ભાષાનું વિષચક્ર

ફ્રેન્ચ નાટ્યકાર આર્તો પ્રાર્થના કરીને કહેતો : ‘મારે માત્ર આટલું જ માગવું છે. મને મારા મગજનો અનુભવ કરવા દો.’ મગજની સંવેદના થવી એમાં હંમેશાં આપણને વિરોધાભાસ રહેલો લાગે છે. મગજને ને લાગણીને જાણે વિરોધ છે. એલિયટે પણ કવિતામાં અનુભૂત વિચારનું ગૌરવ કર્યું હતું, એકલા વિચારનું નહીં. આર્તો કહે છે : ‘મારા સાહેબ, આખી સમસ્યા જ આ છે : આપણામાં અવિચ્છિન્ન વાસ્તવિકતા હોય અને સાથે સાથે લાગણીની વિશદતા હોય, અને વળી એ એટલી માત્રામાં હોય કે લાગણી વ્યક્ત થયા વિના રહે નહીં. શબ્દોની સમૃદ્ધિ હોય, રૂપરચનાનું વૈવિધ્ય હોય – અને એ અભિવ્યક્ત થાય એ જ ક્ષણે આત્મા પોતાની સમૃદ્ધિનું સંવિધાન કરતો હોય ત્યારે એનાથી ઊંચી, શયતાનિયતભરી કશીક શક્તિ આત્મા પર પ્રહાર કરે છે, શબ્દો અને કલ્પનો પર તૂટી પડે છે અને જીવનના ઉંબર પર હું હાંફતો ઊભો રહી જાઉં છું.’

આવો અનુભવ આપણને પણ નથી થતો? આપણા જ ચિત્તમાં આવી, એકબીજાનો છેદ ઉડાડનારી, વૃત્તિઓ ક્યાંથી ઉદ્ભવે છે? કેટલાક કહે છે કે આપણે કદી પૂરું સત્ય પામી શકતા નથી, અને જે પામીએ છીએ તે વિરોધાભાસની પરિભાષામાં જ રજૂ કરી શકતા હોઈએ છીએ. મૌલિક ચિન્તનનું એક લક્ષણ એ છે કે એમાં આવા વિરોધાભાસને કારણે ઊભી થતી વિશિષ્ટ પ્રકારની સન્દિગ્ધતા હોય છે. આ સન્દિગ્ધતા કોઈક વાર વ્યંગનું સ્વરૂપ લે છે, પણ એનો વ્યંગ એના પોતા પ્રત્યે જ હોય છે.

રૂમાનિયાના ચિન્તક સિયોરાનનું નામ બહુ જાણીતું નથી, પણ અત્યારે ફ્રાન્સમાં રહેતા આ ચિન્તકનું સ્થાન વાલેરી અને આન્દ્રે ઝિદની કક્ષાનું છે. એના નિબન્ધોના બે જ સંગ્રહોનો અત્યાર સુધીમાં અનુવાદ થયો છે. અમેરિકા ફિલસૂફીનો અભ્યાસ કરીને પાછા ફરેલા મારા યુવાન મિત્ર પ્રબોધ પરીખે આ ચિન્તકના સમ્પર્કમાં મને સૌ પ્રથમ મૂક્યો. સિયોરાનને આજકાલની ફેશનરૂપ બનેલી હતાશાની ભારે જુગુપ્સા છે. લોકશાહીમાં પ્રજા જે બહુ ઊંચે સ્થાને હોય તેને એકદમ નીચે ઉતારી પાડવાનો ને અસંગતિમાં રાચવાનો પોતાનો અધિકાર સમજે છે. એ જ જાણે આપણા જમાનાનું એક તૈયાર બૌદ્ધિક માળખું છે.

રસ્તે ચાલતો કોઈ કિશોર પણ કોઈ શોપનહાવર કે સ્પેન્ગલરની અદાથી માનવનીતિના ક્રમશ: પતનની, એના અન્ધકારમય ભાવિની વાત ભારે છટાથી કરતો સંભળાશે. કાફકાને અનુસરતી હોય તેમ મધ્યમ વર્ગની કોઈ શિક્ષિત ગૃહિણી પણ એકલવાયાપણાની ફિલસૂફી હાંકશે, પછી ભલે એણે કાફકા કે ક્યિર્કેગાર્દનાં નામ પણ નહીં સાંભળ્યાં હોય. આપણે આપણી નિરાશા બદલ ગૌરવ અનુભવવાનું શીખી ગયા છીએ. આપણે આપણા વિષાદને આધ્યાત્મિક સ્તર પર પહોંચાડી દીધો છે. સમકાલીન માનવીએ પોતાના પર મદાર બાંધીને મરવાનું માથે લીધું છે. પણ એનું અભિમાન એવું તીવ્ર છે કે એના આ ઉદ્યમમાં રહેલી અવમાનના એને દેખાતી નથી. માનવી એવું પ્રાણી છે જે કોઈ પણ પરિવર્તન કે રૂપાન્તરને લોકો વખાણે એવી રીતે સમજાવી દઈ શકે છે, એ કોઈ પણ ક્ષતિ કે હાનિને એનાં શક્ય સૂચિતાર્થોને સમજ્યા વિના, સાભિપ્રાય ઠરાવી શકે છે. જો માનવી સિવાયનો બીજો કોઈ દ્રષ્ટા બહારથી આ પ્રવૃત્તિ જોતો હોય તો આ એને કેવું હાસ્યાસ્પદ લાગે? પણ આપણે મન તો એ પ્રસંગ આત્મશ્રદ્ધાનો અને નવા સિદ્ધાન્તની માંડણીના અનુષ્ઠાનનો બની રહે છે.

