ભાષાની અશક્તિ

કેટલીક વાર નિરાશ થઈને આપણે કહેતા હોઈએ છીએ : ‘ભાષાએ દગો દીધો.’ આમ કહીને ભાષાનો વાંક કાઢતા હોઈએ છીએ ત્યારે વાસ્તવમાં ભાષા જગતની વાસ્તવિકતાને કે લાગણીઓની સંકુલતાને આંબવામાં સફળ નીવડી શકતી નથી એવો ખ્યાલ આપણને પજવતો હોય છે. આપણે નિકટની વ્યક્તિને કહી કહીને કેટલું કહી શકીએ? આથી સામે છેડે જઈને માનવી હઠપૂર્વક મૌનનો આશ્રય લેતો હોય છે. એને વ્રતનું ગૌરવ અર્પતો હોય છે. આપણે ભાષાપ્રપંચ અને વાણીવિલાસની વાત પણ આથી જ કરતા હોઈએ છીએ. ફલોબેર જેવા સર્જકને ભાષાકર્મમાં પ્રવૃત્ત રહેવા ઊંડે ઊંડે અસન્તોષ હતો. ભાષાથી કેટલું સંક્રમણ થઈ શકે? આ અસન્તોષમાંથી એણે જે રચ્યું તે પણ સાહિત્યની સામગ્રી નથી બની રહ્યું?

ભાષાની અશક્તિમાંથી જ કદાચ માનવી ઈશ્વરની કલ્પના કરવા પ્રેરાયો હશે. આપણું બધું અવ્યક્ત એ પરમ તત્ત્વમાં સમાવિષ્ટ થઈને રહ્યું છે એવું આપણે આશ્વાસન લઈએ છીએ. બીજે છેડે મૃત્યુ છે. એમાં બધા ભાષાપ્રપંચનો અન્ત આવી જાય છે. સર્જક તો આ બંને અન્તિમોને આવરી લેતો હોય છે. એ બંનેનાં પરિમાણોને આવરી લેવાનું એનું ગજું હોવું જોઈએ. આ બે વચ્ચે રહેલ વિરોધ જ એની તો સામગ્રી બની રહે એવું સાર્ત્ર સૂચવે છે. આમ તો આપણે માનીએ છીએ કે બધું જ વ્યક્ત થઈ શકે, શરત એટલી કે એને માટેના યોગ્ય શબ્દો મળવા જોઈએ, પણ ત્યાં જ તો બધી આફત છે. એલિયેટને પણ એ ન બની શક્યાની ફરિયાદ કરવી પડી. જ્યારે કહેવું હતું ત્યારે શબ્દ નહિ જડ્યા, કહેવાની ઇચ્છા ન રહી ત્યારે યોગ્ય શબ્દ જડ્યા! આ યોગ્ય શબ્દ જડવા એટલે શું? ઉપલબ્ધ ભાષાભંડોળમાંથી જ આપણે એ શોધવાના રહે છે. નવી અભિવ્યક્તિની આવશ્યકતા ઊભી થતાં આપણે નવો શબ્દકોશ કે નવું વ્યાકરણ રચવા નથી બેસતા. શબ્દમાંથી અનેક નવા રણકાર આપણે ઉપજાવી શકીએ છીએ. મુખ્યાર્થનો બાધ કર્યા વિના તો કવિકર્મનો આરમ્ભ થઈ શકતો નથી. આ નવા રણકારની શક્યતા શેમાં રહેલી છે? શબ્દની સાથે એનો વિનિયોગ કરનારના ભાવોચ્છ્વાસનું વાતાવરણ એના સમગ્ર ઇતિહાસ સહિત રહ્યું હોય છે. એને જે પુનર્જીવિત કરી શકે, પ્રત્યક્ષ કરી શકે, તે આ નવો રણકાર ઉપજાવી લઈ શકે. પણ આ બધા પ્રચ્છન્ન પ્રદેશો છે, એને ગુહ્યા બનાવતા અધિકારને સર્જકે ભેદીને શબ્દના જ્યોતિને પ્રગટ કરવાનો રહે છે. પદાર્થને શબ્દ દ્વારા સંકેતિત કરવા જતાં જ એ પદાર્થનું પરિવર્તન આપણે સિદ્ધ કરતા હોઈએ છીએ. એ પરિવતિર્ત રૂપ વળી પાછું આપણને શબ્દની શોધમાં પ્રવૃત્ત કરે છે, ને વળી એ પ્રવૃત્તિ એક નવા રૂપને પ્રગટ કરે છે. આમ સર્જનનો ઉદ્યમ અવિરત ચાલ્યા કરે છે. આથી આપણે તો ઉત્સાહિત જ થવું જોઈએ. ‘કશું હાથમાં નથી આવતું’ એમ કહીને નિરાશ થઈને ભાષાને ગાળ ભાંડવાથી શું? આપણે ત્યાં તો છેક અખાથી તે રાવજી-લાભશંકર સુધી ભાષાને ભાંડવું એ પણ કાવ્યને માટેની સામગ્રીરૂપે સ્વીકારાતું આવ્યું છે. આથી આપણે તો આનન્દપૂર્વક એમ જ કહેવું જોઈએ કે ભાષા તો એને ભાંડનારને પણ ફળે છે. ભાષા દ્વારા થતી અભિવ્યક્તિ એ પદાર્થ અને એના દ્યોતક શબ્દ વચ્ચેનું સિદ્ધ થતું સમીકરણ નથી. ભાષા વડે જગત સિદ્ધ થાય છે એમ કહેવા કરતાં જગત વિશેની અનેક સમ્ભાવનાઓ પૈકીની એક સિદ્ધ થાય છે એમ કહેવું વધુ ઉચિત લેખાશે. એરિસ્ટોટલ ‘મેટાફર’ની વાત કરતાં કંઈક આવું જ ચીંધતો લાગે છે. સર્જક વાસ્તવિકતાથી બલવત્તર એવી ભ્રાન્તિ સર્જે છે. રમ્યતા ભ્રાન્તિનો જ ગુણ છે. વાસ્તવિકતા તો હકીકતનું રેઢિયાળપણું પામી ચૂકી હોય છે. બ્રહ્મ જે ભલે એક માત્ર સત્ય હશે, જેને માયા કહીને શંકરાચાર્યે મિથ્યા કહી નાખ્યું તે જગત જ આપણને તો આકર્ષે છે. એમાં જ આપણો વિહાર અને એમાં જ આપણો વિરામ, બ્રહ્મ તો નિરપેક્ષ ને સન્દર્ભહીન છે, જ્યારે આપણે તો સાપેક્ષતાથી જ ઘેરાઈને જીવીએ છીએ. એક જ પદાર્થ, ઘટના કે લાગણી મને જુદા જુદા સન્દર્ભમાં, જુદા સામાજિક પરિવેશમાં, જુદી મનોસ્થિતિમાં જુદાં જ લાગવાનાં. આથી જ તો હુસેર્લે કહ્યું કે આ ભૌતિક વિશ્વ અખૂટ અને અજસ્ર છે – એના જેવા બીજા આનન્દદાયક સમાચાર આપણને કોણે આપ્યા?

