ચેતનાની વિવિધ લીલા

આ શિયાળાના દિવસોમાં બાળપણમાં રાતે તાપણું કરીને બેસતાં તે યાદ આવે છે. હજી આંખ ઊંઘથી ઘેરાતી નહીં હોય, પથારીમાં પડવાનું મન પણ નહીં થતું હોય, ઊંઘતી વખતે કોણ જાણે શાથી નર્યું અસહ્ય એકલવાયાપણું મને ઘેરી વળતું. મારી પથારીની પાસે અનેક પ્રકારના ભયનું ટોળું મને ઘેરીને ઊભું રહેતું. રાતે વાઘની ત્રાડથી જાગી જવાય ત્યારે ઓરડીમાંના અંધારામાં કાંઈ કેટલાય અપરિચિત આકારોની વણઝારને ચાલી જતી જોયા કરતો. આથી રાતે તાપણા પાસે બેસીને એકદમ કૂદીને ભડકો થઈ ઊઠતા અગ્નિની ઊંચીનીચી થતી, ડોલતી, જુદા જુદા અવાજો કરતી અગ્નિશિખાઓને જોયા કરવામાં કેવી તલ્લીનતા અનુભવાતી!

આવી તલ્લીનતાની વાત પછી તો રિલ્કેના પત્રોમાં પણ વાંચવામાં આવી. ઘણી વાર એવો અનુભવ થાય છે કે જાણે આપણે આપણી જ ચેતનાની બહાર ફેંકાઈ ગયા છીએ. ઘણું બધું બને છે, પણ જેને ‘હું’ કહું છું તેનો કશો આકાર બંધાતો નથી. કાણા વાસણમાંથી જેમ પ્રવાહી સરી જાય તેમ બધું આવે છે ને સરી પડે છે. રહી જાય છે કેવળ ઠાલાપણું, કશીક નરી પોકળતા! ત્યારે એક જુદા જ પ્રકારના ભયનો અનુભવ થાય છે. આ પરિચિત જગતને જે મમત્વથી આવકારીએ છીએ તે મમત્વના જ અભાવને કારણે એ જગત પણ કશી આકારહીન, સંજ્ઞાહીન અનવસ્થા જ બની રહે છે.

બાળપણમાં આવી સ્થિતિનો અનુભવ થતો. આજે હું એને ભાષા દ્વારા વર્ણવવાનો પ્રયત્ન કરું છું; ત્યારે અનુભવને ઓળખવા જેટલી સૂઝ નહોતી તો ભાષાની તો વાત જ ક્યાંથી! આ જ કારણે કશોક અકારણ ભય ધુમ્મસની જેમ મનના ખૂણે ખૂણે છવાઈ જતો. અન્યમનસ્ક થઈ જવાતું. વડીલો એને મારું બાઘાપણું ગણીને ટકોર કરતા નહીં. નહીં ગાંઠતા મારા મનને ખેંચીતાણીને આ ભયની પકડમાંથી છોડાવવાનું એક અસહાય શિશુ માટે કેવું અશક્ય હતું!

હવે આજે થોડાંક થોથાં વાંચ્યા પછી, બુદ્ધિ લડાવ્યા પછી આ વિશે વિચાર કરતાં થોડાક પ્રશ્નો મનમાં ઊભા થાય છે. કશી વસ્તુના, અનુભવના આકારને અકબંધ રાખવાનું શક્ય છે ખરું? મને એક અનુભવ થાય છે તે ઇન્દ્રિયબોધના સ્તર પર થાય છે. જ્યાં સુધી એ અનુભવના રૂપમાં રહે છે ત્યાં સુધી એ મારી ચેતનામાં થયેલા એક બુદ્બુદ રૂપે જ હું એને ઓળખું છું. પણ એ અનુભવ સર્વસામાન્ય ચેતનાની સપાટીથી ઉપર આવે છે ત્યારે એનું નિરાળાપણું છતું થાય છે. તરત જ એ ઇન્દ્રિયબોધને પારખી લેવા માટે બુદ્ધિ સતેજ બને છે. એ અનુભવની વ્યાખ્યા બાંધવા માટે ભાષાની મદદ લેવાય છે. અહીંથી જ ખરી મુશ્કેલી ઊભી થાય છે. અનુભવ વિશે કહેવાનો પ્રયત્ન કરવા જતાં જ ભાષા એને પોતાના ચોકઠામાં નાખીને એના મૂળ આકારને બદલી નથી નાખતો? જે અનુભવાયું છે તેને કહેવા જતાં જ મૂળ અનુભવથી દૂર કોઈ જુદા જ ક્ષેત્રમાં આપણે જઈ નથી પડતા? પણ માનવવ્યવહાર ભાષા વિના ચાલતો નથી. અનુભવ એક સાહજિક વસ્તુ છે, ભાષા એક કૃત્રિમ વ્યવસ્થા છે. એમાં યદૃચ્છાથી જ અમુક સંકેતોનો સમ્બન્ધ અમુક વસ્તુઓ કે લાગણીઓ જોડે જોડવામાં આવ્યો છે પછી, એ યદૃચ્છાના પાયા પર જ વસ્તુલક્ષી વ્યવસ્થાનું માળખું ઊભું કરવામાં આવ્યું છે. એમાંથી બધો પ્રપંચ વિસ્તરે છે. પછી વ્યુત્પત્તિશાસ્ત્ર, પદવિન્યાસનો અભ્યાસ, ધ્વનિતન્ત્ર, સંકેતવ્યવસ્થાનો અભ્યાસ – આ બધો ઘટાટોપ વધતો જાય છે.