આ પરત્વે સમજપૂર્વકની ઉદાસીનતા સિયોરાન જેવો ચિન્તક કદાચ કેળવે, પણ આ નિરાશાને પ્રગટ કરવાની જે રેઢિયાળ ભાષા ચલણી બની ગઈ છે તે એને ઉશ્કેરી મૂકે છે. પુનરુત્થાનના કાળથી જગતનું જે ક્રમિક અ-વાસ્તવીકરણ શરૂ થયું તે એને મતે એક અવર્ણનીય એવી કરુણતા છે. બુર્ઝવા આદર્શવાદીઓએ એને લોકપ્રિયતાના સ્તર પર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. સંવેદના અને ચિન્તન વચ્ચે જે વિરોધ ઊભો થયો છે તે આપણા અનુભવો માટેનો એક પ્રસ્તુત સન્દર્ભ નથી, જ્ઞાનની વિવિધ શાખાઓના પારસ્પરિક સહકારથી ઉકેલવાની સમસ્યા નથી. પણ એ જાણે અનિદ્રાજન્ય યાતના છે. એને સભાનપણે વ્યક્ત કરવા જઈએ તો આપણી યાતના રખેને દ્વિગુણિત થઈ જાય એવો ભય રહે છે. અસ્તિત્વવાદીઓેએ નિષ્ઠુર અસંગતિપૂર્ણ નિયતિની સામે જે વીરત્વ બતાવવાની મુદ્રા ઊભી કરીને માનવીને આવી નિરાશામાં ગૌરવ અનુભવવાનું આશ્વાસન આપ્યું છે તે પ્રત્યે સિયોરાન સંદેહભરી દૃષ્ટિએ જુએ છે. આ વીરનો પાઠ ભજવવાની યુક્તિ તે આપણી બુદ્ધિએ પોતા પર જ લીધેલું વેર છે. આપણી શ્રેષ્ઠ વૃત્તિઓેના વિલયની જ એ ઘોષણા કરે છે. ‘હું કેવળ માનવી છું’ એમ વીરતાપૂર્વક કહેવાથી સમસ્યાનો ઉકેલ નથી આવી જતો, જેમ માનવી મટી જવાનો ઢોંગ કર્યાથી પણ એનો ઉકેલ નથી આવતો.

માનવીની જ્ઞાનની પ્રવૃત્તિ એ પોતે જ એક મોટી સમસ્યા છે. શૂન્યને ઓળખવાની પ્રવૃત્તિ પણ એવી જ છે. શૂન્યને સ્વીકારવાથી કશું પ્રમાણભૂત પામી શકાતું નથી. આપણે આપણી જાતને ધિક્કારીએ એનો અર્થ એ નહીં કે આપણે જુઠ્ઠાણું છોડી દીધું છે. શૂન્યનો સાક્ષાત્કાર એ એક વસ્તુ છે (આપણે કોઈ ઓરડામાં જઈને જોઈ આવીને કહીએ કે ‘ત્યાં કશું નહોતું’ એના જેવું) અને શૂન્યથી શરૂઆત કરવી એ બીજી વાત છે. ભાષાની કે પ્રકૃતિની બહાર રહીને કોઈ એને વિશે વિધાનો કરી શકે નહીં. આપણે વૈષમ્ય વચ્ચે જ જીવીએ છીએ, વૈષમ્ય જ આપણો શાપ છે. આપણી વ્યક્તિતા એટલે આપણે જે પરિવેશ વચ્ચે રહીએ છીએ તેનું નામ પાડવાનો પ્રયત્ન. પોતાનું નામ ઉપજાવવા જતાં જ માનવી એની આદિ કાળની શોભાને ખોઈ બેસે છે. ભાષા અને વાસ્તવિકતા વચ્ચેની કડી તૂટી ગઈ છે.

