ્યો છે!’ બાળક જવાબ આપે છે. ‘હું તો અંધારામાં પણ લખી શકું છું.’ સાર્ત્રના જીવનનાં છેલ્લાં થોડાં વર્ષો લગભગ અંધારામાં ગયાં અને હવે તો મરણનો અન્ધકાર. જવાબના પડઘા આજે આપણા કાનમાં ગાજે છે : ‘હું તો અંધારામાં પણ લખી શકું છું.’

સાર્ત્રે આ અન્ધકારના વાતાવરણમાં જ લખવાનું શરૂ કર્યું હતું. યુદ્ધ પૂરું થવા આવ્યું હતું. યાતનાછાવણીઓના હૃદયદ્રાવક અહેવાલો આવવા લાગ્યા હતા. એ છાવણીઓમાંના કેદીઓને સરસ સરસ ખાવાનું આપ્યું. લાંબા વખતથી ભૂખમરાથી પીડાતા એ લોકો એ બધું જીરવી ન શક્યા અને ખાવાથી જ ટપોટપ મરવા માંડ્યા! આ અરસામાં સિમોન દ બુવારની નવલકથા ‘બ્લડ ઓવ્ અધર્સ’ બહાર પડી. લેખિકાએ તો એ કૃતિને પોતાની બીજી કક્ષાની કૃતિ જ ગણેલી, પણ એ વિશિષ્ટ સંજોગોને કારણે એનું મહત્ત્વ વધી ગયું. એ કૃતિને ‘અસ્તિત્વવાદી નવલકથા’ કહીને ઓળખાવવામાં આવી. ત્યારથી સાર્ત્રની અને સિમોન દ બુવારની કૃતિઓને એ જ સંજ્ઞાથી ઓળખાવવાનું શરૂ થયું. ગેબ્રિયલ માર્સેલે સાર્ત્રને એક સંવિવાદમાં ‘અસ્તિત્વવાદી ચિન્તક’ કહીને ઓળખાવ્યા ત્યારે સાર્ત્રે કહેલું, ‘મારી ફિલસૂફી અસ્તિત્વને કેન્દ્રમાં રાખે છે. મને તો ખબર સુધ્ધાં નથી કે આ અસ્તિત્વવાદ તે શી બલા છે!’ નવલકથા કોઈ પૂર્વસ્વીકૃત જીવનદર્શનને આધારે લખાતી નથી, એ તો સર્જકના અપરોક્ષ અનુભવમાંથી લખાય છે. માટે આ વિરોધ કરવામાં આવેલો તેમ છતાં આ સંજ્ઞા તો એમને વળગી જ.

આ અસ્તિત્વવાદની ઝુંબેશ એમણે પોતાની લાક્ષણિક રીતે ચલાવી. એમાં સભાસરઘસો નહોતાં, પણ ઉગ્ર ચર્ચાઓ થતી. આ જ ગાળામાં સાર્ત્રની ‘રોડ્ઝ ટુ ફ્રીડમ’ મહાનવલના બે ખણ્ડો પ્રગટ થયા. સાર્ત્રે એ જ ગાળામાં અન્ય મિત્રોની મદદથી એક ચિન્તનનું સામયિક પણ શરૂ કર્યું. એનો પહેલો અંક પણ એ જ અરસામાં પ્રગટ થયો. એ જ અરસામાં ‘માનવતાવાદ તરીકે અસ્તિત્વવાદ’ નામનું વ્યાખ્યાન સાર્ત્રે આપ્યું. એમાં સરળ ભાષામાં પોતાની દાર્શનિક ભૂમિકા સાર્ત્રે રજૂ કરી છે. એમણે ધાર્યો નહોતો એવો ઉગ્ર પ્રકોપ એમની સામે ભભૂકી ઊઠ્યો. આથી એકાએક સાર્ત્રને જાણે વિશાળ પ્રસિદ્ધિના રણાંગણમાં હડસેલી દેવામાં આવ્યા. સાર્ત્ર અને સિમોન દ બુવારનાં નામો ભેગાં બોલાવાં લાગ્યાં. લોકાપવાદનો વંટોળ પણ સૂસવી ઊઠ્યો. સાર્ત્રના જાહેર વ્યાખ્યાનમાં લોકો ઊભરાવા લાગ્યા, આનું કારણ એ હતું કે સાર્ત્ર એ સમયે વ્યાપેલા ફુગાવાનો વિરોધ કરતા હતા અને લોકોની લાગણી પણ એવી જ હતી. વળી ફ્રાન્સના સાહિત્યની બહાર નિકાસ કરીને ફ્રાન્સ થોડી પ્રતિષ્ઠા જાળવી રાખવા ઇચ્છતું હતું. પ્રજાની વિવેકબુદ્ધિ સ્વસ્થ નહોતી. ગમે તે કૃતિને એ આકાશે ચઢાવી દે, પણ સાર્ત્રનો વિવેક સ્વચ્છ હતો. પ્રજાએ ત્યારે સદાકાળ ચાલુ રહેતી શાન્તિમાંથી, અવિરત થતા રહેતા વિકાસમાંથી, અવિકારી એવાં પરમ તત્ત્વોમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી હતી. ઇતિહાસનું સૌથી અભદ્ર રૂપ પ્રજાએ જોઈ લીધું હતું. અસ્તિત્વવાદમાં ઇતિહાસનો લોકવ્યવહારની નીતિ જોડે મેળ પાડવાનો પ્રયત્ન થયો હતો. એણે માનવીય ગૌરવને અકબંધ રાખીને ભય અને અસંગતિને સ્વીકારી લેવાનું વલણ કેળવ્યું હતું. એમાં વ્યક્તિમત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન હતો. આથી લોકોને અસ્તિત્વવાદમાં જ પોતાનો ઉગારો દેખાતો હતો.

