નિષ્ક્રિય વિચારશક્તિ

સમાજવિરોધી અને માનવવિરોધી બળો માથું ઊંચકે છે તે એક અકસ્માત નથી. વાસ્તવમાં એ બળો જન્મે એને માટેની અનુકૂળ આબોહવા ઘણા વખતથી રચાતી આવતી હોય છે. આ બળોનું આક્રમણ બહારથી થતું નથી. આપણે જ આપણા વ્યવહારમાં જાણ્યેઅજાણ્યે સરમુખત્યારશાહી, આપખુદ વલણને ઉત્તેજન આપતા હોઈએ એવી રીતે વર્તીએ છીએ. અચરજ પમાડે એવી વાત તો એ છે કે વ્યવહારના એક સ્તર પર જે વ્યક્તિ લોકશાહી રીતરસમનો, ઉદારમતવાદનો, આગ્રહ રાખે છે તે જ વ્યક્તિ વ્યવહારનાં બીજાં ક્ષેત્રમાં આપખુદ વલણ ધરાવે છે, એટલું જ નહિ, બુદ્ધિચાતુરીથી એ વલણને લોકશાહીને પોષક વલણ તરીકે સમજાવવાનો પ્રયત્ન પણ કરે છે. આવી વિસંગતિને વ્યક્તિત્વની એક આગવી લાક્ષણિકતા તરીકે પોષવાનું પણ ઉચિત લેખાવા લાગે છે.

આપણા સમાજમાં આ આપખુદ વલણને ફાલવા માટેની ફળદ્રુપ ભૂમિ શી રીતે રચાય છે? મને તો લાગે છે કે એનું મહત્ત્વનું કારણ એક જ છે : સમાજમાં જ્યારે જ્યારે વ્યક્તિ તુચ્છતાની અને શક્તિહીનતાની લાગણી અનુભવે છે ત્યારે આ વલણને વિસ્તરવા માટેની અનુકૂળ ભૂમિકા રચાઈ જાય છે. આપણે માનવીને બાહ્ય અંકુશોમાંથી મુક્ત કરીએ એટલે વ્યક્તિસ્વાતન્ત્ર્ય આપોઆપ સિદ્ધ થઈ જાય એ માન્યતા ભ્રામક છે. બાહ્ય સત્તાને આપણે પરવશ નથી એનું ગૌરવ આપણે ભલે અનુભવીએ; આપણે આપણાં વિચાર કે લાગણી મુક્તપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ એવું ભલે માનીએ અને આથી આપણને આપણી આગવી વ્યક્તિમત્તા પ્રાપ્ત થાય છે એવું પણ આપણે માનતા થઈ જઈએ પણ આ વ્યક્તિમત્તા શેની બનેલી છે? આપણી પાસે અભિવ્યક્ત કરવા જોગ વિચાર હોય તો જ વિચારસ્વાતન્ત્ર્યનો કશો અર્થ છે. પણ કોઈક ઘટના બને અને એની પ્રતિક્રિયા કે એ પરત્વેનો તમારો પ્રતિભાવ તમે વ્યક્ત કરો તે પહેલાં જ એ પરત્વે છાપાનાં શબ્દો, ટેલિવિઝન અને રેડિયો તમને તૈયાર પ્રતિભાવ આપી દેતાં હોય તો જેને તમે તમારો પોતાનો વિચાર કે પ્રતિભાવ કહી શકો તેને વ્યક્ત કરવાનો અવકાશ જ ક્યાં રહે છે? ઘટનાઓની માહિતી મને આ સાધનો દ્વારા મળે છે, એ સાધનો બતાવે છે એ રૂપે હું જગતને જોઉં છું. આ સામૂહિક માધ્યમોએ મારી આંખને અને મારા કાનને ઝૂંટવી લીધાં છે. મારી વિચારશક્તિ નિષ્ક્રિય બનતી જાય છે.

આમ આપણી આન્તરિક માનસિક પરિસ્થિતિ આપણે વ્યક્તિમત્તા કેળવી શકીએ તેને માટે એક મહત્ત્વનું અંગ બની રહે છે. આપણે આ લક્ષ્ય સિદ્ધ કર્યું છે? આપણે એ તરફ અગ્રેસર થઈ રહ્યા છીએ ખરા? આ પ્રશ્નનો આપણે પૂરા તાટસ્થ્યથી વિચાર કરવો જોઈએ. એક બાજુથી આપણે જે આથિર્ક પરિસ્થિતિ વચ્ચે જીવી રહ્યા છીએ, તેને કારણે આપણામાં અળગાપણાની તથા લાચારીની લાગણી વધુ ઉગ્ર બનતી જાય છે. આ શક્તિહીનતા કે નિર્બળતાની લાગણી જ આપખુદીના ઉગ્ર વલણમાં પરિણમે છે અથવા તો બીજે અન્તિમે માનવી લગભગ યાન્ત્રિકતાથી વર્તતો થઈ જાય છે; એ પોતાનું સ્વત્વ ગુમાવી બેસે છે અને છતાં એ પોતાને મુક્ત માનતો હોય છે!

