આમિચાઇનું ઇઝરાયેલ

જે ભૂમિમાં પેઢી દર પેઢીથી આપણાં મૂળ હોય તેને છોડીને હિજરત કરવાની યાતના આપણા જમાનામાં માનવતાને કલંક લગાડનારી મોટી ઘટના છે. પોતાના વતનમાં, પોતાના સમાજમાં, હદપાર થયાની સ્થિતિમાં રહેવાનું પણ ઘણાના ભાગ્યમાં લખાયું હોય છે. રાજકારણનો ઝંઝાવાત, આતતાયીઓના મનસ્વી તરંગો, ધીમે ધીમે ચેપી રોગની જેમ ફેલાતું જતું અમાનુષીપણું – આ અનિષ્ટ સામે પ્રતિકાર માટે આપણી સંસ્કૃતિએ આપણને સજ્જ કર્યા છે ખરા?

પશ્ચિમમાં તો ઘણા સર્જકોએ આવી યાતનાને સમર્થ રીતે શબ્દબદ્ધ કરી છે, જેથી માનવીનો અન્તરાત્મા જાગૃત રહે. એવા એક કવિ છે યેહૂદા આમિચાઈ. મૂળ વુર્ત્સબર્ગ, જર્મનીના. હવે ઇઝરાયેલ વતન. હિબ્રૂ ભાષાને અપનાવીને એ ભાષાના પ્રથમ પંક્તિના કવિ લેખાયા. ત્રણ ત્રણ યુદ્ધોમાં સૈનિકની હેસિયતથી એમને સંડોવાવું પડ્યું હતું. હિટલરનું વર્ચસ્ વધતું ગયું તે ગાળામાં એમનો કિશોરકાળ વીત્યો. એમના ઘડતરના ગાળામાં આ પરિસ્થિતિનો ઘણો પ્રભાવ પડ્યો. એમની કવિતામાં કોઈકને ઊમિર્લતા લાગે તો એની કશી નામોશી એમને નથી. એમની કવિતાનો સ્થાયી ભાવ વિષાદ જ છે. આમ છતાં રોતલપણું કે વાચાળ હતાશામાં એ સરી પડતી નથી. એમાં વ્યંગ છે, ઘણી વાર વેદનાની વાત એઓ ખડખડ હસાવતાં કરે છે. સદીઓ જૂની યહૂદીઓની યાતનાઆનો પાસ એમની કવિતાને બેઠેલો છે. યહૂદી પ્રજાની ચેતનામાં ઇતિહાસની ધારા સાથે વતનને માટે હિજરાવાની, ઉન્મૂલિત થવાની, વેદના સમાન્તર વહેતી રહી છે.

એમની કવિતામાં એક લાગણીશીલ વહાલસોયા આદમીનો અવાજ સંભળાય છે. અંગત અનુભૂતિને એવા ફલક પર એઓ મૂકી આપે છે જેથી ભાવકને એની અધિકૃતતા તરત વર્તાઈ આવે છે. કાવ્યરચના જ જાણે એમના જીવનનો એક મુખ્ય આધાર છે. ઇઝરાયેલ નાનો દેશ છે. પણ ત્યાં કાવ્યનાં પુસ્તકો ખરીદીને વાંચનારાઓની સંખ્યા મોટી છે. એમની કવિતા બહોળા વાચકવર્ગને સ્પર્શે છે. યાતના હોવા છતાં એમની કવિતા એક પ્રકારની શ્રદ્ધાથી અનુપ્રાણિત થયેલી છે. એ શ્રદ્ધા તે બીજને અંકુરિત થવાની શ્રદ્ધા હોય છે તેવી, વૃક્ષને ફળની આશા હોય છે તેવી છે.

હિબ્રૂ ભાષા તો ખૂબ પુરાણી છે. આમિચાઈને આ ભાષા વિશે ઘણી મમતા છે. એમને મતે એ ભાષા ખૂબ થાકી ગયેલી ભાષા છે. બાઇબલમાં એ પોઢી ચૂકી હતી ત્યાંથી ફરીથી એને સફાળી ઊભી કરી દેવામાં આવી છે. આંખે પૂરું સૂઝતું ન હોય તેવા આદમીની જેમ એ એક કવિને મુખેથી બીજા કવિના મુખે અડબડિયાં ખાતી ફરે છે. જે ભાષાએ પ્રાચીન કાળમાં ઈશ્વરના મહિમાને વર્ણવેલો, ચમત્કારોની અદ્ભુતતાને તાદૃશ કરી બતાવેલી તે આજે મોટરકાર, બોમ્બ અને ઈશ્વરનાં નામ ભેગાં બોલે છે. એની બારાખડીનો એક એક અક્ષર તાળું મારીને બંધ કરેલા ઓરડા જેવો છે. એમાં તમે સદાકાળને માટે વસી શકો, ઊંઘી જઈ શકો. એઓ હાઇડેગરની જેમ માને છે કે ભાષા ઘડીભરનું વિશ્રામસ્થાન નથી પણ હરહંમેશનું નિવાસસ્થાન છે; તેવી ભાષામાં જ કવિતા રચી શકાય. અંગ્રેજી કે ફ્રેન્ચ વધુ સમૃદ્ધ ભાષા ભલે ને હોય, પણ જો હું એમાં આઠે પહોર વસી શકતો ન હોઉં, જીવી શકતો ન હોઉં તો એ મારે શા કામની?