વાસ્તવમાં આવું હતું નહિ. આથી સાર્ત્રની સફળતાને તત્કાલીન સંજોગોને કારણે અતિશયોક્તિરૂપે રજૂ કરવામાં આવી. એ પરત્વે થોડો સંદેહ તો પહેલેથી જ રહ્યો હતો. લોકોને તો એ ફિલસૂફી ત્યારે પથ્ય લાગી એટલે અકરાંતિયા બનીને એને ઓહિયાં કરી ગયા, થોડા આ અસ્તિત્વવાદને નામે હિંસા તરફ પણ ખેંચાયા. પણ સાર્ત્રે વ્યક્તિને ટોળાંના હિસ્ટિરિયામાંથી ઉગારી લેવાનો પ્રયત્ન કર્યો. એણે આગવી વ્યક્તિમત્તાનું ગૌરવ કર્યું. સાર્ત્રે જે નીતિની હિમાયત કરી તે આ ઘડીભરને માટે ઉત્તેજિત થયેલા લોકોને સમ્મત એવી નીતિ નહોતી. સાર્ત્રની નવલકથામાં જે સમાજ રજૂ થયો તે પણ આ લોકોને સ્વીકાર્ય નીવડે એવો સમાજ નહોતો. આથી આ જ લોકો એને ‘કદરૂપા વાસ્તવવાદ’ને આલેખવા બદલ ગાળો ભાંડવા લાગ્યા. આ વાસ્તવવાદને ગાળમાં ‘મિઝરેબિલિઝમ’નું નામ આપવામાં આવ્યું. લોકોને તો એમને વિશેનાં એક-બે આકરાં નહિ એવાં સત્યો વિશે જ સાંભળવું હતું. એ સત્ય સામે આંખ સ્થિર કરીને જોવા જેટલી એમનામાં હિમ્મત નહોતી. એમને મોઢે સત્ય કરતાં સૂત્ર વધારે સહેલાઈથી ચઢી ગયું. સ્વતન્ત્રતાનો નારો એમણે ગજાવ્યો. પણ સાર્ત્રે જે સ્વતન્ત્રતાની વાત કરી તેમાં તો એમને મન કંટાળાભરી એવી જવાબદારી પણ રહી હતી. એ સ્વતન્ત્રતા તો એમની રૂઢિગત સંસ્થાઓને અને એની પરમ્પરાગત નીતિને પડકારે એવી હતી. એથી એમની સહીસલામતી જોખમમાં મૂકાઈ જાય એવું હતું. આવી સ્વતન્ત્રતાને અપનાવી લેવાનો સાર્ત્રે પડકાર કર્યો. એ લોકોનેય રચાતા ઇતિહાસમાં પ્રવેશ મેળવીને મહત્ત્વનું સ્થાન લેવું હતું, પણ તે આગલે બારણેથી નહિ. સાર્ત્રની ભાષા એમને પોતાની ભાષા લાગી હતી, પણ એ ભાષા દ્વારા સાર્ત્રે જે કહ્યું તે તો એ લોકોને સાંભળવું નહોતું. એ લોકોને મૂંઝવતા પ્રશ્નોને જ સાર્ત્રે વાચા આપી હતી પણ સાર્ત્રે એના જે ઉત્તરો રજૂ કર્યા તેથી ભડકીને જ લોકો એનાથી દૂર ભાગી ગયા!

