કવિની જગત્પ્રીતિ

અધ્યાત્મવિદ્યા અને કવિતા ક્યાંક એકબીજામાં ભળી જતાં હશે. આમ છતાં, કવિની જગત માટેની પ્રીતિ મને તો વધુ સ્પૃહણીય લાગે છે. એરિસ્ટોટલે કહ્યું હતું તેમ કવિ મિથ્યાને, ભ્રાન્તિને, સત્ય કરતાં વધુ પ્રભાવક બનાવે છે. આમ છતાં એનો હેતુ કશી પ્રવંચના આચરવાનો નથી. કવિ કદાચ એમ સૂચવવા ઇચ્છે છે કે સત્ય હૃદયમાંથી ઊગે છે, જેને હૃદયનો સંસ્પર્શ થાય છે તેને એક આગવું સત્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિ ભલે એને માટેનાં પ્રમાણ શોધતી રહે. બીજી રીતે કહીએ તો કવિનું હૃદય વધુ ઉદાર અને અનુકમ્પાશીલ હોય છે. એ મિથ્યા અને સત્યના વિરોધને આત્યન્તિક શી રીતે ગણી લે? મિથ્યાને ચાહી ચાહીને સત્ય બનાવી દેવાનો કીમિયો કવિતા પાસે છે.

જો આમ જ હોય તો કવિતા અને ફિલસૂફી જુદે જુદે માર્ગે ફંટાઈ જાય છે એમ માનવું પડે પણ જુદા પડ્યા પછીય ભેગા થવાની ભૂમિકા સાવ રહેતી જ નથી એવું તો નથી. કીટ્સે કહેલું કે પદાર્થો પદાર્થો વચ્ચેની, લાગણી અને લાગણી વચ્ચેની અદૃશ્ય કડી કવિ પારખી લે છે અને જે આપણને વિસૃષ્ટ લાગે છે, તેને એ સંસૃષ્ટ કરી આપે છે. આમ બધું જોડાતાં આખરે એકરૂપ થાય એવી સમ્ભવિતતાને નકારી કાઢી શકાય નહીં. આ એકરૂપતા તે જ નિરાકારતા અથવા શૂન્ય થતો ‘વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ!’ એ વાણીની પેલે પારનો પ્રદેશ. કવિને આ સ્થિતિ કે લક્ષ્ય સિદ્ધ કરવાની આસક્તિ નથી. એ આસક્તિ વેદાન્તીને હશે. કવિને તો જોડવાની પ્રક્રિયામાં રસ છે. જગત એવું તો વિશૃંખલ છે કે એમાં કશું જોડવું એ જ મોટો પડકાર ઝીલવા જેવું છે. આથી જોડવા જતાં જ કવિ, ન જીરવાય એવી, ભયંકર અરાજકતાનો મુકાબલો કરે છે, આપણે રમણીયની વાતો આપણી રસમીમાંસામાં વધારે ચગળ્યા કરી છે. પણ આ કૌવતનો ઝાઝો આદર કર્યો હોય એવું લાગતું નથી. આધ્યાત્મિકતાથી અભિભૂત થઈને જગત ગોચર બને, ચેતનામાં તદાકાર થાય તે પહેલાં જ એના મિથ્યાત્વ વિશે આપણે, અધ્યાત્મ પાસેથી ઉછીના લીધેલા, અભિનિવેશથી બોલતાં થઈ જઈએ છીએ. અધ્યાત્મ મુક્તિને લક્ષ્ય ગણે છે. કવિ તો સંસારની માયામાં વધુ લપેટાવા ઇચ્છે છે. પણ આ લપેટાવું તે લંપટના લપેટાવેડાથી જુદું છે. એ જગતમાં એક પ્રકારની તીવ્ર અનાસક્તિથી ઓતપ્રોત થાય છે. જો એ આસક્તિ રાખે તો એની વિશિષ્ટ રીતે ઓતપ્રોત થવાની શક્તિય ખોઈ બેસે. આથી સર્જક જગતને જંજાળ ગણીને એમાંથી મુક્ત થવા ઇચ્છે તો સર્જક તરીકે તો આત્મઘાત જ વહોરી લે. ઇષ્ટ અને અનિષ્ટનો આધ્યાત્મિક વિવેક પણ એને માટે કૃત્રિમ મર્યાદા ઊભી કરે છે. એની ચેતના એક પ્રકારના પ્રકર્ષથી ઇષ્ટ-અનિષ્ટને એકાકાર કરી નાખે એવા કશા બૃહત્ ફલકને ઝંખે છે. આથી નૈતિક પૂર્વગ્રહ એને પરવડે એમ નથી. અનીતિનો ડાઘ એને લાગે એમ નથી. કારણ કે એની મૂળભૂત અનાસક્તિ એને શુદ્ધ રાખે છે.

