એકાન્તની ઝંખના

કોઈ વાર એકાન્તની ભારે ઝંખના જાગી ઊઠે છે – એવું એકાન્ત જેમાં મારું પોતાનું હોવું પણ વિક્ષેપકર નહીં નીવડે! આપણી અન્તર્મુખ થવાની વૃત્તિ એકાન્તને ઝંખે છે. જ્યારે કશુંક ચિત્તમાં આકાર ધારણ કરવા માંડે છે ત્યારે આપણે એમાં જ એવા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણી દશા મ્યુત્સોતના કિલ્લામાં એલિજીની પ્રથમ રેખાઓની ઝાંખી કરતા રિલ્કે જેવી થઈ જાય છે. આપણામાં જે આકાર લે છે તે આપણી વ્યક્તિગત ઇચ્છાવાસનાના પરિમાણમાં સમાઈ શકે એવું હોતું નથી. એનું ધીમે ધીમે પ્રગટ થતું આવતું રૂપ જગતના આકારોમાંથી આપણા મનને પાછું વાળી લે છે. આ એકાન્ત જ માનવને માટેની સાચી અને સ્વાભાવિક સ્થિતિ હશે એવું ત્યારે લાગવા માંડે છે. એ આપણને સમૃદ્ધિના પૂરા વ્યાપને ઝીલી શકે એવું વિશાળ શુદ્ધ અને પારદર્શક લાગવા માંડે છે.

રિલ્કેએ તો કહ્યું હતું, ‘એકાન્ત હોય એ તો સારું, કારણ કે એકાન્ત જીરવવું અઘરું હોય છે.’ અહીં એકાન્તમાં ધસી આવતાં વિષાદના ઘોડાપૂરનું સૂચન છે. એકાન્તમાં જ જગતને સહેજ અળગા થઈને જોઈ લેવાય કે ત્યારે જગત વિશે આપણે નર્યા નિર્ભ્રાન્ત થઈ જઈએ છીએ. જો એ નિર્ભ્રાન્તિ નથી જીરવી શકતા, તો વળી કોઈ નવી સુખદ ભ્રાન્તિની શોધ આરમ્ભી દઈએ છીએ! રિલ્કે નર્યા એકાન્તમાં રહેનારાઓનો વિચાર કરે છે : સૌથી પ્રથમ તો આંધળો. એ એના અન્ધાપાની અનન્ત પરિધિ વચ્ચે જીવે છે. અન્ધાપાની સીમા ક્યાં? એમાં એ કયા આકારની સ્મૃતિથી પુલકિત થાય? અન્ધાપામાં કાળનાં પરિમાણ ભુંસાઈ જાય છે, સ્થળનો પ્રલય થઈ જાય છે. એકાન્તમાં અવાજો ઘૂમતા રહે છે. એકાન્તના વજ્ર આવરણને એ શી રીતે ભેદી શકે?

એ જ રીતે જેના પ્રેમનો કશો પ્રતિભાવ નથી, જેનો પ્રેમ તિરસ્કૃત જ થતો રહ્યો છે એવા પ્રેમીનું એકાન્ત કેવું દુ:સહ્યા હોય છે. ત્યાં દૃષ્ટિ અને દૃષ્ટિના તન્તુ સન્ધાતા નથી, હાથમાં હાથ ગુંથાતો નથી, ઉચ્છ્વાસ અલગ અલગ માર્ગે રઝળતો થઈ જાય છે. ખીલી ઊઠવાની ઉત્સુકતા એકાએક કરમાઈ જાય છે, પછી રહે છે નરી રિક્તતાથી ભર્યુંભર્યું એકાન્ત. એ એકાન્તની ઊષર ભૂમિમાં કશું વિકસતું નથી, રહે છે કેવળ શૂન્ય. એમાં મરણ પણ પૂરું વ્યાપી જતું નથી.

અનાથ શિશુની આંખમાંના એકાન્તને જોયું છે? આજુબાજુનાં સ્નેહસમ્પૃક્ત જગત વચ્ચે એ એક અટૂલા દ્વીપ જેવો ઊભો રહી જાય છે, એના લંબાવેલા હાથ હવામાં અધ્ધર લટકતા રહી જાય છે, ‘મા’ ઉચ્ચારવાને ખોલેલા હોઠ નિ:શબ્દ ખુલ્લા જ રહી જાય છે, એની આંખ આશ્રય શોધતી જ રહી જાય છે. ભર્યાભર્યા જગત વચ્ચેનું એનું એકાન્ત કેટલા જોજન સુધી વિસ્તરેલું હોય છે તે કોણ જાણી લાવશે?

રગતપીતિયો પણ અસ્પૃશ્યતાના એકાન્તમાં એકલો નથી વસતો? બધાં એનાથી દૂર રહીને ચાલે, કોઈ ઘરનાં બારણાં એના માટે ખુલ્લાં નહિ, એનો પડછાયો પણ જાણે એનાથી અળગો ચાલે. જેમાંથી સ્નેહ શોષાઈ ગયો છે, સખ્ય અને સૌખ્ય બંને જેમાંથી ઝૂંટવાઈ ગયાં છે, પ્રસાર કેવળ વ્યાધિનો અને મરણનો જ રહ્યો છે એવા આ રગતપીતિયાના એકાન્તને કોણ સહી શકે? અરે, આખો ને આખો ભગવાન જ જેમાંથી બાદ થઈ ગયો છે એવા એકાન્તનું શું!

