ગદ્ય અને પદ્ય : 2

ગદ્ય આપણા વ્યવહાર સાથે સંકળાયેલું છે. કેટલાકને મતે ગદ્ય જ વધુ કાર્યક્ષમ અને અસરકારક હોઈ શકે. એ વસ્તુઓમાં સીધું પરિવર્તન લાવી શકે, આ પરિવર્તન વિશદતા લાવીને આડકતરી રીતે થતું પરિવર્તન નથી. કવિતા માનવીને પોતે શું છે તે વિશદ અને પારદર્શક કરીને બતાવે છે. સાથેસાથે કવિતા માનવીમાં રહેલા અદ્યાપિ અજ્ઞાત એવા અન્ધકારમય પ્રદેશોને પણ ખુલ્લા પાડે છે, જેના પર માનવી હજી નિયન્ત્રણ સ્થાપી શક્યો નથી. ગદ્યમાં કેવળ ક્ષમતાનું સૂચન નથી, કાર્ય સિદ્ધ કરવાની અસરકારકતા પણ છે, માનવીને જગત સાથે સાચો મુકાબલો કરવાની દિશામાં એ અગ્રેસર કરે છે. સાર્ત્ર ‘એન્ગેજમેન્ટ’નો જે અર્થ કરે છે તે સ્વીકારીએ તો ગદ્ય પરત્વે પ્રતિબદ્ધતાને સ્વીકારી શકીએ. પણ કાવ્ય પરત્વે કદાચ એને સ્વીકારી ન શકાય.

સાર્ત્ર માને છે કે આમ કહેવું એ અમુક પ્રકારની અદ્યતન કવિતા પૂરતું જ સાચું છે. બીજા પ્રકારની કવિતા પણ છે. વીરરસનું ઉદ્દીપન કરીને યોદ્ધાઓને પાનો ચઢાવતા સિંધુડાની આપણને ક્યાં ખબર નથી? પશ્ચિમમાં સ્પાર્ટન ટાયરેટ્યસની કવિતા એ જ પ્રકારની નહોતી? રોમેન્ટિઝમના ક્ષેત્રમાં પણ આવી બીજી સંવેદનાઓને ઉદ્દીપ્ત કરીને માનવીને વિશિષ્ટ પ્રકારના કાર્યમાં પ્રવૃત્ત કરનારી કવિતા હતી જ. ઉદ્બોધક પ્રબોધક કવિતાઓ પણ ઘણી રચાઈ છે. આ કવિતા, સ્પષ્ટ રીતે જ, કંઈક જુદા પ્રકારની હતી. પણ અર્વાચીનતાની જે છટા પશ્ચિમમાં નર્વલ અને બોદ્લેરમાં થઈને ખીલતી આવી છે તેની સાથે પ્રતિબદ્ધતાને જોડી શકાશે? એમાં કવિતા જે ક્ષણને સજીવન કરે છે તે એક તત્પૂરતી અખત્યાર કરેલી સ્થિતિ (પોઝ) હોય છે. કેટલીક વાર એ સ્થિતિ પોતા પ્રત્યેની દયાની હોય છે અથવા આત્મતુષ્ટિની હોય છે. એમાં ઇચ્છા શબ્દો દ્વારા પ્રતિરૂપ પામે છે. બોદલેરની કવિતામાંથી આનાં દૃષ્ટાન્તો મળી રહેશે. એના એક ગદ્યકાવ્યમાં એ વાદળો પ્રત્યેના પ્રેમની વાત કરે છે. એનો સૂચિતાર્થ એ છે કે આ બધાંને ઉલ્લંઘીને જે રહ્યું છે તેનું એને આકર્ષણ છે. એ તો કશુંક અમૂર્ત છે. આથી એ અસન્તોષ અને વિષાદમાં સરી પડે છે.

સાર્ત્ર ફિલસૂફીને ગદ્યથી વિરુદ્ધને છેડે મૂકે છે, તેથી કવિતા જોડે એને સમ્બન્ધ હોય એવું લાગે છે. ફિલસૂફી વિભાવનાઓનું સંક્રમણ કરે છે. એનો, વ્યવહાર ચલાવવા પૂરતું સંક્રમણ સિદ્ધ કરતા, સામાન્ય ગદ્ય સાથે કેવો સમ્બન્ધ હોય? આ ગદ્યને આપણે સાહિત્યિક ગદ્યથી જુદું પાડીએ જ છીએ. આવું ગદ્ય નબળું, વધારે પડતું સરળ અને સાહિત્યિક ગદ્યની આપણી લાગણીને પ્રભાવિત કરવાની શક્તિની તુલનામાં વધારે અણીશુદ્ધ નથી હોતું? આવું સામાન્ય ગદ્ય પણ ઘણી વાર લાગણીથી અનુપ્રાણિત થયેલું નથી હોતું?