સાર્ત્ર અને મેર્લો-પોંતિ આ વાતને જરા વધારે ગૂંચવે છે. જોવું અને દૃષ્ટિગોચર હોવું એ બે એક છે? હું સંકેતિત કરવાની પ્રવૃત્તિ દ્વારા મારા પોતાના સંકેતને પણ બદલતો રહું છું અથવા વિસ્તારતો રહું છું. આ સમ્બન્ધોની જાળ અટપટી બનતી રહે છે. આખરે તો બધું જ એના તન્તુરૂપ બની રહે છે.

‘અંદર’ અને ‘બહાર’, ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ના દ્વન્દ્વથી ભારે ગૂંચ ઊભી થાય છે. જે બાહ્ય છે તેને અન્તર્ગત બનાવવાની પ્રક્રિયા પણ આપણામાં હંમેશાં ચાલ્યા જ કરે છે. રિલ્કેને માટે બાહ્ય જગતને આવું અન્તર્ગત રૂપ આપવું એ જ કવિની મુખ્ય પ્રવૃત્તિ છે. આ ભાષા વડે થાય છે. પદાર્થમાં એવું કશુંક છે જે ભાષાને ચિહ્નિત કરે છે એ જેટલું સાચું છે તેટલું જ સાચું એ પણ છે કે ભાષા પણ પદાર્થને વિશિષ્ટ બનાવે છે, એને નવાં લક્ષણો અર્પે છે. હું પદાર્થને ભાષાથી ઓળખાવવા જાઉં છું ત્યારે મારી એ ઓળખાવવાની ભાષા મને પણ સાથે ઓળખાવતી જાય છે.