આ દરમિયાન પેલા મૂળભૂત અનુભવનું, સંવેદનનું શું થયું? ઘણી વાર અનુભવની વાત કહેતાં કહેતાં જ, કહેવાના ઝોકમાં જ, કહેવાની ક્રિયામાં જ રમમાણ થઈ જવાથી, આપણે એ અનુભવને બાજુએ મૂકીને કાંઈક જુદું જ કહી બેસીએ છીએ. કહેવાના આ આનન્દમાં આપણને થયેલો પેલો મૂળ અનુભવ તો એક પ્રેરક નિમિત્ત જ બની રહે છે. એ નિમિત્તે ભાષાની લીલા આગળ ચાલે છે. એના દ્રવ્યરૂપ અનુભવને વળગી રહેવાનો હઠાગ્રહ રાખીએ તો કદાચ એવું નહીં બને!

અહીં બીજો પ્રશ્ન થાય છે : આ કહેતાં કહેતાં એમાં જ રમમાણ થઈ જવાની આપણી વૃત્તિ તે આપણી ચેતનાનું કયું રૂપ છે? અનુભવ મને થાય છે ને આ કહેવા ખાતર કહેવાનો આનન્દ મને થાય છે. એ બંને અવસ્થાઓ મારી ચેતનાની જ છે. તો પછી એ બંને વચ્ચેનો સમ્બન્ધ શો? બાળપણમાં અનુભવેલા કેટલાક ભય વિશે વિચારું છું તો એવું અનુમાન આજે કરું છું કે મારી જ ચેતનાના આ બે ભિન્ન અંશોની આવા પ્રકારની અસંપૃક્તતા જ આવા ભયની જન્મભૂમિ નહીં હોય? નહીં જોડાયેલા અવકાશના ખણ્ડ જ આપણને ભયાવહ નથી લાગતા?

હું જાણું છું કે આપણી ભાષા દ્વારા ચાલતી કથનપ્રવૃત્તિને બીજી રીતે પણ સમજાવી શકાય એમ છે. મારા અનુભવ મારી અંગત વસ્તુ છે. એ પ્રત્યે મને મમત્વ છે. આસક્તિ છે. એ અનુભવ દ્વારા હું કશુંક મને લાભદાયી પામવા જાઉં, વ્યવહાર સાચવવા જાઉં, મારી જૈવિક ઇચ્છાને તૃપ્ત કરવા ઇચ્છું – આમ આ અનુભવને વ્યક્ત કરવા માટેના મારાં અંગત વ્યાવહારિક ઘણાં પ્રયોજનો આપણી આ અભિવ્યક્તિની પ્રવૃત્તિ પાછળ કામ કરતાં દેખાય છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે અનુભવમાંનું અંગત તત્ત્વ કાઢી નાંખીએ, એને કેવળ નિમિત્ત બનાવી દઈએ અને કહેવાના આનન્દને જ જો મુખ્ય પ્રયોજન બનાવી દઈએ તો આપણને રસાનુભવ થાય છે. એ રસાનુભવ અંગત વ્યવહારની ભૂમિકાને ઉલ્લંઘીને બિનંગત અને સર્વસંવેદ્ય બને છે. આમ આ પ્રક્રિયામાં આસક્તિ અને અનાસક્તિ બંને રહ્યાં છે. કહેવાનો આનન્દ માણવામાં એક પ્રકારની આસક્તિ રહી હોય છે, પણ અનુભવને માટેના મમત્વની જે આસક્તિ છે તેને છોડીએ, એ પરત્વે અનાસક્ત બનીએ, પછી જ એ રસાનુભવ ઉપલબ્ધ થાય છે.