ફ્રેન્ચ અસ્તિત્વવાદીઓ કહે છે કે આપણી પ્રત્યે સાવ ઉદાસીન એવા વિશ્વમાં આપણે જીવીએ છીએ. બંને વચ્ચેની વિભિન્નતાને એમણે તીવ્રપણે ઉપસાવી આપી છે. આપણી ચેતનાની પરિત્યક્તા એને અહમ્માં નિમજ્જિત થઈને જીવવાની ફરજ પાડે છે. કેમ્યૂએ એની નવલકથા ‘ધ પ્લેગ’માં આ સ્થિતિનું આલેખન કરેલું છે. માનવનિયતિને વર્ણવતાં એક પાત્ર કહે છે, ‘આપણે તો આ નિરીશ્વર વિશ્વમાં સન્ત થઈને જીવવાનું છે.’ આપણા જમાનાની સૌથી ઉત્કટ સમસ્યા હોય તો એ આ છે. આવું પાત્ર ભજવનારને કોઈ નાયકની પદવી આપે કે નહિ આપે, એ વિવાદાસ્પદ પણ લેખાય. છતાં એ રીતે જીવવાથી જ એ જાણે માનવ્યની સામાન્યતાને ઉલ્લંઘી જાય છે. જો એ દિશામાં આગળ ને આગળ વધ્યે જાય તો આખરે તો માનવસ્વભાવના નિયમોને પણ એ ઉલ્લંઘી જાય!

રિલ્કેને અભિપ્રેત છે એવા એકાન્તને માણવું આજના વાતાવરણમાં શક્ય છે ખરું? આપણા યુગના ધીમે ધીમે વ્યવસ્થિત રીતે યાન્ત્રિક અને સમૂહનિર્ભર બન્યે જતા જીવનમાં એની આડે ઘણા અવરોધો ઊભા થાય છે. એથી જ તો કદાચ એ એકાન્તને માટેની આપણી ઝંખના વધુ તીવ્ર બની છે. આ એકાન્તને શૂન્યનો પર્યાય ન બનવા દેતાં ફળદ્રુપ બનાવી શકીએ તો જ એને ઝંખ્યાનો કશો અર્થ. નહિ તો આપણે ક્યાંય મૂળ નાંખી શકીશું નહિ અને પ્રવાહપતિતની જેમ અહીંથી તહીં કેવળ તણાયે જ જઈશું. જગત સાથેના કશાક અમેળમાં આ એકાન્તની ઝંખનાનાં મૂળ રહ્યાં છે એવું તો આપણને લાગે જ છે.

કેટલીક વાર પ્રેમના કરતાં આ એકાન્ત પાસેથી વધુ પામતા હોઈએ એવું આપણને નથી લાગતું? જે પ્રેમને આ એકાન્તનો પુટ નથી બેઠો તે પ્રેમ એનું સાચું પરિમાણ પામતો નથી. આપણા આ જમાનામાં ધીમે ધીમે અમાનવીકરણની પ્રક્રિયા એટલી તો પ્રસરતી જાય છે કે માનવીની માનવી પ્રત્યેની ઉચ્ચતમ લાગણી લેખે પ્રેમની પ્રતિષ્ઠા કરવાનું લગભગ અશક્ય બની રહ્યું છે. અસ્તિત્વને સાર્થકતા અર્પનાર એક મહત્ત્વનું મૂલ્ય એથી આપણે ખોઈ રહ્યા છીએ. એકાન્તનો મહિમા ગાનારા ઘણી વાર પ્રેમને સ્વીકારીને એમાં તદ્રૂપ થઈને જીવવાની શક્તિ ધરાવતા નથી હોતા; ‘હું’ની પૂર્ણતા ‘તું’માં છે એનું એમને ભાન નથી હોતું, એવો હૃદયસંવાદ હંમેશાં ઇચ્છનીય જ લેખાયો છે. પછી આ ‘તું’ને ઈશ્વરમાં પલટી નાખવાનો કીમિયો લાધે એટલે ઇતિ આવી ગઈ!

રિલ્કેના પ્રેમમાં કશીક વિલક્ષણ પ્રકારની બિનંગતતા છે જે કેટલીક વાર સામી વ્યક્તિને સ્વાર્થપરાયણતા લાગે. અન્યની સાથેના સમ્બન્ધમાં કેવળ ભોગ છે એવું નથી. ત્યાગની માત્રા ઘણી છે. સર્જકતાને જે એકાન્તની અપેક્ષા છે તે પ્રેમ વિનાનું નીરસ હોય તો નવરસનો આવિષ્કાર થાય શી રીતે?

30-9-78

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.