આ વલણને આપણી સંસ્કૃતિ શી રીતે પોષે છે? સાહજિક લાગણી જો આમ કૃત્રિમ રીતે અવરુદ્ધ થતી હોય અને એથી સાચી વ્યક્તિમત્તા જ વાસ્તવમાં કુણ્ઠિત થતી હોય તો એનો પ્રતિકાર કરનારાં બળો સંસ્કૃતિએ ઉપજાવ્યાં છે કે નહિ તે તપાસવાનું રહે. આપણી શિક્ષણપદ્ધતિ આપણા વ્યક્તિત્વના વિકાસ માટેની સાહજિકતાને મોટે ભાગે કુણ્ઠિત કરતી હોય છે. પણ શિક્ષણનો મુખ્ય હેતુ તો બાળકની આન્તરિક સ્વતન્ત્રતા અને વ્યક્તિમત્તાને વિકસાવવાનો છે. આ સાહજિકતાનું સ્થાન આરોપિત લાગણીઓ, વિચારો અને ઇચ્છાઓ લે છે. શિશુને કેટલા પ્રકારની પ્રતિકૂળતાનો સામનો કરવાનો રહે છે! એમાંથી જ શત્રુતા અને વિદ્રોહની લાગણીઓ ઉદ્ભવે છે. પોતાના સ્વભાવને વિસ્તરવા આડે જે કાંઈ આવે તેની પ્રત્યે એને આવી લાગણીનો અનુભવ થાય છે. આવી પરિસ્થિતિ બને તેટલે અંશે દૂર કરવી અને શિશુના સાહજિક વિકાસને પોષક એવી પરિસ્થિતિ રચવી એ શિક્ષણનું કાર્ય છે. ધાકધમકી, શિક્ષાથી બાળકને ભય પમાડીને કાબૂમાં રાખીએ કે પછી એની સૂક્ષ્મ પ્રકારની ખુશામત કરીએ ને એને આ બધું ‘સમજાવીપટાવી’ દેવામાં આવે તો તેથી બાળકનું મન ઊલટું વધુ ગૂંચવાઈ જાય છે. વિરોધની કે શત્રુતાની લાગણીને આવી રીતે પરાણે દાબી દેવાના પ્રયત્નો અનિષ્ટ ઊભું કરે છે. આને પરિણામે બાળક ધીમે ધીમે લાગણીને જ છોડતું જાય છે. બીજામાં રહેલી નિષ્ઠાનો અભાવ અને શત્રુતા પ્રત્યે દુર્લક્ષ કરવાનું બાળકને કહીએ ત્યારે આપણે એ ખ્યાલમાં રાખવું જોઈએ કે એમ કરવું આપણે માટે પણ સહેલું હોતું નથી. મોટા માણસો વ્યવહારમાં દામ્ભિકતા આચરીને જે લાગણી અનુભવતા હોય તેનાથી ઊંધી જ લાગણીનું નામ દેતા હોય છે. બાળક હજુ આ બધું શીખ્યું હોતું નથી.

આ જ શિશુ પાછળથી કિશોર અને યુવાન બને છે, ત્યારે આ ગ્રન્થિઓ દ્વિગુણિત બની જાય છે. એ દરમિયાન આ વિષમતાઓને બહેકાવનારું ઘણું બની ચૂક્યું હોય છે. આથી એનો પ્રતિકાર કરવાને માટે કશી વ્યવસ્થા સમાજમાં દેખાતી નથી. આપણી શિક્ષણવ્યવસ્થા તો જાણે આ પરિસ્થિતિની નોંધ જ લેતી નથી – શિક્ષણ જે વિકાસનું કામ કરી આપે છે, સંસારની સંકુલ સમસ્યાઓનો સામનો કરવા માટે જે બૌદ્ધિક સજ્જતા જોઈએ તે કેળવી આપે. આવી શિક્ષણવ્યવસ્થાના અભાવે આ કાર્ય સફળતાથી પાર પાડી શકાતું નથી.

સાહજિકતાની આડે આવતા અવરોધો જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ ચિત્ત કુણ્ઠિત થતું જાય છે. વિરોધની લાગણીઓ વધતી જાય છે. આ વિરોધની લાગણી પ્રગટ કરવાનો માર્ગ ન જડે તો એ વિકૃત રૂપ ધારણ કરે. આ વિકૃતિઓ સમાજમાં જુદે જુદે સ્તરે, જુદે જુદે રૂપે દેખાવા લાગે. આનો ઉપાય તે કડક અંકુશો કે નિયમનો નથી. આના ઉદ્ભવસ્થાન સુધી પહોંચીને જ એનું નિરાકરણ કરવું પડે.

આમ સંસાર અટપટો બનતો જાય છે. દૂરિતનાં જાળાં પ્રસરતાં જાય છે. સામાજિક સંસ્થાઓ તૂટતી જાય છે. રાજકારણમાં સરમુખત્યારશાહી અને અરાજકતાવાદી વલણો જોર પકડતાં જાય છે, ત્યારે જ સંસ્કૃતિ પાસે એનો પ્રતિકાર કરવા માટેનું કશું બળ રહ્યું નથી. ધર્મ એ દરેકની વ્યક્તિગત વસ્તુ બની રહ્યો છે. એ પણ સાંસારિક વાસનાઓ અને ઇચ્છાઓની પૂતિર્ માટેનું એક સાધનમાત્ર છે. આ આખી પરિસ્થિતિની મીમાંસા કરવામાં કોઈને ઝાઝો રસ નથી. ચિન્તકો એમના અભ્યાસકક્ષના એકાન્તમાં હડસેલાઈ ગયા છે; કવિને વિદૂષક બનવું પડ્યું છે. વાર્તાકારને ભાટચારણ બનવું પડ્યું છે; રાજકારણીઓ લોકોને ઘેટાં માનીને એક લાકડીએ હાંકે છે. આ પરિસ્થિતિમાં સાચો વિદ્રોહ તો ક્યાંથી ઉદ્ભવે? માટે જ તો થોડાક કાયરો હિંસાનું છમકલું કરે છે અને એથી વધુ કાયરોને ડરાવી મારીને પોતાનું ધાર્યું કરાવે છે. આ સમયની છબિ આંકનારો સર્જક આપણી પાસે હોવો જોઈએ.

25-1-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.