આપણે એવી શ્રદ્ધા ધરાવતા હતા કે ભૌતિક વિશ્વ આધિભૌતિક વાસ્તવિકતાનું પ્રતિરૂપ છે, જો આપણી બુદ્ધિ નિર્મમ હોય તો એ આ પ્રતિરૂપોને ભાષા દ્વારા પ્રગટ કરી શકે. ઈશ્વરનો શબ્દ તે માનવીના વ્યવહારને અંગે આદેશ આપનારી વાણી છે. આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તેવા હોઈએ તોય ઉત્તમ રીતે પ્રગટ થતાં પ્રતિરૂપોને ઓળખી શકીએ. શાસ્ત્રોમાં પણ એવું જ કહ્યું છે કે આ જગત બ્રહ્મનું જ પ્રગટ રૂપ છે, એનો જ આવિષ્કાર છે.

પણ સિયોરાન કહે છે કે ભાષા તો ચીકણાં પ્રતીકોની જાળ છે, એ વસ્તુથી વિરુદ્ધ દિશામાં જવાની ગતિ છે. એથી માનવીનો જગતથી વિચ્છેદ થાય છે – જેમ એક વાર માનવીનો ઈશ્વરથી વિચ્છેદ થયો હતો તેમ. આથી, જો એક રૂપક વાપરીને કહીએ તો માનવીઓે અનન્તના દર્પણ પર પ્રતિબિમ્બ પાડવા મથતા પડછાયાઓે છે (છબિને પકડવા મથતો પડછાયો, ઊંઘમાં ચાલતો માણસ જે પોતાને ચાલતો જોતો હોય) કશું દૈવી નથી, જે છે તે જ્ઞાત છે. ભાષા કદાચ માનવજાતિના વિનાશની ગતિને ધીમી પાડે છે, પણ સાથે સાથે અનુભવ સાથેનાં સાદૃશ્યોને શોધવાની શક્તિને અત્યન્ત વધારી દઈને એ આપણને આપણી જાત સાથે પૂર્ણ રીતે સજીવ થતાં રોકે છે. આપણી અદ્વિતીયતાથી આપણને ગેરલાભ એ થાય છે કે માનવીથી આપણને જુદા પાડનારી આપણી વિશિષ્ટતા – ઉદાસીન રહેવાની શક્તિ – પણ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. દુર્ભાગ્યે શૈલી તે જ માનવી એવું બની રહે છે. ચેતના એટલે વિશદતા નહીં. વિશદતા માનવીનો એકહથ્થુ ઇજારો છે. પણ એ આખરે તો ચિત્તને જગતથી વિચ્છિન્ન કરતી પ્રક્રિયા છે. અનિવાર્યતયા એ ચેતના હોવાથી ચેતના છે. માનવીને પશુથી જુદો પાડનાર આ વિશદતા જ શ્રેય કે દોષને પાત્ર છે.

ભાષા એ એક વિષચક્ર છે. એ પોતા સિવાય આખરે કશાને ચિહ્નિત કરતી નથી. એ માનવીય સન્દર્ભની અતિશયોક્તિ કરે છે. વાણી માત્ર અતિશયોક્તિ છે, ગદ્ય નામે વાગાડમ્બર છે, કવિતા છન્દનો રણકાર છે. નીત્શેએ આ કહ્યું જ છે. વિટગેન્સ્ટાઇને એ વૈજ્ઞાનિક ચોકસાઈથી કહ્યું, ‘ફિલસૂફી એટલે ભાષાનાં સાધનો વડે આપણી બુદ્ધિના પર ભૂરકી નાખવાના પ્રયત્નનો પ્રતિકાર.’ વિચારની મૌલિકતા શક્ય હોય તોય ઇચ્છનીય નથી. વિચારોને શૈલી દ્વારા વિશિષ્ટ વ્યક્તિત્વ આપીને મૂર્ત કરવાના પ્રયત્નમાં જ મૌલિકતા રહી હોય છે. વાસ્તવિકતા એને વ્યક્ત કરનાર ભાષાના કરતાં પણ વધુ પોકળ હોય છે, એવી માન્યતામાંથી શૈલીપૂજા ઉદ્ભવે છે. વિચાર કરતાં વિચારનો લય વધુ મહત્ત્વનો છે, સારી રીતે પ્રગટ કરેલું બહાનું એ પ્રતીતિ કરતાં વધુ આસ્વાદ્ય છે. કોઈ સપ્રમાણ વાક્ય એની સમતુલાથી સન્તુષ્ટ કે એની ધ્વનિસમૃદ્ધિથી સ્ફીત મૂળ વિશ્વને સંવેદનાથી અનુભવવાને અક્ષમ એવા ચિત્તની આસક્તિને જ ઢાંકતું હોય છે. આ શૈલી એકી સાથે મહોરું અને આત્મનિવેદન હોય તો એમાં અચરજ શેનું?

ભાષા, વાસ્તવિકતા અને માનવી વિશેના આ વિચાર આપણને વિક્ષુબ્ધ કરે એવા છે. પણ આજે તો વિક્ષુબ્ધ કરીને ઉત્તેજિત કરે એવા ચિન્તકો પણ કેટલા?

17-12-74

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.