આમ યશ અને અપયશ સાર્ત્રને તો એક જ થાળમાં પિરસાયા. સાર્ત્રે આ યશને બેચેનીથી જ સ્વીકાર્યો, કારણ કે એમાં એને પોતાની સાથેનો વિરોધાભાસ ઊપસી આવતો દેખાયો. ભવિષ્યની પેઢી એનો શબ્દ ઝીલે એવી મહત્ત્વાકાંક્ષા એને નહોતી એમ નહિ, પણ ટોળું એને આમ ભરખી જાય એવી એમણે કલ્પના કરેલી નહિ.

જ્યારે એમણે ‘નોશિયા’ નામની નવલકથા લખેલી ત્યારે જગતની બીજી ભાષાઓમાં એનો અનુવાદ થશે એવું એમણે ધાર્યું નહોતું પણ ભાષાઓ વચ્ચેના આદાનપ્રદાનની સુવિધાઓ વિકસી અને તેને પરિણામે બારેક ભાષાઓમાં એનો અનુવાદ થઈ ચૂક્યો. આકસ્મિક પ્રતિષ્ઠાના ધક્કાથી જે કૃતિ સમાજમાં જઈ ચઢે છે તેને સમાજ આત્મસાત્ કરતાં પહેલાં જ પાછી છોડી દે છે. સાર્ત્રને આની ખબર હતી. સર્જકોની જૂની પરમ્પરાએ જે એકાન્ત સ્વીકાર્યું હતું તે સાર્ત્રને અભિમત હતું. બોદલેર કે કાફકાની જેમ સાર્ત્ર પણ એકાન્તનો સ્વેચ્છાએ સ્વીકાર કરતા હતા. સાહિત્યસંસ્થાઓ, પ્રતિષ્ઠાન, આ કે તે સમિતિઓના એ જીવ નહોતા. છતાં ઉગ્ર ક્રિયાશીલતા એમને અભિમત હતી. પુસ્તકોની લાખ્ખો નકલ ખપે તે એમને મન સફળતાનો આંક નહોતો. સાધારણ કક્ષાનાં પુસ્તકો જ ‘બેસ્ટ સેલર્સ’ નીવડતાં હોય છે તે આજે આપણે ક્યાં નથી જાણતા? સાર્ત્રને તો બોદલેર કે કાફકાએ સ્વેચ્છાએ અજ્ઞાત રહેવાનું સ્વીકાર્યું હતું તે જ ગમતું હતું. આથી એકાએક ધસી આવેલા પ્રતિષ્ઠાના પૂરથી સાર્ત્રને તીવ્ર અણગમો થયો હતો.

એમને લાગ્યું કે ભવિષ્યની પેઢી જાણે એમની પાસેથી ઝૂંટવાઈ ગઈ છે. પોતાના નાટક ‘ધ કન્ડેમ્ડ ઓવ્ આલ્ટોના’માં સાર્ત્રે જે કરચલાઓની વાત કરી છે તે કરચલા જેવી ભવિષ્યની પેઢી બની રહી. એમનાં પુસ્તકો ભવિષ્યમાં વંચાય તોય એમણે જે રૂપે લખ્યાં હતાં તે રૂપે તો નહિ જ વંચાય એવી એમને ભીતિ હતી. જેને એઓ પોતાની કૃતિઓ તરીકે ઓળખાવતા હતા તે તો રહેશે જ નહિ એવું એમને લાગ્યું.

સાહિત્ય જાણે એને લોકડિયાંથી દૂર રાખતી પવિત્રતાને છોડી બેઠું હતું. તો ભલે. તો હવે ક્ષણિકને જ ધ્રુવ માનવું. આપણે આપણા યુગમાં પુરાઈને જ જીવવાનું હોય તો પછી આપણો યુગ જ આપણે માટે તો શાશ્વતી, આપણે એ યુગના વિલય સાથે નષ્ટ થઈ જવાનું સ્વીકારી લેવું જ રહ્યું. સાર્ત્રને પણ બાળપણથી સર્જક વિશેના કેટલાક રોમેન્ટિક ખ્યાલો હતા. સર્જકને એના જીવનકાળમાં કોઈ ઓળખે નહિ, એના મરણ પછી જ પ્રતિષ્ઠાનો વિદ્યુતચમકારો થાય ને બધાંને આંજી દે, પણ જીવનકાળ દરમિયાનની આ પ્રતિષ્ઠાએ બધી જ ગણતરી ઊંધી વાળી દીધી. એને એમ લાગ્યું કે આ બધું જીતવામાં એને સર્વસ્વ ખોઈ નાખ્યું હતું. એ હાનિને સ્વીકારી લેવાથી ભવિષ્યમાં બધું પાછું મળી જશે એવી આશાને ગુપ્તપણે એણે હૃદયમાં જાણે સ્થાન આપ્યું હતું. સિમોન દ બુવારે સાર્ત્રની અપ્રગટ નોંધોમાંથી એમનું વાક્ય ટાંક્યું છે : ‘The rejection of posterity would give me posterity.’