રાજકારણ મિત્રોને એકાએક શત્રુવટની આબોહવામાં ફંગોળી દે છે. એમને આરબો પ્રત્યે તિરસ્કાર નથી. જ્યાં આજે આરબો વસે છે ત્યાં પોતાનાં પ્રિયજન દટાયેલાં છે. પોતાના પિતાને સ્મરીને એઓ કહે છે, ‘એઓ મળસ્કે ચાર વાગે ઊઠે. મને આ વહેલા ઊઠવાનો વારસો એમની પાસેથી મળ્યો. હું ઊઠું ત્યારે રાત દરમિયાન આવેલાં દુ:સ્વપ્નોનો સ્વાદ હજી હોઠ પરથી સુકાયો નહિ હોય. હું ઊઠીને એ દુ:સ્વપ્નોની માવજતમાં પડી જાઉં.’ એમના પિતા મૃત્યુ પામ્યા છે માટે એમનો ઉલ્લેખ વારે વારે કાવ્યમાં આવ્યા કરે છે. બીજાએ લાદેલું યુદ્ધ પિતા ચાર ચાર વર્ષો સુધી લડ્યા. એઓ એમના શત્રુઓને નહોતા ધિક્કારતા કે નહોતા ચાહતા. આ બધાં વચ્ચેય એમની પાસે જે ખોબોભર શાન્તિ અને સ્વસ્થતા બચ્યાં હશે તેમાંથી આ કવિપુત્રની એઓ રચના કરી રહ્યા હતા. એ રચના થઈ બોમ્બ વચ્ચે, ધુમાડા વચ્ચે, એના ફાટેલા કોથળામાં એણે એને સંગોપી રાખ્યો. એમાં સાથે હતો માએ આપેલો, સુકાઈને બરડ થઈ ગયેલો રોટલો. એમની આંખે કેટલાય અજ્ઞાત મૃતજનોની છબિનો સંચય કર્યો. એમની દૃષ્ટિ પડતાંની સાથે એ બધા ચાહવા જેવા બની ગયા. પણ એ બધી એમની ભાવના એળે ગઈ, કારણ કે એમના પુત્રને પણ ત્રણત્રણ યુદ્ધોમાં લડવું પડ્યું.

ઇઝરાયેલ જેવો નાનો દેશ એમને ગૂંગળાવી મૂકતો નથી. એથી ઊલટું એ દેશમાં જ એમને આન્તરિક સ્વતન્ત્રતાનો સાચો અનુભવ થાય છે. અમેરિકા વિશાળ દેશ છે, પણ ઇઝરાયેલનું માનસ એથી સામા છેડાનું છે. અમેરિકામાં તમે પ્રવાહમાં ચારે બાજુ તણાતા રહો, ક્યાંક મૂળ નાખવાનું સ્થાન ઝંખતા રહો. ઇઝરાયેલમાં કવિતાનું મહત્ત્વ ઘણું છે. એના વડે તમે કપરી વાસ્તવિકતાને જેર કરી શકો અથવા એની સાથે જીવવાની કળા શીખી શકો, એનાથી ભાગી છૂટવાની કાયરતા છોડી દઈ શકો, કારણ કે ભાગી છૂટવાનો તો કોઈ રસ્તો જ ઇઝરાયેલમાં ક્યાં રહ્યો છે?

ઇઝરાયેલના પ્રજાજનો ચારે બાજુથી ઘેરાઈ જવાથી રૂંધામણ અનુભવતા હોય તે સાચું, પણ વાસ્તવમાં એ રૂંધામણ નથી; એ એક પ્રકારની હિજરાવાની લાગણી છે જે રૂંધામણમાંથી પ્રજાને બહાર કાઢે છે. એઓ વાસ્તવિકતાને એના વડે ઉલ્લંઘી જાય છે. આવનારી મુક્તિની ઝંખના અને ભૂતકાળ માટેની આસક્તિ – આ બેને આધારે એ પ્રજા ટકી રહી છે. આમિચાઈએ એક કવિતામાં કહ્યું છે : આ બધી ધૂળ, આ મૃત અસ્થિપંજિરો – પવને એના નવા જન્મનો વિધિ આરમ્ભી દીધો છે. આ નવા અવતાર તરફ વળી ચૂક્યાં. એમના વડે આજુબાજુની ખીણોને ભરી દો જેથી જેરુસલેમ એક સપાટ પ્રદેશ બની રહે, જ્યાં એક વિમાન ઊતરે ને મને લઈ જાય.

ભૂતકાળની ગ્લાનિભરી સ્મૃતિના પટ પર ક્રીડા કરતાં શિશુઓનો ઘોંઘાટ ખાંડના ભૂકાની જેમ વેરાયેલો છે. હવે તમારું કદી રક્ષણ ન કરી શકે એવી વસ્તુઓ પણ છે. બંધ કબરથી પણ વધારે ચુસ્ત એવાં બારણાં છે. જ્યાં કદી પાછાં ન વળી શકાય એવાં સ્થાનો પણ છે. દિવસે એકાદ વૃક્ષ એને ઢાંકી દે છે, તો રાતે દીવો એને અજવાળે છે. કવિ કહે છે કે આથી વિશેષ હું કશું કહી શકું તેમ નથી ને હું બીજું કશું જાણતો પણ નથી.

11-7-80

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.