દ્વન્દ્વાતીત થવાનું એનું લક્ષ્ય નથી. એ ગીતાના સ્થિતપ્રજ્ઞની જેમ લાભાલાભ અને જયાજયથી નિ:સ્પૃહ રહી ન શકે. એ સુખ અને દુ:ખ બંનેને આત્મસાત્ કરીને એનો મર્મ પામી લેવા ઇચ્છે છે. આથી જ જગતના સર્જક જેટલી જ એની સહાનુભૂતિ વ્યાપક હોવી ઘટે. એ ભયનો માર્યો મરણ તરફ નજર જ ન કરે અથવા તો એવા જ ભયથી છળી મરીને મરણને એક વળગણ બનાવી મૂકે ને એ વિશે જ પ્રલાપ કરતો રહે, તે પણ એને માટે તો કવિકર્મને વિઘાતક જ નીવડે. મુક્તિ મેળવવા જતાં, એ પોતે પોતાનામાંથી જ બહાર ફંગોળાઈ જાય એવી મુક્તિ કવિને ન પરવડે.

તુચ્છ કે ક્ષુદ્ર કવિને માટે ગહિર્ત નથી. કશાકને એ તુચ્છ ને ક્ષુદ્ર ગણીને એનો પરિહાર કરતો જાય તો એ આખરે વન્ધ્યતા જ વહોરી લે. મિથ્યાને જેણે આવકાર્યું છે તે આપોઆપ તુચ્છ અને મહાનની ચઢતી-ઊતરતી શ્રેણીના ચોકઠામાંથી બહાર નીકળી જાય છે. સત્ય અચલ પ્રતિષ્ઠ છે, તેનાથી પ્રપંચનો વિસ્તાર થતો નથી. એને નવી કૂંપળો બેસતી નથી. મિથ્યાની માયા તો અવનવા ખેલ કર્યા જ કરે છે. મિથ્યામાં આગવી ફળદ્રુપતા હોય છે. આથી કવિએ તો મિથ્યામાં જ મૂળ નાખેલાં સારા. જે તેમના વિરોધને ઓગાળી શકતું નથી, તેનો વિરોધ કવિની નિમિર્તિમાં ઓગળી જાય છે. કવિ તો સંદેહ, ભ્રાન્તિ અને વિરોધને પણ પોતાની લીલાની સામગ્રી બનાવી દે છે.

ઈશ્વર પણ પૂર્ણતાના કારાગારમાંથી છૂટીને અપૂર્ણનો કેટલો બધો મહિમા ખોઈ બેસે છે! જે આપૂર્યમાણ હોવા છતાં અચલ અને પ્રતિષ્ઠિત છે તે સર્જક થઈ શકે નહીં. પૂર્ણતા કેવી તો વંધ્યા છે તેની પ્રતીતિ થયા પછી જ ઈશ્વર ફરી અપૂર્ણતા તરફ પાછો વળ્યો હશે. અપૂર્ણતાને ભલે શાપ ગણીને ઈશ્વરે આપણા પર ફટકારી હોય, આપણે એને એવું તો વરદાન બનાવી દીધી છે કે ઈશ્વરને આપણી નિયતિની હવે ઈર્ષ્યા જ થતી હશે!

ઉપશમન નહીં પણ ઉદ્દીપન જીવનનું લક્ષણ છે. કવિનો તો વેપલો જ ઉદ્દીપન વિના ચાલે નહીં. સ્વયં ઈશ્વરને પણ ઉદ્દીપન બનીને ત્યાં હાજર થઈ જવું પડે. નિશ્ચલતા તો કવિને માટે વિષજન્ય મૂર્ચ્છા જેવી સ્થિતિ છે. આથી પ્રશ્રબ્ધિ કે વિશ્રાન્તિનો ઉપદેશ અર્પનાર કવિનો મોટો શત્રુ છે. જે ચંચલતા અધ્યાત્મમાં રાજસી કે તામસી વૃત્તિ લેખાય તે જ કવિને માટે સ્પૃહણીય છે. ઇચ્છાવાસનામાંથી મુક્તિ મેળવ્યા પછી તો જગત સાથેના સમ્બન્ધસૂત્રને જ છેદી નાખવા જેવું થાય. રખેને વાસના કલુષિત કરશે ને આપણે નીતિવાદીઓની કે અધ્યાત્મવાદીઓની ગાળ ખાઈશું એ ભયથી જો ભડકી ઊઠીશું તો કવિના કર્તવ્યથી ચ્યુત થતાં જઈશું. આ અર્થમાં કવિએ તો નિન્દાસ્તુતિથી પણ પર જ રહેવાનું છે.

આજે સવારે પારિજાત વીણવા ગયો, ત્યારે જોયું તો વહેલી સવારે પડેલા વરસાદથી થયેલા કાદવથી એ બધાં ફૂલ મલિન થઈ ગયાં હતાં તેથી દેવને માટે એ કદાચ વર્જ્ય હશે, મારે માટે તો વધુ સ્પૃહણીય બની ગયાં હતાં. એમાં વર્ષાની અને ભીની માટીની સુગંધ ભળી હતી. ડહોળાયેલાં પાણીનું ખાબોચિયું જોઈને હું નાકનું ટેરવું ચઢાવી, ‘ગંદું ગંદું’ કહીને એને ભાંડતો નથી. એમાં જળ અને પૃથ્વીની શોભાનો દ્વન્દ્વ સમાન સિદ્ધ થયેલો જોઈને રાજી થાઉં છું. કવિ વર્જ્યની સીમાને ઉલ્લંઘી જાય છે. જે લોકો વર્જ્ય સ્વીકાર્યનો વિવેક કરવાનું માથે લે છે, તેઓ જ વર્જ્યના ઉકરડાને છોડીને ઝાઝા દૂર જઈ શકતાં નથી.

4-9-81

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.