આથી એક વિરોધાભાસ ઊભો થાય છે : હું મારી ચેતનાથી અમુક રીતે નિલિર્પ્ત બનીને જ ચેતનાના રસપોષક એવા ઉત્કર્ષને સિદ્ધ કરી શકું. અનાસક્તિ કેળવીને જ રસપોષક આસક્તિ અનુભવી શકું. પણ વિરોધાભાસોની આવી ભુલભુલામણીમાં વિહાર કરવો એ પણ આપણી બુદ્ધિની જ એક પ્રિય ક્રીડા નથી? જેવું લાગણી, સંવેદન કે અનુભવનું તેવું જ બુદ્ધિનું પણ નથી? કોઈ ગણિતજ્ઞ ગણિતના પ્રશ્નો લઈને બુદ્ધિ લડાવતો હોય તો કેવળ બુદ્ધિ લડાવવાના આનન્દ ખાતર જ. પછી એનો આનુષંગિક લાભ સમાજ ઉઠાવે એવું પણ કદાચ બને. એ તો સાહિત્ય અને કળામાં પણ ક્યાં નથી બનતું? સમાજ સાહિત્યમાંથી પોતાને રુચે એવાં નીતિ અને બોધ તારવે છે. રાજસત્તાઓ પોતાને અનુકૂળ પ્રચારની સામગ્રી પણ એમાંથી સારવી લે છે.

મને લાગે છે કે જેમ જેમ ચેતનાની ઉત્કટતાની માત્રા વધે તેમ તેમ અનાસક્તિ અને નિલિર્પ્તતાની માત્રા પણ વધે. આપણા સર્વ પાયાનું અનુભવબંધારણ જ વિરોધાભાસને આધારે થયું હોય છે. કળા કે સાહિત્યનું જીવનમાં મૂલ્ય છે તે એટલા જ માટે, એ દ્વારા આપણે અનાસક્ત બનીને ચૈતન્યોત્કર્ષ સિદ્ધ કરી શકીએ છીએ. અંગતપણું જે મર્યાદા વહોરી લે તેમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ.

આપણે માટે આવા ચૈતન્યોત્કર્ષ અનુભવવા એ જ એક મહત્ત્વની વાત છે. અને સર્જક પક્ષે ચેતનાને આકાર આપવા પૂરતું મહત્ત્વનું આકર્ષણબળ જરૂરી છે. એટલે અંશે સર્જકની વ્યક્તિમત્તા મહત્ત્વની બની રહે છે. આપણી ગ્રહિષ્ણુતા વધુ ઊંડી અને સૂક્ષ્મ બને અને જે ગ્રહીએ તેને ચિત્તધાતુમાં આત્મસાત્ કરવાની શક્તિ કેળવાય તે સૌથી વિશેષ જરૂરી છે.

સમયની આ ક્ષણને મારી ચેતનાના કેન્દ્રમાં સ્થિર કરવા માટે મારે શું કરવું જોઈએ? એને માટે ખૂબ મોટી સાધનાની કે ગંજાવર સામગ્રીની જરૂર પડતી નથી. કોઈક વાર કવિતાની એકાદ પંક્તિ, એકાદ ચીજ કે સંગીતની તરજ એને માટે પૂરતાં થઈ પડે છે. કોઈ વાર બાળક એની વિસ્મયભરી આંખે આપણી તરફ અકારણ જોઈ રહે તેય પૂરતું થઈ પડે છે. કોઈક વ્યક્તિ બોલતી હોય તેનો અવાજ, અરે એ નહીં તો વાતા પવનના મર્મર, અગ્નિશિખાના બદલાતા આકારોને જોઈ રહેવું – આ બધું પણ આપણને આપણી ચેતનામાં પ્રતિષ્ઠિત કરવાને પૂરતું છે. આવી તુચ્છ કે આકસ્મિક લાગણીની ઘટનાઓ આપણને આપણા કેન્દ્રમાં દોરી લઈ જાય છે.

શિશિરની આ સવારે બાળપણના ભયનું સ્મરણ કેમ જાગૃત થઈ ઊઠ્યું? આ પ્રશ્નનો કોઈ ઉત્તર શોધવામાં મને રસ નથી. પણ ચેતનાના કેન્દ્રમાંથી ચ્યુત થવું એટલે જ ભયને શરણે જવું એની મને દૃઢ પ્રતીતિ છે. એ અર્થમાં જ ભગવાનનું એક નામ અચ્યુત છે. જે અચ્યુત છે તે જ અભય છે. જગત સાથે આપણી ચેતનાની નિલિર્પ્તભાવે સંપૃક્તિ જ આનન્દનો સાચો ઉદ્ગમસ્રોત છે.

29-12-75

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.