ભવિષ્યમાં કદી આ પ્રતિષ્ઠાના આંકને એઓ ઉલ્લંઘી જશે નહિ એવું એમને લાગ્યું. સફળતાનું પુનરાવર્તન પણ કેટલું તો કંટાળાભર્યું હોય છે તેની એમને સારી પેઠે ખબર હતી. આમાંથી છૂટવાનો એક જ ઉપાય હતો : લક્ષ્ય બદલી નાખવું. સર્જનની પ્રવૃત્તિ એમને મન કદી નિષ્ક્રિયતા નહોતી. એ કેવળ ધ્યાનસ્થ થઈને દિવાસ્વપ્નોમાં રાચવાની પ્રવૃત્તિ નહોતી. ફ્રાન્સની તે સમયની પરિસ્થિતિ પરત્વેનો એક સક્રિય સદોદ્યત સર્જક તરીકેનો પ્રતિભાવ એમની કૃતિઓમાં ઝિલાતો આવ્યો છે ને તે છતાં એમની કૃતિઓ નર્યા દસ્તાવેજી આલેખનરૂપ બની ગઈ નથી. આથી તો એમણે પોતાના સર્જક તરીકેના અભિગમને પ્રગટ કરતાં કહ્યું છે, ‘Henceforth writing would always be a rallying cry, a commitment.’ એમાં શુદ્ધ સાહિત્ય પ્રત્યેનો તિરસ્કાર પ્રગટ નથી થતો, એથી ઊલટું, સાહિત્યને એના સાચા ગૌરવમાં પુન:સ્થાપિત કરવાનો પ્રયત્ન જ દેખાય છે. સાહિત્ય જો કોઈ દૈવી વસ્તુ હોય તો કલમની રમત રમીને દૈવી પદાર્થોનું સર્જન કર્યે જવું એ જ આપણું કાર્ય. પણ જો સાહિત્યને માનવસન્દર્ભ સાથે સમ્બન્ધ હોય તો માનવીની બધી સમસ્યાઓને તે મૂર્ત કરી, એ સ્થૂળ સ્તર પર રહીને માનવીનું મનોરંજન કરી માત્ર એની ખુશામતમાં નહિ રાચે, એ માનવઅસ્તિત્વ સાથેની અભિન્નતાને જ મૂર્ત કરે, એ જીવનને ખણ્ડખણ્ડમાં વિચ્છિન્ન કરવાને બદલે એની અવિભાજ્ય અખણ્ડતાનું ઈંગિત બની રહે. સર્જક જે રચે તેમાં એની સમગ્ર ઉપસ્થિતિ હોય તે જ સાર્ત્રને મન ‘કમિટમેન્ટ.’

કશો પાઠ ભજવવાનું માથે લીધા વિના પરિસ્થિતિ પરત્વેની પ્રતિક્રિયા વ્યક્ત કરવી આ અભિગમ એમણે સ્વીકાર્યો. આંખો ગયા પછી પણ નોંધ લખાવવાનું એમણે ચાલુ રાખ્યું. એમની જીવનરીતિમાં આ પ્રતિષ્ઠાથી કે એમના પર થતા હુમલાથી કશો ફેર પડ્યો નહિ. પ્રતિષ્ઠાને એઓ ગેરસમજના પરિણામરૂપ ગણતા થયેલા. આથી નોબેલ પારિતોષિક સ્વીકાર્યું નહોતું. સંન્યાસી નહિ છતાં અકિંચન એવો આ આદમી હોટેલોમાં ને કાફેમાં જ જંદિગી વિતાવીને ગયો. પોતાની વેશભૂષા પરત્વે કદી એણે ધ્યાન આપ્યું નહિ, જે સમાજના હિત માટે એકાગ્ર થઈને નિષ્ઠાપૂર્વક ચિન્તન કર્યું તેમાં કોઈ રીતે સંડોવાયા વગર જીવ્યો. લગ્નની સંસ્થા પણ એણે સ્વીકારી નહિ. સિમોન દ બુવારની સર્જક તરીકેની મૈત્રીનું સુખ એમણે સ્વીકાર્યું ને તેય એમની સ્વતંત્રતા ઝૂંટવી લીધા વિના, આત્મરતિથી ઊફરા જઈને એણે માનવપ્રેમ જ કેળવ્યો. કદાચ ગુજરાતમાં હવે સાર્ત્ર, કેમ્યૂ, મેર્લો-પોંતિનો સાચો અભ્યાસ થશે.

28-4-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.