આપણે માટે તો માનવી જ કેન્દ્રમાં છે, એની બહાર કે આગળપાછળ જે રહ્યું છે તેને એ અન્તર્ગત બનાવતો જાય છે. માનવીએ માનવીના વતી જ સાહેદી પુરાવવાની છે. આપણે જે કાંઈ જાણવા ઇચ્છીએ છીએ, જે કાંઈ તપાસ કરીએ છીએ તે ભાષા દ્વારા જ બને છે. ભાષાનું વ્યવધાન તો રહેવાનું જ. ભાષાને તમે કેટલી હદે પારદર્શક બનાવી શકો? આથી ઘણાં વ્યવધાનરહિતતા નહિ સહી શકાતી હોવાને કારણે પોતાની ને જગતની વચ્ચે ભાષાનાં મહોરાં મૂકે છે. ભાષા વડે આપણે ઊંડાણો તાગીએ છીએ અને આપણામાં ઊંડાણ સિદ્ધ કરીએ છીએ, એ ઊંડાણને વળી ભાષા વડે અભિવ્યક્ત કરીએ છીએ. આ પ્રક્રિયા સદા ચાલ્યા જ કરે છે. આ જગત મેં સર્જ્યું નથી પણ મારે એની નોંધ લેવી જ રહી. સાર્ત્ર તો કહે છે કે જગતનું ઊંડાણ માનવીમાં છે અને માનવીનું ઊંડાણ જગતમાં છે. આ બધું સિદ્ધ થાય છે ભાષા દ્વારા. શબ્દ એ ઇતિહાસની નીપજ છે, એને હું મારી આવશ્યકતા પ્રમાણે સંસ્કારતો રહું છું. શબ્દ લખવાનો મને આનન્દ થવો જોઈએ. હું સર્જક તરીકે એનો વિનિયોગ કરતો હોઉં તો એમ જ બને. ફ્રોઇડે તો શબ્દોને બીજા ભૌતિક પદાર્થ જેવા સાચા પદાર્થો જ ગણ્યા છે. આપણી સામે સૌ પ્રથમ તો પદાર્થ જ હોય છે. સર્જકને અમુક પદાર્થો પ્રત્યે પ્રીતિ હોય છે. એ શબ્દો-પદાર્થો બીજા પદાર્થોને ચીંધે છે, બીજા જોડેના સમ્બન્ધની ભૂમિકા અને શૃંખલા બની રહે છે.

આપણે કશુંક વાંચતા હોઈએ છીએ ત્યારે શું બને છે? શબ્દો દ્વારા જે ચિહ્નિત થાય છે તેને પણ ઓળખીએ છીએ. એક વાક્ય જેનો નિર્દેશ કરે છે તે આપણી સમક્ષ ઉપસ્થિત નથી હોતું પણ પ્રતીક રૂપે શબ્દ એની ઉપસ્થિતિને આપણી આગળ પ્રસ્તુત કરે છે. એનું આ હોવું તે સામાન્ય ‘હોવું’ના કરતાં જુદા પ્રકારનું. અહીં એના સાચા ખોટાપણાનો પ્રશ્ન ઊભો થતો નથી. શબ્દ દ્વારા એ પદાર્થની ઉપસ્થિતિનો એને અનુભવ થવા માંડે છે. આ ‘હોવું’ના નવા સ્વાદ માટે પણ આપણે સાહિત્ય પાસે જઈએ છીએ. શબ્દ વાક્યની અંદરના બીજા શબ્દો જોડે જુદી જુદી રીતે સમ્બન્ધમાં આવીને જેને આપણે ‘અર્થ’ કહીએ છીએ તેની શક્યતાઓને ચીંધતો આવે છે. એ અર્થોને વાચક સાકાર કરતો જાય છે. આ પ્રકારના વિનિયોગનો કે સંક્રમણનો સમ્બન્ધ સર્જક અને ભાવક વચ્ચે રચાતો આવે છે.

મારું લખેલું હું વાંચી જોઉં છું ત્યારે મને વાચકની ભૂમિકાએ મૂકીને હું મારી જાતને એની સાથે નવા સમ્બન્ધની ભૂમિકાએ સ્થાપું છું. વાચકના પર પડનારા સંસ્કારનો એથી મને ખ્યાલ આવે છે. આ વખતે હું મને વાંચતો નથી, હું જાણે કોઈ બીજો જ હોઉં એ રીતે વાંચું છું. ‘આ વાક્યનો અર્થ શો છે?’ એવો પ્રશ્ન હું ત્યારે પૂછતો નથી. શબ્દોશબ્દો વચ્ચેનો આ સમ્બન્ધ કેવો છે? દરેક શબ્દનું આગવું વજન બીજા જોડે સમ્બન્ધમાં આવીને શું રચે છે? આવો કંઈક પ્રશ્ન ત્યારે મને થતો હોય છે. તમે જેના અન્તરંગમાં ભળી ગયા હતા તેની બહાર નીકળી જઈને એક વાચક તરીકે એ રચનાબન્ધને જોતા હો છો. આ રીતે તમારાથી જુદો ઇતિહાસ ધરાવનારા વાચકની ભૂમિકાએ તમે તમને સ્થાપવાનો પ્રયત્ન કરો છો.

જેને આપણે ‘અર્થ’ કહીએ છીએ તે આખરે તો શબ્દોને નિમિત્તે રચાયેલું સર્જક અને વાચકના અનુભવક્ષેત્રનું સન્ધિસ્થાન છે. હેગલ જેને ‘કોન્ક્રિટ યુનિવર્સલ’ કહે છે તે ત્યાં રચાય છે. અંગત અને બિનંગત એમાં એકબીજામાં ઓતપ્રોત થયેલાં હોય છે. બિનંગતની વ્યાપકતાથી ત્યાં મૂર્તતા ધૂંધળી થઈ જતી નથી. જગત ભુંસાઈને માત્ર વિભાવનાઓ જ રહી જાય એવી પરિસ્થિતિ અહીં ઊભી થતી નથી.

1-6-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.