સામાન્ય ગદ્ય તો આપણને પરિચિત છે જ. એને ફિલસૂફીની વિભાવનાઓનું સંક્રમણ કરનાર ગદ્ય સાથે કશો સમ્બન્ધ ન હોય તે સ્પષ્ટ જ છે, કારણ કે જે વધુ માત્રામાં સંક્રમણ સિદ્ધ કરવા ઇચ્છે છે તે ફિલસૂફીની ભાષા જ ભારે અટપટી હોય છે. હેગલનો જ દાખલો લો. હેગલ શેની વાત કરી રહ્યો છે એની જો પૂર્વભૂમિકા તમારી પાસે નહિ હોય તો તમે એનું એક વાક્ય સરખું સમજી નહિ શકો. આ વળી એક બીજી જ સમસ્યા છે. ફિલસૂફી બીજી સમાજવિદ્યા જેવી નથી, ઇતિહાસ જેવી પણ નથી. સાર્ત્ર એમ ઇચ્છે છે કે ફિલસૂફ ભલે વિભાવનાઓની વાત કરે, એને પ્રગટ કરનારું ગદ્ય સાહિત્યિક ગદ્યની વ્યવધાનરહિતતા સાથેની આત્મસંજ્ઞા કેળવે. એનું લક્ષ્ય વિભાવનાઓને એવી રીતે ઘડવાનું છે, જેથી એ ધીમે ધીમે વિકસતી આવે અને એનું આગવું વજન સંચિત કરતી જઈને એવી સ્થિતિએ પહોંચે જ્યારે ગદ્યમાં એ અનાયાસ બરાબર ગોઠવાઈ જાય. રુસોએ એના ‘કન્ફેશન્સ’માં આવું જ કંઈક કહ્યું છે. એ માદામ વોરેન્સના સહચારમાં હતો. ઘણી વાર એ જઈને દૂર દૂર ફરી આવતો, પણ પાછો માદામ વોરેન્સની પાસે જ આવી જતો. આ પરિસ્થિતિને એણે સંવેદનગ્રસ્ત બન્યા વિના વર્ણવતાં એક વાક્ય લખ્યું : ‘હું તો જ્યાં હતો ત્યાં જ હતો. અને મારે જ્યાં જવું હતું ત્યાં ગયો, એથી જરાકેય આગળ નહિ.’ આ વાક્ય આપણા મનમાં કેટલું બધું લઈ આવે છે? ‘હું તો હતો ત્યાં જ હતો –’ અહીં કશાને ઉલ્લંઘી જવાની વાત જ નથી. એવું કેમ બન્યું? માદામ વોરેન્સ સાથેના સમ્બન્ધમાં જ બધું અન્તનિર્હિત રૂપે રહ્યું હતું, માટે એને ઉલ્લંઘી જવાની કશી આવશ્યકતા જ નહોતી. છતાં ઉલ્લંઘી જવાનો ડોળ એ કરે, પણ એ જ્યાં જાય ત્યાં એ જ્યાં હતો ત્યાં જ હતો, બીજે ક્યાંય નહિ એવું જ લાગે અથવા ઉલ્લંઘન માત્ર થોડી માત્રામાં જ શક્ય બને. એ આ કે તે શહેરમાં ફરી આવે. એ જાય ને પાછો ફરે. આથી વળી કહે, ‘હું તો જ્યાં હતો ત્યાં જ હતો, ને મારે જવું જ્યાં હતું ત્યાં જઈ આવ્યો, એથી સહેજેય આગળ નહિ.’ આ વાક્યને જરા ફેરવી ફેરવી જોઈશું તો કંઈક આવું લાગશે : ‘હું જ્યાં જવું હોય ત્યાં જવાને મુક્ત હોઉં ત્યારે જ્યાં ગયો હોઉં તેનાથી ખૂબ આગળ નીકળી જાઉં.’ આનો અર્થ શો? એને કહેવાય સાચું ઉલ્લંઘન. આ વાક્ય આપણને સ્વતન્ત્રતાની વાત કરે છે, ઉલ્લંઘનની વાત કરે છે, આત્મપર્યાપ્તતાનીય વાત કરે છે. કેટલું બધું એમાં છે! વળી બે વ્યક્તિ વચ્ચેના પ્રેમની અનેક અર્થચ્છાયાઓથી એ શબલિત છે તે તો જુદું!

વાસ્તવિક ઘટના કેટલી સરળ છે, પણ એ જે અનુભવની સંકુલતાને આવરી લે છે તેની વાત ફિલસૂફી તર્કબદ્ધ રીતે કરવા જાય છે ત્યારે કેવો વાણીપ્રપંચ રચાય છે! કદાચ આ અનિવાર્ય જ થઈ પડતું હશે. એમ કેમ બનતું હશે? સાર્ત્ર કહે છે કે ફિલસૂફીને અર્થનો પરિહાર કરવાનો રહે છે, જો અર્થ હોય જ તો પછી એની શોધ કરવાની રહે જ નહિ ને! પણ ફિલસૂફી તો અર્થની શોધ કરવા ઇચ્છે છે, માટે જ અર્થનો પરિહાર કરીને જ એણે આગળ વધવું પડે. આપણે આપણી ઇચ્છાઓની વાત કરી શકીએ પણ તે પરોક્ષ રીતે, શબ્દો દ્વારા પ્રગટ થતા અર્થ વડે. શબ્દોમાં આથી જ તો અર્થઘનતા આવે છે. આપણો અનુભવ જે રીતે ગદ્યમાં લખાય છે તે રીતે ફિલસૂફી દ્વારા અભિવ્યક્ત થઈ શકે નહિ, કારણ કે ફિલસૂફી ઉછીનું લઈને ચાલે છે, વિભાવનાઓની શોધ ચલાવે છે, જે ક્રમશ: આપણામાં આપણે વિશેની વ્યાપક અભિજ્ઞતા નિષ્પન્ન કરે છે – પણ તે અનુભવના સ્તર પર. આમ ફિલસૂફીએ પોતાનો છેદ જ ઉરાડવાનો રહે છે. માર્ક્સે કહેલું કે એવો દિવસ પણ આવશે જ્યારે ફિલસૂફી જેવું કશું જ નહિ રહે. પણ આ સાર્ત્રને અભિમત નથી. પણ અભિજ્ઞતાની પ્રાપ્તિ જો ફિલસૂફીની આવશ્યકતા હોય તો જે ક્ષણે માનવી એમ કહે કે એ જે કહે છે ને અનુભવે છે તેનાથી પૂરેપૂરો જ્ઞાત છે, એટલે જે ક્ષણે એ સાહિત્યિક ગદ્યમાં પ્રગટ થયેલા અનુભવની મૂર્ત ઘટનાને જાળવી રાખી શકતો હોય છે અને સાથે સાથે એને વિશે વિભાવનારૂપે પણ જાણતો હોય છે તે ક્ષણે એ પોતાના બીજા સાથેના સમ્બન્ધને અને પોતાના પોતાની જાત સાથેના સમ્બન્ધને ઓળખાવતો હોય છે એટલું જ નહિ, પણ એને ઉલ્લંઘીને બીજા કશાકને આંબી આવતો હોય છે. આ બધાંનો અર્થ એ થયો કે ફિલસૂફીએ હંમેશાં આત્મવિનાશ વહોરી લેવાનો છે અને ફરી જન્મતા રહેવાનું છે. ફિલસૂફી આ ક્રમમાં પછીના તબક્કે આવતી હોવા છતાં એ આગળ નજર કર્યા કરે છે. ફિલસૂફીના પક્ષમાં કહેવા જેવું હોય તો તે આ કે એ જે શબ્દોમાં વ્યક્ત થાય છે તે શબ્દો નિશ્ચિત રૂપે ઓળખી લઈ શકાય એવા હોતા નથી. એમાં રહેલી સંદિગ્ધતાનો આગળ ઉપર વધુ ઉપયોગ થઈ શકે. એથી અજ્ઞાત અગોચરના ક્ષેત્રમાં આગળ ડગલું ભરી શકાય. આ અર્થમાં ફિલસૂફીની ભાષા અને વિજ્ઞાનની ભાષા વચ્ચે પણ ભેદ કરવાનો રહે. વિજ્ઞાનની ભાષામાં માનવીનો નિર્દેશ હોતો નથી. એ માનવીથી અસ્પૃષ્ટ રહીને ચાલે છે. ફિલસૂફીને તો વિજ્ઞાનને રચનારા માનવી સાથે સમ્બન્ધ છે, એને વિશે એ વૈજ્ઞાનિક પરિભાષામાં વાત કરી શકે નહિ. એને વિશે તો સન્દિગ્ધ ભાષામાં જ વાત થઈ શકે. આથી જ હુસેર્લ ફિલસૂફીને ‘કટ્ટર વિજ્ઞાન’ કહે છે તેની સાથે સાર્ત્ર સમ્મત નથી. એને એ ‘કોઈ પાગલ પ્રતિભાશાળીનો તુક્કો કહે છે. હુસેર્લે જે લખ્યું છે તેથી વધુ સન્દિગ્ધ શું હોઈ શકે? ફિલસૂફી આમ પ્રચ્છન્ન રીતે સાહિત્યિક ગદ્યને આશ્રય આપે છે, સન્દિગ્ધ સંજ્ઞાઓનો વિનિયોગ કરે છે તેથી એ જે વિભાવનાઓ રજૂ કરે છે તેમાં આપણને રસ પડે છે. સાર્ત્ર, કેમ્યૂ, માર્લોપોંતિ – આ બધાની ફિલસૂફીનું નિરૂપણ કરનારાં લખાણ વાંચીએ છીએ ત્યારે આપણને આ હકીકતની પ્રતીતિ થાય છે. છેક પ્લેટોના સમયથી આપણને આની પ્રતીતિ થતી રહી છે.

15-6-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.